October 31, 2020

વાવેલું ઉગે ત્યારે – વ્હાલું લાગે – લોન કટર !

વાવેલું ઉગે ત્યારે – વ્હાલું લાગે – લોન કટર !   

પોતાને મરજી ફાવે ત્યાં લખવા, વાંચવા અને રમવા ટેવાયેલા બાળકો માટે અને શાળાની સુંદરતા માટે મેદાનમાં પથરાયેલી લોન આનંદ આપતી. પરંતુ એ જ લોન કોરોના મહામારીમાં શાળા એ બાળકો માટેનું પ્રતિબંધિત સ્થળ છે એની ચાડી કરતુ હોય તેવું ભાસી રહ્યું હતું. શાળામાં વધી રહેલું ઘાસ આ વખતે માથાનો દુઃખાવો હતો. દર વખતે તો બાળકોનું તેમાં આળોટવું, રમવું, દોડવું વગેર જાણે કે લોન કટરનું કામ કરી જતું એટલે ભાગ્યે જ શાળામાં કટર વસાવવા માટેનો વિચાર કોઈને ય આવે.

બાળકો માટેનું અભયારણ્ય હવે શાળા નજીકના કોતરમાં વસવાટ કરતાં જીવજંતુઓનું અભયારણ્ય બની રહ્યું હતું. શાળા મેદાનમાં વધી ગયેલ ઘાસમાં દેખારો દેતા સાપ, પાટલા ગો વગેરે પણ અમને કહેતા કે  હવે આ ઘાસનું કંઈક કરો !ગામના વોટ્સ એપ ગ્રુપ ધ્વારા ગામમાં સંદેશો મોકલાવ્યો કે જેને જરૂર હોય તે કોઇપણ સમયે શાળાનો ગેટ ખોલી ઘાસ કાપી લઇ જઈ શકશે. એ મુજબ શાળામાં જનાવર ન સંતાઈ રહે તેટલું કામ તો થઇ જ ગયું. પરંતુ હવે લોનને સમતલ કરવાનું કામ શાળાએ કરવાનું હતું. લોન કટર મશીન લાવી દો ! – એવું કહેવું જેટલું સહેલું હતું એટલું  લાવવું સસ્તું ન હતું. બાળકો શાળામાં આવતાં હોય ત્યારે તો ભાગ્યે જ જરૂર પડે અને પડે તો પણ વર્ષમાં એક બે વાર જરૂરિયાત ઉભી થતી વસ્તુ માટે હજારો રૂપિયા ખર્ચવા એ પણ શાળાને યોગ્ય ન લાગ્યું. ભાડે લાવી કટીંગ કરાવી શકાય – એવું સૂચન મળતાં ફરીથી તે જ સૂચન ગામમાં મોકલ્યું. – તપાસ કરો કે ક્યાંથી ભાડે મળશે ? – કેટલે સુધીમાં મળશે [આમેય પાછા અમે કંજૂસ – શાળાનું કામ ઓછા ખર્ચે પતે તેવો આગ્રહ – કારણ બચેલ રકમ વડે બીજું કંઈક વધારે થાય.] એવામાં જ દેવ, રાજ અને અમરદીપ ની જુગાડ કંપની એ લોન કટર મશીન બનાવવાનો પ્રસ્તાવ મુક્યો – “એમાં હુ .. આ તો અમેય બનાઈ દઈએ !” – આ ડાયલોગ સાંભળ્યા પછી શાળાનો ધ્યેય બદલાયો.. હવે કટર મશીનનો ધ્યેય ગૌણ બની ગયો હતો અને અમારું ફોકસ બાળકોની એ બનાવવા માટેની પ્રક્રિયા પર હતું [તેમને આ બનાવવા માટે શીખેલા વિજ્ઞાનને ચોપડીમાંથી બહાર કાઢવું પડશે, જુદા જુદા માણસોની મદદ જોઈશે, તેમને મળીને આખી વાત સમજાવવી પડશે, કોની પાસેથી કેવી રીતે કામ કરાવવું તે શીખવું પડશે, ઈન્ટરનેટ પર સર્ચ કરવું પડશે.. જેવા કેટલાય પ્રયત્નો તેમનામાં ભળશે.]

હવે રોજ તેમના પ્રશ્નો આવતા અને શાળા તેમને ઉકેલના સ્ત્રોતો બતાવતી.. જરૂરી વસ્તુ શાળામાં ક્યાંથી મળશે એ તેમને અમને પૂછવાની કે અમારે બતાવવાની જરૂર જ નહોતી. ગામમાં જ રહેતી શાળાની ચાવી એ ગામની ચાવી તરીકે જાણીતી બની હોઈ – બાળકો શાળા ના સ્ટોર રૂમમાંથી ક્યારે શું લઇ ગયા એ તો તે માટે ઉપસ્થિત થતી મૂંઝવણ સમયે જ  શાળાને ખબર પડતી. બધું જ જાતે કરવું, કરતાંય આ બાળકો આ કામ કોણ સારી રીતે પાર પાડી શકશે તેવા ગામના વ્યક્તિઓને મળી તેમના સમયે  તે કામ પાર પડાવતાં. કેટલીકવાર રાત્રે શિક્ષક ને ફોન પર પોતાની થીયરી સમજાવતા અને તે મુજબ કારીગર પાસેથી કામ લેતા. શું કરતા –કેવી રીતે કરતા તે ચાલો તેમના જ મોઢે સાંભળીએ > શું કર્યું અને કેવી રીતે બનાવ્યું ?

સાથે જ આ ત્રણેયના આ પ્રયત્નને પ્રોત્સાહન આપવા માટે મીડિયાના મિત્રોનો પણ આભાર.





CLICK & WATCH > ON DASTAK NEWS 


CLICK & WATCH > DAILY HUNT NEWS

No comments: