January 31, 2024

સક્રિયતાનું રામરસાયણ !

સક્રિયતાનું રામરસાયણ !

બાળકો ખૂબ જ ચંચળ હોય છે. – આ વાક્ય પ્રાથમિક શિક્ષણની કોઈ પણ વાત નીકળે એટલે પહેલું બોલાતું વાક્ય છે. અને તે એટલા માટે કે પ્રાથમિક કક્ષાએ જે કંઇ પ્રવૃત્તિપ્રોજેક્ટ કે શૈક્ષણિક અભિગમ અપનાવશો ત્યારે તેના આયોજન અને અમલમાં આ સતત યાદ રાખવું પડતું હોય છે. જો તેને સામાન્યત: નજરઅંદાજ કરીએ તો આપણો સોને મઢેલો [ એટલે કે ખૂબ અભ્યાસ પૂર્વક બનાવેલ ] અભિગમ કે પદ્ધતિને બાળકો ધરાશાઈ કરી દેતાં હોય છે. પરિણામે ખૂબ સારું કરવા ધાર્યું હોવા છતાં તેને વર્ગખંડમાં અનુસરી શકાતું નથી.  

બાળકોમાં રહેલી ચંચળતા એ એના શીખવા માટે જેટલી મહત્ત્વની છે, તેટલી જ મહત્ત્વની આપણા શીખવવા માટે છે. એક વાર એવા વર્ગખંડનો વિચાર કરી જુઓ કે જ્યાં તમારી સામે બેઠેલાં બધાં બાળકોની ચંચળતા ગાયબ છે. પછીનો વર્ગખંડ કેવો હોય.. ? (કલ્પના માત્રથી ડર લાગવા માંડે છેને?)

·         તમે કોઈ એક પ્રવૃત્તિ માટે તમારી મદદ માટે બૂમ પાડો છો ત્યારે એકને બદલે ચાર આવવાની જગ્યાએ એક પણ ઊભું થતું નથી.

·         વિચારો કે તમે કહો છો કે ચાલો મેદાનમાં રમવા જવું છે ત્યારે તમારા પહેલાં બૂમાબૂમ સાથે મેદાનમાં દોડી જવાને બદલે ના પાડે છે, પરાણે તમારે તેને મેદાનમાં લઈ જવા કાલાવાલા કરવા પડે છે.

·         વિચારો કે ગીત ગાવું છે ? એવું સાંભળતાં જ સામે બેઠેલી બધી ચંચળતાઓ સ્પ્રિંગની જેમહાસાથે હવામાં ઊછળતી હોયતેવું થવાને બદલે આખો વર્ગખંડ શાંત છે.

·         વિચારો કે વર્ગખંડમાં તમારા પ્રશ્નના જવાબમાં સાહેબ.. સાહેબ.. / બેન..બેન ..  ને બદલે નીરવ ડરામણી શાંતિ છે.

જો બાળકોમાં ચંચળતાનો છેદ ઊડી જાય તો પછી શેષ કશું જ ન વધે. બાળકોને શીખવા અને જાણવા માટે જે પ્રેરકબળ પૂરું પાડે છે તે તેની ચંચળતા છે. આ ચંચળતા જીવનભર આપણામાં એટલે કે બાળકોમાં સમાયેલી રહે છે. જન્મથી જીવે ત્યાં સુધી ઉંમર મુજબ તેનું સ્વરૂપ બદલાતું રહે છે. પણ હા મનુષ્યમાં ચંચળતાનું આયુષ્ય કેટલું રહેશે તે તેના  શિક્ષકને આભારી છે. કારણ કે બાળકોની ચંચળતાને તેના તોફાનમાં ગણવાની આપણી ભૂલની સજા તે જીંદગીભર ભોગવતો હોય છે.

એવામાં બાળકની ચંચળતાની એનર્જીને શીખવા માટેની શક્તિમાં રૂપાંતર કરવાનો એકમાત્ર રામબાણ ઇલાજ  છે તેને સતત પ્રવૃત્તિમય રાખવું. જો તમે તે નથી કરી શકતાં તો પછી બાળકને હનુમાનજી બનતાં કોઈ રોકી શકશે નહીં, કારણ કે રમતગમતગીત-વાર્તા કે પ્રવૃત્તિઓ વિનાની તમારી બાલવાટિકા તો તેના માટે અશોકવાટિકા જ છે.

સૌને સક્રિયતાનું રામરસાયણ પ્રાપ્ત થાયઅને આપણી વાટિકા ખેદાનમેદાન ન થાય તેવી શુભેચ્છાઓસાથે કેટલીક સક્રિયતાના વિડિયોઝ




વધુ વિડીયો માટે - :  ચેનલ નવાનદીસર  

January 30, 2024

"સાગરના પીનારા, અંજલિ નવ ઢોળજો બાપુ"

"સાગરના પીનારા, અંજલિ નવ ઢોળજો બાપુ"

"નવું સત્ય સમજાય તો એ જ ઘડીએ અભિપ્રાય બદલવામાં અને નવું સત્ય સ્વીકારવામાં તેમને ડર નથી લાગતો પછી ભલે દુનિયા તેમને ઢોંગી અને જુઠાડા કહે." બંને માધવ અને મોહન આ રીતે જ સ્થિતિમાંથી સત્યને અનુસરતા અને એટલે જ તેઓ કોના તરફી હતા એ નક્કી કરવું મુશ્કેલ થતું. દરેકને કાં તો એમ થાય એ આપણા તરફે છે, આપણી સાથે છે અથવા તો એનાથી વિપરીત આ માણસ આપણો વિરોધી છે. બંને પોતાના જે તે કાર્યમાં પૂર્ણપણે ડૂબીને જીવતા કે એ સમયે એ સિવાયની કોઈ છબી રહે જ નહિ. આ એક સવાલ ઘણા સમય પહેલાં વાંચેલો પણ આજે એના નિર્વાણદિને ફરી જોઈ જાઓ.

વિડંબના જુઓ: મુસલમાનોને, અન્ય વિધર્મીઓને, નાસ્તિકોને અને આધુનિકોને ગાંધીજી વધારે પડતા હિંદુ લાગતા હતા તો હિન્દુત્વવાદીઓને અર્થાતુ હિંદુ કોમવાદીઓને ગાંધીજી હોવા જોઈએ એનાથી ઓછા હિંદુ લાગતા હતા.

દલિતોને અને સામાજિક સમાનતાના આકરા પુરસ્કર્તાઓને ગાંધીજી મનુવાદી કહી શકાય એટલા સનાતની સવર્ણ હિંદુ લાગતા હતા તો સનાતની સવર્ણ હિંદુઓને ગાંધીજી સુધારક લાગતા હતા. સામ્યવાદીઓને ગાંધીજી જોઈએ એટલી સમાનતામાં નહીં માનનારા ઓછા સમાજવાદી પણ વધુ મૂડીવાદી બુર્ઝવા લાગતા હતા તો જમીનદારો અને મૂડીવાદીઓને ગાંધીજી સંગ્રહ વિરોધી-સમાજવાદી લાગતા હતા.

રસ્તા ઉપર ઊતર્યા વિના સુવિધાપરસ્ત જિંદગી જીવીને આવેદન-નિવેદનનું રાજકારણ કરનારા લોકોને ગાંધીજી જહાલીમાં પણ જહાલ લાગતા હતા તો પોતાને ક્રાંતિકારી તરીકે ઓળખાવનારાઓને ગાંધીજી અહિંસામાં માનનારા પોચટ વિનીતોમાં પણ વિનીત લાગતા હતા. વ્યવહારવાદીઓને ગાંધીજી અવ્યવહારુ, આદર્શવાદી લાગતા હતા પણ પાછા પોતાને ચતુર વ્યવહારુ સમજનારાઓ ગાંધીજી સામે ચિત્ત થતાં હતા. જનમાનસને એટલી પ્રભાવિત કરે અને એટલી હદે આંદોલિત કરે કે વ્યવહારકુશળ પ્રભાવી નેતા કલ્પના પણ ન કરી શકે.

આવું કેમ બની શકે?

દરેક માણસને ગાંધી નામનો એક જ માણસ અલગ અલગ કેમ ભાસી શકે? - "જેને જે સત્ય સમજાય તેમ સમજણ રજૂ કરશે.." બાપુ તે આપેલી એ જ સમજણ મુજબ અપ્રિય બોલે તે પણ તેમનો હક છે એ માનવાની સમજણ તે જ આપી છે.


January 29, 2024

"બાળક" કેન્દ્રમાં હોવું એટલે કે…..!

"બાળક" કેન્દ્રમાં હોવું એટલે કે…..! 

શાળા એટલે શું એવું પૂછીએ ત્યારે જેટલા વ્યક્તિ તેટલા અલગ અલગ જવાબ આપણને મળતા હોય છે. ગામનું સૌથી ઉત્તમ સ્થાનગ્રામજનો માટે તે ઘરેણું છે, તો વાલીઓ માટે તે પોતાની આગામી પેઢીને કેળવતી સંસ્થા છે. બાળકોને મન તે [“ભણવાની જગ્યાએવું વિચારતા હોય તો તમે મોટી ગલતફહેમીમાં છો] ભાઈબંધો સાથે રમવાનીજીવવાની જગ્યા છે. આમ એક જ સ્થાન અલગ અલગ લોકો માટે અલગ અલગ દૃષ્ટિએ મૂલવાય છે.

જ્યારે આપણે શાળા કેમ્પસની વાત કરીએ , એટલે કે શાળા કેમ્પસમાં રોજેરોજ આવતાંરોજ સાથે રમતાં રોજેરોજ સાથે ભણતાંભણાવતાં વ્યક્તિઓને મન પણ શાળા એટલે ? જ્યારે એવું પૂછવામાં આવે ત્યારે ઉત્તર અલગ અલગ હોય છે. શિક્ષક માટે શાળા બાળકોને કેળવવાની પ્રક્રિયા કરવાની જગ્યા હોય છે. અહી બાળકો અને શિક્ષકના વિચારો વચ્ચે થોડો વિરોધાભાસ ઊભો થાય છેશિક્ષક ને મન શાળા એટલે શીખવવાની જગ્યાતો બાળકને મન શાળા એટલે મિત્રો સાથે જીવવાની જગ્યા ! પ્રત્યક્ષપણે આખો દિવસ સાથે રહેતાં પરંતુ પરોક્ષપણે અલગ અલગ ઉદ્દેશ્ય સાથે જીવતાં વ્યક્તિઓના સંસારમાં જેટલો ઉતાર ચઢાવ જોવા અને અનુભવાય તેટલો જ ખટરાગ આપણી આ સંસ્થાઓમાં જોવા મળે તે સહજ બાબત છે. આવામાં સ્વર્ગથી પણ સુંદર આપણો સંસાર આપણી સંસ્થા બને - તે માટે શું કરી શકાય ?

અમારા દરેક અંકમાં અને દરેક લેખમાં એક લીટી કાયમી હોય છે કે  બાળક તો બાળક છે ! આટલું નાનું વાક્ય બાળકને જાણીને તેનામાં રહેલા રહસ્યોને ઉજાગર કરવા માટે પૂરતું છે.

શાળાકીય સંસ્થામાં બાળક એ કેન્દ્ર છે. તો આપણે સૌ તેની જીવા, ત્રિજ્યા વ્યાસ કે પરિઘ જે કઇ ગણો તે બધુ જ છીએ. [ આપણે જીવા એટલા માટે કે કેટલાંક તો કેન્દ્રમાંથી પસાર થતાં નથી હા.. હા..કેટલાક ત્રિજ્યા એટલા માટે કે કેન્દ્ર સુધી જ પહોંચે છેકેટલાંક પરિઘ હોય છે જે બાળકોની સીમાઓ નક્કી કરતાં હોય છે, જ્યારે કેટલાંક શિક્ષકો વ્યાસ જેવાં પણ હોય છે કેન્દ્રરૂપી બાળકોનાં જીવનમાં ઓતપ્રોત થઈ આ પારથી પેલે પાર સમાઈ જતાં હોય છે.]  બાળકો કેન્દ્રમાં હોવાનો મતલબ છે કે બાળકોના ટેસ્ટને અનુરૂપ બની આપણે સૌએ આપણા ઉદ્દેશ્યને પાર પાડવા.

શાળામાં આવતાં બાળકોનું અવલોકન કરીએ તો કોઈ બાળક શાળામાં આવે છે કારણ કે તેને કબડ્ડીખોખો રમવી ગમે છે, કોઈને વિજ્ઞાનના પ્રયોગોમાં રસ છે, તો કોઈને પ્રાર્થના સભામાં સંગીતના સાધનો વગાડવાં ગમે છે. કોઈને શાંતિલાલ સાથે રહીને યોગ શીખવા છે, તો કોઈને ચંદુભાઈના ખભા પર બેસવું છે, કોઈ બાળકને દર્શનાબેનની કાળજી શાળા તરફ તેને ખેંચે છે, તો કોઈ બાળકને ગિરીશભાઈ સાથે પાઠમાં આવતી વાર્તાનું પાત્ર ભજવવું છે. તો કોઈ બાળકને શાળામાં એટલા માટે આવવું છે કારણ તેની બાલવાટિકામાં રોજેરોજ તેને ગમતી પ્રવૃત્તિઓ કરાવાય છે, તો હા, કેટલાંક બાળકો રોજ શાળાએ એટલા માટે આવે છે, કેમકે તેના મિત્રો રોજ શાળાએ આવે છે. આવા ભિન્નભિન્ન બાળકોભિન્નભિન્ન ઉદ્દેશ્ય સાથે પધારતા બાળકોના દરેક ઉદ્દેશ્યને જાણી-ઓળખી તે માટેનું વાતાવરણ પેદા કરવું એ કોઈપણ સંસ્થા માટે મુશ્કેલ હોય શકેઅશક્ય નથી. બાળકો સાથે જોડાયેલા રહેવાથી આપણે આપણી ગણિતવિજ્ઞાન- અંગ્રેજી કે ભાષાની નિષ્પત્તિઓને બાળકોમાં રુચિપૂર્વક સિદ્ધ કરી આપણા શિક્ષક તરીકેના હૃદયમાં સંતોષનું ટીક [a] કરી શકીશું.

અને હા જો તમે શિક્ષકની નોકરીને આવકના સાધન તરીકે જુઓ છો તો બાળકને ગ્રાહક તરીકે ગણોતો સીધી સાદી અને સરળ વાતકે ગ્રાહક ભગવાન છે ! અને સમાજમાં પણ કહેવાયું છે કે બાળક તો ભગવાનનું સ્વરૂપ છે ! કદાચ મા સ્વરૂપી સંસ્થામાં બાળકને માટે   

આપણા તરફથી થનાર પ્રયત્નો જ આવી સંસ્થાને સ્વર્ગથી સુંદર સંસારના સપનાને સાકાર કરી શકે છે.



January 17, 2024

અવસ્થા અને વ્યવસ્થા

અવસ્થા અને વ્યવસ્થા 

તહેવાર અને તેમાંય બાળકોની મોજનો તહેવાર હોય ત્યારે તેઓને સપનાંય એ તહેવારનાં આવે. એમાં, પતંગોત્સવ મોટાભાગના બાળકોમાં વધુ સ્વપ્નપ્રિય છે. મોટેરાં તરીકે આપણે સૌએ, જ્યારે જ્યારે આવા પ્રકારના તહેવાર આવે ત્યારે પોતાના બચપણને ફરી તટસ્થતાપૂર્વક યાદ કરી લેવું જોઈએ. સૌથી સારો ઉપાય તો એ છે કે એ બચપણને ક્યારેય ભૂલવું જ ન જોઈએ પરંતુ અવસ્થા અને વ્યવસ્થા બંને થઈને આપણને આપણા બચપણથી દૂર લઈ જઈ શકે છે. બાળકો સાથે જ્યારે આપણે જીવતાં હોઈએ, કાર્ય કરતાં હોઈએ ત્યારે બચપણની એ સંજીવની ફરી મેળવી લેવી પડે. જેમ એક વાયકા મુજબ નોળિયો સાપ સાથે લડતી વખતે જ્યારે જ્યારે પોતાને થોડો અશક્ત અનુભવે ત્યારે તે દોડીને પાછો જઈ નોળવેલ સૂંઘીને પાછો આવે છે. એ નોળવેલને સૂંઘ્યા પછી ફરી પૂરી શક્તિથી  સાપનો મુકાબલો કરે છે. તેમ આપણે પણઆપણી અવસ્થાઅને આપણી આસપાસ રચાઈ ગયેલી આવ્યવસ્થાબંને સાથે સંઘર્ષ કરીને પણ બાળકોના એ બચપણને આનંદમય બનાવવાનું છે. મોટાભાગે શીખવાનું છે - ભણવાનું છે એ બે શબ્દોથી તેઓને નફરત થઈ જાય એટલી હદે બચપણને કચડી નખાય છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોનો એ અનુભવ છે કે ઉત્તરાયણ પહેલાં અને પછીના દિવસોમાં શાળાઓમાં હાજરી ઓછી થતી જાય છે. વર્ગોમાં બાળકોનો ઘૂઘવાટ ઓછો  અને આકાશમાં પતંગોના ફરફરાટનો અવાજ વધતો જાય છે. 25-30 વર્ષ પહેલાં તો દોરી પીવડાવવા જવીતે દોરી પીવડાવવા માટેના કાચ ભેગા કરવા - વાટીને ઝીણા કરવા - લુગદી બનાવવી - ભાઈબંધો સાથે મળી સૌની દોરી પીવડાવવી - એના ગટ્ટા બનાવવા જેવા કામોના પણ અલગ દિવસો ફાળવવામાં આવતા હતા ! સમય બદલાઈ તો ગયો છે પરંતુ બાળકોની અંદર પતંગ પ્રત્યેનું જે આકર્ષણ હોય છે તે ઓછું થયું નથી. તેમના આ  સહજ આકર્ષણને આપણે આનંદમાં પલટી શકીએ, જો શાળા તરીકે તેમના આ આનંદમાં સહભાગી થવાનું સ્વીકાર્ય હોય તો.

        આ વખતે તો રવિવારે ઉત્તરાયણ હતી એટલે શનિવારની હાજરી જોખમમાં જ હતી. એક અઠવાડિયા પહેલાં તેમની સાથે ચર્ચા કરી કે શું કરવું છે? -  આ શનિવારે ઘણા મંતવ્યો આવ્યા કેટલાકે કહ્યું કે, “એ જ દિવસે થઈ જાય પતંગ ઉત્સવ : ચગાવી દઈએ પતંગો !” કેટલાકે કહ્યું કે, “ના ના એના એના કરતાં મંગળવારે રાખો, તો શાળામાંથી ગયા પછી શનિવારે અડધો દિવસ, રવિવારે આખો દિવસ, સોમવારે આખો દિવસ અને મંગળવારે પણ અડધો દિવસ પતંગ ચગાવવા મળે!”  મોટાભાગનાને સૂચન ગમ્યું. પણ હવે શનિવારે આવીને શું કરવું ? એમને આપણામાંથી જ પ્રેરણા લીધી છે કે કોઈ પ્રસંગ હોય ત્યારે એને અનુરૂપ વાતો કરવી, લખવું, ગાવું, દોરવું વગેરે  પરિપત્રિત થાય છે તો આપણે આપણી રીતે શું કામ આવું કામ ન કરીએ !

