March 26, 2018

હાજરી ધ્વજ


શાળા પરિવારનું નવીન સાહસ – હાજરી ધ્વજ


હરીફાઈ એ આપણો જન્મજાત ગુણ રહેલો હોય છે – તેને જો તંદુરસ્ત દિશામાં વાળવામાં આવે તો દરેક ક્ષેત્રમાં જેમ સારા પરિણામ આપે છે તેમ શાળા કેમ્પસમાં પણ આપી જ શકે. શાળાને પડતી મુશ્કેલીઓના ઉપાયમાં તંદુરસ્ત હરીફાઈ વડે જો કોઈ પ્રકારે બાળકોને જોડવામાં આવે તો શાળા કેમ્પસનું વાતાવરણ  એવું બની રહે છે કે જાણે શાળાની એ મુશ્કેલીને ઉકેલ માટે આખીને આખી શાળા મહેનત કરી રહી હોય ! – આપણી નવાનદીસર શાળા બાળકોની ગેરહાજરી માટેના પ્રશ્નનો વર્ષોથી સામનો કરી રહી છે. મહોલ્લા પ્રાર્થના સભા થી લઈને વાલી સંપર્ક અને ગામના પ્રસંગોમાં હાજરી આપવાથી માંડી ગામ શાળાના વોટ્સ એપ ગૃપ સુધીના શાળા પરિવારના પ્રયત્નો પછી પણ ૧૦૦% હાજરી કરવામાં શાળાને સફળતા નથી સાંપડી ત્યારે –  “સાહેબ, આટલા પ્રયત્નો ન કર્યા હોત તો આજે આટલી ય હાજરી શાળામાં ન હોત !” – આવા સ્થાનિક યુવાનોના શબ્દો અમને નિરાશ થવાથી દૂર રાખે છે. અને આવા આશ્વાસનો જ અમને નવા પ્રયોગો કરવા પ્રેરે છે. એવું પણ નથી કે બાળકને શાળામાં આવવું ગમતું નથી એટલે ઘરે રહે છે. પણ કેટલાંક વાલીઓમાં શિક્ષણના મહત્વ વિશેનું મંતવ્ય એટલે – “એ તો સાહેબ શિક્ષણ તો ૧૨મું ભણી રે પશી કામ લાગશે ન, પણ આજ ભેંસોને પાંની પાવા શોરું ઘેર ની રે તો કમાવા કુન જાહે – એમના પરિવારે પણ એક ટીમના જેમ કામોની વહેંચણીઓ/ફાળવણી કરી લીધી હોય છે અને તેમાં ક્યાંક સમય બચી જાય તે દિવસે શાળા. આવા શિક્ષણ વિષે અજાગૃત વાલીઓની વાતો સાંભળી હતાશા અનુભવવાને બદલે શાળા પરિવાર એ લોકોને યાદ કરી લે છે જેમણે આપણી પોતાની પરંપરાગત ચાલી આવતી પેઢીમાં શિક્ષણના બીજ રોપવા અને આપણા એ પૂર્વજને શિક્ષિત વ્યક્તિ બનાવવા માટે અથાક મહેનત કરી હશે, અને જેની મહેનતના પરિણામ સ્વરૂપે આપણી પેઢીમાં શિક્ષણ પ્રવેશ્યું અને તેનો લાભ આપણને થયો. આવાં પરિવારના બાળકોમાં શાળાએ આવવા રોજેરોજના કારણ મળે – “શાળામાં કાલે આવજે , ઘરે કોઇપણ કામ હોય તો પણ પતાવી જલ્દીથી આવી જજે” – એવું શાળાને બદલે તેનો સહાધ્યાયી મિત્ર બોલતો થાય  તેવું કંઇક કરવાના આયોજન સાથે શાળા પરિવારે નવો એક પ્રયોગ શરુ કર્યો – હાજરી ધ્વજ ! શરૂઆતમાં તો પ્રયોગ ધોરણ પાંચમાં પુરતો સીમિત હતો – અને સ્વરૂપ થોડું જુદું હતું > “અમને માફ કરો” < શાળામાં તેનું વિસ્તૃત સ્વરૂપે શરુ થયું જેમાં શાળાના સમગ્ર બાળકોને સામેલ કરવામાં આવ્યા. છોકરા અને છોકરીઓ સામે સાત રંગના ધ્વજ રજુ કરાયા જેમાંથી છોકરીઓની પ્રતિનિધિએ બ્લ્યુ કલર અને છોકરાઓના પ્રતિનિધિ એ રેડ કલર પસંદ કર્યો. હવે હાજરીના ટકાના પ્રમાણમાં જેઓના હાજરીના ટકા વધારે હશે તેઓનો ધ્વજ શાળા ભવન પર તે દિવસે ફરકતો રહેશે. વર્તમાનમાં  છોકરા – છોકરીઓ વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ બની ગયું છે. બે વાગ્યા સુધીમાં આવશે તો પણ હાજરીમાં ગણાશે / ગેરહાજર રહેવાનું થાય તો પણ શાળામાં રૂબરૂ આવી વર્ગશિક્ષકને મળી ઘરે રહેવાનું કારણ જણાવનાર પણ હાજરી ધ્વજમાં ગણાશે જેવા નિયમોએ બાળકોને હાજરી માટે મહેનત કરવા પ્રેર્યા છે. અને ત્રણ દિવસના અનુભવના આધારે કહીએ તો હાજરી માટેની મહેનતનો માહોલ બની ગયો છે. – હવે આ માહોલને નવા નવા ટ્વીસ્ટ ઉમેરીને ઉત્સાહિત બનાવી રાખવાની જવાબદારી અમારા સૌની છે. 
બાળકોના ઉત્સાહને માણવા ફેસબુક પર LIVE વિડીયો જોવા ક્લિક કરો

1 comment: