August 15, 2017

બંસી છેડે દેશરાગ !


બંસી છેડે દેશરાગ !
          આ પંદરમી ઓગષ્ટ શાળા માટે બે રીતે નોખી હતી. એક તો આઝાદદિનની ઉજવણીમાં કૃષ્ણ જન્મોત્સવનો ઉલ્લાસ ભળ્યો અને ગોધરા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ નદીસરમાં !
      સામાન્ય રીતે પહેલી ઓગષ્ટથી આ વખત શું કરીશું તેની ચર્ચા શરૂ થઇ જાય ધોરણવાર-કોઈકવાર-ગ્રુપ મુજબ તો કોઈકવાર શિક્ષક મુજબ કાર્યક્રમો નક્કી થાય કોઈક વાર બાળકો જાતે જ પોતાની રીતે વ્યવસ્થાઓ ગોઠવી દે એવું ય બને !>> જુઓ   આઝાદી
      આ વખત એક ફેરફાર કે તેમને આપણી શાળામાં નહિ પણ તાલુકા કક્ષાના સ્ટેજ પર પરફોર્મન્સ આપવાનું હતું તેમનામાં હોશ અને ઉમંગ એ વાતનો કે આજુબાજુના ૧૦ ગામના લોકો સામે તે ગામની શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા મળશે !
           પ્રવેશોત્સવમાં હીટ થયેલું સ્વચ્છતાની થીમ જેવું સોંગ મેરે દિલ સે આ રહી આવાજ...” ની ટીમની દાવેદારી તો નક્કી હતી. અમને બધાને વંદેમાતરમની ધૂન, વિવિધ યોગાસન અને પીરામીડનું ફ્યુઝન પસંદ એમાં પીન્ટુભાઈએ બાળકોને નવી ચાનક ચડાવી કે આપણે આઠ મિનીટ લાંબી વિવિધ દેશ ભક્તિ ગીતોની મેલડી પર સ્ટેપ્સ સેટ કરીએ. એની પ્રેકટીસ પણ શરૂ થઇ. એક સાથે ૧૦ -૧૨ સ્થિતિઓ અને દરેક ગીત મુજબ ડાન્સ સ્ટેપ્સ ડાન્સની પ્રેક્ટીસ માટે સાંજે પાંચ વાગ્યે અથવા શનિવારે ૧૨ વાગ્યે શરૂ કરીએ બે કલાક મથીએ અને માંડ સરખું ગોઠવીએ વળી જો વચ્ચે બ્રેક આવી જાય તો ટીમના એક સભ્યના ભૂલમાં કોઈક પીરામીડ છૂટે કાંતો મ્યુઝીક પૂરું થાય અને લાસ્ટ સીન જ્યાં ગાંધીજી હિમાલય પર ચાલતા હોય તે ઈમેજીનેશન વાળી સ્થિતિ પૂરી ના થાય. બધાની વચ્ચે ઘૂમરી ખાતો દેવ થાકી જાય ! પણ મહેનત ભલભલા પ્રશ્નોના હલ આપી દેતી હોય તો આ મુશ્કેલી તો કઈ મુશ્કેલી હતી ! – ફાઈનલ બે દિવસ બાકી હતા ત્યાં સુધીમાં બધાની રીધમ આવી ગઈ !
  નવું અને જે ગીત તાળીઓ ઉઘરાવી ગયું એ હતું કનૈયા હેપ્પી બર્થ ડે  ! એની પ્રેકટીસની પણ વળી એક નવી કથા છે પહેલા તો એક છોકરો એક છોકરીની પેર બનાવવાની - એમાં માથાપચ્ચી કે...”મને એની સાથે નહિ ફાવે ... એને તો ડાન્સ સ્ટેપ્સ ભૂલે છે....એ હાથ પકડી ગોળ ફરવાનું હોય ત્યારે હાથ છોડી દે છે.....” એમ પડતા આખડતા કૃષ્ણ ધૂન પણ સેટ થઇ..! 
     નદીસર સ્ટેજ પર રજુ કરવાના કાર્યક્રમમાં શાળાની મનીષા પણ ખરી એને દેશની એકતા માટે રાષ્ટ્રીય પર્વનું મહત્વ વિષે વક્તવ્ય રજુ કર્યું આ બધા સાથે એ સ્ટેજ પર જયારે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન એમ જાહેર કરી જે નામ બોલાયા એમાં ૧૦ માંથી ૭ નામ અમારા નવાનદીસરના ! આસપાસના બધા ગામના લોકોની હાજરીમાં પોતાના સંતાનોને સન્માનિત થતા જોઈ ગામલોકોની આંખોમાં છલકાતું  ગૌરવ... એ અમારી મોટી મૂડી !
જોઈએ એ કાર્યક્રમની કેમેરાની નજરે...






 
















August 12, 2017

સફળ લોકશાહી માટે સચોટ પ્રક્રિયા...


સફળ લોકશાહી માટે સચોટ પ્રક્રિયા....
 

                  આપણે સૌ દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ધરાવતા દેશના નાગરિક હોવાનું ગૌરવ ધરાવીએ છીએ. ભારત એ  દેશ છે કે જ્યાં ચૂંટણી પ્રક્રિયા ધ્વારા સામાન્યમાં સામાન્ય નાગરિક પણ પોતાનો મત આપી પ્રતિનિધિ ચૂંટી શકે છે. જેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાન્યમાં સામાન્ય માનવીના જીવનની જરૂરી મૂળભૂત સુવિધાઓને સમજી અને વ્યવસ્થાઓ  ઉભી કરી શકે. જ્યારે સંવિધાનનું નિર્માણ થયું ત્યારે મતદાનનો અધિકાર એ નાગરિકો માટેનું મોટામાં મોટું અધિકારીક શસ્ત્ર ગણાતું, જેના વડે નાગરિક યોગ્ય પ્રતિનિધિને ચૂંટશે અને મજબુત લોકશાહી ઉભી કરશે તેવી સંકલ્પનાઓ વ્યક્ત કરાઈ. ગામ થી રાષ્ટ્ર સુધી પ્રજાનું પરોક્ષપણે શાસન હોવાનો અહેસાસ [વિશ્વાસ] કરાવતી આપણી સંવિધાનિક વ્યવસ્થા છે.
આપણો દેશ આઝાદ થયે ૭૦ વર્ષ અને આપણને મતદાનનો અધિકાર મળ્યે ૬૭ વર્ષ વીતી ગયા. આટલાં લાંબા સમયગાળાના અંતે પણ હજુ ઘણાબધા લોકોના મોઢે પોતાના પ્રતિનિધિઓ ચૂંટવામાં અસંતોષ સાંભળવા મળે છે. ત્યારે કેટલીકવાર તો પ્રશ્ન એ થાય કે સારા પ્રતિનિધિઓ જ નથી મળતા એવી ફરિયાદો કરતા જોવા મળે છે તે મતદારો પણ વર્ષોથી મતદાન પ્રક્રિયાના જ ભાગીદાર છે તો પછી મુશ્કેલીઓ છે ક્યાં ? પોતે જ ચૂંટેલ પ્રતિનિધિ પ્રત્યે અસંતોષ કે અસક્ષમ હોવાની  ફરિયાદો હોવાનું કારણ શું ? એવી બાબતો ના વિચારો કરતાં ઘણા કારણોમાંના વ્યવહારિક કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે મોટાભાગના મતદારો જે સંવિધાનિક પદ માટે મતદાન કરી રહ્યા છે તેની ફરજોથી અજાણ હોઈ શકે છે, વોર્ડના સભ્ય થી માંડી વિધાનસભાના સભ્યનું કાર્ય શું છે ? શા માટે નિમણુંક કરવાની ? – તેનો પ્રાથમિક ખ્યાલ જ નથી હોતો ! અને જેટલો છે તે પૂરતો નથી હોતો પરિણામે મતદાર એ કાર્ય માટે ઉમેદવારની યોગ્યતા ચકાસવામાં અસક્ષમ સાબિત થાય છે. પરિણામે કોઇપણ પ્રકારના ચોક્કસ ઉદેશ્ય સિવાય “મત” મતપેટીમાં સરકી જાય તેવી શક્યતાઓ રહેલી છે. માટે જ જ્યારે શાળામાં “બાળ-પ્રમુખ”  માટેની ચૂંટણી પ્રક્રિયા કરવાની થઇ ત્યારે શાળાએ વધુ પ્રયાસ  બાળ-પ્રમુખના કાર્યો અંગેની બાળ મતદારમાં જાગૃતિ માટેનો કર્યો.  જેથી બાળકો જાણી શકે કે બાળપ્રમુખ તરીકે ચુંટાયા પછી એ પ્રતિનિધીએ શું કરવાનું છે અને તેના માટે કેવી લાયકાત જોઇશે ! સમાજમાં મતદાન સમયે દેખાતા વાદ જેમકે મિત્રતાવાદ, સંબંધીવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, ધર્મ કે સંપ્રદાયવાદ વગેરેથી થતાં નુકશાન અને આને કારણે યોગ્ય ઉમેદવારને ચૂંટવામાં કેટલીકવાર નિષ્ફળ થતી પ્રક્રિયાથી અવગત કરી બાળપ્રમુખ ના મતદાન સમયે મિત્રતા કે ધોરણ અથવા તો ફળિયું વગેરેથી વાદ દુર રહી બાળકોના પ્રશ્નોને વાચા આપી મુશ્કેલીઓનું નિવારણ કરી શકે તેવા પ્રતિનિધિને જ મત આપવા માટે બાળકો સાથે ચર્ચા કરવામાં આવી. અમે આ વાત બાળકોના માનસપટ પર આલેખવામાં સફળ થયા એ સાબિતી ચૂંટણી પરિણામે આપી દીધી કે જ્યાં સૌથી વધારે કુમાર મતદાર હોવા છતાં અને સૌથી ઓછું મિત્રવર્તુળ ધરાવતી હોવા છતાં સેજલને સૌથી વધારે મત મળ્યા.
               બીજો ઉદેશ્ય એ પણ હતો કે બાળકો આખી ચૂંટણી પ્રક્રિયાને સમજે. ઘણીવાર માહિતીના અભાવે - આપણે ચૂંટણી પ્રક્રિયામાં ગેરસંવિધાનિક કામ કરીએ છીએ  તેનો ખ્યાલ જ નથી હોતો. આજે પણ કેટલાક લોકો મતદાન મથકમાં મતકુટિરના બહાર વોટીંગ કરી બહાદુરી દેખાડતાં હોય છે. તેઓ તે બાબતથી અજાણ હોય છે કે મતદાનની ગુપ્તતા એ ફરજનો ભાગ છે અને પોતે કરી રહ્યા છે તે ગેરસંવિધાનિક છે. આવી પ્રવૃતિઓ રોકવા માટે બાળકોને જાહેરનામું પ્રસિદ્ધ થયા પછીથી પરિણામ સુધીની પ્રક્રિયા દરમ્યાન આચાર સંહિતા એટલે શું ? તેનાથી અવગત કરાવ્યા. જેથી આ માહિતી બાળકો વર્તમાનમાં પોતાના વાલીઓને પહોંચાડે અને ભવિષ્યમાં પોતે તેનો  અમલ પણ કરે. શાળામાંની ચૂંટણી પ્રક્રિયાને શાળા બહારની ચૂંટણી પ્રક્રિયા જેટલી જ સમાંતર બનાવાવનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરિણામ એ આવ્યું કે એવું જ મતદાન મથક ઉભું થયું , બાળ ચૂંટણી અધિકારીઓએ પણ એવી જ સાહજીક્તાનો અનુભવ કર્યો જેવો આપણે કરીએ છીએ. બાળ મતદારોના મતે મતદાન કરવું એક રોમાંચ હતો, ઘણી જ સમજ પછી પણ કેટલાક બાળ-મતદારો મતદાન મથકમાં પ્રવેશ પછી પ્રક્રિયા માટે મૂંઝવણમાં પડ્યા [ આપના સૌની જેમ ] નવાઈની વાત તો એ હતી કે સેમ્પલ ચેક માટે કોને મત આપ્યો? એવું ખાનગીમાં પૂછતાં ધોરણ ત્રીજા ચોથા વાળા બાળકોનો જવાબ પણ એવો હતો કે “ના કેવાય !!"   ટૂંકમાં કહીએ તો આપણે અનુભવીએ છીએ તેવો જ અનુભવ બાળકોને થયો, હવે અમારું કામ તેમના આ અનુભવને તેમના સામાજિક જીવનમાં પ્રસ્થાપિત કરવાનો રહ્યો.. ફોટો અને વિડીઓ ધ્વારા આ પ્રક્રિયાને નિહાળ્યા પછી તમને પણ થશે કે લાવોને હું પણ શાળા પ્રક્રિયાનો ભાગ બની એક મત કોમેન્ટમાં નાખી દઉં !







  






મિત્રો ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોએ કરેલ પ્રચાર સભાને સાંભળવા જે તે ઉમેદવાર પર ક્લિક કરો.



શીખીએ રીઅલ, જીવીએ રીઅલ......!


શીખીએ રીઅલ, જીવીએ રીઅલ....... !

જીવાતા જીવન અને શિક્ષણને છેટું પડી જાય તો એવા શિક્ષણને શું ધોઈ પીવું છે ? જયારે ગજવામાં રૂપીયાઓની થોકડી પડી છે પણ વાપરતા આવડતું નથી – પેલા કંજૂસના ધન જેવું શિક્ષણનું ધન ભેગું કરીને શું ફાયદો ?
વર્ગમાં સરવાળા,બાદબાકી, ગુણાકાર ને ભાગાકારના ટેસ્ટમાં મેળવેલા ૧૦૦% ગુણ ગામની દુકાને જઈ ઝીરો થાય ! – એનું નામ તો શીખવું નથી. શાળા પ્રયાસ કરતી રહે છે કે આપણા બાળકો જે શીખે એ વ્યવહારમાં વાપરતા પણ થાય...કેટલાક પ્રયોગોમાં તેઓ ગામમાં જઈને જ શીખે એવા પ્રયાસ પણ ખરા ! આવો જ એક પ્રયોગ એટલે “ગામ શીખવે ગણિત” ! જેમાં શાળામાં મળેલી યાદી મુજબના સંસાધનોની કિંમત ગામમાં ફળીયે ફળીયે જઈને પૂછીને લખવાની ! અને પરત આવ્યા બાદ તેના આધારે ગણતરીઓ માંડવાની કે કોની કિંમત વધારે કોની ઓછી – કેટલી ઓછી- બે ટીવી. ખરીદવા માટે કેટલા રૂપિયા ચુકવવા પડે.... આ કામ વર્ગમાં પણ થઇ શકે – “એક ટીવીના ૧૦,૦૦૦ તો બે ટીવીના કેટલા ?” પણ ત્યારે આ વિડીયોમાં દેખાય તેવી ખુશી અને અવનવા વ્યક્તિઓના ભાવ કહેવા વપરાતા અવનવા શબ્દો ક્યાંથી મળે ?
આવા “જીવતા જીવતા શીખવાના અન્ય પ્રયોગો લખી મોકલશો તો શિક્ષણ જીવંત બનશે !