September 03, 2008

Gujarati_Varta re Varta

જંગલનો રાજા કોણ ? – સતીશ વ્યાસ

એક હતું જંગલ. જંગલમાં એક સિંહ રહે. એકવાર તેને વિચાર આવ્યો કે હું જંગલનો રાજા છું એની મને તો ખબર છે. પણ બીજાં પ્રાણીઓ જાણે છે કે નહીં ? મારે તેમને પૂછવું જોઈએ અને સિંહ ગુફાની બહાર નીકળ્યો. ગુફાની બહાર જ એક સસલું રમતું હતું. સિંહે તેને જોયું. સસલું તો ગભરાઈ ગયું.
સિંહે પૂછ્યું : ‘એય ધોળિયા, તને બીજું કાંઈ આવડે છે કે માત્ર દોડાદોડી કરતાં જ આવડે છે ?’
ગભરાયેલું સસલું કહે : ‘મને તો ઘણું આવડે છે.’
‘તો બોલ, જંગલનો રાજા કોણ છે ?’ સિંહે પૂછ્યું.
‘સાહેબ, જંગલના રાજા તો તમે જ છો.’ સસલાએ જવાબ આપ્યો.
સિંહ ખુશ થઈ ગયો. તેણે સસલાને માથે હાથ મૂક્યો ને આશીર્વાદ આપ્યો – ‘શાબાશ, આગળ જતાં તું મહાન બનીશ. જા, રમવા જા.’ ને ગભરાયેલું સસલું ત્યાંથી ભાગી છૂટ્યું.

આગળ જતાં સિંહને હરણું સામે મળ્યું. સિંહે તેને પકડ્યું. હરણું ગભરાઈ ગયું કે હવે સિંહ મારી નાખશે. તેના બદલે સિંહે પૂછ્યું : ‘એય કાળિયા, ક્યાં રખડે છે ? જંગલ તારા બાપનું છે ?’
‘ના સાહેબ’ ગભરાયેલું હરણું બોલ્યું.
‘તો કોના બાપનું છે ? ખબર છે ? જંગલનો રાજા કોણ છે ?’ સિંહે પૂછ્યું.
‘જંગલનો રાજા….’ હરણું વિચારમાં પડ્યું. તરત તેને આઈડિયા આવ્યો, ‘જંગલના રાજા તો તમે જ છો સાહેબ.’
સિંહ ખુશ થઈ ગયો. ‘શાબાશ, તું મહાન બનીશ.’ કહી સિંહે તેને આશીર્વાદ આપ્યા ને છોડી મૂક્યું.

આમ સિંહે જિરાફ, બિલાડી, વાનર બધાને પૂછી જોયું. બધાએ તેને જ જંગલનો રાજા કહ્યો. સિંહે બધાને આશીર્વાદ આપ્યા. આગળ જતાં રસ્તામાં હાથી મળ્યો તે શાંતિથી ઝાડનાં પાંદડાં ખાતો ઊભો હતો.
‘એય જાડિયા, તારે આખો દિવસ ખાવા સિવાય કંઈ કામ ધંધો છે કે નહીં ?’ સિંહે પૂછ્યું.
હાથીએ કાંઈ જવાબ ના આપ્યો. શાંતિથી પાંદડાં ખાવાનું કામ ચાલુ રાખ્યું.
‘અરે તને કહું છું, સંભળાતું નથી ?’ સિંહે ગુસ્સાથી પૂછ્યું. ‘કાંઈ જનરલ નૉલેજ છે કે નહીં ?’ આ સાંભળી હાથીએ સિંહની સામે જોયું.
‘બોલ તો ? આ જંગલનો રાજા કોણ છે ?’ સિંહે પૂછ્યું.
સિંહનો સવાલ સાંભળીને હાથીને ગુસ્સો આવ્યો. તે કંઈ બોલ્યો નહીં, પણ સૂંઢથી પકડ્યો ને ઉંચકીને દૂર ફેંકી દીધો. સિંહ પછડાયો, તેને ઠીકઠીક વાગ્યું. ધૂળ ખંખેરતાં ઊભો થયો ને હાથીને કહ્યું : ‘નહોતું આવડતું તો ના પાડવી હતી. આમ કોઈને ફેંકી દેવાય ? તારામાં કોઈ જાતની સભ્યતા છે કે નહીં ?’

No comments: