October 27, 2013

ઉધઈ કે બાળક ??


¨ પુસ્તકાલય -: તમને કોણ વહાલું છે?? – ઉધઈ કે બાળક ??


                        વિચારોને હંમેશા વલોવતા રહેવા પડે છે, કારણ કે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જો તેને વારંવાર ઉથલાવીએ-હલાવીએ કે પછી વલોણાં વડે વલોવીએ નહિ તો ધીમે-ધીમે ઠરીઠામ થઇ સમયાંતરે કટાઈ અથવા તો બગડી જાય છે. આપણા વિચારોનું પણ આવું જ છે. અને તેના ઉપાય માટે ઉત્તમ “વલોણાં” નું કામ “સારા પુસ્તકો”  કરે છે. હવે તમે જ નક્કી કરી લો કે જો પુસ્તકો આપણાં વિચારોનું વલોણું છે તો પુસ્તકાલય ને શું કહીશું ?
    એટલે જ પહેલાં અને આજે પણ સાર્વજનિક તાલુકા/ગ્રામ પુસ્તકાલય જોવા મળે છે. ત્યાં ભીડ પણ જોવા મળે છે. પણ જો મારો અંદાજ ખોટો ન હોય તો મોટાભાગના લોકો પુસ્તકાલયનો ફકત અને ફક્ત ‘વર્તમાનપત્રાલય’ પુરતો જ ઉપયોગ કરતાં જોવા મળે છે. જો કે આજે મુદ્દો આ ન હતો, આજનો મુદ્દો હતો આપણી શાળામાંના “પુસ્તકાલયનું સુવ્યવસ્થિત સંચાલન”                


                              અહીં સુવ્યવસ્થિતનો અર્થ એવો છે કે એવી વ્યવસ્થા જેમાં બાળક-શિક્ષક-સમાજ ના વાંચવાથી પુસ્તક ફાટે. શાળા પુસ્તકાલયની એક કડવી હકીકત કહીએ તો -  ઉત્સાહી શિક્ષક પણ ક્યારેક સંચાલનમાં નિષ્ફળતા [અહી  “નિષ્ફળતા’ નો અર્થ પુસ્તકાલયનો નિયમિત ઉપયોગ ન થવો ] અનુભવે છે. તેનું ઘણાં કારણો પૈકી મુખ્ય એક કારણ છે પુસ્તકાલય સંચાલનમાં બાળકોની ખરા અર્થમાં ભાગીદારીનો અભાવ !  મિત્રો આપણે ગમે તેટલા ઉત્સાહી હોઈશું પણ સાથે-સાથે આપણી વ્યસ્તતા પણ એટલી જ હોય છે. જેથી બાળકોની હાજરીમાં હોંશભેર બનાવેલ ‘તે’ સમયનું મહત્વવાળું “પુસ્તકાલય સમય પત્રક” પણ પછીથી આવેલા “ખુબ જ અગત્યનું” લખેલા કાગળોને કારણે ગૌણ બની જતું જોવા મળે છે. અને પછી આપણે બાળકો સામે પ્રાર્થના/પ્રેરક પ્રસંગોમાં જોરપૂર્વક કરેલ પુસ્તકોની તરફદારી છતાંય  વ્યસ્તતાના સમયે કોઈ બાળક પુસ્તક વાંચવાની ઇચ્છા દર્શાવે તો પણ આપણે ટાળવાની કોશિશ કરતાં હોઈએ છીએ. આવા પરિસ્થિતિમાં બાળ-સહભાગી વ્યવસ્થા આપણા પુસ્તકાલયને યોગ્ય રીતે સંચાલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. કારણ કે આજે નક્કી કરેલું આયોજન સમયાંતરે આપણા માટે ગૌણ થતું જતું હોય છે પણ બાળકો તેનો ચુસ્તપણે જ અમલ કરતાં હોય છે, હા આપણી દેખરેખ તેમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે. અમારી શાળાનું પુસ્તકાલય પણ છેલ્લા ૫ માસથી બાજુમાં દર્શાવેલ ફોટોગ્રાફમાં જોવા મળતી સમિતિ રૂપી “બાળ-ગ્રંથપાલો” દ્વારા સંચાલિત થઇ રહ્યું છે, અને જેમાં
·                           બે બાળકો “બાળ-ગ્રંથપાલ” તરીકે હોય જેઓ પુસ્તકો આપવાની-પરત લેવાની અને તેને નોધવાની જવાબદારી નિભાવતાં હશે. 
·                         એક શિક્ષક માર્ગદર્શક તરીકે હશે જેને ઓછી તો ઓછી પણ દરેક પુસ્તક વિશેની માહિતી હશે, જેથી કયા ધોરણના બાળકોને કયું પુસ્તક આનંદ અને માહિતી આપશે તે મુજબની પુસ્તક લેવાની સલાહ આપી શકે.. 
·                            સાપ્તાહિક [અથવા અનુકૂળતા મુજબ] “પુસ્તક સભા” નું આયોજન થશે. જેમાં બાળકોએ ગત સપ્તાહમાં વાંચેલ પુસ્તકો વિશે પોતે કરેલ નોંધ અન્ય બાળકો સાથે share કરશે જેથી અન્ય બાળકોમાં તે પુસ્તક વાંચન માટેની આતુરતા ઉભી થશે.
·                                      શિક્ષક માટે પણ એ તમામ નિયમો લાગુ પડશે. [પુસ્તકો લેવા માટેના – વાંચી નોંધ કરવી- “પુસ્તક સભા” માં share કરવી ] શિક્ષકશ્રી માટે વધારાનો નિયમ એ હશે કે પુસ્તક વાંચનમાં પોતાના વિષયના પુસ્તકને અગ્રતા આપવાની રહેશે.
                
                                   મિત્રો, વેકેશનમાં ‘પુસ્તક તિજોરીમાં અને બાળકો ઘરમાં’  જેવી પરિસ્થિતિ ઉભી થાય છે, અને આ સમયનો પણ સદુપયોગ કરવા શાળા ધ્વારા  “આપણું પુસ્તકાલય” નું આયોજન કરી શકીએ છીએ. જેમાં દરેક ધોરણના એક-એક બાળકને અથવા તો દરેક મહોલ્લાના એક-એક બાળકોની નિમણુંક કરી શકાય. આ બાળકોને  સમગ્ર પુસ્તકાલયના વિષય-કક્ષા મુજબ સમ-ભાગે વહેંચી ઘરે આપી શકીએ. જેઓ વેકેશન દરમ્યાન પણ આપણા પુસ્તકાલયને કાર્યાન્વિત રાખશે. [પ્રયોગ અંતર્ગત આ વર્ષે નવાનદીસર ૧૪૦ પુસ્તકો/મેગેઝીન આ વેકેશનમાં વાંચશે – વાંચે વેકેશન !]
                          મિત્રો, સુવ્યવસ્થિત સંચાલન વાળું પુસ્તકાલય આપણા શિક્ષણકાર્યમાં કેટલું મદદરૂપ થઇ શકે તે  અમે લખીએ તેના કરતાં તમે અનુભવશો તો આપને વધારે ખ્યાલ આવશે. 
હવે તમારે નિર્ણય કરવાનો છે,કે આપણે પુસ્તકો કોનાથી બચાવવા છે?
 ઉધઈથી કે પછી બાળકોથી !    

1 comment:

vkvora Atheist Rationalist said...

http://gu.wikisource.org/wiki/

વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે જેમાં મુક્ત સાહિત્ય પ્રકાશનો મળી રહે છે અને જેનું સંચાલન અમારો સમુદાય કરે છે. અમારી પાસે અત્યાર સુધીમાં ૩,૬૦૪ કૃતિઓ આવી છે. યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો. સભાખંડમાં પ્રશ્નો પુછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.