હવે જાણે વસુંધરા…
કેટલીક વાર આપણને કેટલુંક સમજાતું ન હોય પણ કોઈક અદીઠ શક્તિ કે માત્ર શ્રદ્ધાથી કોઈક કાર્ય શરૂ કરીએ.
સમય જાય આપણે પોતે પણ એ વિષે ભૂલી ય ગયા હોઈએ અને અચાનક તેનું પરિણામ સામે આવે ને આપણને એ ઘટના સાંગપાંગ ભીંજવી જાય.
આ વર્ષે વરસાદ
“પછી આવું પછી આવું” કહેતો રહ્યો, ને અમે પણ છોડ પછી લાવીએ પછી લાવીએ...વરસાદ આવવા દઈએ.. વરસાદ આવ્યો પછી શિક્ષકોની ટીમ વળી.. હજુ વધુ વરસાદ આવવા દઈએ ને મોડમાં આવી. ધોરણ 6 થી 8 ના બાળકો રોજ રોજ શાળામાં આવવા મંડયા હતા. ધીમે ધીમે કેમ્પસ પર એમનો કલર ચઢવાનો શરૂ થઇ ગયો. અમારા વડે નીરસ બની ગયેલું કેમ્પસ હવે રોજ રોજ રસિક રંગો છલકાવતું થઇ ગયું હતું.
રોજ કૈક નવું બનતું તો ક્યાંક કશુંક તૂટતું ફૂટતું
! નકામું ઘાસ વગેરે ગાયબ થવા લાગ્યું.
છોડ લાવવા માટે તેમનું દબાણ વધતું હતું.
શાળાના બાળકો ના કરી શક્યા…
તો ગામમાંથી અમારી ભૂત ટોળકી
! - (સ્કુલ એમને છોડતી નથી કે તેમનાથી સ્કુલ છૂટતી નથી..) એવી યુવા બ્રિગેડ આવી - ટ્રેક્ટર અને અમારું લેટરપેડ લઇ ઉપડી નવાનદીસર માટે લીલા ટહુકા ભરી લાવવા.
ટ્રેક્ટર ભરી છોડ લાવ્યા પછી બધા બાળકોને બે બે છોડ આપ્યા.
દરેક વાલીને છોડની માવજત વિષે બાળકોને કેવી અને કઈ મદદ કરવી એ મેસેજ મોકલ્યો. એવું ય કહ્યું કે તેઓ આ છોડ રોપતા હોય તેવો ફોટો અમને મોકલજો.
અમારા જયદેવનો ફોટો તો રોમાંચિત ગયો. આવો જ પ્રયોગ ત્રણ વર્ષ પહેલા કરેલો.
છોડ લાવી ગામમાં ઘેર ઘેર વૃક્ષારોપણ કરાવવાનો…
ને એ વખતે તેના ભાગે આવેલો છોડ આજે ખાસો ઝાડ જેવું કાઠું કાઢી ગયો છે એ ફોટા પણ મળ્યા...
હવે બોલો આ ફોટો જોઈ ફળની ચિંતા રાખ્યા વગર કર્મ કરવાના સિદ્ધાંત પ્રત્યે સૌને અપાર શ્રદ્ધા થાય કે ન થાય?
વૃક્ષોની પર્યાવરણની જે ચર્ચાઓ નિયમિત રીતે થયા કરતી હોય તેની અસર બાળમાનસ પર ક્યારે થાય અને કેવી રીતે થાય તે આપણે પામી શકતા નથી. એવું જ એક ઉદાહરણ શાળાને પ્લાસ્ટિક વિરોધી અભિયાનમાં જોવા મળ્યું.
શાળામાં ભુલભુલામણીમાં રમવા માટે હરીફાઈ થવા માંડી હતી કે કોણ આજે રમશે…? શરૂઆતના તબક્કે તો અમે ધ્યાન રાખ્યું કે તેઓ બે બે કે ત્રણ-ત્રણના જૂથમાં શાળામાં હરે, ફરે, રમે અને ભણે પણ ધીમે ધીમે તે જૂથમાં સંખ્યા છ સાત સુધી પહોંચવા માંડી.
શાળામાં રમવા માટેની સૌથી ફેવરીટ જગ્યા એટલે ભુલભુલામણી તો એમણે જ ઉપાય કર્યો કે વારાફરતી ત્યાં રમવું અને ટોળું કરવું નહિ.
એવામાં આપણો પ્લાસ્ટિકવીર જગદીશ એકવાર સ્કૂલમાં આવ્યો તો બધાને પરિચય કરાવ્યો પ્લાસ્ટિક વિષે જગદીશ અને તે વખતની ટીમે કરેલા કામનો બધાને પરિચય થયો. અમને પણ હતું જ કે શાળામાં પ્લાસ્ટિક ચોરપગલે ઘુસવા તો માંડ્યું છે. એ ભલે હવે મધ્યાહન ભોજન ચાલુ નથી એટલે ઘરેથી આવતા ટીફીન પર ચઢાવેલા ઝભલા સ્વરૂપે હોય કે પછી બજારમાંથી ખરીદેલા પડીકા સ્વરૂપે. શાળાના અમુક તમુક ખૂણામાં રોજે રોજ થોડુંથોડું પ્લાસ્ટિક દેખા દેતું હતું. સાતમા ધોરણની ટીમે એક આઈડિયા અમલમાં મુક્યો. અમે પ્રવેશતાં જ જોયું તો દોડધામ મચી છે. ને સાતમા ધોરણની ટીમ - તો પ્લાસ્ટિકનું માપ કરે છે. પછી ખબર પડી કે એવી ચેલેન્જ આપવામાં આવી છે કે જે જૂથ શાળાના કેમ્પસમાંથી સૌથી વધુ પ્લાસ્ટિક વીણી લાવશે તે જૂથ આજે ભુલભુલામણીમાં રમશે. સંદીપના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી…..ક્યાં કયાંથી વીણી લાવ્યા.. માટીમાં દબાઈને સહેજ દેખાતું હો એવું ય ઉખેડી લાવ્યા…. લ્યો અમે ફરી જગદીશની જેમ શાળાને પ્લાસ્ટિક ફ્રી કરી દીધી…
ત્યારે ઝબકારો થયો કે કોઈકે સારું કર્યું હોય તો એના વિષે સતત આગલી પેઢીને કહ્યા કરવું જોઈએ... ને સારપના સિદ્ધાંતમાં સૌને શ્રદ્ધા બેસી ગઈ કે આપણે પ્રક્રિયામાં વિશ્વાસ રાખવાનો છે, ફળ તો એના સમય મુજબ આપણને મળતું જ રહેશે…. અથવા મકરંદ દવે ની જેમ હાથ ઊંચા કરી દેવાના છે કે > વેર્યા મે બીજ અહીં છુટ્ટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા.
No comments:
Post a Comment