April 08, 2016

વિશ્વની અર્ધી વસ્તીને.....


વિશ્વની અર્ધી વસ્તીને.....
                 સ્ત્રી અધિકાર, મહિલા સશક્તિકરણ, કન્યા કેળવણી જેવા અનેક શબ્દોને ચરિતાર્થ કરવા એના વિષે વાત કરવા જેવા સહેલ નથી હોતા !  વર્ષોથી ઘર કરી ગયેલા પૂર્વગ્રહો – છોકરીઓના શિક્ષણમાં આડખીલી બને જ છે ! શાળામાં મોકલવાથી માંડી તેમના માટે ભણવા માટેના સાધનોની ઉપલબ્ધિમાં તેમને પ્રાયોરીટી ભાગ્યે જ મળે છે. છોકરીઓ પણ એને સ્વાભાવિક જ ગણે છે.ઘરનું કામ પૂરું કરવું એ શાળાના ગૃહકાર્ય કરતા વધુ મહત્વનું હોય છે. કદાચ કેટલાક સંજોગો અને જે આર્થિક પરિસ્થિતિ તેમની સામે છે, તેમાં ઘરકામમાં હિસ્સેદારી કરવી એ એમની જવાબદારી પણ હોય ! આપણને એ બાબત ખુંચે ત્યારે, જયારે ઘરકામ – તેમના શીખવાના સમયનો પણ ભોગ લઇ લે.
              નવાનદીસર જેવા વિકસતા ગામડામાં આ મુશ્કેલી માત્ર છોકરીઓ પૂરતી રહેવાને બદલે છોકરાઓના શિક્ષણને પણ ભરખી જવાનો પ્રયત્ન કરે છે. બાળક થી કિશોર થવાની યાત્રામાં જ તેમના માથે આર્થિક ઉપાર્જનની જવાબદારીઓ થોપી દેવાય છે.
                      આ સ્થિતિને ધ્યાનમાં લઇ આ વખતે વિશ્વ મહિલા દિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓની માતાઓને શાળામાં આમંત્રણ આપ્યું. તેમની સામે વાત શું મુકવી ? તમારા બાળકોને નિયમિત શાળામાં મોકલો ! – એ કહેવાનો અર્થ એમને સ્પર્શે ક્યારે ? એમની આંખમાં એમના બાળકોના ભવિષ્યના સ્વપ્ન કેવી રીતે આંજવા ?
          અગાઉના શનિવારે શાળા પુસ્તકાલયમાંથી સ્ત્રીઓ વિશેના પુસ્તકો અલગ તારવી વાંચવા આપ્યા. તેમાંથી તેમની મમ્મીઓ સમજી શકે એવી ભાષામાં એ પુસ્તકની વાત નોધી લાવવા કહ્યું. વાંચી કદાચ બધાએ હશે, પણ ત્રણેક છોકરીઓએ સરસ સમરી લખી હતી. તેમણે બધા સામે એ વાંચી. એમાંય “થેંક યુ મમ્મી” માંથી જય વસાવડા થી માંડી અમિતાભ બચ્ચનના જીવન ઘડતરમાં તેમની માતાઓની ભૂમિકા વિષે દિવ્યા વાંચતી હતી ત્યારે આવેલ માતાઓની આંખોની ચમકમાં અમને ગામનું ભવિષ્ય ચમકતું દેખાતું !
ચાલો, પ્રયાસ તો કરીએ આ વિશ્વની અર્ધી વસ્તીને સહારે એક બહેતર સમાજની રચના માટેનો !

No comments: