March 20, 2018

અને એક કબુતર 🐦 ફૂલનો ઢગલો થઇ ગયું !😔



અને એક કબુતર 🐦 ફૂલનો ઢગલો થઇ ગયું !😔


       “સાયબ, જીતીન્યો બાથે પડી જેલો અને એનું મોઢું ફાડી નાસ્યું તાન એને કબૂતર મેલ્યું, હાહરું કુતરું આ દરવાજા તરે રઈ ન પેઠયું હશે” “સુનીયાએ પૂસડી ઝાલી રાસેલી, પણ હું કાઢી લઉં એટલામાં તો દાંત વાજ્યો તે આ મરી જ્યું” આ બોલતા બાળકોનો છાતીનો શ્વાસ ગભરાવી નાખે તેવો હતો !
       “મારે હવે આ બધા કબૂતર કાઢી નાખવાના છે, અને જો તમારા જેવો સાચવવા વાળો પરિવાર મળી જાય, આવી સરસ તેમને ય ગમે તેવી જગ્યા મળી જાય તો - !” આવી લાગણી સાથે અપાયેલા કહેણને સ્વીકારી તેની સાથે શાળાએ “છ કબૂતર” પણ સ્વીકાર્યા !
      ગામની દીકરી શાંતાની સાસરીમાંથી મળેલી આ ભેટે શાળાની દિનચર્યાને નવી પાંખો અને સૌને પક્ષીઓ કેવી રીતે જીવે તે જોવાની આંખો આપી. શરૂઆતમાં તેમને શાળામાં જ વસી જવા માટેની કેદ મળી....મળેલી સૂચના કરતાં ય વહેલા તેમને મુક્ત કર્યા... છ પૈકી એક પાછું ઉડીને ક્યાંય ફરતુંતું. પણ જીગ્નેશે ય જીદ રાખી કે રહે તો અહીં રહે..અહિયાં જ એમની સલામતી છે ! પાછા મૂકી ગયા પછી બધા રોકાઈ ગયા...ચબુતરાની અંદર ઘૂ ઘૂ...અને ક્યારેક ટોચ પર બેસી રહેવું...ક્યાંક મેદાનમાં ચણવા ઉતરી જવું.. અમને ય એમનું એવું ઘેલું લાગ્યું હતું કે શાળામાં પ્રવેશતા અને છૂટતા તેમનું અનાજ અને પાણી ચકાસીએ.. તેઓ કેવા કેવા ખેલ કરે તે જોતા રહીએ.
       એક સાંજે ચબુતરામાં ફોન વડે યુટ્યુબ લાઈવ કર્યું અને પાંચમા ધોરણના વિદ્યાર્થીઓમાંથી કોઈક બોલ્યું કે નામ પાડો... શિક્ષકે કેટલાક નામ કહ્યા (શિક્ષકની બુદ્ધિ મુજબના) પણ ત્યાં જ એક બોલ્યો પેલો કબૂતરો જો...બાહુબલીની જેમ ચાલે છે. અને ફિલ્મમાં જેમ એકવાર બાહુબલી બોલાયને બધાને જુસ્સો આવે તેમ બધાએ બાહુબલી નામ વધાવી લીધું – છૂટ્યા પછી જોતા એક નમણી કબૂતરીને નામ મળ્યું દેવસેના ! બીજાના નામ પાડવામાં રોજ બબાલ થતી અને કઈ નક્કી થતું નહીં.
        આમ, એકાદ મહિનામાં તેઓ અમારા પરિવારનો હિસ્સો અને દરરોજ તેમની કલા નિદર્શનનો એક નવો કિસ્સો બનતા ગયા... એક દિવસ શાળા ખુલતા પહેલા મેદાનમાં ચણતા એ છ પૈકી એકને કૂતરાએ શિકાર બનાવી દીધું..
        પહેલા તેને બચાવવા કરેલા પ્રયાસો, કૂતરા માટે ગુસ્સો – મૌલિક તો એક જ વાત “ખૂનની સજા મોત, કૂતરાને ય મારી નાખો !” જીતીન અને સુનીલની લાચારી..”અમારાથી ના બચાવી શકાયું.. અચાનક જાણે તેમની પાસેથી કોઈકે કશી ય ચેતવણી આપ્યા વગર ધડ દેતું..તેમનું પોતાનું કૈક છીનવી લીધું હોય તેમ તેઓ સન્ન હતા.. શિક્ષકોના આવતા પહેલા તો જેની પાસે જે પૈસા હતા તે ઉઘરાવી તેને દફન કરવા મીઠું લઇ આવ્યા.. નાના નાના બાળકો ફૂલ લઇ આવ્યા... જાતે ખાડો ખોદી તેમાં એને મૂકી તેમણે તેમના જીવનનો એ પ્રથમ “મૃત્યુ સંસ્કાર” કર્યો. તે જગ્યાની યાદી રાખવા ઉપર એક છોડ પણ રોપ્યો.. બધાએ જીતીન અને સુનીલને મૂંગા રહીને ય બિરદાવ્યા... બીજા દિવસે ગામમાંથી એક ટાઈલ્સ લાવી તેની પર અંકિતે આબેહૂબ તે કબૂતરનું ચિત્ર દોર્યું..રિસેસ સમયમાં પાછા ગામમાં ફરી વળી ક્યાંકથી રેતી, સિમેન્ટ વગેરે લાવી તેની નજીકમાં એ તકતી લગાડી.
અને અમે ? બસ...એ જ જોઇ રહ્યા કે અહીં એવું કૈક થઇ રહ્યું છે જે તેમને દરેક સજીવ સાથે જીવતા અને તેમના જીવનની રક્ષા કરવા કૂતરા સાથે બાથે પડતા અને મૃત્યુનો સ્વીકાર કરતા શીખવી રહ્યું છે !


  






















No comments: