જરૂરિયાત શોધખોળની જન્મદાતા છે..
અમારો “ઈકોક્લાસ”
વર્ગખંડો જ્યારે સિમેન્ટનાં પતરાંના ઢંકાયેલા હોય ત્યારે કોઈ કંપનીનો પંખો વર્ગખંડોમાંથી ગરમી દૂર કરી શકેશે નહી તેવી નિરાશા એ અમારા આ ઇકોક્લાસના જન્મનું મૂળ કારણ હતું...ગરમીના દિવસોમાં પતરાંવાળા વર્ગખંડોમાં જયારે ગરમીનું જ સામ્રાજ્ય હોય અને તે પણ કેવું ?... કે જેની સામે ભલભલા પંખાઓએ પણ શરણાગતિ સ્વિકારી ગરમીની સાથે ભળી જઈ હવા પણ ગરમ ફેકતાં હોય અને આવા વાતવરણમાં જયારે આપણે બાળકોને કહીએ કે ચાલો,આજે આપણે વિષુવવૃત્તના પ્રદેશો વિશે જાણીશું....ત્યારે કદાચ બાળકોમાં જન્મજાત રહેલ સહનશીલતા અને શાળાએ શીખવેલ શિસ્તના ગુણોને કારણે જો વર્ગકાર્ય ક્રમશઃ ચાલી જાય....તો નવાઈ નહી,અને આવા જ વિચારો તેમજ, કહેવાય છે ને કે “જરૂરીયાત એ શોધખોળની જન્મદાતા છે.” તે સૂત્રની સાર્થકતા રૂપે અમારા ઇકોક્લાસના નિર્માણની યોજના બની..અને તેમાં પહેલી શરત એ હતી કે તે માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો નહી...અમે તે બનાવતાં પહેલાં શાળા છુટતાં સમયની સમૂહ પ્રાર્થનામાં બાળકો સાથે ચર્ચા કરી અને તે ચર્ચા દરમ્યાન બાળકો તેમજ શિક્ષકમિત્રોના ઘણાં સૂચનો મળ્યા..
આવા સૂચનોના અંતે નીચે મુજબનું આયોજન બન્યું.......
v ઇકોક્લાસની જગ્યા એવી પસંદ કરવામાં આવી કે જે વર્ગખંડોથી થોડી દૂર હોય અને જ્યાં શાળા સમયમાં મોટાભાગે છાંયડો રહેતો હોય..
v ઇકોક્લાસની બેઠક એવી બને કે તે ચર્ચાપદ્ધત્તિ તેમજ નિદર્શનપદ્ધત્તિમાં ખૂબ ઉપયોગી નીવડે...દરેક બાળક શિક્ષક સાથે અને શિક્ષક દરેક બાળક સાથે નિકટતાથી ચર્ચા કરી શકે... અને તે માટે શિક્ષકને બેસવાની જગ્યાનો ભાગ સહેજ ઉંચો રાખવાનું નક્કી થયું.
v ઇકોક્લાસનું બાંધકામ પાકું[સિમેન્ટ વડે બનેલું] ન હોય જેથી જે તે સમયે કોઈ કારણસર જયારે ખસેડવા માટે વધારે મહેનતની જરૂર ન પડે..
v ઇકોક્લાસ બનાવવા માટે સિમેન્ટ નહી તો શું??...વિકલ્પોમાંથી અમે છાણ અને માટી વડે લીંપણનો વિકલ્પ પસંદ કર્યો..અને તેમાં પણ ગાયના છાણનો જ ઉપયોગ કરવાનું નક્કી કર્યું કે જેની જવાબદારી અમારી શાળામાં ભણતાં ભરવાડ જાતિના બાળકોએ લીધી...
v જરૂરી ઈંટોની જવાબદારી ૩ થી ૭ ના તમામ બાળકોએ લીધી જેમાં ઘરેથી અથવા તો શાળામાં આવતાં સમયે રસ્તા પર જે કાંઈ ઈંટો કે પથ્થરના ટૂકડા મળે તે લેતાં આવવાનું નક્કી થયું.
v વાત મધ્યાહન ભોજનરૂમના કાને પહોંચી ......રસોઇયા રાજેશભાઈએ “ગોરમટી” [લીંપણ માટે છાણમાં ભેળવવાની એકજાતની લાલ માટી] લાવી આપવાનું કહ્યું અને તેમનાં પત્ની અને મદદનીશ જુગાબેને લીંપણ માટેની જવાબદારી સ્વીકારી...મોટી છોકરીઓએ અને શિક્ષિકાબેને તેમાં મદદ કરવાની જવાબદારી આયોજન પાસેથી છીનવી લીધી....
v અને છેલ્લે નક્કી કર્યો બનાવવાનો સમય..જરૂરી તમામ ચીજવસ્તુ આવી જાય પછીના શનિવારે શાળા સમય પછી...
સૌએ મળીને એટલા દિલથી મહેનત કરી કે ઇકોક્લાસનું ધાર્યા કરતાં પણ વધારે સુંદર સર્જન અમે કરી શક્યા. જેના ઉપર બેસી અમે અને બાળકો પ્રાચીનકાળમાં રૂષિમુનીઓના સમયની આશ્રમશાળાઓનો અને આધુનિક જમાનાની ટેબલ કોન્ફરન્સનો પણ અહેસાસ મેળવી શકીએ છીએ...
"ઇકોક્લાસ"-"ઋષિઓની કોન્ફરન્સ"-વિશેના આપના અભિપ્રાયો સહ...