January 20, 2017

પ્રવાસ તો પ્રવાસ છે !


હજારવાળો- પાંન્સોવાળો કે પગવાળો – પ્રવાસ તો પ્રવાસ છે !
 શિયાળાની ઠંડી શરૂ થાય એની સાથે જ આ વખત પ્રવાસ ક્યાં અને ક્યારે ? એ બે પ્રશ્નની ગરમી શરૂ થઇ જાય !
          ક્યારે? જરૂરી સંખ્યા થાય ત્યારે ! ક્યાં ? તમે નક્કી કરો ત્યાં ! લાંબા પ્રવાસ માટે તો આ લખાય છે ત્યાં સુધી ૧૪ વિદ્યાર્થીઓ જ ફી જમા કરાવી શક્યા છે ! પરંતુ મહીસાગર કાંઠે જવામાં ક્યાં સંખ્યા જોઈએ ? ક્યાં પૈસા જોઈએ – માત્ર પગમાં જોર જોઈએ..
         ગુણોત્સવની તૈયારી માટે બાળકોએ સામાન્ય કરતા વધુ સમય બોર્ડ સામે વિતાવ્યો હતો – એમને આ ચાર દીવાલથી મુક્ત એવા વર્ગખંડમાં લઇ જવાની જરૂર હતી. નાગરિક ઘડતર અંતર્ગત “બાળ સંસદ” ની બેઠક બોલાવવાની બાકી હતી. “સ્વચ્છ ભારત” અથવા “મારા સ્વપ્નની શાળા” અંગે એક ચિત્ર સ્પર્ધા કરવાની હતી. આવા, ત્રણ વાના અને ચોથું - મુખ્ય વાનું સાથે મળીને ખેતર વાટે જવાનો આનંદ ! થોડી દોડાદોડ –ભાગમભાગ અને બધું વ્યવસ્થિત ગોઠવી – અમારા પગ ઉપડ્યા – રસ્તામાં ધૂળ ઉડે ક્યાંક કોતરમાં પાણીમાં પગ પલળે, ક્યાંક કાંટા અને ક્યાંક સરસ કેડી ! ચારેબાજુ લીલાછમ ખેતરો – એમાં થયેલા પાક – “હું તો અહી પંદર દા’ડે એક વાર તો આવું જ !” “ આ હેરોના મુવાડા વારા ભગવાનદાસનું સેતર” “આ હાપનો રાફડો” “અડકાય? – અડકી જોઉં ?” એમ વાતોના ઝપાટા સાથે પગ પણ ચાલતા ! સામાન્ય રીતે ખેતરમાં કામ અર્થે આવનારા બાળકો આજે એને નવી રીતે જોઈ રહ્યા હતા – રોજ એ રાફડાને અડકતા ડરતા આજે અમારી હાજરીમાં અડકી લઇ – ખાતરી કરી લીધી કે જરૂરી નથી કે એમાં સાપ હોય જ – આવા અનેક શેરીંગ થયા ! પહેલા ધોરણના કેટલાક ટાબરિયા વળી ટેઢા થયા કે હવે અમારાથી નથી ચલાતું....તો મોટા વિદ્યાર્થીઓએ એમને ઉપાડી લીધા – કેડે કરી કે ખભે ઉચકીને ચાલ્યા જતા એ બાળકો જાણે અમારા ગામની આવતીકાલ છે ! કલાક જેટલી દડમજલ પછી માતાના મંદિરે પહોચ્યા – અટકવાની વાત નહિ – ઝડપથી સ્ટમ્પ રોપાઈ ગયા, માઈક સેટ - અને ક્રિકેટ, ગાયન, વાદન અને એક બાજુ ચિત્ર માટે કાગળ - રંગ સોંપી દેવાયા...જ્યાં બેસી દોરવું હોય તે છૂટ છે !
               આખો મહીસાગર કિનારો અમારા દેકારાથી ગુંજતો હતો તો ડી.પી.ઈ.ઓ.બેનશ્રી અચાનક ત્યાં આવી પહોચ્યા ! પ્રવાસે નીકળીએ ને ત્યાં કોઈક પોતીકું મળવા આવે તો ઘાટ થયો. બહેને પણ પોતાનામાં રહેલું અધિકારીપણું ફગાવી – જીલ્લાના શૈક્ષણિક વડાને શોભે તેમ – અમારા બાળકો સાથે ભળી ગયા – ક્રિકેટનું બેટ પણ પકડ્યું, “લાવો એક ઓવર હું પણ રમી લઉં !”
        દોડાદોડી અને કુદાકુદી પછી પેટપૂજા પતાવી ફરી એ જ ધમાચકડી મચાવી !
                  બાળ સસંદનું સેશન ત્યાં જ મંદિરના ઓટલે થયું અને બધા ગ્રુપ ચર્ચા કરવા માટે પોતાના કન્વીનર શિક્ષક સાથે નદીમાં ઉતર્યા ! મહીસાગરના ખડકો પર બેસી ચર્ચા કરી.... ચર્ચા પછી કેટલાક બસ મુંગા મૂંગા પાણીને જોઈ રહ્યા – કોઈકની નજર પક્ષીઓ પર ચોટી, કોઈકે પાણીમાં તરતું નાળીયેર બહાર કાઢ્યું- બીજાએ તે પાછું ફેકાવ્યું, કેટલાકને વળી પાણીમાં પથ્થરની પીચ પાડવાની ચાનક ચઢી ! કોઈકે જરીક આઘાપાછા થઇ ચણીબોરની જયાફત ઉડાવી ! એક ગ્રુપને વળી શું સુઝ્યું કે તે ચુપચાપ કોઈકને ટાર્ગેટ કરે એની નજીક ધીમે ધીમે જાય અને પછી જ્યાં શિક્ષક કહે “હલ્લા બોલ...” એટલે ગ્રુપના બધા સભ્યો એને ઘેરી વળે- ભેટે - ઉચકી લે --- શિક્ષકોનો પણ એમાં વારો આવી ગયો – અને આ બાળકોનું ભેટવું એટલું ઉત્સાહપ્રેરક હોય કે તમે તમારો થાક ભૂલી જ જાઓ !
    No comments: