બદલાય છે, એટલે જીવંત છે !
શાળાનું સુકાન વિદ્યાર્થીઓના હાથમાં [શ્રેષ્ઠ નાગરિક એ શિક્ષણની
જવાબદારી ] પહોંચાડવા માટેની જે
ચાવીરૂપ પ્રવૃત્તિ છે તે છે નાગરિક ઘડતર..!
છેલ્લા પંદરેક વર્ષથી આ પ્રવૃત્તિ
શાળાની કરોડરજ્જુ છે. તેમાં દર વર્ષે અને ઘણીવાર તો છ માસના અંતે પણ ફેરફાર આવ્યા કરે છે. નાગરિક ઘડતરનું ઘડતર ! એ પ્રકારના ફેરફારના
કારણે જ તે આટલા વર્ષો પછી પણ એટલી જ જીવંત છે.
જેમ છેલ્લા બે વર્ષથી
શાળામાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની પદ્ધતિઓ ઉમેરાઈ છે તેમ આ વર્ષે હેરી પોટર ની
હોગર્ડ્ઝ સ્કુલ ની જેમ નાગરિક ઘડતરના સાત જૂથને વર્ષની શરૂઆતમાં સો પોઇન્ટ આપવાનું
અને આખા વર્ષ દરમિયાન પોતાના ફાળે આવેલી કામગીરી ઉપરાંત જો કોઈ સિદ્ધિ મેળવે અથવા
તો તે ગ્રુપમાં કોઈ સભ્ય કોઈ વિશેષ કાર્ય કરે તો તે ગ્રુપને પોઈન્ટ મળતા જાય અને
તેનાથી વિરુદ્ધમાં જો કોઈ વ્યક્તિ (શિક્ષક સહીત) વિદ્યાર્થીઓએ રચેલા શાળાના સંવિધાનથી
વિરુદ્ધ કોઈ કાર્ય કરે અથવા જાણી જોઈને સામૂહિક શિસ્તનો ભંગ કરે તો તે ગ્રુપ ના
પોઇન્ટ્સ માઇનસ થાય. તે ઉમેરવાનું નક્કી થયું છે.
હજુ આ લખાય છે ત્યાં સુધી
સંદીપ અને રીટા ક્યારે પોઈન્ટ્સ આપવા અને ક્યારે પોઈન્ટ્સ કાપવા તે અંગેના વિધાનો
બધાને પૂછીને રચી રહ્યા છે..
હજુ તે પોઈન્ટ્સ રેકોર્ડ
કેવી રીતે રાખવો ? શાના માટે કેટલા પોઈન્ટ્સ આપવા અથવા કાપવા – તે બધું નક્કી નથી
થયું. આમ પણ જયારે તમે બાળકોને નક્કી કરવા દો તો એમને આપણા જેવી કોઈ ઉતાવળ હોતી
નથી. તેઓ ઝીણું કાંતે છે, બરાબર કાંતે છે !
આ ફેરફાર કરવા પાછળનો
ઉદ્દેશ્ય છે, તેઓ પોતાના હક અને ફરજ
માટે વધુ જાગૃત બને. યોગ્ય સમયે યોગ્ય દલીલ અને યોગ્ય ભાષા સાથે પોતાનો વિરોધ
નોધાવે અને હકની લડાઈ યોગ્ય રીતે લડતા થાય એ છે.
અમારી આ પ્રવૃત્તિ વિષે તમારા કોઈ
સૂચનો હોય તો જણાવજો..અમે બાળકો સમક્ષ તે મૂકીશું..