January 31, 2017

સામાજિક વૃક્ષનું મૂળ– “ શાળા ”


સામાજિક વૃક્ષનું મૂળ– “ શાળા ”
                 કેટલાંક મિત્રો સાથે ચર્ચા કરીએ ત્યારે સૌની સર્વસામાન્ય  એક ફરિયાદ - શાળામાં વારંવાર ઉજવણીઓ, તહેવારો , અભિયાનો વગેરે માટેનો હોય છે. સામાજિક અભિયાનો માટે પણ શાળાઓનો ઉપયોગ શૈક્ષણિક કાર્યમાં વિઘ્નો - એવો તેમનો ટોન સામે આવતો હોય છે. મિત્રો આપણો સમાજ કુરિવાજોથી પ્રભાવિત છે. પણ તમામ સમાજ/ કુટુંબમાં બાળકનું સ્થાન અનેરું હોય છે. બાળકની બોલી ત્રુટક હોઈ શકે છે પણ અસરકારકતા સટીક હોય છે. ઘણીવાર આપણા ઘરમાં કે આસપાસ જોવા મળતી ઘટનાઓમાં - પોતાની વર્ષો જૂની આપણી કુટેવ પણ આપણા બાળકની એક કાલીઘેલી ભાષાની અરજ થી છૂટી જતી હોય છે અને તેનું એક માત્ર કારણ બાળક પ્રત્યેની આપણી લાગણીઓ આપણને તેવું કરવા અંદરથી [ જેને આત્મા અથવા તો અંતરાત્મા કહીએ છીએ તે ]  સમાજમાં સામાજિક જાગૃતિ માટે પ્રેરતી હોય છે – માટે જ તમે જોશો કે પોતાની પ્રોડક્ટ્સની જાહેરાતો માટે પણ કંપનીઓ મોટે ભાગે શક્ય તેટલો બાળ-કલાકારનો ઉપયોગ થતો હોય છે. આ રહ્યું એક કારણ...
                    બીજું કારણ શાળામાંનો આજનો બાળક આવતીકાલે નાગરિક બની સમાજમાં જશે, ત્યારે સમાજને જો વટવ્રુક્ષ માનીએ તો આજનો બાળક આવતી કાલના સમાજનું છોડપણ [= જેમ બાળપણ હોય ] છે અને આ સમયથી જ તેને સમાજમાંની વ્યવસ્થાઓ અને  સામાજિક માન્યતાઓ અને ગેર માન્યતાઓ વિશે પ્રાથમિક માહિતી ધ્વારા સજાગ કરવામાં આવે તો આવતી કાલનું સામાજિક વટવ્રુક્ષમાં ક્યાંય અભિયાનો કરવાની જરૂર રહેશે જ નહિ. 
મિત્રો, [સામાજિકતા રૂપી ] વૃક્ષનું ઘડતર કરવા માટે તો [બાળક રૂપી] “છોડપણ” થી જ પ્રયત્નો શરુ કરવા રહ્યા. તો જ કહેવત સાચી પડશે કે – “શાળાઓ જ સમાજનું ઘડતર કરે છે !”   

January 26, 2017

પ્રજાસત્તાકદિને બાળસત્તાક કાર્યક્રમો.....


પ્રજાસત્તાકદિને બાળસત્તાક કાર્યક્રમો.....
                  વર્ષોથી બાળ સ્વભાવ સૌ વિદો માટે એક કોયડો રહ્યો છે. બાળકોની પસંદ નાપસંદ કદાચ તેઓના પુરક પ્રશ્નોના જવાબો પરથી અંદાજ કરી શકાય છે. તેઓના કોઈ વિષયવસ્તુ માટેના પરફોર્મન્સ માટેનો આપણો અંદાજ જે તે બાળક સાથે કાર્ય કર્યાના પૂર્વાનુભવોથી અસરગ્રસ્ત હોય છે. માટે જ કેટલીકવાર અમલીકરણની પ્રક્રિયા પહેલાં અંદાજીત પરિણામો વર્ણવા લાગી જઈએ છીએ. આ બાળક તો પહેલેથી જ ઓછા બોલે છે માટે તેને વક્તુત્વ માટે રીજેક્ટ કરતાં હોઈએ છીએ અને કોઈ બાળક વાચાળ જોવા મળે તો તેને વક્તુત્વમાં ભાગીદારી માટે અગ્રીમતા આપતાં હોઈ છીએ. મોટાભાગની સ્પર્ધાઓ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમો... 
આપણે બધા જ બાળકોને તક આપવાનું પ્રથમ પગથીયું ભૂલી જતાં હોઈએ છીએ. જયારે એક પાત્ર અભિનેતાઓનું સિલેકશન હોય કે પછી શાળા તરફથી કોઇપણ સ્પર્ધાઓ માટે ઉપલા લેવલે પરફોર્મન્સ માટેની વાત હોય. પ્રથમ પગથીયું એ જ છે કે દરેક બાળકોને પસંદગી માટેની તક મળે. આ બધી બાબતોમાં એક વાત એ પણ ધ્યાન રાખવા જેવી હોય છે કે ચિત્ર સ્પર્ધામાં કુદરતી સૌંદર્ય સારી રીતે ન દોરી શકતો બાળક સારું કાર્ટુન દોરી દે છે... કારણ ? પ્રશ્નનો જવાબ ઉભા થઇ આપવામાં શરમાતી બાળા એકપાત્ર અભિનયમાં રહેવા ઊછળી ઊછળી ને સાહેબ હું... સાહેબ હું... કહે છે.. કારણ ? રસનો વિષય... અને આપણું કામ તેની તે રસિકતાના આધારે તક આપી તે માટેનું પ્રોત્સાહન આપી...અને તેના ધ્વારા તે બાળકમાં વધેલ આત્મવિશ્વાસનો તેના શૈક્ષણિક કાર્યમાં ઉપયોગ....   બની શકે છે કે પરિણામ એવું મળે કે આપણા સૌના [પૂર્વ ]અનુભવોનો પણ છેદ ઉડી જાય અને અન્ય બાળકો માટેના બાંધેલા અંદાજો આપણે ફરી બાંધવા પડે. આવો જ ઓછા બોલા સંજયે શાળા પરિવારને  આપેલા આંચકા બાદનો બીજો આંચકો અમને આપ્યો ધોરણ છઠ્ઠામાં ભણતી ભરવાડ રીન્કુ એ. અને સૌથી વધારે આંચકો અનુભવ્યો તેની સાથે કામ કરી ચૂકેલ એક થી પાંચના વર્ગશિક્ષકોએ...
             રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ધોરણ દીઠ ફરજિયાતપણે એક સાંસ્કૃતિક કાર્યક્રમ આપવો  એ ક્રમશઃ શાળાનો અઘોષિત નિયમ બની ગયો છે, ત્યારે ગુણોત્સવ-૭ અને ત્યારબાદ મુલાકાતીઓથી વ્યસ્ત રહેલા શાળા પટાંગણને કારણે ૬૮માં પ્રજાસત્તાકદિનની ઉજવણી માટેના સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રેક્ટીસ કરવાનો પુરતો સમય બાળકોને ન આપી શક્યા – કેટલાંક બાળકોએ તો શિક્ષકની મદદની આશા છોડી સ્વયં તૈયારીમાં લાગી પડ્યા હતા. ૨૬મી ના રોજ જયારે કાર્યક્રમોની રજૂઆત થઇ ત્યારે  બાળકોનું પરફોમન્સ જોતાં નવાઈ પમાડે તેવું હતું. 
બાળકોએ ફરી સાબિત કરી દીધું હતું કે “ अगर, मिल जाये हमें मोका, तो हम भी लगा शकते हें चोक्का !! 

















January 24, 2017

આપણા મુલાકાતી - આપણા માર્ગદર્શક !


જેશર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી યોગેશભાઈ અને તેમની ટીમની આપણી શાળા મુલાકાતના કેટલાંક દ્રશ્યો તથા કેવી લાગી આપણી શાળા અને ફેરફાર માટેના સૂચનોનો પત્ર આપ નીચેના ફોટોગ્રાફ્સમાં નિહાળી શકો છો.













January 20, 2017

પ્રવાસ તો પ્રવાસ છે !


હજારવાળો- પાંન્સોવાળો કે પગવાળો – પ્રવાસ તો પ્રવાસ છે !
 શિયાળાની ઠંડી શરૂ થાય એની સાથે જ આ વખત પ્રવાસ ક્યાં અને ક્યારે ? એ બે પ્રશ્નની ગરમી શરૂ થઇ જાય !
          ક્યારે? જરૂરી સંખ્યા થાય ત્યારે ! ક્યાં ? તમે નક્કી કરો ત્યાં ! લાંબા પ્રવાસ માટે તો આ લખાય છે ત્યાં સુધી ૧૪ વિદ્યાર્થીઓ જ ફી જમા કરાવી શક્યા છે ! પરંતુ મહીસાગર કાંઠે જવામાં ક્યાં સંખ્યા જોઈએ ? ક્યાં પૈસા જોઈએ – માત્ર પગમાં જોર જોઈએ..
         ગુણોત્સવની તૈયારી માટે બાળકોએ સામાન્ય કરતા વધુ સમય બોર્ડ સામે વિતાવ્યો હતો – એમને આ ચાર દીવાલથી મુક્ત એવા વર્ગખંડમાં લઇ જવાની જરૂર હતી. નાગરિક ઘડતર અંતર્ગત “બાળ સંસદ” ની બેઠક બોલાવવાની બાકી હતી. “સ્વચ્છ ભારત” અથવા “મારા સ્વપ્નની શાળા” અંગે એક ચિત્ર સ્પર્ધા કરવાની હતી. આવા, ત્રણ વાના અને ચોથું - મુખ્ય વાનું સાથે મળીને ખેતર વાટે જવાનો આનંદ ! થોડી દોડાદોડ –ભાગમભાગ અને બધું વ્યવસ્થિત ગોઠવી – અમારા પગ ઉપડ્યા – રસ્તામાં ધૂળ ઉડે ક્યાંક કોતરમાં પાણીમાં પગ પલળે, ક્યાંક કાંટા અને ક્યાંક સરસ કેડી ! ચારેબાજુ લીલાછમ ખેતરો – એમાં થયેલા પાક – “હું તો અહી પંદર દા’ડે એક વાર તો આવું જ !” “ આ હેરોના મુવાડા વારા ભગવાનદાસનું સેતર” “આ હાપનો રાફડો” “અડકાય? – અડકી જોઉં ?” એમ વાતોના ઝપાટા સાથે પગ પણ ચાલતા ! સામાન્ય રીતે ખેતરમાં કામ અર્થે આવનારા બાળકો આજે એને નવી રીતે જોઈ રહ્યા હતા – રોજ એ રાફડાને અડકતા ડરતા આજે અમારી હાજરીમાં અડકી લઇ – ખાતરી કરી લીધી કે જરૂરી નથી કે એમાં સાપ હોય જ – આવા અનેક શેરીંગ થયા ! પહેલા ધોરણના કેટલાક ટાબરિયા વળી ટેઢા થયા કે હવે અમારાથી નથી ચલાતું....તો મોટા વિદ્યાર્થીઓએ એમને ઉપાડી લીધા – કેડે કરી કે ખભે ઉચકીને ચાલ્યા જતા એ બાળકો જાણે અમારા ગામની આવતીકાલ છે ! કલાક જેટલી દડમજલ પછી માતાના મંદિરે પહોચ્યા – અટકવાની વાત નહિ – ઝડપથી સ્ટમ્પ રોપાઈ ગયા, માઈક સેટ - અને ક્રિકેટ, ગાયન, વાદન અને એક બાજુ ચિત્ર માટે કાગળ - રંગ સોંપી દેવાયા...જ્યાં બેસી દોરવું હોય તે છૂટ છે !
               આખો મહીસાગર કિનારો અમારા દેકારાથી ગુંજતો હતો તો ડી.પી.ઈ.ઓ.બેનશ્રી અચાનક ત્યાં આવી પહોચ્યા ! પ્રવાસે નીકળીએ ને ત્યાં કોઈક પોતીકું મળવા આવે તો ઘાટ થયો. બહેને પણ પોતાનામાં રહેલું અધિકારીપણું ફગાવી – જીલ્લાના શૈક્ષણિક વડાને શોભે તેમ – અમારા બાળકો સાથે ભળી ગયા – ક્રિકેટનું બેટ પણ પકડ્યું, “લાવો એક ઓવર હું પણ રમી લઉં !”
        દોડાદોડી અને કુદાકુદી પછી પેટપૂજા પતાવી ફરી એ જ ધમાચકડી મચાવી !
                  બાળ સસંદનું સેશન ત્યાં જ મંદિરના ઓટલે થયું અને બધા ગ્રુપ ચર્ચા કરવા માટે પોતાના કન્વીનર શિક્ષક સાથે નદીમાં ઉતર્યા ! મહીસાગરના ખડકો પર બેસી ચર્ચા કરી.... ચર્ચા પછી કેટલાક બસ મુંગા મૂંગા પાણીને જોઈ રહ્યા – કોઈકની નજર પક્ષીઓ પર ચોટી, કોઈકે પાણીમાં તરતું નાળીયેર બહાર કાઢ્યું- બીજાએ તે પાછું ફેકાવ્યું, કેટલાકને વળી પાણીમાં પથ્થરની પીચ પાડવાની ચાનક ચઢી ! કોઈકે જરીક આઘાપાછા થઇ ચણીબોરની જયાફત ઉડાવી ! એક ગ્રુપને વળી શું સુઝ્યું કે તે ચુપચાપ કોઈકને ટાર્ગેટ કરે એની નજીક ધીમે ધીમે જાય અને પછી જ્યાં શિક્ષક કહે “હલ્લા બોલ...” એટલે ગ્રુપના બધા સભ્યો એને ઘેરી વળે- ભેટે - ઉચકી લે --- શિક્ષકોનો પણ એમાં વારો આવી ગયો – અને આ બાળકોનું ભેટવું એટલું ઉત્સાહપ્રેરક હોય કે તમે તમારો થાક ભૂલી જ જાઓ !
















    



January 01, 2017

બાળકોનો પ્રકૃતિ પ્રેમ અને શાળા પરિસર...

þ બાળકોનો પ્રકૃતિ પ્રેમ અને શાળા પરિસર þ

                    મિત્રો, માનવ સહજ સ્વભાવ છે કે તેને પ્રકૃતિ પ્રત્યે આકર્ષણ હોય છે. જન્મજાત આપણે સૌ આસપાસનાં પર્યાવરણ માંના ઝાડ-પાન-પશુ-પંખી પ્રત્યે લાગણીઓથી ગૂંથાયેલા હોઈએ છીએ. પર્યાવરણનું જતન કરવું અને તેમાંના પશુ પંખીઓને પોષવા - તે ઉદેશ્ય આપણી સમાજ વ્યવસ્થાએ માન્યતાઓ ધ્વારા આપણી રહેણીકરણીમાં વણી લીધું છે. તમે તમારું બાળપણ યાદ કરશો તો ખ્યાલ આવશે કે નાનપણથી જ આપણી આસપાસનાં પશુ પંખી જીવજંતુને નુકશાન ન થાય તે માટેની પરોક્ષરૂપે પ્રેરવામાં આવ્યા છે અને એટલે જ તો બાળક પડી જાય અને રડવા લાગે તો તરત જ આપણે બોલી પડીએ છીએ કે “ અરરર, જો જો કીડી મરી ગઈ અથવા તો જો કીડીને પણ વાગ્યું ! – સાંભળતાં જ બાળક રડવાનું છોડી જાણે કીડીને શોધવામાં લાગી જાય છે. [ વાક્ય ભલે બાળકને રડતું બંધ કરાવવા બોલાયું હશે, પરંતુ અજાણતાં જ બાળકોમાં એ ભાવના પેદા કરવામાં આવે છે કે જો તારા પડવાથી બિચારી કીડીને પણ વાગ્યું. જે વાક્ય અગામી સમય માટે બાળકમાં જીવજંતુઓ પ્રત્યેની સંવેદના અને દરકાર ઉભી કરે છે. ] પોતાના પડવાથી જીવજંતુને નુકશાન થયાનો બાળપણમાંથી જ અહેસાસ કરાવતી સમાજિકતાને ક્રમશઃ જાળવી બાળકો આસપાસનાં પર્યાવરણમાં સમાયેલ જીવો પ્રત્યે સોહાર્દ કેળવે તેવું શાળા પરિસર ઉભું કરવું જ રહ્યું ! અને આ જ તો શાળા વ્યવસ્થામાંના પર્યાવરણ વિષયનું હાર્દ છે.   

શાળામાં પરિસરમાં અક્ષયપાત્ર પ્રવૃત્તિ અંતર્ગત પક્ષીઓ માટે અનાજ લાવી અક્ષયપાત્રમાં ઉમેરતી અમારી દિકરી રાજેશ્વરી...