March 21, 2021

મિત્રની ટકોર મિત્રને - શાળા બેનર

મિત્રની ટકોર મિત્રને - શાળા બેનર 

કોરોના કાળ પછી ખુલેલી શાળાઓનું વાતાવરણ હવે પહેલા જેવું નથી રહ્યું. નિયમો બદલાય એટલે રહેણી કરણી પણ બદલાય એ આપણે સૌ જાણીએ છીએ. કોરોનાની એન્ટ્રી એ આપણા શાળા જીવનના નિયમોમાં મોટો ફેરફાર ઊભો કરી દીધો છે. બાળકો એકબીજાને ખભે હાથ મૂકીને શાળા કેમ્પસમાં ફરતાં ત્યારે કેવી મજાની મિત્રતા છે તેવો અહોભાવ થતો. હવે તે દ્રશ્ય બાળકોમાં સંક્રમણ ફેલાવશે તેવો ડર પેદા કરી રહ્યો છે. કોરોના એ આપણા સૌની જોવાની દ્રષ્ટિ જાણે કે બદલી જ નાખી છે. બાળકો સાથે અંતર જાળવીને અંતરથી [મનથી] જોડાવાનો સમય હવે આવ્યો છે. અને આવામાં એક શિક્ષક તરીકે ગંભીરતા ન સમજતાં બાળકો સાથેનું અંતરવાળું વર્તન પણ તેને ઓછું ન છાજે તેનું ધ્યાન રાખવું એ પણ એક કઠિન વાત છે. કારણ કે પહેલીવાર શિક્ષકો માટે આવી સ્થિતિ પેદા થઈ છે – હવે સમજાય છે કે બે ત્રાજવામાં પગ રાખી મત્સ્ય વેધ કરતા એ અર્જુન માટે આવી જ  સ્થિતિ પેદા થઈ હશે. કારણ કે એક શિક્ષકના જીવે તો બાળકો સાથે પણ રહેવું હોય છે, બાળકોના હિતમાં સંક્રમણથી બચાવવા અંતર પણ જાળવવું  હોય છે અને વર્ગખંડોમાં સાથે જીવવું હોય છે.

એવું નથી કે ફક્ત વર્ગખંડમાં જ આની અસર વર્તાઇ છે. કોરોના પૂર્વે શાળામાં થતી પ્રવૃત્તિઓ  મોટાભાગે સામૂહિક પ્રવૃત્તિઓ હોવાને કારણે પણ શાળાની ચિંતાઓ હવે વધી રહી છે. આવા સમયમાં બાળકો જેટલા બને એટલા સંક્રમણથી બચે તે માટે તેમનામાં જાગૃતિની સાથે સાથે તેમની ટેવોમાં ફેરફાર લાવવા માટે શાળાઓએ હવે મથવાની શરૂઆત કરી દીધી છે. બાળકો માટે સાવચેતી અને સલામતી એ શાળાની પહેલી ફરજ છે. પરંતુ આ બાબતમાં બાળકોની ટેવોને તેના અનુકૂલનમાં ફેરવવામાં ન આવે ત્યાં સુધી બાળકોને સતત ટકોરવા પડે તે સ્વાભાવિક છે. માણસ સ્વભાવ જ રહેલો છે કે ટેવ એ જલ્દી બદલી શકતો નથી અને એટલે જ આપણાં મિત્રો કે આપણાં વહાલાં આપણને તે બાબતે સતત ટોકતાં રહેતાં હોય છે. કેટલીકવાર આપણી ટેવો સુધારવા આપણા પરિવારજનો પણ આપણા મિત્રોની ભલામણ લાવતાં હોય છે – કારણ કે બધાને એમ જ હોય છે કે મિત્ર જ મિત્રની ટેવમાં જલ્દી ફેરફાર લાવી શકે છે. આવા જ એક પ્રયત્ન રૂપે જ્યારે શાળામાં કોરોના સંક્રમણ અંગે સાવચેતી માટે સૂચના આપતાં બેનર બનાવવાના થયાં ત્યારે અમે પણ તેમાં શાળાનાં બાળકોનો જ  મોડલ તરીકે ઉપયોગ કર્યો. સગાં- વહાલાંની  જેમ અમને પણ આશા છે કે > અમારા બાળમિત્ર જ તેમના મિત્રની ટેવમાં જલ્દી ફેરફાર લાવી શકશે !  










March 14, 2021

શાળાનું સામૂહિક જીવન અને કોરોનાનું ગ્રહણ !

 શાળાનું સામૂહિક જીવન અને કોરોનાનું ગ્રહણ !

શાળા એટલે ફક્ત ભણવું – ફક્ત ગણવું એટલું જ નહીં પરંતુ શાળા એટલે એક પ્રકારે જીવવું. એટલે જ  તો ભણતર અને ગણતર બંને ભેગાં કરતાં જ ઘડતર શબ્દ વપરાય છે. શાળા બાળકોનું ઘડતર કરતી હોય છે. સમાજમાં શાળા સિવાય એવું કોઈ પ્લેટફોર્મ નથી કે જ્યાં બાળક સરળતાથી સામૂહિક જીવનના પાઠ શીખી શકે. સમૂહમાં જીવવા માટે શાળાકીય જીવન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.  શાળા એટલે જ સામુહિકતા એમ કહીએ તો પણ ખોટું નથી. ભવિષ્યમાં બાળક જ્યારે સમાજની વચ્ચે ઊભા રહી કામ કરવાનું થશે ત્યારે આજનું તેના ઘડતરમાં વણાયેલું સામૂહિક જીવન તેને મોટું મદદરૂપ બનશે.

શાળામાં ચાલતી નાગરિક ઘડતરની પ્રવૃત્તિ પણ બાળકોમાં આવા જ સામૂહિક જીવનને વધારે પ્રબળ બનાવવાના ઉદેશ્યથી શરૂ થઈ હતી. ધીમે ધીમે બાળકોમાં નાગરિકતાના ગુણોનો સંચય થાય, બાળકો શાળાની નાની નાની જવાબદારીઓનું સંચાલન કરતાં કરતાં જવાબદાર બને. તેમનામાં મારી શાળા  - મારું ગામ  - મારો દેશના ગૌરવવાળા એક નાગરિકના ગુણો વિકસે તે આ પ્રવૃત્તિનું હાર્દ રહ્યું છે. શાળા બાળકોની છે – એવું કહેવું પડે તેના કરતાં તેઓ આ પ્રવૃત્તિમાં જોડાઈને તેવું અનુભવતાં થયાં છે. શાળાના દરેક ખૂણા પર  બાળકનો હક અને તેમની ફરજનો અહેસાસ કરાવે છે. શાળાના નિર્ણયોમાં પણ તેમની પ્રત્યક્ષ ભાગીદારી એ જાણે કે તેમની પરોક્ષ જવાબદારીનું વહન થતું હોય છે. આવી પ્રવૃત્તિ સાથે જીવતી શાળાઓ એટલે કે સમૂહમાં જીવતી શાળાઓ માટે હવે કોરોના રૂપી વિલને પ્રવેશ કર્યો છે. આવા વિલનના કારણે  હવે બાળકોએ શાળામાં પણ સાથે સાથે ને બદલે સામે સામે અને દૂર દૂર રહેવા માટે મજબૂર કરી દીધા છે. ભેગાં રહેવું, ભેગાં થઈ રમવું એ બાળકોનો સહજ સ્વભાવ હોય છે. કોરોના પૂર્વે જ્યારે સમૂહમાં ભેગાં થવાની વાત આવે ત્યારે શાળાની એ આનંદિત પળો હતી. હજુ પણ છે પરંતુ હવે ચિંતાઓ અને જવાબદારીઓ વધી છે. કોરોના કારણે શાળામાં શું શું ફેરફાર થયાં ?  એવા પ્રશ્નોના જવાબમાં પ્રથમ તો શાળાનું સંચાલન કરતી બાળ ટોળકીઓ માટેના ગ્રુપ વિભાજન માટે બાળકો જાતે જ ચિઠ્ઠીઓ બનાવતા – પોતાના હાથે ખેંચતા અને મિત્રની ટોળકીમાં નામ આવ્યું હોય તો દોડીને કિલકીલાયરી સાથે ભેટી પડતાં. પરંતુ કોરોના વિલને આ આનંદને ઓછો કરી દીધો. આ વખતે સંક્રમણ થી સાવચેતી માટે બાળકે ફક્ત ચિઠ્ઠી બતાવશે અને શિક્ષક તેને તેના ગ્રૂપનું નામ કહેશે. બાળક ડિસ્ટન્સ જાળવી પોતાના ગુપમાં બેસી જશે. પ્રક્રિયામાં અને બાળકોની આંખોમાં ઉત્સાહની ઝાંખપ દેખાઈ પરંતુ શું થાય? – જોઈએ હજુ આગળ આગળ શું થશે તે તે સમય જ બતાવશે. પરંતુ બાળકોમાં સાવચેતી સાથે આનંદ અને ઉત્સાહ જળવાઈ રહે એ અમારી પ્રાથમિકતા છે જ પરંતુ બાળકોના સ્વાસ્થ્ય પછીની .. ચાલો જોઈએ નાગરિક ઘડતર પ્રવૃત્તિમાં ગ્રુપ વિભાજન સમયના કેટલાંક દ્રશ્યો.. 









વિડિયો