🙏જયારે સૌના હૈયે વસે “બાળક” અને તેનું “શિક્ષણ”🙏
શાળાએ એવા ય
વર્ષો જોયા છે જયારે વાલીને તેના પોતાના બાળકનું ય નામ ખબર ના હોય. જો જરૂર પડે
અને ઘરે (!) જઈને પૂછીએ કે તમારી ગંગા કેમ શાળાએ આવતી નથી ? તો સામો સવાલ મળતો ?
“સાયબ એ કઈ ?” એટલામાં જો એ છોકરી જોવા મળે ને આપણે કહીએ કે “આ ગંગા !” તો કહે...
“હ...”આ ટીની....!” (મનમાં થતું કે જેનું નામ એની મા એ શાળામાં આવીને લખાવેલું
એનું સાચું નામ એના બાપને ય ખબર નથી ! ) પછીનો એક સમય એવો ય આવ્યો કે નામ ખબર છે
પણ પોતાનું પાલ્ય કયા ધોરણમાં છે એ ના ખબર હોય ! (જો કે હજુ અમારી પાસે એવા કેટલાક
કુટુંબો છે જેમાં આ સ્થિતિ યથાવત છે !)
આ સમયની
સાપેક્ષમાં જયારે ગામમાંથી કોઈ વાલી આવે અને કહે “સર (હા, આ આપણી શાળાનો
અ-ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે આવા સંબોધન હવે મળે છે !) સર... આ એક ગેમ લાવ્યો છું
સ્કૂલ માટે ! ફેરિયો વેચતો એ જોયું ને ગમી ગઈ..થયું કે આપણા સાતમાં અને આઠમા
ધોરણના છોકરાંને કામ લાગે એવી છે ! (એનું પોતાનું બાળક તો હજુ ઘોડિયામાં છે, અને એના
ભાઈના બાળકો હજુ બીજા ધોરણમાં !) એવા સમયમાં એને ક્યાંક સાતમાં કે આઠમા ધોરણમાં
ઉપયોગી એવી વિશ્વના નકશાની ગેમ જોઈ ખરીદી લેવાનું મન થાય એ દર્શાવે છે કે તેના
મનમાં હવે ગામના બધા બાળકોને ઉપયોગી થાય તેવું કૈક લાવવાનું ગમે છે. અને ખાસ તો એ
કે તેને એ સમયે ય બાળકોનું શિક્ષણ યાદ છે. આ પહેલા ય એક વાલી છેક વાપી – વલસાડથી
શાળાના બાગ માટે મહેંદી લાવવાની જહેમત ઉઠાવી હતી. ગામમાં બનતા તમામ સારા પ્રસંગે
દરેકને બાળકો યાદ આવે છે.......સૌના હ્રદયમાં સદાય શાળા છે, બાળકો છે, શિક્ષણ
છે...
બાજુના એક
ગામાંમથી એક વાલી ગયા વર્ષે તેમના બાળકોને ખાનગી શાળામાંથી આપણી શાળામાં દાખલ કરી
ગયા હતા. શરૂઆતમાં મૂકવા આવતી વખત રોજ અમારી સાથે વાત કરે...”સર...આવડી જશે ને ?
આમને ત્યાં ખુબ ટોર્ચર થવાય તેવું હોમવર્ક આપતા.... તેમનામાં સ્ફૂર્તિ દેખાતી નથી.
થોડું બોલચાલ વધારે એવું થઇ જશે ને ?” આ ક્રમ ધીમે ધીમે ઓછો થયો... હમણાં સત્ર
પૂરું થવાના નજીકમાં આવ્યા...”સર...મારી ઈચ્છાથી એક ગીફ્ટ લાવ્યો છું ! ના, ન
કહેતા...મને આનંદ છે.... મારા બાળકોને જોઈ હવે મને સંતોષ છે...અને મારી ખુશી માટે
આ ગીફ્ટ સ્વીકારી લો...” થોડીવાર મનમાં થયું કે આ વાલીએ ત્યાં ખાનગી શાળામાં ફી
માટે તેના સંચાલક સાથે ભાવતાલ કર્યા હશે...કે આ ફી વધુ છે...એ ઓછી કરો...આ પૈસા
તમે કેવી રીતે માગી શકો ? વગેરે વગેરે....અને એ વાલી શાળા માટે ખર્ચ કરીને કોઈ
વસ્તુ આપી રહ્યો છે ! અમે સ્વીકારી લીધી ભેટ....પણ હજુ ય એ શબ્દો ગુંજે છે...
“મારી ખુશીથી...મને સંતોષ છે,,,,” વાલીને ક્યાં ખબર છે કે તેમને
અમને આપેલી સૌથી મોટી ભેટ તો એમના આ શબ્દો છે !
આમ, જયારે
વાલીઓ પોતાના બાળક માટે નહિ, શાળાના બધા બાળકોને પોતાના
માની...જ્યાં હોય ત્યાં...પોતાનાથી થઇ શકે એમ મદદ માટે તૈયાર છે... અને અમે પણ
તૈયાર રહીએ છીએ તેમના પ્રેમનો પ્રતિસાદ આપવા !
1 comment:
વાહ ખૂબ જ સુંદર પળો શેર કર્યા
Post a Comment