May 05, 2024

પેરંટ્સ અને પ્રેશર 😡😡😡

પેરંટ્સ અને પ્રેશર 😡

એપ્રિલ માસ એટલે પરીક્ષાઓનો મહિનો ! વ્યાવસાયિક અનુભવો તો એવું કહે છે કે બાળકોને પર્ફોમન્સ બતાવવા માટેનું પ્રેશર કરતો મહિનો !

પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષકની આંખોની સામે, બાળકના હાથમાં કે વાલીની જાણમાં આવતાં જ માહોલ બદલાઈ જતો અનુભવાય છે. “વાંચવા બેસ - હવે પરીક્ષા માથા પર છે !” આવો ડાયલોગ ઘરમાં , તો “ચાલો મહાવરો કરી લઈએ, આ તો પરીક્ષામાં પૂછાશે જ” - આવા ડાયલોગ વર્ગખંડમાં શરૂ થઈ જતા હોય છે. પરિણામે જાણે કે ઘર અને શાળા બંને સત્રના અંતિમ પડાવમાં બાળકને બધું વંચાવી લેવાની લાહ્ય અને પુનરાવર્તન - મહાવરો કરાવી લેવાની હાયમાં અજાણતાં જ પર્યાવરણ ગંભીર અને પ્રેશરવાળું બનાવી દેતાં હોય છે. વિચારો કે ક્રિકેટમાં છેલ્લી ઓવરમાં પ્રેક્ષક તરીકે આપણી અપેક્ષાઓ આપણા પ્રિય ખેલાડીનું  મનોબળ વધારે છે કે તેના ઉપર પ્રેશર ઊભું કરે છે. આવા પર્યાવરણમાં બાળક પોતે ધારે તો પણ તેનું પર્ફોમન્સ તેની ક્ષમતા મુજબ ન કરી શકે તે સ્વાભાવિક છે.

બાળકની શી વાત કરવી ? આપણે આપણી જ વાત કરીએ તો પણ ખ્યાલ આવશે કે બાળકની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? આપણે અભ્યાસ કરતાં હતાં ત્યારે આપણી મનોસ્થિતિ શું હતી ? આપણો રમવાનો મૂડ હોય તે સમયમાં વાંચવા બેસ એમ કહેનારી મમ્મી પણ આપણને દુશ્મન જેવી ભાસતી.. અને તેમાંય માતૃપ્રેમવાળો નિબંધ જો તૈયાર કરવાનો હોય તો?  તો તો આપણે માતૃપ્રેમનું મહત્ત્વ દર્શાવતું એક વાક્ય વાંચીએ અને મનોમન વિરોધાભાસવાળું વાક્ય બોલતાં જઈએ ! જેમ તે સમયે વાંક આપણો નહોતો, તેમ અભ્યાસમાં સારો દેખાવ ન કરી શકનાર બાળકનો પણ વાંક નથી. કારણ કે મજા આવે તેવું ગમતું કરવું એ આપણા સૌનો સ્વભાવ રહેલો છે.  

સાથે સાથે આપણા સૌનો સ્વભાવ એ પણ છે કે જેમાં આપણા ઉપર વધુ સારો દેખાવ કરવા માટેનું દબાણ હોય ત્યારે જ આપણે વધુ દબાણ અનુભવતાં હોઈએ છીએ ! જેટલી વધુ અપેક્ષાઓ તેટલું જ વધુ પ્રેશર, એવા દબાણ સાથે નિર્જીવ વસ્તુઓ પણ સંકોચાઈ જતી હોય તો આપણે સૌ તો જીવંત છીએ ! પરીક્ષાના પરિણામસમયમાં ધાર્યા મુજબનું ન થઈ શકતાં બાળકોમાં હતાશા અને વાલીઓમાં અજાણતાં ચીડ આવવી સ્વાભાવિક છે. બાળકોની જવાબવહી જ્યારે તેના વાલીઓ જોતા હોય તે સમય સૌથી વધુ સંવેદનશીલ હોય છે! આવા સમયે શાળા તરીકે આપણે શું કરી શકીએ ?

બાળકની જવાબવહીને જોવાની દૃષ્ટિને બદલીએ - તેઓને વિષયશિક્ષક તરીકે સતત એ વાત યાદ કરાવીએ કે આ બાળકનું નહીં પણ તેના વિષયશિક્ષક તરીકે અમારું પરિણામ છે -જેમ કે સાગરે ગણિત કે અંગ્રેજીમાં 60 ગુણ મેળવ્યાનો મતલબ અમે તેને હજુ બાકીનું નથી શીખવી શક્યા. વિષયશિક્ષક તરીકે આપણે સાગરને ન સમજાવી કે શીખવી શક્યા હોઈએ તે શીખવવા માટેની બે ત્રણ યુક્તિ પ્રયુક્તિઓ વાલી સમક્ષ રજૂ કરી તેની આપણામાં શ્રદ્ધા બને તે માટેના પ્રયત્નો કરીએ! જો વાલીની આપણામાં શ્રદ્ધા બનશે તો જ તે પોતે હળવા થશે અને બાળક પણ નિશ્ચિંત કરશે.

વર્ગશિક્ષક તરીકે જ્યારે વાલીને મળીએ ત્યારે તેમનું બાળક શાળા માટે કેમ મહત્ત્વનું છે તેની વાત કરીએ ! વ્યક્તિગત કે સામૂહિક તેની કાર્ય કરવાની કોઈ એક સ્કિલને વર્ણવીએ. જેથી માર્કના પરિણામ કરતાંય બાળક મહત્ત્વનું છે, - તે સ્વીકારતા થાય. પોતાના બાળકના કૌશલ્યથી અવગત થાય જેથી ઘરના સભ્યોની પણ બાળક તરફ જોવાની દૃષ્ટિમાં બદલાવ આવે.

શાળા તરીકે - અત્રેનાં બાળકોમાં અભ્યાસ સહિતનો સર્વાંગી વિકાસ એ શાળાની જવાબદારી છે. તેના માટે શાળાનું આયોજન અને તે માટે થયેલા પ્રયત્નો રજૂ કરીએ. જેમ ભરોસાપાત્ર હૉસ્પિટલમાં દર્દીને દાખલ કર્યા પછી ગાંવહાલાં દર્દીના દર્દ પ્રત્યે નિશ્ચિંત થઈ  જાય છે તેમ વાલીને પણ બાળકના અભ્યાસ પ્રત્યે નિશ્ચિંત  બનાવવો એ જ આપણા સૌની સૌથી મોટી જવાબદારી છે. નહીં તો આપણા સૌના અનુભવો કહે છે કે જેમ દર્દીના રિપોર્ટમાં સુધારો થવાને બદલે જો ઘટાડો થાય તો આપણે જેટલા ચિંતાતુર બની જઈએ છીએ એમ બાળકના ઘટેલા પર્ફોર્મન્સ જોઈ વાલીની મનોસ્થિતિ વણસે જ.

આપણું કામ છે કે આપણા પ્રયત્નો - આપણી યુક્તિ પ્રયુક્તિઓ - તેના દ્વારા  થનાર ઉપચાર - દર્દીને થનાર ફાયદો - વગેરેનું વાલી સાથે સતત કાઉન્સેલિંગ  કરતાં રહેવું. બાકી તો આ વખતે નહીં તો આવતે વખતે - આપણી કાળજી - આપણા આયોજન અને આપણા પ્રયત્નો વડે બાળક ખૂબ સારું કરી જ શકશે તે સત્ય છે.

હા, તેમાં શરત માત્ર એ જ છે કે વાલીને આપણામાં, આપણને બાળકમાં, બાળકને આપણી પ્રક્રિયામાં શ્રદ્ધા હોવી જોઈએ. આ શરત-વાક્યને ફરી વાંચશો તો સમજાશે કે શ્રદ્ધા પેદા થાય તે માટેનું કામ હવે કોનું છે ? આ સમજતાં સમજતાં ચાલો માણીએ 


























































No comments: