December 31, 2017

વર્ગખંડમાં-: અકળામણ VS મથામણ !!


વર્ગખંડમાં-:   અકળામણ VS મથામણ !!

અકળામણ માનવ સહજ સ્વભાવ છે, પોતે ધારેલી સ્થિતિ કરતાં પરિસ્થિતિ અગલ રીએક્ટ કરે ત્યારે આપણે  અકળામણ અનુભવતા હોઈએ છીએ... “પદાર્થોના ગલન બિંદુ” ની જેમ દરેક સજીવમાં “અકળામણ બિંદુ” આવેલું હોય છે, જે તે બિંદુથી ઉપર જતી વિપરિત પરિસ્થિતિ અકળામણ કરાવે છે. જેમ અકળામણ અલગ અલગ સ્થિતિએ ઉદભવે છે તેમ તેનું રિએક્શન પણ અલગ અલગ પ્રકારે બહાર આવતું હોય છે. બાળક ને સામુહિક રીતે માહિતી પીરસ્યા પછી પણ કેટલાંક બાળકોને ફરીથી જે તે બાબતો આપણે એક કુનેહપૂર્વક પુનરાવર્તિત પણ કરતાં હોઈએ છીએ. પણ જ્યારે બાળક પક્ષે જવાબમાં શૂન્યાવકાશ દેખાય ત્યારે ? તમે સોંપેલું કામ બાળક નથી કરી રહ્યો, અને અન્ય કામ વડે તમને ડિસ્ટર્બ કરી રહ્યો છે ત્યારે? તમે ધાર્યો હતો એવો પ્રોજેકટ બાળકે નથી કર્યો..ત્યારે ? ચર્ચા પદ્ધતિ તમારી પ્રિય પદ્ધતિ છે પણ બાળકો તો એકમની બહાર ની ચર્ચા કરાવે છે... ત્યારે ? આવી બધી સ્થિતિઓ આપણને અકળામણ કરાવતી હોય છે, અને સાથે સાથે એવો વહેમ/દંભ પણ ઉભો કરે છે કે "જુઓને હું આના માટે કેટલું કરું છું પણ આને ભણવું જ નથી!" વર્ગખંડમાં જઈને સીધા જ તમે તો બાળકો સાથે શૈક્ષણિક ચર્ચામાં લાગી ગયા પણ એક બાળક એવું છે કે તેનું ધ્યાન નથી ત્યારે ? ત્યારે આપણો શિક્ષકનો જીવ અકળાઈ ઉઠે છે.. એ અકળાયેલા જીવમાંથી શિક્ષકપણું નીકળી કર્મચારીપણું આવી જાય છે. એટલે કે હવે એને શીખવું હોય તો ધ્યાન આપે નહીં તો રહે પાછળ ! વર્ગખંડોમાં જેટલો કુનેહ બાળકોને શૈક્ષણિક કાર્ય કરાવવામાં વાપરવાનો હોય છે તેટલો જ કુનેહ આવી સ્થિતિમાં અનુકૂલન સાધવા માટે પણ વાપરવો રહ્યો. આવી સ્થિતિમાં ઘણા શિક્ષણના જીવો હિંમત ગુમાવી “મારે શું” વાળા મોડ પર આવી જતાં હોય છે, અને ઘણાં દુઃખી જીવો વાઈબ્રેશન મોડ પર... ( કેટલાંક ઉદાહરણોમાં તો રાક્ષસીપણું પણ દેખાઈ આવે છે પણ એ નકારાત્મક ચર્ચા અહીં નહીં એ માટેની આ રહી પોસ્ટ >> સોટી વાગે સમ સમ... ) વર્ગખંડોમાં તમારી શૈક્ષણિક ચર્ચામાં જે બાળકને રસ નથી તેની સાથે આગળના તાસમાં કે ઘરમાં તેને અસર કરનારી શું ઘટના બની તેની તમને જાણકારી નથી..તો સમજવું કે તમે શિક્ષક જેવી વિશાળ વ્યક્તિત્વની વ્યાખ્યામાં નહિ પણ માહિતી પીરસનાર વ્યક્તિ જેવા સીમિત વ્યક્તિત્વની વ્યાખ્યામાં બંધ બેસો છો. અને તેથી પણ આગળ કહીએ તો “બાળક, કેમ આ માહિતી સમજી શકતો નથી ? અથવા તો “આ નવીન બાબત તે કેમ આટલા પ્રયત્ન છતાં શીખી શકતો નથી? - એ બાબત ઉપર તમારી અકળામણ એ દર્શાવે છે કે તમારી શીખવવાની ક્ષમતા ખુબ જ  સીમિત છે. શાંતિ થી વિચારશો ત્યારે ખ્યાલ આવે કે જ્યારે તમે અકળામણમાંથી પસાર થઈ રહ્યા હતાં તે સમયે બાળક તમારી પીરસેલી માહિતીને સમજવાની મથામણ કરી રહ્યો હતો. જો એજ સમયે તમે તમારી અકળામણને દબાવી રાખી તમે પણ બાળક સાથે વ્યક્તિગત મથામણમાં લાગ્યા હોત તો બાળકની સાથે સાથે તમે પણ સાચા માર્ગદર્શક તરીકેની સફળતા મેળવી શકત. અને આજ કામ તો છે આપણું માર્ગદર્શક તરીકેનું ! આપણે ધારીએ તેવી જ વર્ગખંડમાં ચર્ચા થાય તે માટે બાળકે નહીં શિક્ષક તરીકે એન્કર વાળી કુનેહ વાપરી અકળામણ નહીં પણ આંતરિક મથામણ કરવી પડશે. કહેવાતા શિસ્તમાં પણ આવી જ ધારણાઓ ભાગ ભજવતી હોય છે, માટે જ શિસ્તનો નિયમ એ કદાચ આપણી ધારણા મુજબ બાળકની ધારણા ન પણ હોય... ત્યારે..? વિચારીએ કે વર્ગખંડમાં KEEP silence એમ બુમ પાડીએ ત્યારે સૌથી ઉંચો ઘોંઘાટ આપણા એ ઉચ્ચારનો જ હોય છે !!
શિક્ષક તરીકે આપણું કામ અકળામણનું નહિ, પણ મથામણનું છે. તેના વડે બાળકોની શીખવાની ક્રિયા રસિક બનાવી વર્ગખંડોનો મૂડ બનાવવાનું છે !!

December 29, 2017

ઈન્ટરનેટથી કાપીએ “અંતર”


ઈન્ટરનેટથી કાપીએ “અંતર”

શાળાના કેટલાક બાળકો પ્રવાસ જાય પછી બાકી બચેલા બાળકો માટે જાણે એ દિવસ અન-ઓફિસિયલ રજા જાહેર થઇ જતી હોય છે. શાળા પરિવાર ને હમેશા ખુંચે કે જેઓ પ્રવાસમાં ના જઈ શક્યા એ માટે તેઓ જવાબદાર નથી. કેટલાકને પોતાની શારીરિક સમસ્યાઓ છે, તો કોઈકને નજીવી કિમતનો આ પ્રવાસ પણ પરવડી શકે એમ નથી. એટલે આ વખત એક નવો રસ્તો મળ્યો – જ્ઞાનકુંજ !
        શાળામાં મળેલી આ સુવિધાએ જાણે કે બધાનો શીખવાનો અને શીખવવાનો અભિગમ જ બદલી નાખ્યો છે ! એટલે એ દિવસે જયારે કેટલાક બાળકોએ નર્મદાની મુલાકાત લઇ રહ્યા હતા ત્યારે અમે અહીં શાળામાં વિચારતા હતા કે આપણે શું કરીએ – અને ઉપાય મળ્યો કે ઈન્ટરનેટથી એમની સાથે જ કનેક્ટ થઈએ... મોબાઈલ કવરેજના પ્રશ્નથી લાઈવ તો જોડાઈ શકયા નહિ પણ, હવે બધા ગોઠવાઈ ગયા સ્માર્ટ બોર્ડ સામે અને પછી એ જ – માર્યો સેલ યુટ્યુબનો ! એક ક્લિકમાં સરદાર સરોવર ડેમના ઘૂઘવતા પાણી અમારા વર્ગમાં ! બીજી ક્લિકમાં સીધા પોઈચા સહજાનંદ યુનિવર્સ !
અહીં બેઠા જ તેઓ જોઈ રહ્યા હતા એ સ્થળો કે જ્યાં એમના દોસ્તારો ફરવા ગયા હતા. અમારી નજર એમના પર હતી -  અવલોકને અમને સમજાયું કે માણસને પ્રવાસ, માત્ર સ્થળની રમણીયતા ને લીધે જ બધાને ગમે છે એવું નથી ! તે સ્થળ પર બદલાયેલા માનવ ચિત્તને લીધે ગમે છે ! જેમ કે અમારા બાળકો બોર્ડ પર જોઈ રહ્યા હોય ત્યારે દરેક બાબતને ઝીણી નજરે જોતા પણ તે વિડિયોમાં રહેલા માણસોની ગતિવિધિ અને એમાંય જ્યારે જ્યારે કોઈ બાળકો દેખાય ત્યારે એમના મોં પર જે મલકાટ આવતો એ – અદભુત હતો !
 સાંજના સમયે નાના ટાબરિયાઓને પણ આ જ રીતે પ્રવાસ કરાવી આવ્યા !
સમજીએ છીએ કે આ વર્ચ્યુઅલ પ્રવાસ એ જીવંત પ્રવાસની બરોબરીનો આનંદ, જ્ઞાન કે અનુભવ ના જ આપી જ શકે પણ “અમે પ્રવાસ નહોતા ગયા” અને “અમે પ્રવાસ ગયા હતા” એમ બે પ્રકારના બાળકો વચ્ચેનું અંતર તો કાપવું જ જોઈએ ને ?
અમે એમ કરવામાં સફળ રહ્યા અને  એટલે જ તો બીજા દિવસે પ્રવાસ ગયેલા બાળકોનું સ્વાગત અમે “એમણે શું શું જોયું ?” એ કહીને કર્યું ! – કોલર ચઢાવી – રોફ જમાવી કહ્યું “તમે બસમાં ગયેલા અમે હેલીકોપ્ટરમાં ! અને તમે જ્યાંથી નહિ જોયું હોય ત્યાંથી અમે સહજાનંદ યુનિવર્સ જોયું, તમે નહિ જોયો હોય એવો સરદાર ડેમનો ઘુઘવાટ અમે સાંભળ્યો !








