ટેક - know- લોજી!
દસેક વર્ષ પહેલાં શાળાના એક પ્રતિનિધિને RIE - ભોપાલ ખાતે શાળાએ ટેક્નોલોજી અંતર્ગત કેવા કેવા પ્રકારના પ્રયોગો કર્યા છે તે વિશેનું એક પ્રેઝન્ટેશન કરવા માટે જવાનું થયું. RIE - ભોપાલના ઓડિટોરિયમમાં પ્રવેશતાં પહેલાં અત્યાર સુધીમાં ટીમ નવાનદીસર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો એક પછી એક આંખ સામે આવતા જતા હતા - અમે જે કર્યું તેનું થોડું ગૌરવ પણ અનુભવાતું હતું કે હા, શાળાએ કૈક એચિવ કર્યું કે જેથી દેશભરમાંથી ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ કરતી શાળાઓ સાથે નવા નદીસર પણ છે.
ત્યારે પેલું બ્લુ મેજિક બોક્સ - ટેપ રેકોર્ડર ખૂબ યાદ આવ્યું જેમાં શરૂઆતના દિવસોમાં અમે નાટક, ક્રિકેટ કોમેન્ટ્રી, ક્લાસમાં કરેલી વાતો વગેરે રેકોર્ડ કરી લેતા. એ રેકોર્ડિંગને વિદ્યાર્થીઓને સંભળાવતા - એ સાંભળીને તેના પર વિચાર કરવા માટેનો કહેતા. ટેપ રેકોર્ડર પર કવિતા વગાડવાની તેનો ઓડિયો અચાનક મ્યુટ કરી દેવાનો અને બાળકોને જાતે નક્કી કરવા દેવાનું કે તેઓ સુરમાં જ ગાઈ રહ્યા હતા કે માત્ર ટેપ રેકોર્ડરના સહારાના કારણે સૂરમાં લાગતા હતા…
બ્લુ મેજીક બોક્સ પછી બીજું એવું જાદુઈ બોક્સ નિરંતર શિક્ષણ માટે શાળામાં મળેલું ટેલિવિઝન ! કોઈ નાટકનું દૃશ્ય કે ફિલ્મનું દૃશ્ય તેમને બતાવવામાં આવતું અને અચાનક જ તેના સંવાદો સંભળાતા બંધ કરી દેવામાં આવતા ઞ! હવે તે પાત્રો શું વાત કરી રહ્યા છે તે ધારવાનું અને બોલવાનું - આ સિવાય પણ સમાચારનું અર્થગ્રહણ, ગુજરાતી હિન્દી ગીતોના અર્થગ્રહણ જેવી અનેક પ્રવૃત્તિઓ એ બ્લેક બોક્સ સાથે થઈ.
2006-07 આસપાસ અમારા ખિસ્સામાં આવી ગયેલા સ્માર્ટફોન પછી આ બંને બોક્સ કરતાય એ વધુ વપરાવા લાગ્યા - પહેલાં થતાં એવાં રેકોર્ડિંગ તો હજુ પણ થતાં હતાં . બીજા ઉમેરણો થયા. જેમ કે : હવે જ્યારે કોઈ કોઈની ફરિયાદ કરવા માટે આવે અને તેઓ પરસ્પર કોનો વાંક હતો તે માટેની દલીલો કરતાં હોય ત્યારે સ્માર્ટ ફોનનું રેકોર્ડિંગ શરૂ થઈ જતું. શિક્ષક કોઈ ચુકાદો આપે તેના બદલે તે રેકોર્ડિંગ જેમની વચ્ચે વિવાદ થયો હોય તે બંને સાંભળે અને પછી તેઓ જ નક્કી કરે ! એટલે પોતે કરેલા કાર્ય વિશે પણ તેઓ શાંત મગજથી ફરીથી વિચાર કરી પોતાના મંતવ્યો બદલી શકે. આવા કૌશલ્ય વિકસાવવામાં પણ આ ટેકનોલોજીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો.
થોડાં વર્ષો બાદ શાળામાં આવેલા નવાં એલસીડી ટીવી અને 11 કમ્પ્યુટરે અમારી આ ઝડપ બે ગણી કરી દીધી. બાળકો વડે વ્યવસ્થિત રીતે આયોજન કરાયું એટલે અમારા મોટાભાગના વિદ્યાર્થીઓ મૂળભૂત કમ્પ્યુટીંગ કરી શકતા હતા. તેમાં ઇનબિલ્ટ આવેલી ભાષા અને ગણિતની આંતરિક કસરત સેલ્ફ લર્નિંગ માટે વરદાનરૂપ હતી. આ જ અરસામાં વિદ્યાર્થીઓ ઇન્ટરનેટની મદદથી જુદાં જુદાં પ્રકારનાં કૌશલ્યો જેવાં કે વૈજ્ઞાનિક રમકડાં બનાવવાં, ગોળા ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, કબડ્ડી, ખોખો, જેવી રમતોના કૌશલ્યો શીખવા લાગ્યા. શાળાએ પોતાની પેડેગોજી વિકસાવવામાં શાળાના બ્લોગ સોશિયલ મીડિયા તેમજ વિવિધ સ્થળોથી આવેલા લોકોને એક તાંતણે બાંધનાર સમગ્ર ગ્રામજનોને આવરી લેતા ગામના
whatsapp ગ્રુપને પણ મહત્ત્વનું ગણ્યું છે -
આમ, ટેપ રેકોર્ડરથી whatsapp સુધીની ટેકનોલોજી સાથેની યાદો એ પ્રતિનિધિના મન પરથી પસાર થઈ - જેમ જેમ દેશભરમાંથી સરકારી તેમજ પ્રાઇવેટ સેક્ટરની સ્કૂલ્સના પ્રતિનિધિઓએ પોતે ટેકનોલોજીમાં કયા કયા પ્રકારનાં કામ કર્યાં છે તેનાં પ્રેઝન્ટેશન્સ જોવાનાં શરૂ કર્યાં ત્યારે સમજાયું કે આઈસીટીના ઉપયોગમાં સોફ્ટવેર વગેરેનું જ્ઞાન એક દરિયો છે જેમાંથી નવા નદીસરે માત્ર એક ચમચી જ ભરી છે. છતાં શાળાની ફિલોસોફીને તે મંચ પર મૂકવામાં આવી કે “ટેકનોલોજી નહીં પણ ટેકનોલોજીનો શીખવામાં ઉપયોગ અને તેમાંનું નવીનીકરણ મહત્ત્વનું છે.” તેનો પડઘો શાળાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ - National Award for use ofICT in Education ના એવોર્ડ રૂપે પડ્યો
2016માં જ્ઞાનકુંજ આવવાથી શાળા માટેનાં અમારાં કામ સરળ થઈ ગયાં - હવે ડાન્સ શીખવા માટે તેમની પાસે સ્ક્રીન મોટી હોય છે. જે વસ્તુઓ શાળામાં કે વર્ગમાં નથી આવી શકતી તે બધી વસ્તુઓ સ્ક્રીન ઉપર તરત જ આવી પહોંચે છે. શિક્ષકની ઓછી મદદથી પોતે જ શીખવાનું શરૂ કરી દેવાય છે. આ કડીમાં આ મહિને (માર્ચ -23) મળેલા ઇન્ટરેકટીવ ફ્લેટ પેનલ અને નવા લેપટોપ (જ્ઞાનકુંજ - 3)
એ સૌથી વધુ રોમાંચક થશે તેવું લાગી રહ્યું છે. દર વખતની જેમ જે સૌથી અગત્યનું કાર્ય - શાળાના દરેક વિદ્યાર્થીને તેનો બેઝિક ઉપયોગ આવડતો જ હોવો જોઈએ. તમામ વિદ્યાર્થીઓને આવરી શકાય તેવો તેર મુદ્દાઓનો એક જ્ઞાનકુંજ-3 માટેનો અભ્યાસક્રમ બનાવ્યો.
1) IFP અને Laptop on કરી શકે છે.
2) IFP માં whiteboard ખોલી શકે છે.
3) whiteboard ના મેનૂમાં જઈ દરેક આઈકોનનો પરિચય આપી શકે છે.
4) whiteboard નું બેક ગ્રાઉન્ડ પેજ બદલી શકે છે.
5) Pen નો colour અને size બદલી શકે છે.
6) રબર વડે ત્રણ ઓપ્શન મૂજબ ભૂંસી શકે છે.
7) Pen વડે શબ્દોનું અને અંકનું સુલેખન કરી શકે છે.
8) Laptop માંથી pdf ફાઇલ ખોલી શકે છે
9) ખોલેલી pdf ફાઇલ માં પેન વડે લખી શકે છે.
10) Laptop માંથી Gshala login કરી શકે છે.
11) Gshala માંથી ધોરણ > વિષય > પ્રકરણ નો વીડિયો ખોલી બતાવી શકે છે.
12) Video પુશ કરી તેના ઉપર pen વડે લખી શકે છે.
13) IFP અને Laptop shut down કરી શકે છે.
પહેલા દિવસના અડધા કલાકમાં શાળાના શિક્ષકોએ મળી પ્રાથમિક બાબતો સમજી લીધી. ત્યારબાદ નાગરિક ઘડતર અંતર્ગત પાડવામાં આવેલા ચાર ગ્રુપ પૈકી એક ગ્રુપના દરેક ધોરણના ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને સૌ પ્રથમ તાલીમ આપવામાં આવી. આ મુજબ ચાર દિવસ કરવાથી દરેક ધોરણમાં બાર બાર વિદ્યાર્થીઓ હવે આ પેનલનો ઉપયોગ કરી શકતા હતા. બીજા ફેઝમાં તે ત્રણ વિદ્યાર્થી પૈકી જે સૌથી સારું કરતો હોય તે અને બીજા ત્રણ વિદ્યાર્થીઓ. આ વખતે શિક્ષકનો રોલ ધીમે ઓછો થતો જાય અને વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીઓને શીખવે તે પ્રકારનું આયોજન કર્યું. આમ શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓને આવરી લીધા પછી ફરી એકવાર એ જૂથના દરેક ધોરણના વિદ્યાર્થીઓ અને તે જૂથના શિક્ષકો મળી અને પોતે શાળાએ નિયત કરેલા જ્ઞાનકુંજ ઉપયોગના 13 મદ્દાઓ પૈકી કયા મુદ્દામાં કચાશ ધરાવે છે તે વિશેનું એક રિફ્લેક્શન કર્યું.
અત્યારે એનું પરિણામ એ છે કે કદાચ શિક્ષક તરીકે અમે ક્યાંક અટકી જઈએ તો બાળકો જ યાદ કરાવી દે છે કે, “ના એ રીતે આમ નહીં ભૂસી શકાય એના માટે તમારે અહીંયાંથી આ જગ્યા પર જવું પડશે.” આનાથી વિશેષ આનંદની વાત શી હોઈ શકે ! આ હાર્ડવેર અને સોફ્ટવેર પ્રમાણમાં વધારે ઝડપી છે તો વર્ગખંડની અંદર કેટલીક નવી ટેક્નિક્સ ઉમેરાઈ છે તે આવી કંઈક છે……
·
ગદ્યમાંથી પદ્ય અને પદ્યમાંથી ગદ્ય કરાવવા માટે એક પ્રેઝન્ટેશન તૈયાર કરી એક પછી એક પંક્તિ આવતી જાય. ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલમાં ટાઇમર સેટ કરેલું હોય એ ટાઈમમાં જ તેઓ જૂથમાં ચર્ચા કરે અને રજૂઆત કરે.
·
વિદ્યાર્થીઓ એકમ કસોટી લખી રહ્યા પછી તે પૈકીની એક એકમ કસોટીની પીડીએફ ડિસ્પ્લે થાય. વર્ગના તમામ વિદ્યાર્થીઓ તે વાંચે - અને તેની પર પેન વડે સુધારા સૂચવે - મૂલ્યાંકન કરે - ચર્ચા કરી તેના કેટલા ગુણ મળી શકે તે નક્કી કરે.
·
સૂચનાઓ સમજવા માટે પુસ્તક પેનલ પર ખોલેલું હોય. તે સૂચનાઓ વાંચવા ત્રીસ સેકન્ડનું ટાઇમર સેટ થાય - તેઓ વાંચે - સમજે અને શું સમજ્યા એ બધાંને કહે. એક જ સૂચનામાં કેટલાં કામ કરવાનાં છે - તે ત્યાં જ પેન વડે એક- બે - ત્રણ - એમ માર્ક કરાય. અને આ રીતે વંચાતી વખતે આપણા મગજમાં કઈ રીતે વિશ્લેષણ થાય છે તે તેઓ એકસાથે જોઈ શકે. ગૃહકાર્ય અને વર્ગમાં આવીને થતું કા.પા. કાર્યમાં જે નિશ્ચિત હોય તે ડૉક / pdf / ગૂગલ સ્લાઈડ બની વર્ગનો સમય બચતો થઇ ગયો.
·
ગૂગલ ડૉકની વોઇસ ટાઈપિંગ વડે તેઓ કોઈ એક મુદ્દા પાર વિચાર કરે - લેપટોપ પાસે જઈને વાક્ય બોલે અને તે વાક્ય લખાતું હોય એ બધા જોઈ શકે…. સુધારા સૂચવી શકે. (આમાં મજેદાર વાત એ છે કે જેમને પોતાના સંકુલ વિચારો લખતાં નહોતું આવડતું એ પણ પૂરા આત્મવિશ્વાસ સાથે ભાગીદારી નોંધાવે છે. )
આમ, ટેક્નોલાજી કદાચ માત્ર લર્નિંગ એન્હાન્સમેન્ટ જ નથી પણ એવા વિદ્યાર્થીઓ કે જેઓ સામાન્ય વર્ગમાં ખૂણામાં ખોવાઈ જતાં તેમને સ્વયંપ્રકાશિત કરવાનો મોકો પણ છે.
તમે આવી કોઈ ટેક્નિક ઉપયોગમાં લેતાં હો તો જરૂર જણાવજો.