જુદી જુદી સ્પર્ધાઓ નક્કી થઈ ! (આમ તો એણે સ્પર્ધાઓ ન કહેવી જોઈએ કારણ કે તેમાં ઇનામ નહોતાં મળવાનાં, માત્ર આનંદ મળવાનો હતો.)  પતંગ વિશેની કવિતાઓ લખાઈજેમાં પતંગ અને જીવનને સાંકળતી હોય તેવી કવિતાઓ, પતંગ ચગાવતી વખતે મળતા આનંદની કવિતા, પતંગ ચગતી હોય તો તેની સાથે આપણા મનમાં આવતા ભાવ વિશેની કવિતાઓ, પ્રખ્યાત ગીતોની ટ્યુન ઉપર ગાઈ શકાય તેવા પતંગ ગીતો. જેને જે ફાવે તે મુજબ લખ્યુંબીજી સ્પર્ધા  પતંગોત્સવને કાગળ પર દોરવો. તેમાં તો ઘણા બધાને ભાગ લેવો હોય લીડર ઉપલીડર સાથે મળીને નક્કી કરાયું કે એ સ્પર્ધામાં નાગરિક ઘડતરના દરેક ગ્રુપમાંથી માત્ર બે બે વ્યક્તિ એમ કુલ આઠ વ્યક્તિ જ ભાગ લઈ શકશેએના કારણે વાર્તા સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાની સભ્ય સંખ્યામાં વધારો થયો. મારા ગામની ઉત્તરાયણ એ નિબંધ પર હાથ અજમાવતા ઘણાએ આખા ગામના ચિત્રને અને તે દિવસના અવાજોને પકડવાનો પ્રયત્ન કર્યો. વાર્તાઓમાં વાર્તાનાં પાત્ર તરીકે પતંગ, વળી કોઈકેપતંગની શોધ કેવી રીતે થઈ ?’થી લઈને એનું નામ પતંગ જ કેમ પડ્યું ! - તેનો ઉકેલ આપતી વાર્તાઓ પણ લખી.

આવા શબ્દરૂપી પતંગ ઉત્સવ પછી બે દિવસ તેઓએ ઘરે રહીને પતંગોની સાથે તેમના આનંદનું આકાશ માણ્યું મંગળવારે શાળામાં આવ્યા ત્યારે પોતાના પતંગ સાજી અને ફાટેલીતૂટેલી, દોરી, ફિરકા બધું લઈને જ આવ્યા. પતંગો ચગતી પણ હતી અને પતંગો બનતી પણ હતી. દરેક ગ્રુપના સભ્યો નવા રંગરૂપ સાથેની તેમજ નવા આકારની પતંગો બનાવવા માંડ્યા. આ ચગાવવાનો અને પતંગો બનાવવાનો ઉત્સવ વિરમ્યો. અમે તો આ  છેલ્લા ચાર દિવસમાં આપણે શું શું માણ્યું અને શું શું જાણ્યું અને હવે ફરી આવું કંઈક કરવાનું થાય તો આપણે શું શું કરી શકીએ એ ચર્ચા કરી અમારા આ આનંદનો પતંગ  ચગાવતા રહ્યા - રહીશું. . 


પતંગોત્સવ પૂર્વે નિબંધ - ચિત્ર - વિષય- "પતંગ"
 






















પતંગ બનાવવાની મજા !













































































પતંગ ચગાવવાની મજા !




































વિડીયો