February 25, 2017

ભાષા મારી છે ગુજરાતી !



ભાષા મારી છે ગુજરાતી !

 ભાષા બચાવી રાખવાનો ફાંકો રાખી શકાય નહિ ! જે આપણને સમાવી લે-આપણું અસ્તિત્વ છે એવી આપણી માતૃભાષાને બચાવવી એવું કહેવાને બદલે એના આપણા પરના ઉપકારોનું ઋણ અદા કરવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ એમ કહેવાવું જોઈએ ! સરકારી રીતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીનો પરિપત્ર આવતો થયો પૂર્વેથી શાળામાં માતૃભાષા દિનની ઉજવણી થતી રહી છે. જે બાળકો અહી આવે છે એમને માટે ભાષા માત્ર વાંચતા લખતા  શીખી જવી મહત્વનું નથી એની સાથે તેઓ લાગણીથી જોડાય ભાષા તેમનો અવાજ બની શકે તે વધુ જરૂરી છે ! જોઈએ કેટલીક જૂની ભાષા યાદો>>> માતૃભાષા ગૌરવ
          આ વર્ષે સાતમાં ધોરણમાં કલાપીની ગ્રામમાતાનો વસંતતિલકા ગવાઈ રહ્યો હતો અને શિક્ષકે કેલેન્ડર સરખું કરવા માટે હાથ લંબાવ્યો નજર પડી ૨૧ મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન ! હજુ તો ૧૫ થી વધુ દિવસ બાકી હતા છતાં કહી રાખ્યું કે વખત શું કરીએ ? વિચારી રાખજો ! અરસામાં ધોરણ આઠમાં માતૃભાષાની ક્વીઝ્નો વિચાર આવ્યો ! તેમણે સામાજિક વિજ્ઞાનની ક્વીઝ હજુ યાદ છે ! ક્વીઝ માસ્ટરકોણ રહેશે ?” ના સવાલમાં આઠ આંગળીઓ ઉંચી થઇ સંધ્યા સભામાં ચિઠ્ઠી ઉપાડથી જયાપલના હાથમાં માતૃભાષા દિનની ઉજવણીનું સુકાન આવ્યું. બીજા દિવસ શનિવારે તમામ શિક્ષકો તાલીમમાં હતા ત્યારે શાળામાં જયપાલ અને તેની ટીમ આયોજન કરતી હતી. ચર્ચાના અંતે માતૃભાષા દિનને બદલે સપ્તાહ ઉજવવું. દરરોજ એક એક પ્રવૃત્તિ ચાર વાગ્યા પછી રાખવી. જેમાં.......
. આપણા નાટકો : આપણી આસપાસ બનતી ઘટનાઓનું અવલોકન કરવું, કોણ શું બોલે છે ? કેવી રીતે બોલે છે ? તે આધારિત નાટક ઘરેથી લખવા અને અહી પ્રસ્તુત કરવા.
. જે કળા હવે લુપ્ત થઇ રહી છે તે લગ્નગીતો ઘરેથી દાદી/મમ્મી પાસેથી શીખી, લખી લાવી ગાવા.
લોકમુખે ગવાતા ભજનો જે મોટાભાગે માત્ર જે ગાય એના કંઠે હોય છે તેવા ભજનો ગામના વૃધ્ધો/ભજન મંડળીના સભ્યો પાસેથી શીખી, લખી લાવી ગાવા.
. પોતાના પુસ્તકમાં આપેલ કોઈ એક કાવ્યનું પઠન/ગાન કરી તેને અન્ય સ્વરૂપે રજુ કરવું...અથવા તેની સમજુતી લખી રજુ કરવી.
. આખા અઠવાડિયા દરમ્યાન ધોરણ થી માંથી એક એક વિદ્યાર્થી ની ટીમ માતૃભાષાની ક્વીઝ તૈયાર કરશે.

આટલી પૂર્વ તૈયારી સાથે
           Ü પ્રથમ દિવસ તેમના નાટકો સાંભળવાની મજા પડી. તેમના નાટકોમાં સમાજ બરાબર આલેખાયો મોટાભાગના છોકરાઓના નાટકોમાંક્રિકેટટોપિક અને તેમાંય કેટલાકની ડાંડાઈ વધુ હાઈલાઈટ થઇ. છોકરીઓના નાટકોમાં ઘર અને તેમની મમ્મીની કામ કરવા અંગેની સૂચનાઓ અને તેમણે તે કામ કરવામાં આવતો કંટાળો ઝીલાયો.
  Ü બીજા દિવસે લગ્નગીત લખી લાવનારની ઓછી સંખ્યા જોઇને ખ્યાલ આવે કે બાળકો માટે તેમના માતા પિતા પાસે સમય નથી. છતાં પ્રમાણમાં અન્ય સ્પર્ધામાં ઓછો ભાગ લેતી કોમલ વડે રજુ થયેલું લગ્નગીત તાળીઓ ઉઘરાવી ગયું. જે એના આત્મવિશ્વાસમાં ભરપૂર વધારો કરશે . અને હા, ચાર ચાર બંગડી વાળું ગીત પણ ગવાયું  અને ભરવાડ સમાજના લગ્નોમાં રમાતો હૂડો પણ શાળામાં રમાયો !
  Ü ત્રીજા દિવસની ભજન સંધ્યા ક્યાંક મજેદાર તો ક્યાંક ગાયકો જે લખી લાવ્યા તે ગાઈ ના શકે એવી થઇ. પણ આનંદ વાતનો ખરો કે સૌએ એમનાથી બનતો પ્રયાસ કર્યો. અહી ભજન ગાતી વખત તેમને પડેલી મુશ્કેલી એમને ભજન મંડળમાં સાવ સહજતાથી ગાતા માણસ તરફ આદરભાવથી જોતા પણ શીખવશે... (કદાચ તેના પિતા પણ હોય કોલર ઉંચો કરી કહશે પણ ખરો/ખરી કે મારા પપ્પા મસ્ત ભજન ગાય છે )
 Ü ચોથા દિવસમાં કાવ્યગાનમાં બધાના શ્રોતાઓના કાન ઊંચા થઇ જતા પણ ભાવાર્થ કહેનારા વક્તાઓને કઈ સારો પ્રતિસાદના મળ્યો તેમને ચાલુ ભાવાર્થે ગુસપુસ વાતો અને છેલ્લે તાળીઓ બસ પણ ગ્રામમાતા- સુદામો દીઠા કૃષ્ણ દેવ રે અને રાવણનું મિથ્યાભિમાન કાવ્યોનું વાર્તા સ્વરૂપ બધાએ સાંભળ્યું. સાથે જગદીશના ઘેઘૂર અવાજમાં ગવાયેલકુંજમાં કોયલ બોલતી..” પણ યાદગાર બન્યું. દિવસે ગુજરાતીની માસિક કસોટીના આધારે દરેક ધોરણમાંથી પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને ક્વીઝ માટે નોમીનેટ કરાયા. તેમણે પોત પોતાની ટીમ બનાવી તેનું નામકરણ કરી લીધું.
                   ..અને શનિવારે યોજાઈ માતૃભાષાની ક્વીઝ કોઈકની ઝડપ તો કોઈની વધુ પડતી પિષ્ટપેષણની આદત પછી સવારે સાઈકલના કેરિયર પર ઘેરથી શાળા સુધી ગુજરાતીની ચોપડી વાંચતા વાંચતા આવેલા અલદીપની ટીમ સ્નેહરશ્મી વિજેતા બની. પણ અમને લાગે છે કે આખા સપ્તાહમાં વિજેતા બની છે આપણી ભાષા અને બાળકોનું આયોજન !























No comments: