June 30, 2024

અંકિતનો - અમારો એક માઈલ સ્ટોન અંકિત !

અંકિતનો - અમારો એક માઈલ સ્ટોન અંકિત !

કૌટુંબિક વ્યવસ્થામાં એક કહેવત છે કેમૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું હોય !” - એટલે કે દીકરા - દીકરી કરતાંય દીકરા-દીકરીનાં દીકરાં દાદા-દાદી - નાના-નાનીને વધારે વહાલાં હોય છે ! શૈક્ષણિક સંસ્થાઓમાં આ કહેવત થોડીક અલગ રીતે લાગુ પડે છે -શૈક્ષણિક સંસ્થાને મૂડી [ તેમનાં વિદ્યાર્થી ] કરતાં વ્યાજ [ વિધાર્થીનું વ્યાવસાયિક કૌશલ્ય ] વધારે વ્હાલું હોય છે ! બાળકો પોતાના અભ્યાસકાળ દરમ્યાન શાળામાં ખૂબ જ ધગશ પૂર્વક શિખતાં અને સમજતાં હોય છે. શાળા સર્વાંગી વિકાસ માટે વોકેશનલ ટ્રેનિંગના નામે બાળકને રસ પડે તેવા અથવા તો બાળક કૌશલ્ય ધરાવતો હોય તેવા વ્યવસાયમાં તે શીખી આગળ વધી શકે તે માટે સતત મથામણ કરતી હોય છે. ચિત્ર હોય કે સંગીત , કૃષિ હોય કે મેનેજમેન્ટ વગેરેમાં બાળકોનું કૌશલ્ય વિકસે અને ભવિષ્યના જીવનમાં પોતાના પરિવારમાં પગભર થવા માટે કે પછી સમાજની સેવા માટે તેનો ઉપયોગ કરતો થાય તે આનંદની વાત હોય છે. 

આવી જ એક વાત અમારા અંકિતની છે. શાળામાં ભણતો ત્યારથી જ તેનું ચિત્ર કૌશલ્ય ખૂબ ખીલેલું હતું. ચિત્ર -દ્રશ્ય -રંગ -પીંછી વગેરેની વાત તેનામાં આનંદ પેદા કરી દેતી. જૂના શાળા ભવનને નવું રંગરોગાન થતું ત્યારે દોરાતાં ચિત્રો સામે ઊભા રહી જવું એની ટેવ ! એનો આવો રસને કારણે શાળા સમિતિ ચિત્ર સ્પર્ધાનું આયોજન સોંપી દેતી.  આ રીતે વિકસેલો તેનો શોખ ધીમે ધીમે કૌશલ્યમાં પરિણમ્યો.

આજે તે વ્યવસાયિક રીતે ચિત્ર દોરી રહ્યો છે. કોલેજમાં અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએટ થવાની હારોહાર એ પોતાના કુટુંબને પોતાના જ શોખ વડે પોષી રહ્યો છે. અને એટલે એ અંકિત જે નીચે ઉભો રહી શાળા ભવન પર દોરાતાં સરસ્વતી માતાને જોઈ રહેતો એ જ ચિત્ર આજે તે દોરી રહ્યો છે.

આવી પ્રક્રિયાઓ અને એમની ભાગીદારી જ શાળાને જુદા જુદા ક્ષેત્રમાં સફળતાઓ આપે છે… હમણાં પ્રવેશોત્સવ વખતે જ સન્માન માટેનો કાર્યક્રમ એટલે તો સૌથી લાંબો ચાલ્યો.

૧૨ વિદ્યાર્થી જ્ઞાન સેતુ મેરીટમાં, ૧૦ વિદ્યાર્થી જ્ઞાન સાધના મેરીટમાં, ત્રણ નેશનલ મેરીટ કમ સ્કોલરશીપમાં, ૧૨ પ્રાથમિક શિષ્યવૃત્તિમાં, ૪૦ ચિત્રકલામાં, ખેલમહાકુંભમાં ૧૬ ઇવેન્ટમાં જિલ્લા સ્તરે, બે ઇવેન્ટમાં રાજ્યસ્તરે આ સિવાય યુ. એન. ના નાણામંત્રી અને વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બાંગા સાથે ચર્ચા જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમની ભાગીદારી સૌએ ઉજવી. 

સમજીએ કે શાળામાં તેમની સક્રિયતા એ જ એમના માટે શીખવાની ચાવી છે.


June 28, 2024

દેખો દેખો હમ આ ગયે !

દેખો દેખો હમ આ ગયે !

મુખપત્ર  આપના હાથમાં, મોબાઈલમાં કે ઈનબોક્સમાં પડશે ત્યાં સુધીમાં બાળકો માટે શૈક્ષણિક જીવનમાં પ્રથમ ડગ માંડવાનો તહેવાર - પ્રવેશોત્સવ ઉજવાઇ ચૂક્યો હશે !  દરેક પેઢીઓ માટે આ પળ ખૂબ જ ઐતિહાસિક પળ તરીકે આલેખાતી હોય છે. દરેક પરિવાર પ્રવેશોત્સવને એ દ્રષ્ટિએ જોવે છે કે જાણેજીવને જીવન આપવાનો ઉત્સવ ન હોય !”  અને એ પણ સાચું જ છે કે ખરેખર આ પ્રવેશ એ  પ્રક્રિયાનું પહેલું પગથિયું જ છે !

સમાજમાં રહેતો દરેક જીવ પોતાનાં બાળકોને કેળવવા માટે સજાગ અને આશાસ્પદ હોય છે. માનવ સિવાયની સજીવ સૃષ્ટિ તરફ પણ નજર કરીશું તો આપણને સમજાશે કે પ્રાણીઓ હોય કે પક્ષીઓ - તેઓ ખોરાક મેળવવા અને પોતાનું રક્ષણ કરી શકે તેવા સક્ષમ ન થઈ જાય ત્યાં સુધી તેઓનું પ્રશિક્ષણ ચાલતું હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે તેમાં તેને જન્મ આપનાર જ તેમના પ્રશિક્ષક તરીકે કાર્યરત હોય છે.  જ્યારે માનવ સમાજમાં તે પ્રક્રિયા તેના આખા પરિવાર ધ્વારા થતી હોય છે. બાળક વરસ બે વરસનો થાય ત્યાં સુધીમાં તો પરિવાર અને આસપાસના પર્યાવરણે સતત અને સર્વગ્રાહી ઔપચારિક પ્રયત્નો વડે તેને બોલતાં અને ચાલતાં કરી દીધો હોય છે. સાથે જ તેનામાં જાણે કે ભાષા ઈન્સ્ટોલેશનનું કામ ચાલતું હોય તેમ તેની સાથે અઢળક વાતો થતી હોય છે. બાળકની શરૂઆતની બોલીને કુદરતે એવી કાલીઘેલી બનાવી છે કે બાળકને જોઈએ ને વાત કરવાનું મન થાય ! કુટુંબ-સમાજના ત્રણેક વર્ષના અનૌપચારિક પ્રયત્નો સાથેના ઉછેરને અંતે બાળક પરિવાર બહાર તેના મિત્રો સાથે ફરે - રમે અને તેઓની વાત સમજી અને પોતાની વાત સમજાવી શકે તેટલું સક્ષમ બની ગયું હોય છે, ત્યારબાદ તેના ઉછેરને 360 ડિગ્રીમાં પરિપક્વ બનાવવા આંગણવાડી સાથે જોડાય છે. આમ તો આંગણવાડી સાથે જોડાય છે તેમ કહેવું તેના કરતાં -ત્રણ વર્ષની ઉંમર પછી બાળકનો પરિવાર પોતાના બાળકના ઉછેર માટે આંગણવાડીને ઍક્સેસ આપે છે.તેવું કહેવું વધારે યોગ્ય લાગશે. તેમાં બાળક તેના જેવડાં બાળકો સાથે સમૂહ જીવન શરૂ કરે છે. બાળકમાં ઇન્સ્ટોલ થયેલ ભાષા અને તેને મળેલા અનુભવોના ઉપયોગની સાથે સાથે વાર્તા - ગીત - રમતો વડે બાળકનો મનોશારીરિક વિકાસની પ્રક્રિયાઆ વધતી હોય છે. 

પાંચ વર્ષના અંતે અને છઠ્ઠા વર્ષની શરૂઆત એટલે બાળકનો શાળા પ્રવેશ ! આ બાળકનો પરિવાર પોતાના બાળકના જીવનમાં શાળાને પ્રવેશવા માટેના ઍક્સેસ આપે છે. આપણે સૌ તેને પ્રવેશોત્સવ તરીકે ઉજવીએ છીએ. બાળકનો પરિવાર શાળામાં પ્રવેશ્યાનો ઉત્સવ , તો બીજા છેડે બાળકના જીવનમાં શાળાને પ્રવેશ મળ્યાનો ઉત્સવ ! આ એક જ ઘટનાની બંને બાજુઓ એટલી આહલાદક હોય છે કે જેનો આંનદ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. તે તો તમે શાળામાં પ્રવેશ મેળવતા વાલીની આંખોમાં જ વાંચી શકો છો. બીજી બાજુ શાળાને એક નવું અનુભવ્ય જીવન - એટલે કે શિક્ષકોને નવા અનુભવો આપનાર બાળકના રૂપમાં મળ્યાનો આનંદ  હોય છે. અને આ બધા આનંદ સાથે શાળામાં ઉજવાયેલ ઉત્સવને તો તમે આ બધા વિડીયો વડે માણી શકશો જ પણ સાથે સાથે આપણે આવતા મહિનાની આ તારીખે આપણે આ મુખપત્ર વડે મળીએ ત્યાં સુધીના સમયમાં આપણાં આ બાળકો સાથે શું શું કરી શકાય ? આટલું કરી જોઈએ….. 

·       બાળકને બાળક (એટલિસ્ટ માણસ) બની મળીશું ! રોજ તેની ખબર અંતર પૂછીશું - તેને ગમતી રીતે આવકારીશું ! 

·       ઔપચારિક વાતો ખૂબ કરીશું ! [ એકપણ દિવસ તેની સાથે સંવાદ વિનાનો નહીં હોય ]

·       તેની વાત - ફરિયાદને ધ્યાન પૂર્વક સાંભળીશુ ! - તેને પોતાને અહીં મહત્વનો હોવાનો અહેસાસ થવો મહત્વનો છે !

·       તેને પૂરો વ્યક્ત થવા દેવા માટેનું વાતાવરણ પૂરું પાડીશું. તેનો આત્મવિશ્વાસ જળવાઈ રહેવો ખાસ જરૂરી છે. 

આ સિવાય શું કરી શકીએ…. સૂચનો આપજો…આવતા અંકમાં તે સૌ સાથે વહેંચીશું !

ત્યાં સુધી, આ ઉત્સવ વડે શાળામાં પ્રવેશ લેતાં બાળકોએ પોતે જ  શાળા સામે કાર્યક્રમ રજૂ કરી અમને બતાવી દીધું  “બચીને રહેજો, અમે હવે શાળામાં પ્રવેશ લઈ લીધો છે ! માણો એમનાં  ટશનને !











June 18, 2024

🌸બટરફ્લાય ઇફેક્ટ

🌸બટરફ્લાય ઇફેક્ટZ

કોઈ મોટા ફેરફાર તરફ થતા નાના ફેરફારો કે પ્રસંગોને આપણે બટરફ્લાય ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. પરંતુ, બટરફ્લાયને ખાસ ગણકારતા નથી. ધોરણ - 5 ના ભાષાના પુસ્તકમાં એક વાર્તા છે, “છેલ્લું પતંગિયુંએમાં ટાઇમ મશીનમાં બેસી ડાયનાસોર સમયમાં જઇ એક ઉદ્ધત ધનવાન માણસ પતંગિયું મારી નાખે છે. એટલા વર્ષો પહેલા એ પતંગિયાના મૃત્યુથી જગત વેરાન બની જાય છે. 

આ વાર્તામાં માત્ર ટાઇમ મશીન જ કાલ્પનિક છે. આટલા યુગોથી માનવ પોતાના સ્વાર્થ માટે શરૂઆતમાં અભાનપણે અને હવે પૂરેપૂરી સભાનતાથી પર્યાવરણનો ખુડદો બોલાવી રહ્યો છે. આપણને સૌને એ બાબતનો કોઈ અહેસાસ પણ થાય એ પહેલાં આપણા કાર્યો વડે આ સૃષ્ટિને નુકશાન પહોંચી ચૂક્યું હોય છે ! 

કુદરતી રીતે જે ક્રમ ગોઠવાયેલો હતો એ આપઅને ખોરવી રહ્યા છીએ. એ ખોટકાયેલા ચક્રને સરખું કરવા જતાં બીજી ભૂલો કરી નવી મુશ્કેલીઓને આમંત્રણ આપી છીએ. મનુષ્યની સ્થિતિ પર્યાવરણ સંદર્ભેએક સાંધે અને તેર તૂટે એવી છે.” 

પર્યાવરણ વિષે જાગૃતતા માટે શાળા પોતાની સૂઝ વડે શક્ય તેટલા પ્રયાસો કરતી રહી છે.આ પ્રયાસોને પાંખો આપે છે આપ જે વાંચી રહ્યા છો તેવા વર્ચ્યુઅલ મિત્રો (Friends Of Nava Nadisar)  સાતેક વર્ષ પૂર્વે ઓનલાઈન ઓળખાણથી રૂબરૂ આવેલા નરેન્દ્રભાઈએ ઓળખાણ કરાવી શ્રી રાહુલ ભાગવતની - એમણે વાઇલ્ડ લાઈફ વિષે, જુદા જુદા પક્ષીઓ વિષે, ઝેરી કે બિનઝેરી સાપ કેવી રીતે ઓળખાવો જેવા મુદ્દાઓની ચર્ચાઓ કરી. એના પછી બાળકોમાં એ તરફ જોવાની દ્રષ્ટિમાં બદલાવ અમને અને વાલીઓને દેખાતો થયો. 

Friends of Nav Nadisar ની કડીમાં ભાર્ગવભાઈએ નવા મિત્રોની ઓળખાણ કરાવી. કાર્તિકભાઈ અને વિનસભાઈ. જેમ એક કકૂનથી શરૂ થતી યાત્રા રંગબેરંગી પતંગિયા સુધી પહોંચે તેમ એમણે શરૂ કરેલું મિશન Cocoon (community for conservation of nature) પણ આપણા પતંગિયાં  સુધી પહોંચ્યું. 

પોતાના વ્યવસાયિક કાર્યને અટકાવી ૮૦ - ૯૦ કિમી દૂર એક શાળા સાથે ચર્ચા કરવા પહોંચવું એ જ તેમની આ વિષય માટેની નિસબત ઉજાગર કરે છે. ચર્ચા અંતે સૌ પહેલાં પોલીનેટર વીકની ઉજવણીનો એક દિવસ કકૂન સાથે નિશ્ચિત થયો. 

સામાન્ય રીતે શાળા આયોજન વિદ્યાર્થીઓ જ કરે છે તેમ તેમણે જુદા જુદા ગ્રૂપમાંથી પચાસ વિદ્યાર્થીઓ તારાવ્યા કે જેઓ આ કાર્યક્રમમાં જોડાશે. વિનસભાઈ અને દેવાંશીએ ડિજિટલ માધ્યમથી આંકડા - ચિત્રો અને પુસ્તકો સાથે તેમની સામે - આ પાંખોવાળાઓ આપની આ સૃષ્ટિમાં કેટલાં મહત્વના છે તેના વિષે તેમના સ્તરે જઈ ચર્ચાઓ કરી. પોતાના જ કેમ્પસને ફરી નવી રીતે જોવા માટેનો મોકોપક્ષી જાસૂસરમત વડે મળ્યો. તેઓ પાસેથી કેટલીક પુસ્તિકાઓ પણ મળી. બાળકો ઘરે લઈ ગયા, વાંચી પરત કરી.. બીજાઓને આપી. ગામની મુલાકાતે જવાનું થયું તો ખબવર પડી કે વાલીઓએ પણ વાંચી. 

આ જોઈ વિચાર આવ્યો કે આ પણ બટરફ્લાય ઇફેક્ટ જ છે ને ? આજે આપણે આ પાંખ ફફડાવી - એની અસરથી સમય જતાં ફેરફાર આવશે જ !


June 01, 2024

અવ્યવસ્થા એ જ વ્યવસ્થા છે !

વ્યવસ્થા એ જ વ્યવસ્થા છે !

શાળાવ્યવસ્થા શું છે ? વર્ગવ્યવવસ્થા શું છે ? આવો પ્રશ્ન પૂછતાં આપણી આંખો સામે અદબ વાળી બેસેલાં બાળકો, હાથ પાછળ બાંધી શાળા કેમ્પસમાં ચાલતી બાળકોની હાર દેખાય છે, તોમેઆઈ કમ ઇન સર!” નો અવાજ સંભળાય છે. તો ક્યાંક ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિવાળી શાળા તરી આવે છે. લાઇનમાં બેસવું અને અદબ વાળી ઊભા થઈ બોલવું - જાણે કે શિસ્ત. અને જાણે વ્યવસ્થાનો મુખ્ય ભાગ હોય આપણે માની લીધું છે. બાળકો વર્ગખંડમાંભણવાનુંપણ ત્યારે શીખે છે- જ્યારે રીતે ખૂબ શિસ્તમય બાળપણ કે શાળાકીય વાતાવરણ ચાલતું હોયએવું આપણા સૌના મનમાં ઘર કરી ગયું છે. એવામાં આપણા દ્વારા થોપાયેલ બાહ્ય શિસ્ત સમયે ખરેખર બાળક આંતરિક રીતે શાંત હોય છે ખરું? –

આજથી 100 વર્ષ પહેલાં લખાયેલ એક વાક્યને વાંચી જોઈએ. “મારી શાળામાં વ્યવસ્થા જાળવવા કશી જાતનો પ્રયત્ન કરવામાં આવતો હતો, કારણ કે છોકરાંઓને પોતાની મેળે વ્યવસ્થા જાળવવાનું સૂઝવું જોઈએ. ટૉલ્સ્ટૉયે વાક્ય સમજાવતાં એમણે જ વર્ણવેલ દૃશ્યને જોઈએ….

 : “શિક્ષક વર્ગમાં દાખલ થાય છે. વર્ગમાં એકબીજા પર પડેલાં છોકરાં ઢગલો બન્યાં છે! તેઓ બુમરાણ અને કિકિયારીઓ કરી રહ્યાં છે, અરે તું મને ચગદી નાખે છે.” “છોડ મારા વાળ.’  ઢગલાને તળિયેથી એક જણ શિક્ષકને નામ દઈને બૂમ છે: પીટર સાહેબ, બધાને જરા કહેને કે મને પજવે નહીં.” બીજાઓ ધમાચકડી ચાલુ રાખી બોલી ઊઠે છે, પિટર સાહેબ! નમસ્તે, નમસ્તે.”

શિક્ષક કબાટ પાસે જાય છે, પુસ્તકો કાઢે છે અને એની પાછળ પાછળ આવતાં છેકરાંઓને વહેંચે છે. ઢગલાની ઉપરનાં છોકરાંઓ આવી ચોપડીઓ માગે છે. ધીમે ધીમે ઢગલો નાનો થતો જાય છે અને છેવટે, છેક તળિયે પડેલાં છોકરાંઓ પણ પોતાનાં પુસ્તક માટે દોડતાં આવે છે. જે એક બે છોકરાં લડતાં જમીન પર રહી ગયાં હોય છે તેમને હાથમાં ચેપડીઓ લઈને પાટલીઓ પર તૈયાર થઈને બેઠેલાં બીજાં છોકરાંઓ બૂમ મારે છે: ચાલો હવે બસ કરો. આટલી વાર કેમ લગાડો છો? કશું સંભળાતુંયે નથી.”

તેઓ પાટલીઓ પર, ટેબલો પર, બારી પર, ભોંય પર, અને ક્યાંકથી આવી પડેલી એક જૂની ખુરશી પર, જેને જ્યાં ફાવે ત્યાં ગોઠવાઈ જાય છેબધું ઠીક ચાલવા માંડે છે. – નથી કેઈ ઘુસપુસ કરતું, ચૂંટીએ ખણતું કે નથી હસતું.

હવે પાછા આવી જઈએ અત્યારની સ્થિતિમાં : આવી ()વ્યવસ્થાવાળો વર્ગખંડ જોયા પછી આપણા રિએક્શન શું હોઈ શકે ?

  1. આપણે બધાં બાળકોને લડી અને વ્યવસ્થિત બેસવાની સૂચના આપીએ.
  2. અથવા તો દૃશ્ય મુજબ કોઈને પણ રોકટોક કરીએ અને બાળકોને મન મુજબ વર્તવા દઈએ.

ü  જો આપણે એક નંબરના વાક્ય મુજબ કરીએ છીએ ત્યારે વર્ગખંડમાં બાહ્ય શાંતિ અને શિસ્ત દેખાતી હોય છે. પરંતુ આંતરિક સ્થિતિમાં હજુ પણ બાળકો એકબીજા પર ઢગલેઢગલા વળેલાં હોય છે અને એવામાં આપણી શૈક્ષણિક પ્રક્રિયાનો પણ ઢગલો વળી જતો હોય છે.

ü  જ્યારે આપણે બીજા નંબરના વાક્ય મુજબ અનુસરીએ છીએ ત્યારે આપણી સામે ખૂબ અવ્યવસ્થા સહિત પૂર્વાનુભવને આધારે બાળકોને ઇજા થવા સાથેની દલીલો આપણી સામે તરી આવતી દેખાય છે. બાળકોની આવી મસ્તીમાં કોઈને નુકસાન થઈ જાય તો ? વગેરે..

પરંતુ આપણે ઉપરોક્ત દૃશ્યને ફરી વાંચીશું તો ધ્યાને આવશે કે શિક્ષક પિટર, બાળકોના તોફાનને સીધા અટકાવવાને બદલે પોતાની વર્ગખંડકાર્યની બાળ-પ્રિયતાનો(?) ઉપયોગ કરી બાળકોમાં તોફાન મસ્તી માટે ઊભી થયેલી ઊર્જાને વર્ગકાર્ય કરવા તરફ વાળી લીધી. બાળકોનાં તોફાન વગરના વર્ગખંડો કે પછી બાળકો દ્વારા ઊભી થયેલ અવ્યવસ્થાઓ વિનાની શાળા હોવાની કલ્પના કરવી પણ અશક્ય છે. બાળકોનો મૂળ સ્વભાવ મજા-મસ્તીનો છે. જેને આપણે બાળકની ચંચળતા અને ગુસ્સાથી ધાંધલ ધમાલ વગેરે કહીએ છીએ વાક્યને ફરી વાંચી લઈએ, મારી શાળામાં વ્યવસ્થા જાળવવા કશી જાતનો પ્રયત્ન કરવામાં આવતો હતો, કારણ કે છોકરાંઓને પોતાની મેળે વ્યવસ્થા જાળવવાનું સૂઝવું જોઈએ.” હવે આવી વ્યવસ્થાઓ આપમેળે ગોઠવાતી જાય તે માટે આપણે શું શું કરી શકીએ ?

v  શાળા ફક્ત બાળકોને જવાબદાર છે - તે સ્વીકારીએ.

v  શાળાના સંચાલનમાં બાળકોની ભાગીદારી વધારીએ. (આમ તો સંચાલન કરે અને આપણે ભાગીદારી કરીએ)

v  દરેક બાળકને  “શાળા માટે તે ખૂબ મહત્ત્વનો છેતેનો અહેસાસ કરાવીએ.

v  પૂર્વગ્રહ સાથે વર્ગખંડમાં પ્રવેશવાને બદલે દરેક પરિસ્થિતિના સ્વીકાર સાથે પ્રવેશ કરીએ.

v  ધ્યાન રાખીએ કે રોજ તાસ દરમિયાન  એક પણ બાળક એવું છૂટે કે જેની સાથે આજે આપણે સંવાદ કર્યો હોય અથવા તો તેની સામે જોઈ સ્મિત કર્યું હોય !  - દરેક બાળકને મહત્ત્વ આપીએ.

v  વર્ગકાર્ય દરમિયાન બાળકોની રજૂઆતને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળીએ. ગમતું કે વિષયાંતર થતું લાગે તો આપસૂઝ વડે વિષય સાથે જોડી આગળ વધીએ.

v  તરત બધું સુધારી દેવાનું અને ઉપદેશ આપવાનું ટાળીએ.

बाल देवो भव !”  બાળકની તમામ વર્તણૂકનો સ્વીકાર કરતું વાક્ય છે. બાળકોનાં મસ્તી - તોફાન - ચંચળતા - આપણી સાથેની અસંમતિ વગેરેનો જેમ જેમ સ્વીકાર કરતા જઈશું તેમ તેમ તેના સ્વભાવમાંનાં  સર્જનાત્મકતા - સંવેદનશીલતા આપણને અનુભવાતાં જશે.

નવા શૈક્ષણિક વર્ષથી સૌ બાળકો દ્વારા ઊભી થતી “શાળા અવ્યવસ્થા”ને માણી શકો તેવી શુભેચ્છાઓ !