ગુણોત્સવના પરિણામોની સમીક્ષામાં સૌથી મોટો જો કોઈ પ્રશ્ન રાજ્યની સામે આવ્યો તો તે છે બાળકોની નબળી વાંચન ક્ષમતા! આ કોઈ શાળા કે વિસ્તારની નહિ પણ દરેક જગ્યાએથી મળેલી સરેરાશ ઉણપ છે. અહી આ વિષય સાથે કેટલીક વાતો મુકવાનો પ્રયત્ન છે.
Ø વાંચન શું છે? છાપેલા કે લખેલા શબ્દો માત્ર?
ટ્રાફિક સિગ્નલને સમજવો- બીજાના ચહેરાના ભાવનું વાંચન- ગ્રાફ, ચાર્ટ, નકશાઓ વગેરને જોઈને સમજવું તો તે વાંચન ખરું કે નહિ? તમને થશે કે હા! વાંચન જેવું તો ખરું!
જુઓ, તમારા મનમાં એક વિચાર છે, તમારે તેણે બીજા સુધી પહોચાડવાનો છે. શું કરશો? વિચાર સીધો તો તેના તે જ સ્વરૂપમાં કોઈના મગજમાં જઈ શકશે નહિ. વિચારો તેના માટે તમે શું શું કરો છો?
કોઈ વ્યક્તિના અવાજને રેકોર્ડ કરવો એટલે – Encoding એ રેકોર્ડેડ અવાજ આપણે સાંભળીએ તે – Decoding
આવું જ થાય છે વાંચનમાં (?) કોઈકના શબ્દો જે સંકેતોમાં ઢળેલા છે તેને Decoding કરી સાંભળવાના હોય છે.
Ø મુદ્દો એ પણ છે કે આપણે કોને વાંચન ઘણીએ છીએ?
A. કોઈ એક સંકેત છે તેનો ચોક્કસ એક ઉચ્ચાર છે તે ઓળખવું તેને?
B. કેટલાક સંકેતોના સમૂહને એકબીજાના આધારે સમજીને તેનો અર્થ સમજવાને?
આપણે મોટાભાગનો સમય ઉપરોક્ત A ને આપી દઈએ છીએ જે ઓછી જરૂરી બાબત છે.
સંકેતોમાંથી શબ્દોનું Decoding એ વાંચન નથી. આપણામાંથી બધા વિવિધ પ્રકારના ફોર્મ/વીમા પોલીસી/બેંક સંબંધી દસ્તાવેજ વગેરેનું Decoding કરી શકે છે પણ તેનું વાંચન (ખરા અર્થમાં!) કરવા કોઈકની મદદ પણ લે છે.
Ø હવે પ્રશ્ન છે તો સંકેત અને ઉચ્ચારનું શું?
તે માટે પ્રથમ તો બાળકને ભરપુર મૌખિક કાર્યની જરૂર છે. તે પુષ્કળ સાંભળી-સમજી શકે અને કોઈ એક સ્થિતિ, ચિત્ર, અનુભવો વિષે બોલી શકે. તેના માતા-પિતા, શિક્ષક, ભાઈ-બહેન વગેરે કોઈ પુસ્તક મોટેથી વાંચે જેમાં મોટો ભાગ ચિત્રોથી ઘેરાયેલો હોય. હવે તે જ પુસ્તક તેને આપી દેવાય-જેથી તે ચિત્રોમાંથી પોતે સાંભળેલી વાતોને શોધવાનો પ્રયત્ન કરે. પછી તે સમજશે કે જે હું આ મૌખિક રીતે બોલું/સાંભળું છું, તેનું આ સાંકેતિક સ્વરૂપ(ચિત્રો) છે. આ વાતને સમયાંતરે શબ્દો વિશે લાગુ પાડી શકાય!
બીજી એક બાબત એ છે કે બાળકને જે સાહિત્યની મદદથી આપણે વાંચન શીખવવાનો પ્રયાસ કરીએ છીએ તે રસપ્રદ/રોમાંચક/ઉપયોગી કે બાળકને પોતાનું લાગે તેવું છે?? જો ના તો એવી સામગ્રીથી વાંચન શીખવા તરફ કોઈને કેવી રીતે પ્રેરી શકાય? વિચારો હવે આપણે આપણા પ્રિય બાળકો સાથે ઉપચારાત્મક કાર્યમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું અને કઈ એવી પ્રવૃતિઓ છે જે તેમને મદદ કરી શકે?
તમારા વિચારો ગુજરાતના ભવિષ્ય માટે આવકાર્ય અને અનિવાર્ય છે. જરૂરથી અમને લખો વાંચન વિષે તમારા અભિપ્રાયો: nvndsr1975@gmail.com પર.