નવું શીખવાનો આનંદ અને નવું શીખવવાનો આનંદ !
નવું જાણવું એ મજા આપનારું હોય છે.
આપણો સ્વભાવ જ એવો રહ્યો છે કે નવું જાણવાની – શીખવાની અને સમજવાની આતુરતા એ સહજ
હોય છે. પરંતુ જો તેમાં પણ જો ટ્વીસ્ટ હોય તો તે આતુરતા અધીરાઈમાં પરિણમતી હોય છે.
કેટલીક બાબત તો આપણે જાણતાં હોઇએ છીએ તો પણ જણાવનારની ‘જણાવવાની રીત’ ને કારણે
જાણે પહેલીવાર જાણતા હોય એવો આનંદ આવતો હોય છે. જેમ કે તમારા કોઇ આદર્શ અથવા તો
તમારી ફેવરીટ મૂવી કે જાદુગરના જાદુના ખેલ. આપણે પહેલા જોયેલા હોય – આવું તો શક્ય
જ નથી એ સમજતા હોઇએ તો પણ જોવાની એટલી જ અધીરાઇ હોય છે. તેનુ કારણ માનવ સહજ સ્વભાવ
- નવું જાણીને સમજવાની ઉત્સુકતા !
હવે એક કોયડો - એક જગ્યા એવી છે કે જ્યાં રોજ નવું
શીખવાય છે અને રોજ નવું શીખાય છે પણ એ નવું શીખ્યાની ફિલિંગ અદ્રશ્ય છે ! બોલો
ક્યાં?
હવે જઇએ શાળા કેમ્પસમાં ! વાત ગમે
ત્યાંથી શરૂ ભલે થાય, અટકશે તો વર્ગખંડોમા જઇને જ ! જો વર્ગખંડોની
વાત કરીએ તો
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી શૈક્ષણિક પ્રક્રિયાઓમાં અને ઉપરોક્ત બાબતો વચ્ચે ઘણી સામ્યતાઓ છે – જેમ કે
બાળકનો સ્વભાવ પણ નવું
જાણવાની આતુરતા વાળો છે એને પણ આ કેવી રીતે થાય ? એ જાણીને સમજવાની ઉત્સુકતા હોય છે
વર્ગખંડની પ્રક્રિયાનો બારીકાઇથી અભ્યાસ કરીએ તો બાળક શાળામાં આવી રોજેરોજ જે જાણે
છે તે તેના માટે નવુ હોય છે – તો પછી શું શાળાએથી ઘરે જતા બાળકના ચહેરા પર આજે
કંઇક નવું મેળવ્યાની ફિલિંગ દેખાય છે ? ચાલો બાળકોમાં એ ફીલ થાય ન થાય એ પક્ષે ચર્ચા છોડી આપણા પક્ષની વાત
કરીએ તો શિક્ષક તરીકે આપણે બાળકોને જે રોજ જણાવીએ છીએ – શીખવીએ છીએ કે સમજાવીએ છીએ
તેની નવીનતા વાળી ફિલિંગ શાળા છોડતાં સમયે આપણા ચહેરા પર કે દિલમાં હોય છે ખરી? એ
છોડો તમે તમારા તાસ દરમ્યાન આજે જે વિષય વસ્તુ પીરસવાના છો તે જો બાળકો જાણે જ છે –
તો પછી બાળકોને તે જ વિષયવસ્તુ તમારા થકી
સાંભળવાની આતુરતા ઉભી થાય તેવી રજુઆત કરી શકો
છો ? અથવા તો એમ પૂછું કે તે માટે
એક જાદુગર જેવુ કૌશલ્ય તમે તમારા શિક્ષક તરીકેના માનસમા ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ
કર્યુ છે ખરું ? ન કર્યુ હોય વર્ગખંડમાં ભલે તમે એન્ટ્રી
લઇ લેશો બાળકોનું માનસ તો “નો એન્ટ્રી” નું જ બોર્ડ દેખાડશે.
માટે આજે જ બાળકોમાં આતુરતા
ઉભી કરવા માટેનું શિક્ષકનું કૌશલ્ય આપણા માનસમાં ડાઉનલોડ કરી લો જેથી જેટલી આતુરતા બાળકોના ચહેરા પર
જાદુગરને
સાંભળવાની અને જોવાની હોય છે તેવા જ ચહેરા સાથે તમારી પ્રતિક્ષા કરતા થાય નહી તો
પછી પેલી ફરિયાદ કાયમ રહેશે કે બાળકોને ને જાણવામાં રસ નથી [પણ હકીકત તો એ છે કે
બાળકોને જાણવામાં તો રસ છે પણ આપણી નબળી રજૂઆત ને કારણે બાળકોને આપણા પાસેથી
નહિ..... હા..હા,.હા.. એમ બાળકોને ભણવામાં પણ રસ છે જ પણ.... !]