December 15, 2013

'સરદાર’ - બાળકોના ક્યારે બને ?


“સરદાર’ - બાળકોના ક્યારે બને ?
                                 
                                                            સરદાર વલ્લભભાઈ પટેલ એવું સાંભળીએ એટલે –“ભારતના લોખંડી પુરુષ” – “ભારતને એક બનાવનારજેવા જ વિશેષણો મગજમાં આવે. બાળકોને પૂછીએ કે સરદાર પટેલ વિષે શું જાણો છો તો બગલમાંનું ગુમડું ફોડવુંઅને ઘેનની દવા વગર વાળાની શસ્ત્રક્રિયાયાદ કરે.
સરદાર કેમ સરદાર ? વિષે આપણે ઓછું ચર્ચીએ છીએ !
સરદારને અસરદાર બનાવવામાં તેમની નિર્ણય શક્તિ’ ‘વહીવટી કુશળતા’ ‘દ્રઢ મનોબળ’ (હા ! “એકબાર મૈને કમીટમેન્ટ કર દી તો ફિર મૈ અપને આપ કી ભી નહિ સુનતાજેવું જ ) ની સાથે તેમનો અસરકારક ભાષા પ્રયોગ પણ કારણભૂત હતો. દેશભરમાં આજે (૩૧મી ઓક્ટોબર) સરદાર જયંતી ઉજવાઈ રહી છે ત્યારે તેમના કેટલાક સીધાસહેજે લાગણીમાં ભેળસેળ વગરના શબ્દો જોઈએ.
·   શરૂઆત તેમની જન્મતારીખથી – “મનમાં આવ્યું તે સન ૧૮૭૫ના ઓક્ટોબરની એકત્રીસમી તારીખ ઠોકી દીધી.” માં ઠોકી દેવું શબ્દ -- અને પછી જયારે જયારે સોગંદ સાથે જન્મતારીખ બોલવાની થાય ત્યારે આશરે શબ્દ ઉમેરી ને બોલ્યા તે સરળતા !
·         બીજગણિતના શિક્ષકને, “સાહેબ તમને દાખલો આવડતો નથી.” “તું ગણી આપ, મારા બદલે માસ્તર થઇ જા !” પછી દાખલો ગણ્યો પણ ખરો અને થોડીવાર ખુરશીમાં બેઠા પણ ખરા ! (ચાઈલ્ડ રાઈટનું પ્રથમ ઉદાહરણ ! )
·         બહારવટિયા વિરોધી દળ બનાવવામાં ખર્ચ થયો એમ કહી સરકારે વેરો વધાર્યો ત્યારે આ માત્ર બે-ત્રણ રૂપિયાનો સવાલ નથી. આપણે બે-ત્રણ રૂપિયા ના આપી શકીએ તેવા ભિખારી નથી, પણ સરકાર આપણને બહારવટિયાના મળતિયા કહે અને વેરો વસુલે છે. સરકારનું પોતાનું તંત્ર પડી ભાગ્યું છે અને તિજોરી પણ ખાલી થઇ ગઈ છે, તેવું સરકાર કબુલે તો વહીવટ સંભાળી લેવાની આપણી તૈયારી છે.”
·            એલીસબ્રીજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતો સાથે વાત કરતી વખતે, ખરેખર જમીન માલિક હોય તેમને વાજબી વેચાણ કીમત મળશે તેવી ખાતરી આપ્યા બાદ. “ગરીબ ખેડૂતોની જમીન હડપ કરી જનારા નામ માત્રના ખેડૂત કહેવાય તેવા ગીધડાઓ જોડે હું સોદાબાજી નહિ કરું.”
·            જયારે તેમની પર  ખેડૂતોમાં ભાગલા પડાવવાનો આક્ષેપ થયો ત્યારે કરામત મારી આગળ વાપરતા નહિ. કારણકે હું તેમાં હાર ખાવાનો નથી, તેની ખાતરી રાખજો. હું કેટલીક કડવી વાતો કરવાનો છું તમને તે ગમવાની નથી. પણ મીઠું મીઠું બોલવાનું મને ફાવતું નથી.”
·            ઉપમા-અને રૂપકો પણ વાપરતાશહેરનો કચરો સાફ કરવાનું કામ રાજકારણની ગંદકી સાફ કરવા કરતા તદ્દન જુદું છે. પહેલા કામમાં રાત્રે નિરાતે ઊંઘ આવી જાય છે. બીજામાં તો રાત્રે પણ ફિકર ચિંતા થાય છે.”
·         સમાજમાં કોઈકે તેમના વિષે કહ્યું,” વલ્લભભાઈ તો બાવો થઇ ગયો છે.” ત્યારેહું બાવો થઈશ તે પહેલા તેની સાત પેઢીને બાવા બનાવીશ.” એમ કડકાઈવાળી ભાષા પોતાના સમાજમાં વાપરે પણ સાથે મણિબહેનને કહે કે, જાહેર સેવામાં પડનારે ચામડી જાડી રાખવી જોઈએ અને માન અને અપમાન બને ગળી જવા જોઈએ.”
·         ભાષણોનો ખરો રંગ તો બારડોલી સત્યાગ્રહમાં જામ્યો હતો તેમાં અંગ્રેજો પર અને સાથે કાયર થઇ રહેલા ખેડૂતો પર પણ કટાક્ષો ! તે ખેડૂતો પર તીખા વાકપ્રહાર કરી તેમને જગાડવાના પ્રયાસો કરે– “તમે તો ઠીકરી છો..ફૂટવાનો ડર માટલાને હોય ઠીકરીને નહિ !” તો વળી દિવસના કેટ કેટલાય ભાષણો થાય તેમાં લોકોને પોતાની સાથે જોડી રાખવા હસાવે પણ ખરા આ પોલીસથાણામાં ભેંસોના બરાડા સાંભળો છો ? ખબરપત્રીઓ ખબર લખી લો અને છાપામાં છાપજો કે વાલોડના પોલીસથાણામાં ભેંસો ભાષણ આપી રહી છે.”
·         રવિશંકર મહારાજની ધરપકડ વખતે, “રવિશંકર મહાજની ધરપકડ કરી લેવાથી મારી પાંખ કપાઈ ગઈ તેવું સરકાર માનતી હશે...સરકાર પાંખ કાપી શકે..પણ હું ખાતરી આપું છું કે જેમ ચોમાસમાં ઘાસ ઉગી નીકળે તેમ મને નવી નવી પાંખો ફૂટતી રહેશે.”
·         ગાંધીજીની ધરપકડ પર અંગ્રેજોએ પાર્લામેન્ટમાં કહ્યું કેતેમની ધરપકડથી એક કુતરું ભસ્યું નહિ..” વલ્લભભાઈ ગામેગામ ફરી લોકને ખખડાવ્યા કે જેલો ઉભરાવી દેજો કે જેથી દુનિયા જાતે  જોઈ શકે કે  કુતરાને ભસતા આવડે છે કે નહિ !”
·         જેલમાં ખાવા વિષે પૂછવામાં આવ્યું ત્યારે ખેડૂતનો દીકરો ખાવાનું માંગે ખરો? તમારે આપવું હોય એટલું આપવું
આવા સરદારને આપણા બાળકોથી દૂર લઇ જવાને બદલે તેમના સામાન્ય પ્રસંગો બાળકોને આપીએ. તેમની સરળ-સીધી અને સ્થિતિ અનુસારના ભાષા પ્રયોગો તરફ બાળકોનું ધ્યાન દોરીએ, તેમની અડગતાના ઉદાહરણો આપીએ અને આ બધામાં પેલા વર્ષોથી ગવાતા આવતા બગલનું ગુમડું અને વાળાઓના પ્રસંગો તો છે જ !

સરદારની વાણી અને કહાની આપણને રાષ્ટ્ર માટે ઉત્તમ પ્રયાસો કરવા પ્રેરે તેવી શુભેચ્છા સહ ચાલો લિંક પર ક્લિક કરી નિહાળીએ બાળ-કૌશલ્યો યુક્ત- 

December 01, 2013

સોટી વાગે સમ...સમ........‘ને વિદ્યા આવે......


સોટી વાગે સમ...સમ........‘ને વિદ્યા આવે......
                              વર્ષોથી  પ્રાથમિક જગતમાં તમે-હું-આપણે સૌ એક કહેવત સાંભળતા આવ્યા છીએ..કે  “સોટી વાગે સમ...સમ અને વિદ્યા આવે ધમ...ધમ...” એનો શાબ્દિક અર્થ એવો કરવામાં આવતો કે “ શિક્ષાના સહારે જ બાળકો ઝડપથી શીખે છે.” તમને નવાઈ લાગશે કે કેટલેક અંશે આ અનુભવ કરનાર લોકો આનું સમર્થન પણ કરે છે, શિક્ષક તરીકે જયારે આપણે વર્ગખંડોમાં શિક્ષણકાર્ય કરવાનું થાય છે ત્યારે કેટલાક પૂર્વાનુભવી વાલીઓ શાળામાં આવીને અનૈતિક ઓથોરીટી આપતાં કહેતાં જોવા મળે છે કે “સાહેબ,અમારા બચુડાને ન આવડે તો તમ તમારે મારજો, અમે ભણતા’તા તાન’તો માસ્તર મારી મારીને ...........” મિત્રો, આપ જોશો કે આવી ઓથોરીટી પાછા મોટેભાગે એવા વાલીઓ આપતાં હોય છે કે જેઓએ “મારની બીકે અથવા તો બીજા કોઈ કારણસર વચ્ચેથી જ અભ્યાસને તિલાંજલી આપી દીધી હશે.”
                  શું “સોટી વાગે સમ..સમ.. “ વાળી કહેવત સાચી હોઈ શકે છે? શિક્ષણવિદોના મત મુજબ જો આપણે વિચારીએ તો “બાળકને કોઈ પણ વિષય વસ્તુને ચિરસ્થાયી રહે તે મુજબનું શીખવવા માટે જો તેની સાથે કોઈ પ્રવૃત્તિ અથવા તો કોઈ એવી ઘટના જોડી દેવામાં આવે કે જે બાળકના માનસ પર [નેગેટીવ કે પોજેટીવ] અસર કરી જાય તો આ ઘટના કે સહભ્યાસિક પ્રવૃત્તિ બાળકને  લાંબા સુધી યાદ રહી જાય છે.તેના સહારે-સહારે બાળકને તે વિષય-વસ્તુ પણ યાદ રહી જાય છે.” જયારે સોટી-યુગની વાત આવે છે ત્યારે માર્ગદર્શન કે કોઈ અન્ય કારણના અભાવે તે સમયના વર્ગખંડોમાં સહભ્યાસિક પ્રવૃત્તિ ન બરાબર  હતી, અને સૌથી સરળ અને હાથવગી પ્રવૃત્તિ હતી મહાવરો [એટલે કે દશવાર લખો-વીસ વાર લખો વગેરે] અને સોટી. જેમ કે કોઈ બાળકને ‘ક” બોલતાં કે લખતાં ન આવડતો હોય તો તેને વારંવાર લખવાનું અને છતાં પણ ન આવડે તો પછી સોટી. હવે જયારે બાળકને ‘ક” વિશે પુછવામાં આવતું ત્યારે તેને પહેલાં તેના માનસ પર પડેલી સોટી યાદ આવે અને પછી સોટીની સાથે જોડાયેલો “ક” યાદ આવતો !  
                        મિત્રો, આપણને અનૈતિક ઓથોરીટી આપી જતાં એ વાલીઓને ખ્યાલ નથી કે આજે તો વર્ગખંડો કેટકેટલીય સહભ્યાસિક પ્રવૃત્તિઓ અને નવીન પ્રયુક્તિઓથી સજ્જ છે, કે જેના ઉપયોગ વડે  બાળકનું માનસ પણ પ્રફુલ્લિત રહે  વિષયવસ્તુ સરળતાથી શીખવી પણ શકાય છે. આવી ઓથોરીટી આપતાં વાલીઓને મારી એટલી જ વિનંતી કે અમને અને તમારા બાળકને આવી ખોટી ઓથોરીટીની નહિ પણ , હૂંફ સભરના સહકારની જરૂર છે.  
" શિક્ષણ જરૂરી છે, પરંતુ બાળકોના "અમૂલ્ય હાસ્ય"ના ભોગે તો નહિ જ !!! " 

November 30, 2013

સંબંધોનું એક્સ્ટેન્શન.....!!!!

                                                         
સંબંધોનું એક્સ્ટેન્શન.....!!!!
              શાળાના ખૂણેખૂણો – પોતાની બેન્ચીસથી માંડી આચાર્યની ખુરશી; કમ્પ્યુટર વર્ગ થી કિચન ગાર્ડન – બિન્દાસ ઘૂમતા અમારા ટાબરિયા એક દિવસ “હોય....વોય...” કરતા શાળાના એક ખૂણામાંથી દોડી આવ્યા !
તેમની પાછળ અમારી શાળાએ પહેલા ક્યારેય ના સંભાળ્યો હોય તેવો ઘૂરકાટ !! –
ઘૂરકાટ- એક માં નો ! જેણે ૧-૨ ના પ્રજ્ઞા વર્ગોની પાછળ આઠ ગલુડિયાને જન્મ આપ્યો હતો !
આ હતી અમારા બાળકો અને ‘એ’ માતાની પહેલી મુલાકાત. એ આખો દિવસ તો લગભગ કોઈએ ત્યાં જવાની હિંમત ના કરી. સાંજ પડી બીજા મોળા સમાચાર આવ્યા – “એક બચ્ચું ગુમ છે.” એક્સપર્ટ ઓપીનીયનસ પણ સાથે જ ચર્ચાવા લાગ્યા. કોઈ એક મત પર બધા સંમત ના થયા. “ભૂખી કૂતરી જાતે જ ગલુડિયું ખાઈ ગઈ હશે !” “સાહેબ તમારે ગણવામાં ભૂલ થઇ હશે – બચ્ચા સાત જ હતા !”
જે થયું હોય તે – પણ સહસા અમારા પરિવારમાં એક નવું પરિવાર ઉમેરાઈ ગયું.
રચાયું અમારા સંબંધોનું એક્સ્ટેન્શન ! 
શિક્ષકો તરફથી બનાવી લવાતો શીરો હોય કે – રોજ રાત્રે ભરવાડ વાસમાંથી આવતા ચોપડેલા રોટલા !          

                        બધાનો ખ્યાલ પેલી માં ભૂખી ના રહેવી જોઈએ. અમારા બાળકોમાં ફફડાટ કે ભૂખી રહે ને જો બીજું બચ્ચું ખાઈ જાય તો ? રોજ મધ્યાહન ભોજનમાં ડીશો ચપાચપ સફાચટ થતી, તે હવે એક એક કોળીયો બચાવવા માંડી !   પાંચેક દિવસ આવો ક્રમ ચાલ્યો – પેલા તીણા તીણા અવાજોએ પોતાની આંખો ય નહોતી ખોલી ત્યાં દિવાળીનું વેકેશન આવી ગયું. એકલ દોકલ તો આવવાનું થશે પણ બધા તો વીસ દિવસ પછી મળીશું... “સાતમાંથી ચાર પાંચ જીવે તો સારું !” એવી મનસા બધાની. વેકેશન ખુલ્યાના પહેલા દિવસે રીતસર તેમની ખબર કાઢવા દોડી જવાયું ! પણ આ શું ? માનવ આકૃતિ જોતા જ – તેમનામાંથી એક તો સીધો મેદાનમાં કૂદી આવ્યો અને ઘૂરકવા માંડ્યું. “એય કોની પરવાનગીથી અહી ઘુસ્યા છો !?” જરા પ્રેમથી તેની પાસે જઈ સમજાવ્યું કે “બેટાજી, તમે આંખો નહોતી ખોલી ત્યારે આ બધા તમારી ચિંતા કરતા હતા ! તમારો તીણો તીણો અવાજ અને માતાને ધાવવાનો બુચબુચાટ સાંભળવા એ બધા પોતાનો કલબલાટ બંધ કરી દેતા હતા !”

        
                જે પહેલું ઘૂરકાટ કરતુ દોડી આવ્યું’તું એ જ હવે પહેલું દોસ્ત બનવા લાગ્યું ! ધીમે ધીમે બધાએ હળવા-મળવાનું શરૂ કર્યું. એમણે “એમનો’ ઇલાકો છોડીને અમારા બચ્ચાઓની જેમ જ મુક્તમને શાળામાં ખૂણેખૂણામાં ફરવા માંડ્યું. હવે, અમારા બચ્ચા અને એના બચ્ચા જેવો ભેદ મટી ગયો છે.
નામકરણ શરૂ થયું છે – એક ને અમારા રસોઈયા રાજુભાઈએ નામ આપ્યું ‘વિક્રમ ઠાકોર’ ! જે પહેલું દોસ્ત બન્યું એને નામ આપ્યું- “સારમેય” ! બધાને વાંધો પડ્યો ! “આવું નામ નહિ જોઈએ (ડીટ્ટો ધ્રુવભાઇ) – એ તો વોડાફોન જેવું દેખાય છે તેનું નામ વોડાફોન !”
ચાલુ છે આ સંબંધોનું એક્ટેન્ડ થવાનું....

આખરે અમને આનંદ છે – શાળા એક નવા સહજીવનની સાક્ષી બની.

October 27, 2013

ઉધઈ કે બાળક ??


¨ પુસ્તકાલય -: તમને કોણ વહાલું છે?? – ઉધઈ કે બાળક ??


