આપણી વાર્તાની વાર્તા 😀
બાળકોના વિકાસ અને ઉછેરમાં વાર્તાકથન નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેના ભાષાકીય વિકાસ માટે વાર્તા પ્રથમ પગથિયું છે. જે તેને તેની સામે ન બન્યું હોય તેવા ચિત્રો મગજમાં ઊભાં કરી તેમાં તર્ક કરવાની તક આપે છે. વાર્તાઓ વડે જ તેમની કલ્પનાશક્તિ વિકાસે છે અને તેના આધારે એ વિશ્વના પ્રશ્નોને ઉકેલવાની ચાવીઓ શોધે છે. દરેક સંસ્કૃતિના મૂળિયાં પણ પેઢી દર પેઢી કહેવાતી આવતી વાર્તાઓમાં હોય છે. અને એ જ જગતની સારપને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. વાર્તા સાંભળતી વખતે તેઓ તેનાં પાત્રો સાથે જે લાગણીથી જોડાય છે તે તેમણે વધુ ભાવનાત્મક બનાવે છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં હવે માણસ અને આ પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વચ્ચે જે એકમાત્ર તફાવત રહેવાનો છે અને તે છે માણસનું ભાવનાત્મક પાસું અને એટલે જ આ પાસાને વાર્તાઓ દ્વારા વાર્તાઓ પછીની વાતચીત દ્વારા જીવંત રાખી શકીશું.
આપણે ભલે કહ્યા કરતાં હોઈએ કે બાળકોને સ્પર્ધામાં ન ઉતારીએ ! સાચું જ છે કે તેમને આપણે સ્પર્ધામાં ન ઉતારીએ. પરંતુ કુદરતી રીતે તેઓ એકબીજાને જોઈને તેમના જેવું કરવાનું અને પછી તેમાં ઉમેરણ કરી વધુ સારું કરવાનું વલણ ધરાવતા હોય છે. આજે કોઈ એક બાળક કે વાર્તા કહી હોય તો બીજા બાળકને પણ તેની જેમ વાર્તા કહેવાનું મન થશે જ વળી તે જ્યારે વર્ગમાં શાળામાં વાર્તા લઈને આવશે ત્યારે પોતાની કલ્પના શક્તિને આધારે ઇમ્પ્રુવાઈઝ કરીને લાવશે. અને એટલે જ વાર્તા કહેવાની સ્પર્ધામાં સ્પર્ધા કરતા એકબીજાને જોઈને આવું ઇમ્પ્રુવાઈઝેશન કરવું એ કેન્દ્રમાં રાખવું જોઈએ.
શાળા દરેક બાળક માટે યુનિક હોય છે. તેવું કહીએ છીએ ખરા. . પરંતુ દરેકને શાળા પર્યાવરણમાં આવું અનુભવાતું નથી તેનું એક મુખ્ય કારણ છે કે આપણે સૌ શાળા મટીને વિષયોના વાડામાં વહેંચાઈ જઈએ છીએ. પરિણામે આપણા વિષયમાં યુનિક હોવાની અપેક્ષા હોય છે. આપણા વિષયમાં જે બાળકો સારું નથી કરી શકતાં - તેમાં આપણે તેના માટે વધુ કરવાની અથવા તો તેનું કૌશલ્ય કયા વિષયમાં વધુ છે તે જાણવાની જરૂર હોય છે. પરંતુ વિષયોના વાડોલીયાને કારણે નથી આપણે પેલે પાર જતાં કે નથી બાળકના તે કૌશલ્યના ઉપયોગને આ પાર આવવા દેતાં. આવામાં જ્યારે આપણે બાળકને જાણવાનો અને સાથે સાથે આવા વિષયોના વાડા તોડવાનો એકમાત્ર ઉપાય છે વિવિધ વિષયની શાળા કક્ષાએ થતી સ્પર્ધાઓ !
શાળામાં શરૂઆતમાં જ વિવિધ સ્પર્ધાઓ માટેનો પ્રસંગ આવ્યો ! આનંદ એ હતો કે સત્રની શરૂઆતમાં જ બાળકો માટે વાર્તાઓ કહેવાની - લખવાની સ્પર્ધાઓ હતી ! બાળકો માટે તો વાર્તાઓ અને એય પાછી કહેવાની ! બાળકોને સાંભળવી તો ગમતી જ હોય પણ સાથે સાથે પોતાનો ભાઈબંધ કહેતાં કહેતાં ભૂલી જાય તો બૂમાબૂમ! સાંભળેલી વાર્તાઓને પણ સાંભળવાની જાણે મજા લેતાં હોય તેવું લાગ્યું !
કલા મહાકુંભમાં બાળકોને પોતાનું કૌશલ્ય બતાવવાનું હતું. વિવિધ સ્પર્ધામાં G20 ની થીમ પર ગમતું ચિત્ર દોરવાનું હતું તો જાતે કવિતા બનાવવાની હતી, વાદ્ય વગાડવાનું, ગીત ગાવાનું હતું !
સત્રની શરૂઆતમાં આવેલી સ્પર્ધાઓનો ફાયદો એ હતો કે બાળકોમાં સ્વાભાવિક સ્પર્ધક તો ખરા જ પણ સાથે સાથે તેમના ગમતા વિષયો - પછી તો જાણે કે સ્પર્ધામાં સોનામાં સુગંધ ભળી ! બધાંએ શાળા કક્ષાની સ્પર્ધામાં એવું પર્ફોમ કર્યું કે વાર્તા કથન સ્પર્ધામાં તો ક્લસ્ટર કક્ષાની સ્પર્ધાના આગલા દિવસ સુધી વિજેતા જાહેર ન કરી શકયા !
ચાલો માણીએ બાળકોની વાર્તાને અને તેમાં રહેલા તેમના સ્વભાવને !
No comments:
Post a Comment