પ્રેમની પરીક્ષા !
😟 “ કાલે મેં
બૂમ મારી જ હતી..કે પેલું લેપટોપ ચાલુ જ રાખ્યું છે, અપડેટ માટે !”
😕 “સાંજે પોણા પાંચ આસપાસ તો મેં જોયું છે !”
😏 “કેબીનનું બારણું ખુલ્લું રહી ગયું હશે.. ત્યાંથી જ આવી કોઈક
ઉઠાવી ગયું.”
શુક્રવાર સાંજે સીસ્ટમ અપડેટ માટે લેપટોપ ચાલુ રાખ્યું
હતું. બીજા દિવસ સવારે શનિવારે સવારે સ્કૂલ ખુલી. પ્રાર્થના, વ્યાયામ અને એક રમત “ચકલી ઊડે ફરરર” બધાને સમૂહમાં
રમાડી. અમને શું ખબર કે શાળાનું એક લેપટોપ પણ ઊડી ગયું છે !
વર્ગમાં લેપટોપ નહોતું એ બધાએ જોયું પણ બધાને એ ચોરી
થાય એવો કોઈ અણસાર પણ શાનો હોય ? દરેકને એમ કે કોઈક ત્યાંથી લઇ જઈ બીજે બેસી કોઈક કામ
કરતું હશે. છેક નવ વાગ્યા આસપાસ પૂછ્યું કે “કેમ જ્ઞાનકુંજ ચાલુ નથી, આજે ?” 😊
“લેપટોપ સ્વપ્નીલ સાહેબ લઇ ગયા !” 👦
ફોન જોડાયો, “સ્વપ્નીલ, અલ્યા શું કામ થાકવાના ધંધા કરે છે? એ હિસાબ કાગળમાં કરી દે !” 😐
“હું કાગળમાં જ લખું છું” 😃
“તો લેપટોપ કોની પાસે છે,સાતમાનું ?” 😕
“અરર..ગોપાલભાઈ લઇ ગયા હશે..” 😊
“એને અત્યારે શું કામ છે ?” બીજો ફોન, “ગોપાલ, સાતમાનું લેપટોપ ?” 😠
“મને શું ખબર ?” 😨
પછી થોડોક થડકારો અનુભવાયો કે ગયું ક્યાં ? ઉપર નીચે બધે પૂછપરછ આદરી... અને અડધા કલાકે ખાતરી થઇ
કે કોઈક ચોરી ગયું.
વર્ગોમાં જોયું તો બધા શીખવવામાં અને બાળકો બધાં કંઈક
ને કંઈક તૈયાર કરવામાં પડ્યાં હતાં. એટલે તરત જ એ વાત પર પડદો પાડી દીધો. બધા જમી
રહ્યા પછી બધાને ભેગા કર્યા.
હવે હૃદય પર ભાર વર્તાવા લાગ્યો હતો કે શું કહીએ ? એક લેપટોપ માત્ર
જાય, બીજી તમામ વસ્તુઓ એમ જ હેમખેમ છે...બીજું લેપટોપ પણ બાજુના વર્ગમાં જ હતું, ચાર કોમ્પ્યુટર હતાં..બીજું ઘણું લઇ જઈ શકાત...પણ માત્ર લેપટોપ જ - એટલે આપણામાંથી જ – ગામમાંથી જ – એ જ ક્ષણે વર્ષો પહેલા પંખો જવાની
અને બીજે દિવસ અમારી લાગણીને સ્વીકારી પાછો મૂકી જવાની ઘટના આંખમાં તરવરવા
લાગી ! એ ઘટના યાદ આવતાં જ ગળે ડૂમો બાઝવા લાગ્યો કે – હવે, આમાં શું કરવું ?
ફરી ભરોસો કરવો ? કે પોલીસ ફરિયાદ કરવી? કંઈ જ સૂજતું
નહોતું. એક બાબત સૌ મૂંગા રહીને બોલતા હતા કે “હવે આપણે એકબીજાનો ભરોસો ખોઈ દેશું ! લેપટોપ તો ઠીક
પણ આ વિશ્વાસ પાછો ક્યાંથી લાવીશું? શાળાની ચાવી શાળાના
બાળ પ્રમુખ પાસે જ રહે. રજાના દિવસે કોઈ મહેમાનો શાળા જોવા આવે તો ગામમાંથી કોઈ પણ
ચાવી લઇ જઈ તેમને આખી સ્કૂલ બતાવે, વિગતો સમજાવે !
સફાઈ કરવા સેવક પણ સાંજે ૫:૩૦ પછી આવે...અમે બધા શાળાના બગીચામાં વાતો કરતા હોય
અને એ સફાઈ કરી ચાવી આપી ને જાય. ઘણીવાર શિક્ષકો ના રોકાઈ શકે તોય એક ક્ષણ માટે ય
એવો વિચાર ના આવે કે શાળા બરાબર બંધ થઇ હશે કે નહિ !
આમ, જ્યાં શાળા અને ગામ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હોય
ત્યાં આવો ઘા ! નહોતું સમજાતું કે ક્યાં જવું અને શું કરવું ? માત્ર, સૌને એટલું જ કહ્યું કે “હવે આ લેપટોપ પાછું જોઈએ... આપણા સૌની જવાબદારી છે કે આપણે સૌ એકબીજાના
વિશ્વાસ અને પ્રેમમાં ખરા ઉતરીએ !
ગામમાં બાળકોએ અને અમારા વોટ્સેપ ગ્રુપે સમાચાર
પહોંચાડ્યા અને સીધા ફોન શરૂ થયા. શાળાએ તો નક્કી જ કરી દીધું હતું કે પોલીસ
ફરિયાદ એસ.એમ.સી. ની મંજૂરી લઇને કરીશું પણ લેપટોપ આપણે જ ખરીદી લઈશું. પણ જુઓ તો
ખરા ગામની ખુમારી ! દસ મિનિટમાં તો એમણે અંદરોઅંદર ફોન કરી નક્કી ય કરી દીધું કે “સાહેબને ક્યાંય જવાનું નથી.
આપણે સોમવારે મળીએ અને નવું લેપટોપ અમે (ગામલોકો) લઇ આવીએ, કોઈ ફરિયાદ ના કરતા. એમની વાતને માનવાનું મન નહોતું થતું તો બીજી બાજુ એમના
પ્રેમને ટાળવાનું ય મન નહોતું. શનિવાર અને રવિવાર દરમિયાન ના જાણે કેટલી વખત એ બધા
મળ્યા હશે. ગામ આખાની ચિંતા અને ચર્ચા એ “લેપટોપ”.
માણસ એટલી બાધાઓ રખાઈ (આખા ગામને ફફડાટ હતો કે લેપટોપ
પાછું ના આવવું એટલે ગામે શાળાને કરેલો વિશ્વાસઘાત !) કોઈ બોલતું નહિ પણ બધાને આ જ
લાગણી હતી કે વાત લેપટોપની નથી, વાત છે આ વીસ વર્ષના પ્રેમની અને વિશ્વાસની ! સૌએ
પોતાનો એ આઘાત મિટાવવા ઈશ્વરનું શરણું લીધું. ઉસ્માનભાઈના તાવીજ થી લઇ બાળ
પ્રમુખનું માતાજીને નૈવેદ ! કોઈક સાળંગપુર જશે તો કોઈક લેપટોપ વગર પાછા નહીં આવે.
અગિયાર શ્રીફળના હારથી લઇ શાળાના બધા બાળકોને પેંડા !
શનિવાર અને રવિવાર બધાએ કેવી રીતે
પસાર કર્યો હશે એ કોઈએ કોઈને કહ્યું નથી, પણ એ બેચેની એકબીજાને થતા ફોનમાં વર્તાતી હતી.
શું લેપટોપ પાછુ આવશે ? શું લાલચ સામે પ્રેમ જીતી જશે ? ભરોસો હતો પણ ફફડાટ
સાથે કે જો નહિ આવે તો બાળકોને ફરી એ જ મૂલ્યો સુધી પહોંચાડવાં મુશ્કેલ હશે. ઘટનાઓ
તો આવી ને જતી રહે પણ એ જે લિસોટા પાડી દે તે જિંદગીભર રહી જતા હોય છે. બીજી ચિંતા
એ ચોરી કરનાર માટે પણ થઇ કે જે માણસ આખા ગામની આ ફિકરને જો સૂંઘી નહિ શકે તો એ
ભવિષ્યમાં મોટી ચોરીઓ કરતો થઇ જશે !
સોમવારે સવારે શાળાનો દરવાજો ફરી ખુલ્યો ને એક જ બુમે
અમારું જગત ઝળહળતું થઇ ગયું..
“લેપટોપ અહીં મેદાનમાં કોઈક મૂકી ગયું છે !”
આંસુઓ અને સ્મિતનો સરવાળો શું થાય – એ આ પ્રેમને અનુભવી
શકે એ જ જાણે !
ફરી, સૌએ, એ માણસ કોણ હશે
એ છોડી, આપણા વચ્ચે પ્રેમ છે એનો જલસો
માણ્યો ! અને ફરી ગૌરવ છલકાઈ ગયું, પૂજ્ય મોરારી બાપુએ શિક્ષણ પર્વમાં કહેલું કે એ
ગામનાં દર્શન કરવા જવાનું મન થાય છે. તો આ એવું જ ગામ છે; જ્યાં કોઈક ભૂલ પણ કરે છે અને
લાગણીને આદર આપી,
સુધારી પણ લે છે !
21 comments:
અદ્ભુત
સલામ એ ગામની શાળા પ્રત્યેની લાગણીને;
એ લાગણી ઉભી કરનાર ટીમને તો વંદન...
ખૂબ લાંબી પ્રક્રિયા પછી આટલા ઊંડા મૂળિયાં ગામ સુધી નાખી શકાય....
વાહ...અદભૂત
કહેવું પડે!ગ્રામજનો ની શાળા પ્રત્યેની લાગણી ને...
વાહ...
Morari bapu e Sachu J kahyu 👍🌷
Vah.... Ati sundar...
સલામ...સીંચેલા મૂલ્યો બરાબર ઉગ્યા છે!!
સલામ છે આપને... ખરેખર ઘડતર કરયુ છે આપે આપણા આ દેશના નાગરિકોનું... સેલ્યુટ... 👍👍👍
આપના પરિવારની મુલાકાત લેવાનું મારૂ સ્વપ્ન મને હવે જલ્દી જ પુરૂં કરવું પડશે...
વાહ ખુબજ સરસ....
ગામ આટલો પ્રેમ કરે છે એનો સીધો જ મતલબ તમે પણ ગામને ખૂબ પ્રેમ કરો છે......
સાચે મોરારી બાપુ ની જેમ શાળા અને ગામ માં આવાનું મન થાય...
સાચું મૂલ્ય શિક્ષણ આપ બાળકો નેજ નહીં પુરા ગામ ને આપ્યું છે તેનુ આ પરીણામ છે..
ગુરુજી આપના સીંચેલ સંસ્કારોનું પરિણામ છે.
મારે આ શાળામાં આવવાની ઇચ્છા છે.....
હધ્ય ને સ્પર્શતી ઘટના .......
કોઈક જ હશે જેની આંખોના ખૂણા આ વાંચીને ન ભીંજાય
Touchy story...
આપણા કાર્યોમાંથી પ્રેરણા લઇ અમે પણ આ દિશામાં કાર્ય કરવા પ્રયત્ન કરી રહયા છીએ.
આપણા કાર્યોમાંથી પ્રેરણા લઇ અમે પણ આ દિશામાં કાર્ય કરવા પ્રયત્ન કરી રહયા છીએ.
વાહ
અમે પણ વાંચતા જતા હતા અને સાથે છેલ્લે એન્ડમાં લેપટોપ મળશે કે નહીં તેની ચિંતા અને થ્રીલર વધતું જતું હતું. ખરેખર મળી ગયું ને ખુબ ખુબ આભારી. એ વ્યક્તિને પોતાની ભૂલ સમજાઈ ગઈ હશે.
આ જ ખરું લોકિશક્ષણ...સલામ
અદભુત આનંદ થયો આપના ગામ સાથેના સસ્નેહ નાતાને
Post a Comment