                        વિચારોને હંમેશા વલોવતા રહેવા પડે છે, કારણ કે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જો તેને વારંવાર ઉથલાવીએ-હલાવીએ કે પછી વલોણાં વડે વલોવીએ નહિ તો ધીમે-ધીમે ઠરીઠામ થઇ સમયાંતરે કટાઈ અથવા તો બગડી જાય છે. આપણા વિચારોનું પણ આવું જ છે. અને તેના ઉપાય માટે ઉત્તમ “વલોણાં” નું કામ “સારા પુસ્તકો”  કરે છે. હવે તમે જ નક્કી કરી લો કે જો પુસ્તકો આપણાં વિચારોનું વલોણું છે તો પુસ્તકાલય ને શું કહીશું ?
    એટલે જ પહેલાં અને આજે પણ સાર્વજનિક તાલુકા/ગ્રામ પુસ્તકાલય જોવા મળે છે. ત્યાં ભીડ પણ જોવા મળે છે. પણ જો મારો અંદાજ ખોટો ન હોય તો મોટાભાગના લોકો પુસ્તકાલયનો ફકત અને ફક્ત ‘વર્તમાનપત્રાલય’ પુરતો જ ઉપયોગ કરતાં જોવા મળે છે. જો કે આજે મુદ્દો આ ન હતો, આજનો મુદ્દો હતો આપણી શાળામાંના “પુસ્તકાલયનું સુવ્યવસ્થિત સંચાલન”                


                              અહીં સુવ્યવસ્થિતનો અર્થ એવો છે કે એવી વ્યવસ્થા જેમાં બાળક-શિક્ષક-સમાજ ના વાંચવાથી પુસ્તક ફાટે. શાળા પુસ્તકાલયની એક કડવી હકીકત કહીએ તો -  ઉત્સાહી શિક્ષક પણ ક્યારેક સંચાલનમાં નિષ્ફળતા [અહી  “નિષ્ફળતા’ નો અર્થ પુસ્તકાલયનો નિયમિત ઉપયોગ ન થવો ] અનુભવે છે. તેનું ઘણાં કારણો પૈકી મુખ્ય એક કારણ છે પુસ્તકાલય સંચાલનમાં બાળકોની ખરા અર્થમાં ભાગીદારીનો અભાવ !  મિત્રો આપણે ગમે તેટલા ઉત્સાહી હોઈશું પણ સાથે-સાથે આપણી વ્યસ્તતા પણ એટલી જ હોય છે. જેથી બાળકોની હાજરીમાં હોંશભેર બનાવેલ ‘તે’ સમયનું મહત્વવાળું “પુસ્તકાલય સમય પત્રક” પણ પછીથી આવેલા “ખુબ જ અગત્યનું” લખેલા કાગળોને કારણે ગૌણ બની જતું જોવા મળે છે. અને પછી આપણે બાળકો સામે પ્રાર્થના/પ્રેરક પ્રસંગોમાં જોરપૂર્વક કરેલ પુસ્તકોની તરફદારી છતાંય  વ્યસ્તતાના સમયે કોઈ બાળક પુસ્તક વાંચવાની ઇચ્છા દર્શાવે તો પણ આપણે ટાળવાની કોશિશ કરતાં હોઈએ છીએ. આવા પરિસ્થિતિમાં બાળ-સહભાગી વ્યવસ્થા આપણા પુસ્તકાલયને યોગ્ય રીતે સંચાલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. કારણ કે આજે નક્કી કરેલું આયોજન સમયાંતરે આપણા માટે ગૌણ થતું જતું હોય છે પણ બાળકો તેનો ચુસ્તપણે જ અમલ કરતાં હોય છે, હા આપણી દેખરેખ તેમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે. અમારી શાળાનું પુસ્તકાલય પણ છેલ્લા ૫ માસથી બાજુમાં દર્શાવેલ ફોટોગ્રાફમાં જોવા મળતી સમિતિ રૂપી “બાળ-ગ્રંથપાલો” દ્વારા સંચાલિત થઇ રહ્યું છે, અને જેમાં
·                           બે બાળકો “બાળ-ગ્રંથપાલ” તરીકે હોય જેઓ પુસ્તકો આપવાની-પરત લેવાની અને તેને નોધવાની જવાબદારી નિભાવતાં હશે. 
·                         એક શિક્ષક માર્ગદર્શક તરીકે હશે જેને ઓછી તો ઓછી પણ દરેક પુસ્તક વિશેની માહિતી હશે, જેથી કયા ધોરણના બાળકોને કયું પુસ્તક આનંદ અને માહિતી આપશે તે મુજબની પુસ્તક લેવાની સલાહ આપી શકે.. 
·                            સાપ્તાહિક [અથવા અનુકૂળતા મુજબ] “પુસ્તક સભા” નું આયોજન થશે. જેમાં બાળકોએ ગત સપ્તાહમાં વાંચેલ પુસ્તકો વિશે પોતે કરેલ નોંધ અન્ય બાળકો સાથે share કરશે જેથી અન્ય બાળકોમાં તે પુસ્તક વાંચન માટેની આતુરતા ઉભી થશે.
·                                      શિક્ષક માટે પણ એ તમામ નિયમો લાગુ પડશે. [પુસ્તકો લેવા માટેના – વાંચી નોંધ કરવી- “પુસ્તક સભા” માં share કરવી ] શિક્ષકશ્રી માટે વધારાનો નિયમ એ હશે કે પુસ્તક વાંચનમાં પોતાના વિષયના પુસ્તકને અગ્રતા આપવાની રહેશે.
                
                                   મિત્રો, વેકેશનમાં ‘પુસ્તક તિજોરીમાં અને બાળકો ઘરમાં’  જેવી પરિસ્થિતિ ઉભી થાય છે, અને આ સમયનો પણ સદુપયોગ કરવા શાળા ધ્વારા  “આપણું પુસ્તકાલય” નું આયોજન કરી શકીએ છીએ. જેમાં દરેક ધોરણના એક-એક બાળકને અથવા તો દરેક મહોલ્લાના એક-એક બાળકોની નિમણુંક કરી શકાય. આ બાળકોને  સમગ્ર પુસ્તકાલયના વિષય-કક્ષા મુજબ સમ-ભાગે વહેંચી ઘરે આપી શકીએ. જેઓ વેકેશન દરમ્યાન પણ આપણા પુસ્તકાલયને કાર્યાન્વિત રાખશે. [પ્રયોગ અંતર્ગત આ વર્ષે નવાનદીસર ૧૪૦ પુસ્તકો/મેગેઝીન આ વેકેશનમાં વાંચશે – વાંચે વેકેશન !]
                          મિત્રો, સુવ્યવસ્થિત સંચાલન વાળું પુસ્તકાલય આપણા શિક્ષણકાર્યમાં કેટલું મદદરૂપ થઇ શકે તે  અમે લખીએ તેના કરતાં તમે અનુભવશો તો આપને વધારે ખ્યાલ આવશે. 
હવે તમારે નિર્ણય કરવાનો છે,કે આપણે પુસ્તકો કોનાથી બચાવવા છે?
 ઉધઈથી કે પછી બાળકોથી !    

September 29, 2013

ક્યાં સુધી ફક્ત શીખવતાં જ રહીશું ???


ક્યાં સુધી ફક્ત શીખવતાં જ રહીશું ???


    મિત્રો, શાળા એ ગામ કે શહેરનું સૌથી મોટામાં-મોટું ક્રિયાશીલ સ્થળ હોય છે. જ્યાં સમાજની ભાષામાં કહીએ તો બાળક સમજદાર બનવા આવે છે, વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જાણવા આવે છે અને જો આપણા મૂછાળી ‘માં’ની ભાષામાં કહીએ તો બાળક મિત્રો સાથે શાળાને માણવા આવે. આ થતી એક જ પ્રક્રિયા અલગથી ફક્ત વિચારાતી હોય છે. ચાલો, એકવાર એમ માની લઈને ચાલીએ કે “બાળક પણ એક લાગણીઓ સભરના કોમ્પ્યુટર જેવો છે.” જેમ કોઈ કોમ્પ્યુટરમાં આપણે સારી એવી કોઈ પ્રોગ્રામ સેટઅપ કરી લઈએ અને પછી આપણું ફક્ત કમાન્ડ [ઈનપૂટ] આપવાનું, ત્યારબાદનું મોટાભાગનું કામ તો કોમ્પ્યુટરમાં રહેલ સુપર પોગ્રામ જ તેને યોગ્ય રીતે  સ્ટાર્ટ અને રન કરે...અને આગળના પ્રોગ્રામોને યોગ્યતા પૂર્વક ચલાવે. બસ આ જ રીતે આપણે પણ આપણા આ બાળકોરૂપી  કોમ્પ્યુટરમાં બાળકને જયારે આપણે શીખવીએ ત્યારે જ તેઓની શીખવાની પ્રોસેસર RUN થાય, તેની જગ્યાએ બાળકોમાં જ રહેલી “LEARNING”  સ્કીલને વિકસાવી તેઓને સ્વ-પ્રયત્ન શીખવા માટેની તકો ઉભી કરવાનો સમય હવે આવી ગયો છે. આપણાં કોઈ એક એકમના અથવા તો એકમ બાબતના એક સુયોગ્ય ઈનપૂટ ધ્વારા બાળકમાં તે અંગે જાણવા-જોવા અને સમજવા માટેની પ્રક્રિયા વેગવાન બને, તેવો આપણો એક પ્રયાસ હોવો જરૂરી છે.  આ બાબત ધ્વારા શાળા એક એવી વ્યવસ્થા તરફ ઉન્ગલીનીર્દેશ  કરી રહી છીએ કે, જ્યાં બાળકને ઓછામાં ઓછી આપણી જરૂર પડે. પ્રાથમિક કક્ષાએથી એક એવી વ્યવસ્થા તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવે કે, બાળકોને શીખવવા માટે શિક્ષકની મદદ  કરતાંય વધારે સમય તેને સ્વ-પ્રયત્ન માટેનો મળે અને તે માટેના સંસાધનોથી સજ્જ જાણવા માટેની ભરપૂર તકો મળી રહે.. એક એવું વાતાવરણ/વર્ગખંડ કે જ્યાં બાળકને કોઈ મુદ્દાનું મનોમંથન કરવા માટે સમય અપાતો હોય... જાત પ્રવૃત્તિ દ્વારા શીખવા માટે પ્રોત્સાહિત કરાતો હોય વગેરે...વગેરે .. ટૂંકમાં કહીએ તો આપણી ઓછપ હાજરી છતાં પણ, તેની શીખવાની પ્રક્રિયા કાર્યવંતી બનેલી જ રહે તે માટેનું એક પર્યાવરણ..
                                    મિત્રો, આપણી નવાનદીસર  શાળાએ પણ “આવો,વનસ્પતિઓને ઓળખીએ’ એક પ્રોજેક્ટ અંતર્ગત આવો જ પ્રયત્ન કર્યો. જેમાં બાળકોની વિવિધ ઈન્દ્રીયો ધ્વારા શાળા પર્યાવરણમાં આવેલ વિવિધ વનસ્પતિઓની ઓળખ કરાવી અને એક ઈનપૂટ આપ્યું. શિક્ષકશ્રીએ બાળકો સાથે રહી...........
·        વનસ્પતિના પર્ણના આકારને જોઈને ઓળખ આપી.
·        ત્યારબાદ તે જ વનસ્પતિના પર્ણને સ્પર્શ ધ્વારા ઓળખ આપી.
·        ત્યારબાદ તે જ વનસ્પતિના પર્ણને સૂંઘીને તેની ગંધ ધ્વારા-નાક વડે ઓળખ આપી.
·        ત્યારબાદ તે જ વનસ્પતિના પર્ણને ચાખીને તેના સ્વાદ ધ્વારા ઓળખ આપી.
                    આમ વનસ્પતિની ઓળખ માટે બાળકોને એક ઈનપૂટ આપ્યો, હવે બાકીની વનસ્પતિઓ બાળકો આ રીતે જોતા ગયા અને તેની ઓળખ/અહેસાસ કરતાં ગયા. છેલ્લે મૂલ્યાંકન પણ એક રમત ધ્વારા જ કરવામાં આવ્યું. જેમાં તમામ વનસ્પતીઓના પર્ણો ભેગા કરી બાળકોને  વિવિધ રીતે તેને ઓળખી બતાવવા કહેવામાં આવ્યું. સાચું કહું તો બાળકો ધ્વારા સ્વાનુભવે શીખવાની એક પ્રક્રિયા કામ કરી રહી હતી અને શિક્ષકશ્રી તેમાં જરૂરી ઈનપૂટ આપી રહ્યા હતાં...
ચાલો સમજીએ, કેમેરાની આંખે....
 શાળા કમ્પાઉન્ડમાં આવેલ વિવિધ વનસ્પતિઓની ઓળખ 
 ત્યારબાદ બાળકોને વિવિધ સ્વરૂપે ઓળખ રૂપેનું મૂલ્યાંકન 
 સ્પર્શેન્દ્રિય ધ્વારા ઓળખ .....
સ્વાદેન્દ્રીય ધ્વારા ઓળખ 
સુગંધ ધ્વારા ઓળખ 
















August 24, 2013

શાળા સાથે ઘટેલ સત્યઘટના પર આધારિત....



મુલ્યોની શક્તિ હજુ પણ જીવંત છે...

રોજ વસ્તી વધારતું અને ઘટાડતું એક ગામડું...ગામને છેવાડે સરકારી પ્રાથમિક શાળા !
શનિવારે વહેલા શિક્ષક આવી શાળાનો ગેટ ખોલે છે...વિદ્યાર્થીઓ ઓફીસ રૂમમાંથી પોતાના જૂથ મુજબ વર્ગખંડોની ચાવીઓ સાથે જાય છે..અને એક વિદ્યાર્થીની બુમ આવે છે- અરે ! આ છઠ્ઠાનો રૂમ તો ખુલ્લો છે ! સાહેબ કોઈકે તાળું તોડ્યું ! ટાબરિયા સી.આઈ.ડી. અને સૌ એકત્ર થાય જુએ તો બીજું બધું અકબંધ એક સીલીંગ ફેનગાયબ !  નિરિક્ષણકર્તાઓએ શોધી કાઢ્યું કે સાહેબ, અઈ જુઓ...કોવાડો મારીન તારું તોડ્યું.. અહી ટચાકો લાગ્યો સ !
            શાળાના પડોશીઓ, વી.ઈ.સી. ના અધ્યક્ષ, કેટલાક વાલીઓ..બધા ભેગા થઇ ગયા ! મોટાભાગે સામુહિક કાર્યોમાં મતમતાંતરવાળા લોકો આ ઘટનાના પ્રતિઘાત રૂપે એકજૂટ થયા !   એક જ રૂમ તોડ્યું...અને બીજે અડ્યો ય નહિ..બહારના ના હોય..સાહેબ કોક ગોમનો જ હોય ! આટલા વરહથી આ સાહેબો અઈસ..કોઈ દાડો આવું નહિ થ્યું !
શિક્ષકોના મન પણ ઉભરાયા ! જે શાળાને નિર્જીવ સ્થાન નહિ પણ જીવંત  માં”’ ગણી - શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ સમાજ અને તેના વડે શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ ! ને ધ્યેય મંત્ર બનાવ્યો ! અહી સરકારી નોકરી કરવાની છે એમ નહિ પણ જીવનમાં ફક્ત આ એક જ કાર્ય બચ્યું હોય તેમ બાર-તેર વર્ષ પસાર કર્યા ! વિદ્યાર્થીઓના અભ્યાસને ખલેલ કરે તેવા રંગકામ અને બાંધકામ વેકેશન દરમિયાન બળબળતા બપોર અહી પસાર કરીને કરાવ્યા ! ઘરે સહેજે શારીરિક શ્રમ ના કરનારા શિક્ષકો-વિધાર્થીઓ સાથે મહેનત કરી શાળાને બાગમાં ફેરવી ! વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ રાખી. ગામડામાં જન્મવું એ તેમને માટે અસામાન ના રહે તે માટે “ પ્રોફેશનલી ક્રિએટીવ રાઈટીંગ-ડ્રામા-નૃત્ય-કરાટે-વિગેરે...
શાળાનું સંચાલન તમારા બાળકો જ કરે છે અને ત્યારે આવી ઘટના ! ભાઈ..અહી હવે નોકરી કરવામાં અમને સંકોચ થશે કે હજુ અમારા પ્રયત્નોમાં શું ખામી રહી ગઈ ?
      -:.... અરે...એમ જીવ ના કચવશો..અમે શોધી કાઢશું...એ કયો હતો !”  દોના જોવાડાયશું !  તમાર ફરિયાદ શેની નોધાવવાની અમે નોધયાશું..તમ તમાર મનમાં ઓછું ઓન્યા વગર જેમ ભણાવો શો એમ ભણાવો !  કાલે જી ન પોલીસવારા લાઈશું ન આખા ગોમમાં ફેરવી ન હોધાયશું.. જેટલા મુખ તેટલા આશ્વાસન !
               “અરે ! કશું ના કરશો, અમારે તો ચોર નથી જોઈતો, ખાલી કાલે સવારે જો શાળાના દરવાજે એ પંખો મૂકી જાય તો અમને લાગશે કે આ ગામે અમારી કદર કરી ! અમને જેટલો પ્રેમ આ શાળા પ્રત્યે છે, એટલો જ આ ગામને પણ અમારા પ્રત્યે છે ! 
રાત્રે ગામ આપમેળે શિક્ષકોની ગેરહાજરીમાં ભેગું થાય છે-……?????……… બીજે દિવસે-રવિવારે સવારે છ વાગ્યે આચાર્યનો ફોન રણકે છે.
 હલ્લો..સાહેબ, શાળાના દરવાજે પંખો પડ્યોશ ! હન્ધુય મૂકી ગ્યાશ. પંખો, પાંખીયા અને જોડે ઝભલામાં ફીટ કરવાના સ્ક્રૂ ય વેટીન મેલેલાશ !
ગાંધી-સરદાર અને રવિશંકર મહારાજ તો મહાન હતા કે તેમને કહ્યે ચોર-ડાકુ સુધરતાં !  શાળા પર આવી પડેલી સમસ્યામાં તેમને સૂચવેલ હથિયારો હજુય કેટલા પ્રસ્તુત છે ! તે વિચારી સૌની આંખમાં ચમક આવી જાય છે !
શાળા માટે તો અભાનાતામાં કરેલી ભૂલ કરતા, સભાનાતામાં કરેલું પ્રાયશ્ચિત વધુ મહત્વનું હતું.
(શાળા સાથે ઘટેલ સત્યઘટના પર આધારિત)