બાળમેળો – Life-Skill
આપણા વિદ્યાસહાયક તરીકે કારકિર્દી શરૂ કરનારા મિત્રો જયારે વિધ્યાર્થી કાળમાં હતા, તે સમય ગાળામાં મેળો શબ્દ સાંભળતાં જ શરીરમાંથી એક આનંદનો લસરકો પસાર થઈ જતો. તહેવારો માનવીના જીવનમાં આનંદ લાવે છે – એ તો આપણે સૌ જાણીએ છીએ, જયારે તહેવારો પરના મેળા માનવ જીવનમાં સામુહિકતાના આનંદનો અનુભવ કરાવે છે. "મેળો" - એનું નામ પડતાં જ નાના-મોટા સૌ આનંદથી ઊછળી પડતાં . પોતે પાછલા મેળામાં કેવી મજા કરી હતી તેની એકાદ વાત તો નીકળી જ જાય. તહેવારોને જો સોનું ગણવામાં આવે તો મેળાને તહેવારને મહેકાવતી સુગંધ કહેવી જોઈએ.. આ મેળાઓ ધાર્મિક તથ્યો અથવા માન્યતાઓ સાથે મળતાં ગયા, પછી તેમાં ધીમેધીમે સામાજીકતાનું પ્રભુત્વ પણ વધતું ગયું. કેટલાક મેળાઓ સમાજને આધારે અને સંસ્ક્રૃતિને આધારે ઓળખ મેળવતા થયા. આજે જ્યાં જ્યાં મેળા ભરાય છે તે મેળાઓ ફક્ત આનંદિત ટોળાનો મેળવાળો ન રહેતાં સમાજ અને સંસ્ક્રૃતિનું મેળવણું થતું ગયું . ધીમેધીમે કેટલાક મેળા તો સંસ્કૃતિના નામે પણ આજે પ્રચલિત બન્યા
છે. મેળો એટલે એક એવું સ્થળ છે કે જ્યાં દરેક માણસ મજા કરવા જ જાય. મિત્રો સાથે અથવા તો પરિવાર સાથે...સામાજિક જીવનના મેળા પરથી હવે સીધો કૂદકો મારીએ આપણી શાળાના મેળામાં. હવે એ વિચારો કે
આપણે હમણાં જ જે મેળામાં હરતાં – ફરતાં મજા કરતાંની વાતો કરતાં હતાં તેવી જ અને
તેટલાં પ્રમાણની મજા આપણે આયોજિત કરેલ આપણી શાળાના બાળમેળાના કોઈ એક ખુણામાં ક્યાંય છે? – જો
બાળકની દ્રષ્ટિએ જવાબ હા હોય તો આપણે સાચા અર્થમાં મેળાને શાળાના કમ્પાઉન્ડમાં
લાવવામાં સફળ થયા છીએ અને આ આપણી પહેલી મોટી સફળતા . બીજી વાત એ કે, મેળાનો
મુખ્યને મુખ્ય ઉદેશ્ય બાળકોને મજા આવે તે માટેનો જ હોઈ શકે છે પરંતુ જો આપણે આપણી
સુઝબુઝ અને શૈક્ષણિક દ્રષ્ટી વડે જો તેમાં પરોક્ષપણે શૈક્ષણિક OutComes ઉમેરી દઈએ તો તે આપણી બીજી મોટી
સફળતા ! હા પરંતુ એટલો ખ્યાલ તો રાખવો જ પડશે કે શૈક્ષણિક OutComes બાળકોના આનંદના ભોગે તો ન જ ન હોય. શૈક્ષણિક OutComes વાતનો જરા પણ ખ્યાલ બાળકોને આવી ગયો તો સમજવું કે આપણી બધી જ મહેનત પર પાણી – કારણ કે બાળકો પછી મેળાને પણ વર્ગખંડ જ માની લેશે. જયારે આપણો ઉદેશ્ય
વર્ગખંડનો પણ વાતાવરણ અને તેનો આનંદ મેળા જેવો જ !
No comments:
Post a Comment