December 23, 2017

👀 એક ડોકિયું વર્ગખંડોની દુનિયામાં !! 👀


👀 એક ડોકિયું વર્ગખંડોની દુનિયામાં !! 👀
“આ પ્રશ્નનો જવાબ નથી આવડતો !” એ એમ સીધું જ કહેવા ટેવાયેલો છે. શિક્ષક પણ સહજ રીતે “ફરી નર્મદા મૈયા વાંચી જો.. એમાંથી મળી જશે.” “હુહ...” એમ હુંકારો કરી એ બાજુની ઢળતી પાટલી પર આડો પડી...સવારે રોકસ્ટારમાં ગવાયેલું ભજન ગાય છે..... “મારી ઝૂંપડીએ આવો મારા રામ..” બાજુમાં બેઠેલી એક છોકરી એને ટોકે છે, “તું ચુપ થા..” ગાતો ગાતો શિક્ષક સામું જોઈ વળતી ફરિયાદના સૂરમાં...”સાહેબ....” જાણે પૂછતો હોય કે આમાં ચુપ થાઉં ? શિક્ષકની નજર પેલી ફરિયાદી છોકરી પર પડે છે...એની આંખોથી કહી રહી છે કે જો એનો પક્ષ લીધો તો ખેર નથી. શિક્ષક બંને બાજુ જોઈ માત્ર સ્માઈલ આપી ડોકું ધુણાવીને પાસે બેઠેલી એક છોકરીને આગળનું વાક્ય વાંચવા કહી એની તરફ ધ્યાન આપે છે. ત્યાં બીજી છોકરી બાજુમાં તિજોરી ખોલવા મથામણ કરી થાકી ..”આ તમારો તીજોરો ખોલો….” શિક્ષક મજાક કરે છે “શીખ બકા, નહિંતર તારી સાસુ સાસરીમાંથી કાઢી મુકશે કે વહુને તિજોરી ખોલતા નથી આવડતું !” એ હસવામાં પેલાનું ગાવાનું અટકી જાય છે. અને શિક્ષક કહે છે “જો તું ઝડપ કર જવાબ શોધવામાં...હઅઅઅ...પછી હું પેક અપ કહું.” બીજી છોકરી શિક્ષકને પેલી તિજોરી વાળી પર ધ્યાન આપતા જોઈ...ઝટ જઈ તિજોરી ખોલી આપી..”લ્યો હવે આ તપાસી આપો” કહી એની સ્વાધ્યાયપોથી પકડાવી દે છે. એ તપાસાય ત્યાં પેલાને જવાબ મળી જાય છે અને ગાવાનું ફરી શરૂ કરી દે છે.....”મારી ઝૂંપડીએ...” ફરક એટલો છે કે આ વખતે ગાતા ગાતા જવાબ પણ લખાઈ રહ્યો છે. ત્યાં એક આવે છે કે “આ શીર્ષક નવું આપો એટલે શું લખવાનું ?” એને સમજાવી દીધા પછી પહેલો છોકરો “બાપૂ... આવડી જાય... આપણી તો .. ધેન ટેનેન... મારી ઝૂપડીએ....” ત્યાં વર્ગ બહારથી અવાજ આવે છે, “સાહેબ આ વિપલો...તૈયાર નથી કરતો..” અંદરથી જ જવાબ વળાય છે, “તો તારે શું ?” ત્યાં એક પાંચમા ધોરણમાં જાણે શાળામાં આવ્યાના પાંચ દિવસ થયા હોય એવા મોટા મોટા અક્ષરોથી ગરબડિયું લખાણ લઈને આવે છે..હાથમાં ફાટેલા દડાનું રબ્બડીયું છે એનાથી એ પટ્ટ પટ્ટ કરે જ જાય છે. “બોલો બેટા પટ્ટ પટ્ટ લખી નાખ્યું ?” “હા..હે...” એમ કહી રબ્બર ફરી પટ્ટ પટ્ટ કરે છે. એના મોટા અક્ષરો પર અડધે લીટી કરી શિક્ષક કહે છે “આ અડધા કરી લાવ.....”
આ અને આવું ઘણું આપણા વર્ગોમાં થતું હોય છે. ઘણીવાર થાય કે આ ક્યારે માત્ર ભણવામાં ધ્યાન આપશે ? પછી થાય કે એ “માત્ર ભણવું” એ આપણી મોટાઓની વ્યાખ્યા છે. બાકી એમને મન તો એ ભણી જ રહ્યા છે. બાળકોની નજરે એમની દુનિયા જોવાનો પ્રયત્ન કર્યા કરીએ તો એમની સાથે ખુશ રહી જીવી શકીએ.. જો એમની સ્વાભાવિક અને સાહજિકવૃતિને દબાવ્યા કરીએ એમાં ક્યાંક એનું વ્યક્તિત્વ જ દબાઈ જાય એમ પણ બને. બધો વખત આટલું જ શાંત રહી ના શકાયું હોય એવું ય બને છે. ગુસ્સે થઇ જવાયું હોય એમ પણ બને. છતાં એક હદ રાખી છે કે આપણે જેમ ગુસ્સે થઇ શકીએ, એમ એ પણ આપણી પર થઇ જ શકશે...અને આમ અમારી જોય રાઈડ ચાલતી રહે છે.

December 15, 2017

Vasudev Kutumbkam !!


“વસુદેવ કુટુંબકમ” કેવી રીતે રચવું?
વિશ્વ અખંડ હોય, એક હોય – સૌ એક સૂર અને હાર્મનીથી જીવે, દરેકને પોતાનો જ નહિ સૌનો ખ્યાલ હોય -  ત્યારે જીવન ખરા અર્થમાં દરેક જીવને અનુકૂળ બની જશે. પણ જ્યાં એક રાજ્યને બીજા રાજ્યના લોકો સાથે, એક ધર્મના બીજા ધર્મના લોકો સાથે વાંધો છે ! બસમાં બાજુમાં બેસનારને “કેવા છો ?” નો જવાબ તમારે તમારી જાતિ કહીને આપવો પડે ! આ માહોલમાં “વસુદેવ કુટુંબકમ” કેવી રીતે રચવું?
આ બાબતને જરા શાંતિથી વિચારશો તો સમજાશે કે વસુદેવ કુંટુંબકમ એ સાવ અશક્ય નથી. દરેક જો પોત પોતાની જાતને ચકાસશે તો સમજાશે કે આપણે કેટલીય વ્યક્તિઓનો વ્યક્તિગત અનુભવ ન હોવા છતાં એમના પ્રત્યે જાત જાતના નકારાત્મક પૂર્વગ્રહો રાખીએ છીએ. કાશ્મીર જાઓ તો મારી જ નાખે, દિલ્હીના બજારોમાં સાચવવું, ત્યાં તો છેતરી જ જાય. આપણે કોઈકના કોઈ એક અનુભવને સર્વવ્યાપક બનાવી જીવતા હોઈએ છીએ અને એટલે જ મનમેળ થવો જોઈએ તોય નથી થઇ શકતો.
ઉપાય શું ? મળવું, ચર્ચવું, એક બીજાને સમજતા શીખવું, તું જુદો છું, હું જુદો છું છતાં આપણે આ જગતમાં એક સરખો શ્વાસ લઈએ છીએ એ અનુભવવું ! આપણી શાળાને આવા આદાન પ્રદાનનો મોકો મળ્યો – અને તેય અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલના નિર્વાણ દિને !
વહેલી સવારમાં ફોન પર વાત થઇ કે અમે વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાની એક આશ્રમશાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રવાસે નીકળ્યા છીએ અને તમારી શાળામાં આવવાની ઈચ્છા છે. શાળામાં ચુંટણીનો બીજો દિવસ અને સવારનો સમય, શિક્ષકો ઓછા એટલે સમૂહ પ્રવૃતિઓનું આયોજન થયું હતું તો તેડાવી લીધા. બંને શાળાના વિદ્યાર્થીઓ એક બીજાને મળ્યા, વાતો કરી... થોડા શબ્દ ફેરે થોડી દક્ષિણ ગુજરાતની છાંટ વાળી ગુજરાતી અને અમારી અદ્દલ દેશી – ત્યાંના શિક્ષકોએ પણ બાળકો સાથે વાતો કરી. એ શાળાના બાળકોને સ્માર્ટ ક્લાસમાં એક તાસનો ડેમો બતાવ્યો !
એકબીજાની રહેવાની/શાળાની/શીખવાની ભિન્ન સ્થિતિઓ જાણે એકાકાર થઇ ગઈ ! અમને પણ એમની શાળામાં આવવાનું આમંત્રણ મળ્યું. હજુ સવાલ તો છે જ આ એક નાનકડી મુલાકાત જો આટલી ઊર્જા ઉત્પન્ન કરે તો આયોજન બદ્ધ રીતે શૈક્ષણિક પ્રવાસોમાં જુદા વિસ્તારની શાળાની મુલાકાત અને વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે તેવા વધુ મોકા આપીએ તો ?