August 30, 2020

ઓન હોય કે ઓફ હોય; શીખવાનું હોય. ✋

ઓન હોય કે ઓફ હોય; શીખવાનું હોય. ✋

કોઈક શબ્દ જરૂરથી વધુ વખત વપરાય પછી તેનો મૂળ અર્થ ગુમાવી દે છે. શિક્ષણની બાબતમાં પણ આવું જ બન્યું. કોરોનાના કારણે દૂર રહી શીખવા માટે કરાતા પ્રયત્નોને આપણે “ઓનલાઇન શિક્ષણ” એવું નામ આપ્યું (અથવા અપાઈ ગયું.)  પછી એ શબ્દ એટલી બધી વખત ઉછળ્યો કે તેના અર્થ બદલાઈને  માત્ર – “વિડીયો કોન્ફરન્સ એટલે ઓનલાઈન શિક્ષણ” એમ બધાના મગજમાં ઠસવા લાગ્યું. હવે આ જ વ્યાખ્યા સાથે ભારતની કોઈપણ શાળા કાર્ય ન કરી શકે. એટલે જ્યારે પણ “ઓનલાઈન” એવો શબ્દ આવે તેની સાથે જ આપણને પ્રશ્નો જ દેખાય (પ્રશ્નો છે પણ ખરા.) પણ હવે જો આ ઓનલાઈન શબ્દને તડકે મૂકી દઈએ  અને ઉપાયો વિચારી તો રસ્તા મળી શકે – શરત એટલી કે જો તેને “વિડીયો કોલિંગ” સાથે જ જોડવાનું ના હોય તો.

આવા સમયનો સૌથી ઉત્તમ રસ્તો તો આ અગાઉના બાયોસ્કોપમાં કહ્યું હતું એમ – આ શિક્ષણ પ્રથાને રીસેટ મારી દઈને નવેસરથી વિચાર કરવાનો હતો. પરંતુ જેમ એક સ્થળે પહોંચવાના બે રસ્તા હોય તેમાંથી એક રસ્તે અડધે સુધી પહોંચીને અફસોસ કરીએ કે પેલો રસ્તો લેવા જેવો હતો તો તેનાથી રસ્તાને નહીં; આપણને ફરક પડે છે. – આવો વિચાર પછી મગજમાંથી હટાવી શકાતો નથી. જે રસ્તે ચાલીએ  છીએ તે રસ્તે બધી મુશ્કેલી જ મુશ્કેલી લાગ્યા કરે અને જે રસ્તે ચાલતા નથી તેના માત્ર સ્વપ્ન અને વિચારો જ આવે.

આવું જ આપની સાથે થઈ રહ્યું છે. ઓનલાઈન કે  ઓફલાઇન શીખવાનું તો જરૂરી હતું. અત્યારે આપણે સૌ કહીએ છીએ કે “શાળા જ શીખવે એવું ના હોય !”  – “બાળક જાતે પણ શીખી શકે.” - “બાળક સમાજમાંથી પણ શીખી શકે.” - “બાળક પોતાના મિત્રો પાસેથી પણ શીખી શકે” - “બાળક રમત દ્વારા પણ શીખી શકે.” - “બાળક તેના વાલી પાસેથી પણ શીખી શકે.” હવે આ  સંવાદોને આપણા જ ભૂતકાળમાં મૂકીને જોઈએ તો આપણને સમજાશે કે આપણે આ બધી રીતે શીખી શકાય એ વાત સમજ્યા પછી પણ તે મુજબ બાળકને  શીખવાની તક ઓછી આપી હતી ! વર્ષોથી આપણે શીખવું એટલે “શાળા શીખવે તે” અને “શિક્ષક જ શીખવી શકે” એ માન્યતાને વાલીઓ અને બાળકોના મગજમાં ઘર કરાવી દીધી. રમત રમે ત્યારે રોકોટક કરી, વર્ગમાં વાતો કરે ત્યારે રોક ટોક કરી, કોઈક ખેતરની વાતો વર્ગમાં લાવે ત્યારે રોકટોક કરી.. અને હવે આપણને આજે સમજાય છે એ રોક ટોક ના કરી હોત આજે તેમનું શીખવાનું સરળ બન્યું હોત –

શાળાઓની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. આપણે જ પહેલા વાલીને સમજાવતા હતા કે આમ અઠવાડિયામાં બે ત્રણ રજા પાડે તો પછી મુશ્કેલી પડશે. જુઓને તેની હાજરી કેટલી ઓછી છે. એટલામાં તો શિક્ષકે વર્ગમાં કેટલું બધુ શીખવ્યું હોય – હવે તમે તો કઈ ઘરે શીખવી શકશો નહીં. એટલે આમ નિશાળ નહીં આવે (મારી પાસે નહીં આવે) તો નુકશાન જ નુકશાન છે. – અને હવે આપણે કહીએ કે હવે ત્રણ ચાર મહિનામાં શું ખાટું મોળું થઈ જવાનું ! 




😀મજા પણ છે અને 😕મૂંઝવણ પણ !!!!


😀મજા પણ છે અને 😕મૂંઝવણ પણ !!!!

ના સાહેબની ટીક-ટીક, ના ગણિત ની ઝીક ઝીક.

પોતાના સમયે ભણવું, પોતાના સમયે ગાવું, પોતાના સમયે લખવું. આજે બાળકો હોમ લર્નિંગ કરી રહ્યા છે ત્યારે બાળકોના શિક્ષણ અંગે સૌને ચિંતા છે. પરંતુ સૌથી વધુ મજા આજે બાળકો કરી રહ્યા છે. શાળામાં તમને શું ન ગમે ? – આવા પ્રશ્નમાં મોટાભાગના બાળકોનો જવાબ હોય “ભણવું“

– હા કેટલાંક બાળકો તો જોક પણ મારે કે શાળા એ પૃથ્વી પરનું સ્વર્ગ ખરું પણ તેમાં ભણાવવાનું બંધ થાય તો ! પોતાની રીતે, પોતાને ગમતું કરવાનું કામ કરવાનું એ રાજાની નિશાની હોય છે - અને બાળકો પોતાના મનના રાજા હોય છે – એટલે જ શાળામાં જયારે શિક્ષક બાળકના રસિક પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ ને જોડી દે તો ઠીક બાકી તો  બાળકો હોમ “રનીંગ” (તમને લર્નિંગ વંચાયું ને ?) ની રાહ જોઇને બેઠાં હોય છે. 

આજે બાળકોની શાળા એમની પોતાની મરજીથી ચાલી રહી છે. અત્યારે બાળકો સાબિત કરી રહ્યાં છે કે તેમને ભણવું ગમે છે, પરંતુ તે તેમની રીતે, તેમના મૂડના સમયે. રિશેષ ક્યારે અને ભણવું ક્યારે એ એમનું સમય પત્રક પોતાનું હશે. શિક્ષકે સોંપેલું ઘરકામ કરશું પણ ડાયલોગ પેલો - “જગ્યા અને સમય અમારો હશે” – બાળરાજાઓની આ જ તો અદા હોય છે. મજા છે – હા બાળ રાજાઓને આવા સમયે એક મૂંઝવણ પણ છે – મૂંઝવણ એ કે ભણવાનો મૂડ બને અને શીખવાનું શરુ થાય અને કોઈ બાબત ન સમજાય ત્યારે પૂછવું કોને ? ત્યારે બાળકને શાળા અને શિક્ષક યાદ આવી જ જતા હશે !

ઘરે મજા અને મૂંઝવણ વચ્ચે દિવસો પસાર કરતા આપણા એ રાજાઓને શાળાએ આવવાનું મન થતું જ હશે – પણ ક્યારે,ખબર છે ? – જયારે હોમ લર્નિંગમાં કંઈ ન સમજાય ત્યારે અથવા તો પછી શાળાનું  મેદાન યાદ આવતું હશે ત્યારે ! સાચું કહેજો તમને પણ વર્ગખંડોમાં કિલકિલાટ સાંભળવાનું મન થયું છે ને ?

August 29, 2020

ચાલો, હોમ લર્નિંગ માટે હોમ ને ક્લાસરૂમમાં ફેરવીએ !

ચાલો, હોમ લર્નિંગ માટે હોમ ને ક્લાસરૂમમાં ફેરવીએ ! 

 

અત્યારે હોમ શાળાઓમાં ફેરવાઈ ગયા છે. શૈક્ષણિક પ્રક્રિયાઓ હવે આંગણામાં અથવા તો મોબાઈલ સામે કે ટીવી સામે થઇ રહી છે. ઘરની ચહલપહલ વચ્ચે બાળકો માટે લર્નિંગ એટલે કે શીખવાની પ્રક્રિયાઓ અસરકારક રીતે થાય એટલા માટે આપણે સૌ ચિંતિત અને પ્રયત્નશીલ છીએ. આવામાં બાળકની સ્થિતિ શું હશે? તે બાબતે આપણું ધ્યાન ગયું નથી.

ચાલો, વિચારીએ કે તમારે વર્ગખંડની જગ્યાએ મોટા નગરખંડમાં બધાની વચ્ચે ભણાવવાનું થાય છે ત્યારે ? વળી, આપણે વર્ગખંડની જગ્યાએ મોટા નગરખંડમાં બધાની વચ્ચે ભણાવવાનું થાય છે પરંતુ તે ખંડમાં અત્યારે ઘણા બધાં માણસો છે જે કલાસરૂમના નથી, તેઓ પોતપોતાના કામની ચહલપહલમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં શૈક્ષણિક પ્રક્રિયા કરતા શિક્ષકને પ્રક્રિયામાં ફોકસ કરવા માટે કેટલા અને કેવા કેવા પ્રકારના સપોર્ટની જરૂર પડે ? – આ મનોસ્થિતિને જો તમે સમજી શકતા હોવ તો જ તમે બાળકની હોમ લર્નિંગની સ્થિતિનીને સારી રીતે સમજી શકશો. કારણ કે હોમ લર્નિંગ સમયે બાળકની મનોસ્થિતિ કંઈક આવી જ હોય છે. બાળકો ટીવી, મોબાઈલમાં કે પછી શિક્ષક ધ્વારા મોકલાવેલ અન્ય માધ્યમોના લર્નિંગ મટીરીયલ વડે શીખવા માટે મથતાં હોય છે ત્યારે તેની આસપાસની ચહલપહલ પેલા નગરખંડ જેવી જ હોય છે. જેમાં નડતું કોઈ નથી તો મદદમાં ભળતું પણ કોઈ નથી. અને આવા સમયમાં જયારે એક તરફી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે બાળકને ન સમજાય એવી વાત કે મુદ્દો કે શબ્દ આવતાં જ બાળક સીધો જ પ્રક્રિયાથી ડીસકનેક્ટ થઇ જતો હોય છે. તે સ્વાભાવિક પણ છે છે કે તે અત્યાર સુધી ઘરના પર્યાવરણમાંથી શૈક્ષણિક પ્રક્રિયા માટે અનુકુળ પર્યાવરણ શોધવા મથામણ કરતો હતો . હવે એવામાં જ શૈક્ષણિક પ્રક્રિયામાં ન સમજાતી વાત આવે, તો એ પણ સમજવા માટેની મથામણ માટે સક્ષમતા સાબિત ન પણ કરી શકે !

હવે આવી સ્થિતિમાં શિક્ષક તરીકે આપણે શું કરી શકીએ ? – જો આવો વિચાર આવે ત્યારે ફરીથી ઉપરની નગરખંડની આપણી એટલે કે શિક્ષકની માનોસ્થિતિ તરફ વિચાર કરવો પડે.  તે સમયે આપણે કેવી-કેવી અને ક્યાંથી-ક્યાંથી સપોર્ટની અપેક્ષાઓ રાખીએ ? તેવી જ અપેક્ષાઓ બાળક તરફથી આપણા માટે હોય તે સ્વાભાવિક છે.

જો આ તરફી વિચાર શરુ કરીએ તો તે શાળાનાં બાળકો માટે આપણે વાલી બનીને વાલી પૈકી કોઈને બાળકના ગાઇડ તરીકેની ભૂમિકામાં ફેરવવા પડશે. જે બાળકની મથામણમાં સામેલ થાય.

આ કરવા માટે આપણે અત્યાર સુધી જેમ બાળકને સમજતા હતા તેમ હવે વાલીને સમજવાની શરૂઆત કરવી પડશે. આપણે વાલીને તેમની પક્ષમાં ઉદાહરણો આપીને કહેવું પડશે કે તે બાળકોને કેવી રીતે મદદરૂપ થઈ શકે.

નાના મુદ્દાઓ પણ તેમણે કહીએ.. ઉતાવળ ના કરો, ગુસ્સે ના થાઓ, તેને જાતે શીખવા દો , મથવા દો, તે પૂછે ત્યારે તેને બીજા સવાલ પણ પૂછો..

આવા પ્રયત્નથી એકવાર વાલીને પોતાના બાળક સાથે તાલમેલ ગોઠવતા આવડી જશે તો બાળકો બીજું બધુ પોતાની જાતે ફોડી લેશે.

ચાલો ત્યાં સુધી બાળકની આસપાસનો એવો સાથી જે ઘરે બાળક માટે આપણો પુરક [રિપ્લેસ ] બની શકે તેવા વ્યક્તિ સાથેનો આપણો તાલમેલ વધારીએ અને બાળક ને બળ આપીએ.