October 27, 2020

“કોઈ જુએ કે ના જુએ.. હું મને જોઉ છું.” 👀

 

કોઈ જુએ કે ના જુએ.. હું મને જોઉ છું.” 👀

Å હેલ્લો, નીવ...તારે ગણિતની કસોટી લખાઈ ગઈ?”

Å “હા, સર.” (આના જવાબ અને અવાજ બંને સોફ્ટ જ હોય.)

Å “તો, આજે સાંજે સામાજિક વિજ્ઞાનની કસોટી લખી શકીશ?”

Å “કેમ સર?”

Å “તો, કાલે તારે સ્પેશિયલ આપવા ના આપવું પડે.. સવારે શાંતિલાલ સાહેબ લેતા આવે.”

Å “ના, સર. મે તારીખ લખી દીધી છે. અને એટલે એ જ તારીખે જ સામજીકની કસોટી લખીશ. આપવા આવી જઈશ.

બાળકોએ કેટલી બારીકીથી બાબતો પકડી છે તેના દર્શન અમને હવે થઈ રહ્યા છે. અમને એમ હતું કે એક દિવસમાં બધી કસોટી લખી દે તેના કરતાં રોજ એક એક લખે તો સારું.. (જેમ આપણને ડેડલાઇન નથી ગમતી તેમ તેમને ય ના જ ગમતી હોય ને !)  નીવ માટે આ ત્રણેય કસોટી લખવાનો કુલ સમય  બે કલાકથી વધુ ના હોય. એટલે તેને ઈછયું હોટ તો એ લખીને મોકલી શક્યો હોત, પણ તેણે બીજા ગામમાંથી સ્પેશિયલ કસોટી આપવા આવવાનું પસંદ કર્યું. ત્યારે સમજાય કે એકવાર નિશ્ચિત થયેલી બાબતોને બાળકો તેમની જરૂરિયાત મુજબ તોડતા કે મરોડતા નથી.

બાકી સામાન્ય રીતે આપણે સૌ (મોટેરાઓ)

  • નિયમનું પાલન કરવું કે ના કરવું ?
  • કયા નિયમનું પાલન કરવું?
  • ક્યારે પાલન કરવું અને ક્યારે ના કરવું?

તેનો આધાર તેમાં આપણે શું કરવું પડશે ? અથવા આપણને શું ફાયદો થશે તે મુજબ કરીએ છીએ. નિયમો જ નહીં આપણે તો દરેક બાબતમાં આપણને અનુકૂળ હોય તેવા અર્થઘટનો કરવા માટે ટેવાયેલા છીએ. અને તેથી જ  સામૂહિક કાર્યોમાં કેઓસ સર્જાય છે. કારણકે નિયમોની જરૂર માત્ર સામૂહિક જીવન માટે જ હોય છે. આવા સામૂહિક નિયમોમાં આપણે મોકો મળે એટલે તેમાંથી છીંડા શોધી અને તે નિયમને પોતાને અનુકૂળ બનાવવા માટે તત્પર બની છીએ. આમ કરવાથી સમાજની સામૂહિક ચેતનાને ધક્કો વાગે છે.. એ આપણને દેખાતું નથી. અને તેનાથી સમાજમાં જુદા જુદા તબક્કે અસંતોષ ફેલાતો જ રહે. કારણકે આ તો રોલર કોસ્ટર છે આજે જે ઉપર છે તે આવતીકાલે નીચે હશે ને જે નીચેથી ઉપર આવશે તે પછી પોતાની શક્તિઓનો ઉપયોગ નિયમમાં અનુકૂળતા શોધવા કરશે.

     ગયા માસની એકમ કસોટીમાં નિકુલ અને તરુણ જે ચોવીસ કલાક સાથે હોય તેવા ભાઈબંધ અલગ અલગ બેસી લખતા હતા. તો એકને ગીત ગાવાનું હોય તોય બીજીએ એની સાથે મૂંગા મૂંગા ઊભા તો થવાનું જ હોય એવી બે બહેનપણીઓ ભારતી અને મમતા એક જ ઓસરીમાં અલગ બેસી કસોટી લખતી હતી. કોઈ જોનાર ના હોય અને છતાં સામૂહિક હિત માટે નક્કી થયું હોય તેનું જતન કરતાં આવા બાળકોને જોઈએ ત્યારે શાળાએ કરેલી હ્રદયની કેળવણીનું મૂલ્યાંકન થઈ જાય છે. બીજી ઓકટોબરે વાવેલા ગાંધી આમ ફુટ્યા કરે છે.. ફૂટતા રહે. 

3 comments:

Unknown said...

આપનું લખાણ ખરેખર ચેતનાસ્પર્શી હોય છે... અનાયાસે વાંચવાની ઈચ્છા થાય... ❤️❤️

Mamata Sharma said...

વાહ! એમનામાં પહેલેથી જ રહેલા સત્ય અને પ્રામાણિકતાના બીજને જતનથી ઉછેરનાર અને યોગ્ય હવાપાણી તેમજ જૈવિક ખાતર પૂરાં પાડનાર સૌને અભિનંદન-વંદન!

Mamata Sharma said...

વાહ! એમનામાં પહેલેથી જ રહેલા સત્ય અને પ્રામાણિકતાના બીજને જતનથી ઉછેરનાર અને યોગ્ય હવાપાણી તેમજ જૈવિક ખાતર પૂરાં પાડનાર સૌને અભિનંદન-વંદન!