M બાળકોની આતુરતા [ જિજ્ઞાસાવૃત્તિ ] નો કોઈ જ અંત નથી !
બાળક જિજ્ઞાસાવૃત્તિનું અક્ષયપાત્ર હોય છે,બાળકોને જાણવાની આતુરતા હોય છે, શીખવાની નહિ ! હવે તમને થશે કે “શીખવું’ અને “જાણવું “ આમ તો સરખું જ છે ને ? નહી, નહી ભાઈ, પ્રાથમિક શિક્ષણમાં બહુ જ મોટો તફાવત હોય છે આ બે શબ્દો વચ્ચે ! જેમ કે બાળક પહેલા એકડાને જાણે છે પછી શીખે છે, કોઈ પણ વિષય-વસ્તુમાં ‘જાણવાની’ પ્રક્રિયા વિના ‘શીખવાની’ પ્રક્રિયાની થવી એ તો અશક્ય બાબત છે. જેમ કે આપણે કોઈ મશીન કે ગાડી અન્ય કોઈ નવી વસ્તુ શીખવી હોય ત્યારે સૌ પ્રથમ તે અંગેની જાણકારી મેળવવાની પ્રક્રિયા કરીએ છીએ અને તે મશીન હોય તો તેનું રિપેરિંગની અને ગાડી હોય તો ચલાવતા શીખવાની પ્રક્રિયા કરીએ છીએ.આપણે આપણી શિક્ષણ-પદ્ધતિમાં જો થોડો ફેરફાર કરીએ તો બાળકોની જિજ્ઞાસાવૃત્તિમાં વધારો પણ કરી શકીશું અને એકદમ...હા..હા..એકદમ સરળમાં-સરળ રીતે ઘણા એકમ પણ શીખવી શકીશું. બાળકોને પ્રશ્નોની જરૂર છે-જવાબોની નહી, શૈક્ષણિક કાર્ય દરમ્યાન બાળકોની કક્ષા અને એકમને ધ્યાને રાખી તમે એવા શૈક્ષણિક પ્રશ્નો ઉભા કરો કે બાળકોને તેના જવાબ [શોધવાની]જાણવાની આતુરતા સાથે ઘરે જાય. તમારે બાળકોને જે એકમ શીખવવાનો હોય તે એકમને ધ્યાને રાખી એટલા બધા પ્રશ્નો સમયાંતરે ઉભા કરો અને સાથે-સાથે તેના જવાબ મળી શકે તે માટેનું જરૂરી પર્યાવરણ પણ પરોક્ષરીતે પુરૂ પાડો ! કોઈ બાળક જો તે પ્રશ્નનો સાચો જવાબ આપે તો પૂર્ણવિરામ ન મુકતાં પુનઃવિચાર કરવો પડે તેવો બીજો પ્રશ્ન ઊભો કરો.જ્યારે આપણે આનાથી ઉલટું કરી બાળકોને વિચરવાની તક, વિચારીને જવાબ મેળવવાનો પ્રયત્ન/સમય અને તે સમય દરમિયાન તેને મળતા નવા અનુભવો/જવાબો વગેરેથી વંચિત રાખી બાળકની તર્ક શક્તિને ધોરણ ૩-૪થી અટકાવીએ છીએ અને પછી ઉપલા ધોરણમાં તે જ બાળકને ગણિતના કોયડા ઉકેલવા માટે તર્ક કરવા દબાણ કરીએ છીએ.[તમને જો નાનપણથી જ તમારી મમ્મીએ પોતે કોળીયો ચાવી-ચાવીને પછી તમારા મોઢામાં મુક્યો હોત તો તમે ચાવતા નહિ પણ ફક્ત ગળતા જ શીખ્યા હોત !!! ] બાળકો કોઈ પ્રશ્નને ચાવતા-ચાવતા એટલે કે કોઈ એકમ પર મથામણ કરતા-કરતા ઘરે જાય તેવી શિક્ષણ પદ્ધતિની વાત કરી રહ્યો છું, એટલે કે બાળકો શીખીને નહી પણ તે એકમના પૂર્વ/પૂરક પ્રશ્નો સાથેની મુંઝવણ અને તે બાબતની જાણકારી મેળવવા ઘરે પ્રયત્ન કરે તેવી બાળકમાંની જિજ્ઞાસાવૃત્તિનો ઉપયોગ કરો.