બાળક - : પહેલી અજાયબી !!!
દરેક વ્યક્તિ માટે પોતાનું બાળપણ યાદગાર હોય છે. એનું કારણ કે તેમાં સમસ્યાઓની યાદ ઓછી પરંતુ સમસ્યાઓને દૂર કરવા મથામણોની યાદો વધુ સમાયેલી હોય છે. મજાથી મુશ્કેલીઓ દૂર કરતાં એટલે કઈ વેઠવું પડ્યું એવું લાગતું જ નહીં.
સાચું કહીએ તો મોટાં થયાં ત્યારે ખબર પડી કે “અત્યારે મળી રહી છે એ સુવિધાઓ" એ સમયે નહોતી મળતી એને અગવડ કહેવાય.
આ બધુ થવાનું કારણ મનની અવસ્થા
!
એવું પણ નહોતું કે મગજ બધુ ખાલી ખાલી જ હતું. જાણકારી રૂપી જ્ઞાન તો તે સમયે પણ એટલું જ હતું જેટલું શાળામાં જોડાયા ત્યારે હતું. વિજ્ઞાનની જાણકારી વિના પણ લાકડાની ગાડી અને બળદગાડું બનાવતાં અને ફેરવતાં.
મમ્મી પપ્પા અને ઘર - આંગણું સિવાય પર્યાવરણ જેવુ પણ હોય એ નહોતા શીખ્યા. ત્યારથી ઝાડની ડાળીઓ પર ઝૂલતા અને પાંદળાઓના ચશ્મા બનાવતા,
ઘર ઘર રમતાં અને તેમાં પાંદડાની શાકભાજી અને રોટલીઓ ય બનતી ! કઈ ઋતુમાં કયા ફળ પાડવા ખેતરમાં જવાનું
- તે પણ ખબર હતી.
બાળકમાંથી વિદ્યાર્થી બનાવવાની પ્રક્રિયા શરૂ થતાં જ કોણ જાણે શું થયું કે પેપરમાં એ જ ન આવડયું કે જે બાળક તરીકે આવડતું હતું
! શિયાળામાં કયા કયા ફળ પાકે?
એ જ ભુલાઈ ગયું…!!
અહીં જે શબ્દ વાપર્યો છે “બાળકમાંથી વિદ્યાર્થી બનાવવાની પ્રક્રિયા” તે પર જો આપણે ધ્યાન આપીએ તો આપણા વર્ગખંડોની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે તેમ છે. જેમ કે દુકાનેથી સામાન ખરીદતો બાળક અને વ્યવહારિક દાખલા ગણતો વિદ્યાર્થી – વ્યક્તિ ભલે એક હોય છે ગણન ક્ષમતા અલગ અલગ થઈ જાય છે. પોતાની બહેનપણી પૂનમ વિશે લખતી દર્શના અને “ મારો પ્રિય મિત્ર”
નિબંધ લખતી દર્શના વચ્ચેની લેખન અંગેની સમજણ અલગ અલગ બની જાય છે. વર્ગખંડોની પ્રક્રિયામાં એવી તો કઈ એરર ઉદ્દભવે છે કે બાળકોની સમજણ અને ક્ષમતાઓ બે અલગ અલગ પ્રકારની થાય છે ?
આમાં ફક્ત વર્ગખંડની બાજુ વાંક નથી. સમાજ સામે પણ પ્રશ્ન છે. શાળાએ પ્રવેશ કરાવતાં પહેલાં અને પ્રવેશતાં જ – શાળા પ્રવેશ દ્વારની અંદર અને બાહર
- બંને બાજુથી બૂમો પડતી હોય છે. - ભણવું પડશે, લેશન કરવું પડશે,
વાંચવું પડશે,
[ ફરજિયાત ] શીખવું જ પડશે -
એવો તો મારો ચાલતો હોય છે કે બાળકને ખ્યાલ આવી જાય કે હવે હું - હું નથી રહ્યો અને મારુ જ્ઞાન
- જ્ઞાન નથી રહ્યું.
અને એટલે જ તો દાદાએ કહેલી વાર્તા યાદ રાખી મિત્રોને સંભળાવતો બાળક વિદ્યાર્થી બનીને શિક્ષકે કહેલાં મારી શાળા નિબંધના પાંચ વાક્યો યાદ કરી નથી બોલી શકતો.
મોટાભાઇ બહેન પાસેથી પેન પેન્સિલ ખૂંચવી ખૂંચવી ઘૂંટતો બાળક
– આપણો વિદ્યાર્થી બને ત્યારે લેશન કરાવવામાં આપણા મોર બોલી જાય છે.
પ્રક્રિયામાં કઈ જગ્યાએ એરર છે તે શોધવી રહી, અને સુધારવી રહી ! અને તેના માટેનો ઉપાય દેખાઈ રહ્યો છે કે બાળકને બાળક બનાવી રાખીએ અને તે માટે શું કરવું તે શીખવા આપણે સૌ વિદ્યાર્થી બનીએ !
*નવાવર્ષની શુભેચ્છાઓ સહ*