May 27, 2011

દાનમાં શ્રેષ્ઠ દાન એવા “વિદ્યાદાન”...

                  દાનમાં શ્રેષ્ઠ દાન એવા “વિદ્યાદાન” જેવા પુણ્યનું કામ કરવાનું પણ વળતર મળે તેવા શિક્ષક્ના વ્યવસાયનું મૂલ્ય સમજીએ

                             એક નાનું સર્કસ. રોજ ત્રણ ખેલ ચાલે, ઘણા જુદા-જુદા કરતબ બતાવે. ત્યાં એક બબલુભાઈ. ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવે, સવારના નવ વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશે” બબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. બાર વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશે” બબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. પણ ત્રણ વાગ્યે જ્યારે એનાઉન્સમેન્ટ થયું ત્યારે બધા શોધે કે બબલુભાઈ ક્યાં ? બબલુભાઈ પડદા પાછળ ટીફીન ખોલીને ખાવા બેઠા હતા. સર્કસના માલિકે કહ્યું કે “ જલદી ચાલ બબલુ, હવે તારા કરતબનો વારો છે. ત્યારે બબલુભાઈ કહે “આંખો દિવસ કામ જ કરાવ્યા કરશો કે પછી શાંતિથી ખાવા પણ દેશો ?????
                              આપણે પણ આવા બબલુભાઈ જેવા જ છીએ અને આપણા વ્યવસાયનું પણ આવું જ છે, જેમ બબલુભાઈ ૪૦ લાડવા ખાવાને પોતાનો વ્યવસાય સમજે છે તેમ આપણે પણ બાળકોને ભણાવવું તેને આપણો વ્યવસાય તરીકે જ માની લીધો છે, પરંતુ જો બબલુભાઈ જે દિવસે વિચારશે કે ૪૦ લાડવા ખાવાના કરતબમાં લોકોના મનોરંજનની સાથે-સાથે પોતાની ભૂખ પણ સંતોષાય છે,તે દિવસથી તેને ટિફિનની જરૂર નહી રહે, આપણે જે દિવસે પણ શિક્ષક્ના વ્યવસાયની ઉપર જઈને વિચારીશું કે આપણને બાળકોને સુશિક્ષિત અને સમાજ-ઉપયોગી બાનાવવા માટેના કામના વળતરમાં આપણને પગારની સાથે-સાથે “વિદ્યાદાન” કર્યાનું પુણ્ય પણ મળે છે તે દિવસથી આપણે શિક્ષણ આપવું તે આપણો કર્મ નહી ધર્મ બની જશે. પછી કોઈ શિક્ષકે પુણ્ય કમાવવા માટે ક્યાંય જવું નહી પડે. અને પછી જ ખરા અર્થમાં બાળકો “બાળ-દેવો” , શાળા “સ્વર્ગ” અને શિક્ષકને “ગુરૂ” સમાન કહેવાશે.