September 30, 2021

નહીં ફાવે હવે શાળા ભવનમાં !

નહીં ફાવે હવે શાળા ભવનમાં ! 😒

ગામમાં જઈને ભણાવવાનું ચાલુ છે. શેરી શિક્ષણમાં પણ હવે શાળાઓ બંધ છે એવો અહેસાસ વાલીઓને ન થાય એ હદે શીખવાનોમાહોલ બની ગયો છે. ગામમાં શેરી શિક્ષણ માટે અલગ અલગ શેરીઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં મોટાં શાળામાં અને નાના શેરીમાં એવી કહેવત બની ગઈ છે. શાળા માટે મોટો ફાયદો એ પણ છે કે શેરીમાં જતાં શિક્ષકોને કારણે ક્યારેક ક્યારેકઘરે રહેવાનું મન બનાવવાવાળાને પણ નિયમિત શાળાએ આવી જવું પડે છે. શેરી શિક્ષણમાં મોટો આનંદ રોજે રોજ ગામ ખૂંદવાનો પણ આવે છે.

ગામ ખૂંદતા ખૂંદતા કેટલીક એવી લાગણીઓ પણ સામે આવતી જાય છે કે ઘણીવાર એમ થાય કે અરે ! વાહ !

શેરી શિક્ષણ માટેના સ્થાન – સમય નિશ્ચિત છે. શરૂઆતમાં શેરી શિક્ષણ ફક્ત વોટ્સ એપ ગ્રુપ અને ઓનલાઇન ક્લાસ ધ્વારા શરૂ ચાલતું. ધીમે ધીમે ટેકનોલીજીના અભાવે છૂટી જતાં બાળકો માટે વાર પ્રમાણે જરૂરી રૂબરૂ માર્ગદર્શન અને તેમનું હોમવર્ક તપાસવા માટેનું આયોજન થયું. ફળિયામાં એક જગ્યાએ બાળકો ભેગા થાય અને તેઓનું હોમવર્ક તપાસવાનું શરૂ થયું. પરંતુ ધીમેધીમે અમને પણ ખબર ન પડી કે ક્યારે અમારો ઓટલા પરિષદો શેરી વર્ગખંડ બની ગઈ.

    શરૂઆતમાં તો જે દિવસે જ્યાં અનુકૂળ લાગે ત્યાં બાળકો સાથે બેસી જતાં. કોઈનું આંગણું ખાલી દેખાય તો ત્યાં કે પછી  કોઈનો વાડો દેખાય તો ત્યાં.. બાળકોને મળવાનો આનંદ હતો કે જે અમને શિક્ષણ કાર્ય માટે જરૂરી સુવિધાઓના અભાવનો ભાવ થવા દેતું નહીં. સાહેબ, અહીં પંખા નીચે આવોને, આપણું ઘર છે ને – ભારતનો આ આગ્રહ શેરી શિક્ષણને આંગણમાં ફેરવ્યાનો પહેલો પડાવ હતો. “આખા ફળિયાના બાળકો એમના આંગણમાં બેસે તેના કરતાં અહીં આપણું ઘર અને આંગણું ખાલી જ  શે, હું કાલે લીંપાવી દઉં તો છોકરાં ને ય ફાવશે ! – બીજા જ દિવસે ઈશ્વરે આ કરાવી દીધું. એટલે થોડાંક ત્યાં મળતાં થયાં. સાહેબ, માર એન શ્રીમંત ભરી તેડી જ્યા શ એટલે રૂમ એ ખાલી જ સ – જ્યાં ડંડી જ લટકતી હતી ત્યાં પંખો ક્યારે લગાવી દીધો એ તો ઈશ્વર (બંને અર્થમાં) જ જાણે ! મજાથી શીખવા શિખવવાનું ચાલુ હતું ત્યાં વરસાદ વિલનની જેમ શરૂ થયો. દફતર અને પોતાના ઢીંચણ સંકોરતા બાળકો જોઈને સામેના ઘરના ભગાભાઈ એ પોતાના આંગણમાં પડેલો સામાન અદ્રશ્ય કરી – ત્યાં ભીડ પડે એવું લાગ શ, તો આપણું આ ય ખાલી જ ર શ – થોડાંક અહીં બેહાડો તો પશી ભલ ન ધોધમાર તૂટી પડતો – આ લાગણીઓમાં ભગાભાઈનું આખું ઘર સામેલ હતું. પછી તો વિસ્તર્યું તો બાજુના ડાહ્યાભાઇના ઘરનું આંગણું પણ બાળકો માટે ઉપયોગમાં લેવાતું થયું.  જયદીપ શાળામાં આવી લાગણીઓ વ્યક્ત કરી ગયો. સામે રહેતા ભારતનો ફોન આવ્યો. ફળીએ ફળીએ સુવિધાઓ સિમિત પણ લાગણીઓ અપાર ! 

     ઘરનાં ચાર છોરા ભેગાં થાય તો ય માબાપ કંટાળોવાળા ડાયલોગ બોલતા હોય તેવામાં અમારું પણ ધ્યાન એ બાબત પર હતું જ કે લાગણીઓના આવેશમાં આંગણું આપી દીધું પણ પછી આખો દિવસના બાળકોના ધમધમાટથી લાગણીઓ વ્યક્ત કર્યાનો એમને પસ્તાવો ન થાય.

આવું ધ્યાન અમારું હતું ત્યાં એમનું ધ્યાન કઇંક અલગ જ હતું. એક દિવસ સવારે ગયા ત્યારે કડિયા કામ કરતાં ભગાભાઈનો આખો પરિવાર નાની દીવાલ ચણતો હતો. કારણ કે આગલા દિવસે વરસાદના કારણે ત્યાં બેસતાં કેટલાંક બાળકોના દફતર પલડી ગયા હતા. શિક્ષકે ડસ્ટર તૂટી ગયાનું કહી પ્રભાતભાઈ પાસે કાપડનોટુકડો માંગ્યો, તો દરજી કામ કરતા પ્રભાતભાઈએ ત્રણ જ મિનિટ [ હા, ખરેખર ત્રણ મિનિટ માં જ ] કાપડનું ડસ્ટર સાહેબને આપતાં બોલ્યા – આ સારું રહેશે ! ઈશ્વરના પપ્પા જેમને ચાલવામાં તકલીફ હોય ઘોડીનો ઉપયોગ કરી થોડું ચલાય છે એ થોડી થોડી વારે પૂછતાં રહે છે કે સાહેબ ખુરશી લો ને ? [ શાળા ભવનના વર્ગખંડોની જેમ શેરી ખંડોમાં પણ ખુરશીનો ઉપયોગ સૌએ ટાળ્યોછે.] શાળામાં ચા મુકાય તો સરખે ભાગ ખર્ચો વહેંચતા, અહીં દૂધ હોય તો ચા, અને ન હોય તો કાવો કોઈને કોઈ શિક્ષકને પીવડાવી જાય છે.

પોતાનાં નાના બાળકોની બપોરે ઊંઘવાની જગ્યાઓ બદલવી પડી છે, કેટલાક ઘરમાં તેમની રોજની બપોરે સૂઈ જવાની ટેવોમાં ફેરફાર કરવો પડ્યો છે. તો ઈશ્વરને દિકરો આવ્યા સવા મહિનો થઈ ગયો હોય, હજુ તેની પત્નીને તેડી લાવ્યા નથી. કોઇકે પોતાના ઘરનું વાસ્તુ પૂજન પછી કરાવીશું એમ નક્કી કર્યું. આ પરિવારો કોઈપણ જાતના સ્વાર્થ વગર અસુવિધાઓ ભોગવી રહ્યા છે તે ફક્ત ને  શાળા અને બાળકો પ્રત્યેની લાગણીઓથી બંધાઈને જ ! 

બાળકોની ઉપર આ બધાના ઘરના પંખા 11 થી 5 ફર્યા જ કરે છે. સાથે મીટર પણ છતાં પૂછવાની હિંમત નથી થતી કે ઋણ કેવી રીતે ચૂકવીએ ! પૂછવું પણ કેવી રીતે – કાવો લઈને આવેલા ઈશ્વરની મમ્મીને શિક્ષકે કહ્યું – આવી ટેવ પાડશો તો પછી અમને શાળા ખૂલ્યા પછી પણ નિશાળમાં ફાવશે નહીં.

“તમાર બધાં વગર અમનએ ની ફાવ !” – કાવો રકાબીમાં પાડતાંપાડતાં___ બેન બોલ્યાં. આગળ શું કહેવું એ શબ્દો હજુ મે શોધી રહ્યા છીએ. 











1 comment:

SAURAV said...

અમને પણ આવા જ અનુભવો થયા છે.