શેરી વર્ગખંડ થી શાળા વર્ગખંડ સુધીની યાત્રા !
અરે ! જુઓ તો ખરા, બધાં ક્લાસમાં ચૂપચાપ બેસી ગયાં છે ! – ધોરણ પહેલાના વર્ગશિક્ષકે દોડવાની ગતિએ
બહાર આવીને કહ્યું…..
છેલ્લા 20 વર્ષથી ધોરણ પહેલાના વર્ગખંડના અનુભવી
શિક્ષિકાબેન માટે આ નવાઈ હતી. ક્યારેય ધોરણ પહેલું આટલું ચૂપ અને તે પણ પહેલા
દિવસે હોય ? શક્ય જ નથી. આવું પહેલીવાર દેખાયું એટલે એ એકલા નહીં પણ પ્રાથમિક
શિક્ષણ સાથે સંકળાયેલાં બધાં માટે આ તો ચમત્કાર જેવું જ લાગતું હશે ! જઈને જોયું
તો ડેસ્ક મુજબ બાળકો ગોઠવાઈ બેસી ગયાં હતાં. કેટલાંક સાથે લાવેલ નોટબુકમાં લખતાં, તો કેટલાંક ડેસ્ક પાસે ઉભડક બેઠેલાં , તો કેટલાંક એકબીજા સામે જોતાં વાત
કરવાની ઉત્તેજના પણ મુંજવણ સાથેનો ચહેરો બનાવી બેઠેલાં દેખાયાં !
બાળકોના ચહેરા
વાંચતાં જ ખબર પડી ગઈ કે આ વર્ગખંડ શાંત નહીં અસમંજસથી ભર્યો છે. બાળકોના ચહેરા પર
– અરે આ ક્યાં આવી ગઈ – અરે આ ક્યાં આવી ગયો? વાળી ફિલિંગ દેખાઈ આવતી હતી. અત્યાર સુધી બાળકો શેરી શિક્ષણમાં
ખુલ્લામાં પોતાની મોજ મરજી મુજબ બેસી ભણવાની મજા હતી. ના ડેસ્ક ન લાઇન એવી દીવાલ
વગરની શેરી શિક્ષણની દુનિયામાંથી સીધા લાઇનસર ગોઠવાયેલા ડેસ્ક સાથેની ચાર
દીવાલો વચ્ચે પહેલો દિવસ – એટલે એમના માટે પુરાઈ ગયાં અથવા ફસાઈ ગયાં જેવી ફિલિંગ આવવા લાગી હોય
તે કળાતું હતું. જાણે કે ચમચી પકડવાના પણ ચુસ્ત નિયમોવાળી કોઈ મોંઘી હોટલમાં જમવા
જઈ ચઢ્યા ન હોય !
આપણે સામાન્ય વર્ષોમાં પહેલા ધોરણના
કેટલાક બાળકો પ્રથમ દિવસે રડતાં દેખાતાં. એવું આ વખતે એટલા માટે નહોતું કે એમના
માટે વર્ગખંડનો પ્રથમ દિવસ હતો, નહીં કે વર્ગકાર્યનો ! શાળાઓ ખૂલી જાય તો શાળાએ જવાની મજા પડે એવું
બોલતાં બાળકો માટે રમવાનું મેદાન એ જ શાળા – એવું એમણે માની લીધું હતું. એટલે જ
વર્ગખંડ શરૂ થતાં પહેલાં મેદાનમાં શિક્ષક સાથે વાતો કરવામાં બાળકોને મન જે મજા દેખાઈ આવતી હતી તે
વર્ગખંડમાં પ્રવેશતાં જ ઉડનછુ થઈ ગઈ હતી.
બાળકોની મનોસ્થિતિ
જોઈને જ ખ્યાલ આવી ગયો કે પહેલાના વર્ષોમાં શાળા નવીન પ્રવેશ મેળવનાર બાળકોને શાળા
પરિચય કરાવતી હતી તે આજે કરાવવો જ પડશે. કારણ કે આ બાળકો વર્ગશિક્ષક અને વર્ગકાર્ય
જાણે છે પણ વર્ગખંડોના સમૂહ એવી શાળાથી અજાણ છે.
બાળકોને શાળા પરિચય વડે મજા આવી પણ વધારે મજા ત્યારે આવી જ્યારે શાળા પરિચયની શરૂઆત ત્યાંથી કરી જ્યાં શાળા બહાર શેરીઓમાં શિક્ષણ માટે બેસતાં હતાં. બાળકો માટે પણ શેરી વર્ગખંડથી શાળા વર્ગખંડ સુધીની કન્વર્ટ જર્નીની યાત્રા તેમને ખૂલીને વર્તવામાં મદદ કરશે તેવી પૂરી આશા છે.