February 11, 2010

January- Flashback!


5-1-2010

દૂરવર્તિ શિક્ષણ

શિક્ષણ કાર્યમાં કોઇક વાર એવું બને છે કે કોઇ એકમ માટે શિક્ષક ધ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવવા છતાં તે એકમનું હાર્દ બાળકો સુધી પહોંચાડી શકાતું નથી અને કંસારની જગ્યાએ થુલું બની જાય છે અને આવા સમયે શિક્ષકશ્રીની મહેનત, બાળકોનો સમય અને સરકાર શ્રીના નાણાં એડહોકે [એળે] જતાંનો ભાસ થાય. માટે આ કંસાર [એકમના હાર્દ] ને બચાવવાના જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગરના પ્રયાસ પૈકી એક છેદૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ. જેમાં જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર ધ્વારા ગુજરાત રાજ્યમાંથી લાખો શિક્ષકોમાંથી ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના એકમોના શિક્ષણ માટે કેટલાક એવા શિક્ષકોની પસંદગી કરવામાં આવી જે સરળ રીતે બાળકોને આ ત્રણ વિષયોના એકમોનું શિક્ષણ અને સાર આપી શકે. ગોઠવણ પણ એવી કરવામાં આવી કે આ પસંદગી પામેલ શિક્ષક શ્રી બાયસેગ સ્ટુડિયોમાં જે તે એકમનું શૈક્ષણિક કાર્ય કરે છે અને ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાના બાળકો તે જ સમયે તે શૈક્ષણિક કાર્યને ટી.વી. સેટ પર જોતાં –જોતાં તેમાં થતી પ્રવ્રુતિઓ ને પોતાના વર્ગખંડમાં કરે છે, વર્ગશિક્ષક શ્રી માર્ગદર્શકનું કામ કરે છે.
આ કાર્યક્ર્માં બાયસેગ સ્ટુડિયોમાં અંગ્રેજી વિષયના શૈક્ષણિક કાર્ય [ડેમોસ્ટ્રેશન] કરવા માટે જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર ધ્વારા અત્રેની નવાનદીસર શાળા પરિવારના જ શિક્ષક શ્રી રાકેશ પટેલની પસંદગી કરવામાં આવી, જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. શાળા પરિવાર તેમને ખૂબ-ખૂબ અભિનંદન આપે છે.
દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ. માં ટેલીવિઝન પર પોતાના જ વિષય/વર્ગ શિક્ષક શ્રીને નિહાળવાનો લાહવો પણ અમારા બાળકો ખૂબ જ અનેરો હતો.તેમના માટે તો તે દિવસનું શૈક્ષણિક કાર્ય મોસાળમાં જમણવાર અને મા પીરસનાર જેવું હતું, માટે જ જેવા પોતાના શિક્ષક શ્રીને ટેલીવિઝન પર નિહાળ્યા કે તરત જ બાળકોએ ખુશી અને તાળીઓથી પોતાના શિક્ષક શ્રીનું દૂરવર્તી સ્વાગત કર્યુ હતું. જે ક્ષણ અમારા માટે બાળકોના દિલમાં અમારા પ્રત્યેનું પોતાના-પણું દર્શાવતા દસ્તાવેજ સમાન હતું.




૮ મી જાન્યુઆરી

સિક્લ સેલ એનેમિઆ

એક એવો રોગ જે સમયાંતરે કામ કરવાની શક્તિને ઘટાડે છે. જેના લક્ષણોની વાત આપને ફરી કરીશું.. આજે બાળકોને અમે આપેલ શિક્ષણનો બાળકો મોટા થઇ સમાજોપયોગી બનવાની પૂરી ઇચ્છા હોય પરંતું જો તે સમયે શરીર સાથ ન આપે તો તે બધું જ શૂન્ય થઇ જાય, આજે આપણે આપણા બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરીશું તો જ બાળકોની આવતી કાલ પણ સ્વ્સ્થ રહેશે અને આપણે આપેલા શિક્ષણનો સમાજ માટે ઉપયોગ કરશે. સિક્લ સેલ એનેમિઆ એક એવો રાક્ષસ છે જે તમારી નજરની સામે જ તમારા બાળકની અંદર અને તેની સાથે-સાથે મોટો થઇ રહ્યો હોય છે. આવા રાક્ષસનો નાશ કરવા ,આપણી શાળાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા એક શિક્ષક અને એક શિક્ષિત તરીકે જાગ્રુત રહેવું પડશે જ. અમે પણ અમારા શાળાના ધોરણ- 3 થી 7ના બાળકોના લોહી ટેસ્ટના રીપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ. આવો ભગવાનને પ્રાર્થના કરીએ કે એક પણ સિક્લ સેલ એનેમિઆ અમારી શાળામાં ન હોય.
તમે પણ તમારો અને તમારા બાળકોનો સિક્લ સેલ એનેમિઆ નો ટેસ્ટ નજીકની સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર્માં વિના મૂલ્યે કરાવી શકો છો.
જરૂર છે ફક્ત સ્વાસ્થ્ય પ્રત્યેની જાગ્રુતિની

આ અંગેની વધુ માહિતી ફરી ક્યારેક!

12મી જાન્યુઆરી

સ્વામીવિવેકાનંદ જયંતિ

12મી જાન્યુઆરી એટલે સ્વામીવિવેકાનંદ જયંતી. અત્યાર સુધી અમે પણ સ્વામીવિવેકાનંદના વ્યક્તિત્વને હિન્દુ ધર્મ વિશેષજ્ઞ અને આધ્યાત્મિક મહાપુરૂષ જ તરીકે નિહાળતા હતા. અમે પણ તેમના શિકાગોના ‘સર્વધર્મ સભા માંના સંબોધનની ‘’મારા વહાલા, અમેરિકન ભાઇઓ અને બહેનો, જેવી પ્રથમ લીટીથી જ તેમની મહાનતાની વાખ્યા બાંધી દેતા. પરંતું જેમ-જેમ તેમના વિશેના સાહિત્યથી પરીચિત થતા ગયા તેમના માટે મહાનતા શબ્દ નાનો અને આધ્યાત્મિક શબ્દ સંકુચિત લાગતો ગયો.
હિંદુસ્તાનમાં હિન્દુ ધર્મ અને સંસ્ક્રુતિ વિશે લોકોમાં જાગ્રુતિ લાવવા માટે સૌથી મહત્તમ ચિંતા અને પ્રયત્નો જો કોઇએ કર્યા હોય તો તે મારા મત મુજબ વિવેકાનંદજી જ છે. આ વાત ઉપરથી તમને પણ કદાચ એમ લાગતું હશે કે સ્વામીવિવેકાનંદ મન આ દુનિયામાં પ્રથમ મહત્વનો પોતાનો ધર્મ હતો. તે ખરેખર અર્ધસત્ય અને આપણી અજ્ઞાનતા જ છે....શાળાના વિદ્યાર્થી રાહુલ બામણીયા (ધોરણ-૩) તેમનું વિશ્વ પ્રસિદ્ધ વક્તવ્ય વાંચી તેમને New Style થી Happy birth day કહ્યું!

16 જાન્યુઆરી- ઉંચે ઉડે આપણો પતંગ
ઉત્તરાયણ આમતો ખગોળીય તહેવાર છે.
ઉત્તરાયણને મકરસક્રાંતિ કહીએ છીએ પણ –
સૂર્યનું મકર રાશિમાં જવું અને સૂર્યનું ઉત્તર તરફ નમવું, બંને બાબતોનો સમય જુદો હોય છે.
હવે આ વખતે ઉત્તરાયણ હતી (દર વર્ષની જેમ ) ૨૨ મી ડિસેમ્બરે-
અને
આપણે બધાએ ભલે ૧૪મિ જાન્યુઆરીએ મકરસક્રાંતિ ઉજવી હોય પણ આં વખતે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ૧૯ મી જન્યારીની રાત્રે થવાનો હતો...
એ ભલે તો આપને પતંગોત્સવની જ વાત કરીએ-
પતંગોત્સવ દર વર્ષે ઉજવાતો જ હતો..પણ આ વખતે કૈક નવું વિચાર્યું..
આ વખતે ખરીદેલી પતંગો...ભલે ઘેર આપણા બાળકો ચગાવે....પણ આપણા સૌની અગાશીઓ પર કપાઈને આવેલી પતંગો ૧૬ મી એ શાળામાં લાવવાની અને બધાએ ચગાવવાની..સાથે બધાએ ઘેરથી તલ સાંકળી લાવવાની...
તો બધા શિક્ષકો એ નિર્ણય સાથે છુટા પડ્યા..
૧૬ મીએ અમે લૂટેલો આનંદ તો અમારામાંથી કોઈ નહિ વર્ણવી શકે પણ ....બધા એ વાત પર ખૂબ હસ્યા કે...” યાર! આ વખતે ઘરે પતંગ ચગાવામાં મજા આવી એના કરતા એના કરતાય પતંગો લુટવાનો આનંદ વધુ આવ્યો! “
ચાલો ૧૬ મી ના પતંગોત્સવની બે-ત્રણ અલપ-ઝલપ!
પતંગ-પર્વનો શ્રેષ્ઠ ફોટોગ્રાફ!

26મી જાન્યુઆરી
પ્રજાસત્તાકદિન પ્રજાની સત્તા પ્રજાને જણાવવા ઉજવવો....
બાકી આજે તો પ્રજાસત્તાક ભારતમાં પ્રજાને તેની સત્તાની પડેલી જ નથી...
સબળ લોકશાહી માટે શિક્ષણ અનિવાર્ય છે તેની સાથે...વધુ દ્રઢતાપૂર્વક દેશને આગળ વધારવા માટે તેને એવા નાગરિકોની ભેટ આપવી પડશે કે
જે પ્રમાણિક હોય-પહેલાતો પોતાની જાત પ્રત્યે,પછી પડોશી,ગામ,રાજ્ય,દેશ પ્રત્યે-
તેનામાં બીજા પ્રત્યે સહાનુભૂતિ હોય.
જુથમાં કાર્ય કરી શકે.
સત્ય બાબતને નચિંત રીતે કહી શકતો હોય.
અમારી આ જીજીવિષાનું પરિણામ એટલે નાગરિક ઘડતર, તેની વાત તો ૨૬મિ ની પોસ્ટ માં વિસ્તારથી થઇ ગઈ છે....
આ વખતે ઉજવણીમાં ગામલોકોએ વધુ ઉત્સાહથી ભાગ લીધો- નદીસરના અગ્રણી અને સમાજ સેવકો આમ તો નદીસર (અમારું વી.ઈ.સી.નું ગામ)માં ધ્વજવંદન માં હાજરી આપે છે પણ આ વખતે તેમાંથી કેટલાકે અમારી શાળામાં આવ્યા. પરિણામ?
ગામના ભજન મંડળને મળેલુ હાર્મોનિયમ દિવસના સમયે શાળામાં જ રહેવા દેવું તેવો નિર્ણય!

અમારી જાન્યુઆરીની સફર તમને કેવી લાગી જરૂરથી જણાવજો!

2 comments:

BHAJMAN said...

હું એક શિક્ષકનો પુત્ર છું. અને આજીવન વિદ્યાર્થી છું.
તમારી જેવા શિક્ષકો નવાનદીસરની શાળાને મળ્યા તે વિદ્યાર્થીઓની ઇર્ષ્યા થાય છે.શિક્ષક જો રસથી ભણાવે તો વિદ્યાર્થીને પુસ્તક ઉઘાડવાની પણ જરુર ન રહે.
વિડિઓ શિક્ષણ માટે તમારી પસંદગી થઇ તે બદલ અભિનંદન!!

Hemant Vaghela said...

Good sense of blogging sir, i like the way you have captured the image of makarsankranti.