[અને કોઈ કારણસર કોઈ બાળકમાં અપવાદરૂપ “જિજ્ઞાસાવૃત્તિ”નો અભાવ જણાય તો વિકસાવવાનો પ્રયત્ન કરો] જેમ કે ધોરણ ૩ના બાળકોને જયારે પદાર્થના ગુણધર્મો વિશેની સમજ આપવાની થઈ ત્યારે અમારા શાળા-પરિવારમાં સૌથી વધારે પ્રશ્નો [શૈક્ષણિક જ !] ઉભા કરવાની ટેવવાળા વર્ગશિક્ષકશ્રીએ બાળકોને પહેલો પ્રશ્ન એ કર્યો કે બોલો “ તમારા વાળ અને આ અરીસા વચ્ચે શું સમાનતા છે ? “, ઘણા જ વિચારોના વમળો પછી પાસે મુકેલ અરીસા અને પોતાના વાળને વારંવાર અડક્યા પછી એક બાળકે જયારે કહ્યું કે “ મારા વાળ ઉપર હાથ ફેરવું અને અરીસા પર હાથ ફેરવું, સરખું જ [લીસું] લાગે છે “ પણ બાળકે જયારે આ જવાબ આપ્યો હોય ત્યાં સુધીમાં તો તેના મગજમાંથી એટલા વિચારો ઘુમવા લાગે છે કે પછી તેના માટે એકમ નાનો બની જાય છે. એક વાત ચોક્કસ યાદ રાખજો કે કોઈ પણ પ્રશ્ન નો કદાચ બાળકોને જવાબ નહી મળે, પણ જવાબ શોધતાં-શોધતાં કઈંક નવું જાણવા તો ચોક્કસ મળશે જ .
અમારી શાળાએ બાળકોને ‘પદાર્થના ગુણધર્મો “ એકમ માટે નીચે પ્રમાણેનું આયોજન કરી પ્રયત્ન કર્યો.
J ત્યારબાદ દરેક ગૃપમાં એક બાળકને “લીસી સપાટીવાળા પદાર્થ” અને બીજા બાળકને “ખરબચડી સપાટીવાળા પદાર્થ” એવા હેડીંગ સાથેના કાગળ આપો.
J ત્યારબાદ બાળકોને ક્હો કે શાળાની અંદરની ૨૦ વસ્તુઓનો સ્પર્શ કરી તમારો અનુભવ આ કાગળમાં લખો.
J જો કોઈ પદાર્થની સપાટી ઉપર હાથ ફેરવતાં સપાટી લીસી લાગે તો “લીસી સપાટીવાળા પદાર્થ” વાળા કાગળમાં અને જો પદાર્થની સપાટી ઉપર હાથ ફેરવતાં સપાટી ખરબચડી લાગે તો “ખરબચડી સપાટીવાળા પદાર્થ” વાળા કાગળમાં તે વસ્તુનું નામ લખો.
દરેક ગ્રુપને તમે જાતે ઉભા રહી વ્યક્તિગત એક-એક નમુના રૂપ સ્પર્શાનુંભવ કરાવો.
ત્યારબાદ બાળકોને છૂટા મૂકી દો, હા,પણ પરોક્ષ્રરીતે ધ્યાન રાખજો કારણ કે આ તો હોય છે ચંચળ ! વચ્ચે-વચ્ચે બે ત્રણ ગૃપ ભેગા મળી ચર્ચા કરતાં નજરે પડશે, જો તે ચર્ચા એકમ વિશેની હોય તો ઠીક,પણ જો એકમ બહારની તો વાત પાછી એકમ પર લઈ જાઓ.
આટલું બધું સમજાવ્યા પછી પણ બાળકો ઘણી ભૂલો કરશે, જેમ કે કાગળમાં વસ્તુનું નામ લખી લાવવાની જગ્યાએ “ખરબચડી” કે “લીસી” એમ જ લખી લાવશે. બાળકોની આવી ભૂલો સુધારવા સારૂ કામ કરનાર ગૃપના બાળકોને માર્ગદર્શક બનાવી ફરીથી પ્રોજેક્ટ કરવાનું ક્હો.
જો બાળકોએ કરેલી ભુલો જોઈ તમે તેને ઠપકો કરવાની ભૂલ ન કરતા !
[ કારણ કે કામ કરતા માણસથી જ ભૂલ થવાની શક્યતા હોય છે,અને દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જે જાણી જોઈને ભૂલ કરે,તેમજ જે કામ અજાણતાથી (ભૂલથી) થઇ જાય તેને જ “ભૂલ” કહેવાય.]
1 comment:
ખરેખર મહેન્દ્ર્ભાઇનો અનુભવ અને પ્રયત્ન બાળ શિક્ષણની ઉંડાઇ સુધી પહોંચી શકાય તેમ છે.
Post a Comment