April 18, 2016

યાદોનું અજવાળું !


યાદોનું અજવાળું !

શાળાને નવી ઈમારત મળવાની પહેલી શરત હતી, તેની  જુની  ઈમારતની વિદાય !
ઈમારત રચવામાં સજીવોનો જ ફાળો હોય છે !
           જયારે એ ઈમારતમાં શાળા શરૂ થાય એટલે તો એમાં સજીવારોપણ થાય, જેમ કોઈક શ્લોક બોલી આપણે સોપારીને ગણેશ સમજીએ એમ જ ! અહી, શ્લોકના ગુંજનના બદલે ગુંજ્યા હતા કેટલાય ખડખડાટ હાસ્યો, પહેલીવાર પગ મુકતી વખતના ડુસકા અને નીરવ રાત્રીએ જેમ વરસાદના બુંદો જેમ ટપક ટપક ધ્વની કરે તેવા જરાક અમથું મલકીને શાંત થતા પ્રેમાળ સ્મિત ! જેને અમે સૌએ માતાના ખોળા સમાન ગણી હતી, જેમાં નિર્ભય રીતે અમે સૌ અવનવા માનસિક પ્રવાસે ઉપડ્યા ! ના, જાણે આ સ્થળે અમને સૌને – કેટલીય પેઢીઓને – અવનવા અનુભવો પૂરા પાડ્યા ! અહી, પહેલી પહેલી વાર લખવા શીખાનારે એની દીવાલે દીવાલે એનું નામ ચીતર્યું હતું, આ એ જ દીવાલો હતી જેને ટેકે આડા પડી રહેતા ! બપોરે ક્યાંક એની લાંબીમાં લંબાવી દેતા ! કોઈકવાર આના જ કોઈક પગથીયે ભટકાઈ કોઈક એને માથું ફોડ્યું અને એના માથા સાથે આ માના ખોળાને ય રક્ત રંજીત કર્યો હતો !એને સતત દર વર્ષે સાજ સજાવતા હતા ! કયા બારણા પર કયું ચિત્ર દોરાવીશું એના માટે દિવસો સુધી ઝગડ્યા હોઈશું ! બારીઓની તુલના કરતા – એ બારીના સળિયામાંથી વર્ગમાંથી બહાર નીકળવાના કરતબ કરતા ! દર છ માસે એના છાપરા પર ચઢી એના પરના વ્રુક્ષોના પાંદડા વાળતા –અને માત્ર હું જ અહી સફાઈ કરી શકું એનો વટ પાડતા ! એની દીવાલ પર દોરેલી મોટ્ટી મોટ્ટી માપપટ્ટીથી થી અમારી ઉંચાઈ માપતા, એ કયા પક્ષીના પગ છે, આ કોની ટોપી છે, આ કયા તહેવારનું ચિત્ર છે તેની માથાપચ્ચી કરતા ! જેવી ચિત્ર સ્પર્ધા આવે કે તરત જ એ થીમને અનુરૂપ ચિત્ર મને ક્યાંથી મળશે તેની સામે ગોઠવાઈ જવાની ઉતાવળ કરતા !
                 અહી, ખંડોમાં ગુંજેલા કાવ્યો અને બેન્ચીસને ઢસડતી વખત થતા લીસોટાના અવાજો ! જયારે એ ખંડોમાં ગ્રીન બોર્ડ નહોતા લાગ્યા ત્યારે દીવાલ પર રચાયેલા કાળા પાટિયા પર અડધું પડધુ વાંચવા – આંખોને ઝીણી કરતા અમે ! આ બોર્ડ પર જ અમે શીખ્યા હતા સરવાળા,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર ! આ જ ઈમારત સાક્ષી બની છે જયારે મને ગણિતમાં ઘુસેલા એ.બી.સી.ડી.ના મૂળાક્ષરોથી પરેશાની થયેલી. અહી, જ અમારા મોઢા વિસ્મયમાં પહોળા થઇ જતા, તો સાહેબ સાથે ગુસ્સે  થઇ સાહેબ બાજુ જોવાનું બંધ કરી અમે રીસાયા છીએ એ સમજાવવા માટે એના ચકર ચકર ફરતા પંખા તરફ જોઈ રહેતી અમારી આંખો ! અમારો વિરોધ દર્શાવવા અમે હમણા જ કરેલું આંદોલન – ને એને અવાજ આપવા અમે ચીતરેલી દીવાલો !  છાપરાના કાણામાંથી કોઈકવાર ટપકતું પાણી અને તેમાં કોરી જગ્યાએ ખસી જવાની હોડ લગાવતા, તો વળી તડકો કેટલા વાગ્યે ક્યાં આવે - અને હવે અહી આવશે એટલે રીસેસ પડશે – એનો અંદાજ લગાવતા !
કેટલું બધું રચાયું હતું આ ઈમારતમાં !
જાણે સાત રંગોનું રચાતું મેઘધનુષ અહી, સાત લાખ રંગોથી રચાતું હતું !
આ રંગોનું એક પવિત્ર અજવાળું છે. અને અમે સૌ એ અજવાળાને અમારી આંખોમાં આંજીને નવી ઈમારતમાં જઈશું ! “તમસો માં જ્યોતિર્ગમય” – અમારા પંથ પર વર્ષો સુધી શીખવાના પ્રયત્નોમાંથી ઉતપન્ન થયેલું આ અજવાળું અમારું પથદર્શક બની રહે; એવી ચમક અને અને ઈમારતની વિદાયના નહિ ખરેલા આંસુ સાથે ! – “લવ યું માં”  - તું હમેશા જીવનભર અમારામાં જીવીશ !

જૂની શાળામાં Building ALearning Aid અંતર્ગતના શણગાર પામેલા અમારા વર્ગખંડોના બારણાબારીઓથાંભલાદીવાલોનકશાઓરસ્તોફન-વે આ બધું આપ વિવિધ ભાગમાં ક્લિક કરી જોઈ શકો છો.  

No comments: