વાંચન : ગામની વાટે !!!
આપણે સૌ આપણા બાળકોના
વાંચન અને લેખનથી સંતુષ્ટ નથી. વર્ષોવર્ષ તેની ગુથ્થી ઉકેલવા મથી રહ્યા છીએ. વાંચન
વિશેના આપણા ખ્યાલોને પહેલા અહીં એકવાર જોઈએ લઈએ. >>પહેલો પ્રયત્ન > વાંચવું એટલે? બીજો પ્રયત્ન > બાળકોમાં વાંચનનો મહાવરો ? અને ત્રીજો પ્રયત્ન > ઉપચારાત્મક કાર્ય !
આ બધું કરી જોવા છતાં હજુ
કૈક એવું ખૂટતું હતું કે જે અમારી નજરમાં નહોતું આવતું. આ ઉનાળુ વેકેશનમાં અમારી
શોધનો વિષય એ જ હતો કે બાળકને વાંચન ‘આવડી જવા’ ને ‘ના આવડવા’ વચ્ચે કયા કયા પરિબળો કામ
કરે છે. જેમને આવડી જાય છે તેનું કોઈ પણ પ્રકારે ટ્રેકિંગ નથી થતું કે તેને કઈ
ક્ષણે વાંચન આવડી ગયું. એ તો કળીમાંથી ફૂલ બનવા જેવી ઘટના છે.... થાય છે પણ દેખાતી
નથી ! વાંચન ના આવડવાના ઘણા કારણો પૈકી અમારું ધ્યાન હજુ સુધી નહોતું ગયું એવા એક
કારણ પર ગયું. ... કે આ બાળકો પાસે વાંચવા માટે છે શું ? પુસ્તક ! એ પોતાનું પાઠ્યપુસ્તક હોય કે વાર્તાનું પણ
વાંચવાનું એટલે પુસ્તક ! તેમને મન વાંચવા માટેના અન્ય કારણો ગેરહાજર છે. જેમના
ઘરમાં બીજું કઈ જ વાંચવાનું ના હોય તેમને મન ભણવું હોય એ વાંચે ! વાંચનના અન્ય
ઉપયોગો એમને ખબર નથી.
બીજું કે શિક્ષકે બાળકોને ઘરેથી વાંચવા માટે કહ્યું એ
ઘરે જઈ વાંચશે જ નહિ ! તો ?
ઉપાય ? એ જ ફરી “ગામ શીખવે ગણિત” ની જેમ “વાંચન ગામની વાટે” ! જુના ટી.એલ.એમ. પર રંગ
વેકેશનમાં જ કરી દીધો હતો તેની પર ક્રમશ: વાંચન માટેના શબ્દો, વાક્યો અને ફકરા લખી દીધા
! વીસેક આવા વાંચન બોર્ડ તૈયાર થયા. અને દરરોજ શાળા છૂટવાના સમયે ફળિયામાં એક લેખે
આપવાના. હવે આપવાના કોને ? જે વાંચનમાં ગાડી બ્રેક મારતો હોય તેને ! શું થયું ? બીજું કૈક આપ્યું હોત તો
દફતરમાં લઇ જાત કોઈ ના જુએ ! પણ આ તો બોર્ડ – ઉભા ફળીયે જે જુએ તે પૂછે, ”શું લાવ્યો લ્યા?” “સાહેબે વાંચવા આલ્યું
!” “એમ, તો ચાલ વાંચ !” આમ, ઘરે પહોચતા સુધીમાં જ
બોર્ડ ત્રણ ચાર વાર વંચાય જાય. વળી, એનાથી અમારા (અ)ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સક્રિય થયા
અને તેમની આજુબાજુમાં બોર્ડ સાથે આવે તેમને ઘરે વાંચવા અને લખવામાં મદદ કરવા
લાગ્યા.
ખૈર, આ તો
ચેપી છે, જેણે અડકી જાય એ શીખી જાય ! આપણું તો કામ જ છે આ ચેપ
ફેલાવવો !
No comments:
Post a Comment