December 01, 2019

થોપો નહિ થોભો…..✋



 થોપો નહિ થોભો..✋✋

પ્રાથમિક કક્ષાએ શૈક્ષણિક કાર્ય એ મોટી ચેલેન્જ છે. આપણે સૌ કહીએ છીએ કે જીંદગીમાં ક્યાં અટકવું અને ક્યાં ઝપટવું ? એ ખબર પડી જાય તો સુખી થવાય ! –શિક્ષણમાં પણ આ વાત થોડું વધારે ઉમેરાઈને સો ટકા લાગુ પડે છે. જો બાળકો સાથેની ચર્ચા સમયે ક્યાં અટકવું - ક્યારે લપેટવું અને ક્યાંથી ઝપટવું એ કળા આવડી જાય તો સફળતાપૂર્વક વર્ગકાર્ય પૂરું કરી બહાર આવી શકાય. 
·         બાળકોની વચ્ચે આપણા જ્ઞાનના ધોધ ને ક્યાં અટકાવવો અનેક્યારે બાળકોને પ્રસ્તુત થવા દેવા એ કળા એટલે ક્યાં અટકવાની સમજ.
·         બાળકો સાથે વાત કરતી વખતેબાળકોને આપણી સાથે ચર્ચામાં પરોવતાં જવો એટલે લપેટવાની કળા.
·         વિષયવસ્તુ અંગે બાળકોની પોતાની પ્રસ્તુતિમાં જ તક ઝપટી લઇ આપણી વાત ઉમેરી દેવી એટલે ઝપટવાની કળા.
વર્ગમાં આવી નાની લાગતી બાબતો આપણી સફળતામાં અથવા કહીએ કે નિષ્ફળતામાં મોટો ભાગ ભજવતી હોય છે.
એક અનુભવ અહીં વર્ણવું. સત્રની શરૂઆતમાં ધોરણ ત્રીજાના બાળકો સામે ગુજરાતીમાં પહેલો એકમ હતો કીડી અને કબૂતર. વાર્તા ચિત્રો હોય એટલે બાળકોને તો મજા જ હોય. ત્રીજા ધોરણના બાળકો એટલે એમની કલ્પના શક્તિ પણ ખુબ જ પ્રબળ હોય એટલે આપણું તો કામ હતું; તેઓને પૂછ્યા કરવાનું અને તેમને બોલતા રાખવાનું. બાળકોને મજા આવે અને મગજ કસી શોધવું પડે તેવા પાંચ પ્રશ્ન આપ્યા. જેમાં બાળકો માટે રમત હતી પણ પ્રશ્નો એવા હતા કે બાળકોને રમત સાથે સમજણ બનતી જાય.જે તેઓ ઘરેથી વાલી સાથે ચર્ચા કરી લખી શકશે એવું પણ નક્કી કર્યું. પછીના તાસમાં દરેક બાળક ચિત્ર અંતર્ગત પોતે એવો પ્રશ્ન પૂછી શકશે કે જેમાં બીજાઓએચિત્રોને ધ્યાનથી જોવાની અને વર્ણન કરવાની  જરૂર પડે. હવે વારો હતો...દરેક બાળક બધા જ  ચિત્ર આધારે એક બેવાક્ય બોલશે. મજા આવી બાળકોએ પોતાની ભાષામાં, સ્થાનિક શબ્દોનો ઉપયોગ કરી વાર્તા કહેવાની શરૂઆત કરી.. અર્ચના, હની,હિતેશ એમ કહેતાં કહેતાં આગળ વધતાં જતાં હતા ત્યાં જ, શિક્ષકની  “ક્યાં અટકવું”  એ અણસમજવાળા ગુણે (કે દુર્ગુણે) શિક્ષકે એમની ગતિ અને એમની મસ્તીમાં ચાલતી વાતમાં બમ્પર નાખ્યું.... કહ્યું ઉભા રહો જુઓ હું કહું –બહુ સ્પષ્ટ ભાષામાં ખુબ જ સારી રીતે શિક્ષકે આખી વાર્તા કહી. શિક્ષકના મનના ઓરતા કે હવે તો બાળકો વધુ સારી રીતે કહેશે.
પણ ? – ખલાસ પછી તો જે બાળકો કહેવા ઉભા થાય તે માંડમાંડ બે વાક્યો બોલી શકતા. હવે તેઓ  ચિત્રમાં વાર્તા નહિ જાણે કે શિક્ષકે બોલેલાં વાક્યો શોધવા મથતાં હોય તેવું લાગવા લાગ્યું. જે બાળકોએ પહેલાં પોતાની કાલીઘેલી ભાષામાં જે બધું બોલ્યાં હતાં તેઓને પણ ફરી બોલવા ઉભા કર્યા, પણ જાણે કે તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી શિક્ષકની વાર્તા શોધવામાં લાગ્યા હોય તેવું જ લાગ્યા કર્યું. ત્યારે સમજાયું કે અહિયાં શિક્ષકે વાર્તા કહીને વાર્તાને વર્ગખંડમાંથી ગાયબ કરી. જાણે “કીડી અને કબૂતર” વાર્તાને થોપાઈ ગયેલ નિબંધમાં ફેરવી દીધી. હવે શું ? 
ત્યાં જ તાસ પૂરો કરી બાળકોને અન્ય વાતો પર વાળ્યા અને લપેટવાની શરૂઆત કરી.  હવે થોપાઈ ગયેલ વાર્તા ભૂંસવાની નેમ સાથે બીજા દિવસે વાતો થી શરૂઆત કરી અને તક મળે ઝપટ મારી બાળકો સાથે ફરીથી સંવાદો કરતાં કરતાં બાળકોને અને વાર્તાનેપાછા મૂળ સ્વરૂપે લાવવાના પ્રયત્નો કર્યા અને તેનું પરિણામ આ રહ્યું જોવા સાંભળવા બાજુના ફોટોગ્રાફ પર ક્લિક કરો >

છેલ્લે એક વાત શીખ્યા કે બાળકો બોલતાં હોય ત્યાં સુધી દોઢ ડહાપણ ન કરવું; નહિ તો ભણાવવાની જગ્યાએ ભુલાવાવવાનું કામ કરી પાછા ફરીશું.. હા..હા.. હા..

November 15, 2019

શીખે સ્વાનુભવે..🔍



🔍શીખે સ્વાનુભવે..🔍
અનુભવ એ મોટો શિક્ષક છે. –વોટ્સએપમાંવાંચીએ ત્યારે ખુબ ગમે ! કારણ કે આપણે સૌએ આ અનુભવ્યું છે. પરંતુ જયારે વર્ગખંડમાં બાળકોની શૈક્ષણિક પ્રક્રિયાની વાત આવે ત્યારે શા માટે ટોક અને ચોક પર વધારે ભરોસો મુકાય છે?“બાળકો વિષયવસ્તુઅંતર્ગતનીપ્રક્રિયાને અથવા તો સંદર્ભ સાહિત્યને જાતે જુએ , જાણે અને અનુભવે ત્યારે વધુ સમજ પાકી બને છે.” તે વાત ફક્ત વોટ્સએપ મેસેજ જેવી જ બની જાય છે કે આતોબીજા માટે લાગુ પડે આપણા બાળકો માટે નથી. બુનિયાદી અધ્યાપન પ્રવિણપ્રમાણપત્ર અધ્યયન કરતી વખતે જયારેઆપણ સૌને પૂછવામાં આવતું કે કઈ શિક્ષણ પધ્ધતિ બાળકોને સૌથી વધુ અસરકારક બની રહે?  ત્યારે આપણે સૌ જવાબ એ જ હોય છે કે બાળકો જાતે નિદર્શન કરે, અનુભવે એટલે કે પ્રત્યક્ષપણે જ વધુ સારી રીતે શીખે છે. આપણેય આપણા અનુભવો ધ્વારા તે વાત સાચી હોવાનું ઘણીવાર સમર્થન કર્યું જ છે. પરંતુ જયારે તેવા વિષયવસ્તુ અંગેનું શિક્ષણ કાર્ય કરવાનો સમય આવે ત્યારે એવી કઈ કઈ બાબતો છે કે જેને આપણે આગળ ધરી “અમે ન કરી શક્યા કારણ કે....”  એમ કહી કારણો આપીએ છીએ. 
💣સૌથી પહેલું મોટું કારણ સમય. હા માન્યતા એવી છે કે બાળકોના અધ્યયનમાં આ બધું કરીએ એટલામાં તો બીજું ઘણું વધારે હું તેમને સમજાવી શકું છું.
💣બીજું કારણ દરેક વિષયવસ્તુ માટેના સંશોધનઉપલબ્ધ નથી.
💣ત્રીજી માન્યતા અથવા કહી શકાય ગેરસમજ કે હું વધુ સારી રીતે બાળકોને સમજાવી શકીશ અને તેનાથી મોટી ગેરસમજ કે તમે જે સમજાવો છો તે બાળકો તમારા ફોરમેટમાં સમજી પણ રહ્યા છે.
એક કહેવત યાદ આવી ગઈ.. દાઢી એ દાઢી છે અને સાવરણી એ સાવરણી છે. “એ તો બધું જ  ચાલે...”સાવરણીની જગ્યાએ દાઢી ચાલશે એવું કહી કામ કરનારા મિત્રોને પરિણામ પણ એવું જ મળતું હોય છે કે દાઢી ઘસાઈ જાય પણ કચરો તો ત્યાંને ત્યાં જ. નાક ઘસાઈ જાય એ વધારાનું. અહીં નાક ઘસાઈ જવાનો અર્થ છે ખુબ જ પ્રયત્ન મહેનત પરિશ્રમ કરવા છતાં પરિણામ ન મળવું. માટે જ આવા વિષયવસ્તુમાં જ્યાં જ્યાં અવકાશ છે ત્યાં ત્યાં આવું કરી શકાય.. સમય માટે તેમનું કેટલુંક કામ બાળકોને સોંપી શકાય..
જેમ કે આ પ્રોજેક્ટમાં જરૂરીયાત મુજબની વસ્તુઓની યાદી તૈયાર કર્યા પછી ખાલી પૂછ્યું કોણ શું લાવશે...? પછી તો શિક્ષકે કશું જ કરવું પડ્યું જ નહિ.. સિવાય કે પ્રોજેક્ટનું આયોજન..  જાણે કે બાળકોએ જ આખો પ્રોજેક્ટ ઉપાડી લીધો.... વસ્તુઓ જોઈએ તો પણ ખ્યાલ આવશે કે આ પ્રોજેક્ટ તો આપણી શાળાના સ્ટોર રૂમમાં જ પડ્યો હશે.. ચાલો જોઈએ જાણીએ અને માણીએ....   





  











📷 video 📷



November 14, 2019

એમના “દિવાસ્વપ્ન” ને સાચું પાડીએ !


એમના “દિવાસ્વપ્ન” ને સાચું પાડીએ !

એક સો પાંત્રીસ વર્ષ પહેલા એક વ્યક્તિએ જે બાબતો પર વિચાર કર્યો હતો, એ વાતો આજે વાંચીએતો થાય કે, “ઓહો ! આટલી બધી બદલાઈ ગયેલી દુનિયામાં એક બાબત જે નથી બદલાઈ એ છે –મોટેરાંઓનો બાળકો પ્રત્યેનો અભિગમ !” હજુ પણ બાળકોને નગણ્ય ગણવાનો આપણો અભિગમ નોટ આઉટ છે.
તેમણેશીખવા જેવી રસપ્રદ ઘટનાને બાળકો પર બોજો ના બનવા દેવી હોય તો શું કરવું એ માટેના અઢળક પ્રયત્નો કર્યા. વ્યવસાયે વકીલ હતા. હાઈકોર્ટમાંપ્રેકટીસ હતી. તે છોડી જાતે બાળકોને શીખવવામાં લાગ્યા. પોતે જે માનતા હતા તે અજમાવી જોયું. પોતાના અનુભવોને બધા સુધી વહેચવા માટે પુસ્તકો લખ્યા. પોતે શીખવવાનું શરૂ કર્યું પછી પોતે કેવી રીતે શીખ્યા એ વાતોની નોંધ કરી. બાળકો સુધી આપણી લોકવાર્તાઓપહોંચે તે માટે  એકડે એકથી વાર્તાઓ લખી. “સોટી મારે તો જ બાળકો શીખે એમાન્યતાવાળા જમાનામાં તેમણે માથે હાથ ફેરવી શીખતા કરવાના રસ્તા બતાવ્યા. જે સમયમાં માનવામાં આવતું (અથવા હજુ પણ માનવામાં આવે છે !?) બાળકોને જરા ધમકાવીને જ રાખવાના હોય ત્યારે તેમને બાળકો સાથે સંવાદ કરતા શીખવ્યું.
આ બધું કર્યા પછી આજે એ વ્યક્તિનું કે તેમના વિચારોનું કોઈ મહત્વ છે ખરું ? શું પ્રશ્નો પૂરા થઇ ગયા ? કદાચ બાળકોને લગતા પ્રશ્નો પહેલા કરતા વધુ ગંભીર છે. નાના બાળકો વધુ જીદ્દી થઇ રહ્યા છે. ટી.વી., મોબાઈલ અને કોમ્પ્યુટરની લત એવી વકરી છે કે કેટલાક બાળકો માટે પોતાનું ભોજન, માતા પિતા, મિત્રો કે મેદાનની રમત કરતાં એક ખૂણામાં બેસીમોબાઈલમાંગેમ રમવાનું વધુ પસંદ આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેઓ શાળામાં જવાના બદલે એ ડીજીટલ જેલમાં પુરાઈ રહેવાનું પસંદ કરવા લાગ્યા છે. માતા પિતા પણ તેમના આ વર્તનથી દુઃખી થવા અને ગુસ્સો કરવા સિવાયના વિકલ્પ વિષે વિચારતા નથી. તેમણે સમજાતું નથી કે આ બાળકો સાથે શું કરીએ ?
આ પ્રશ્નોનો જવાબ છે “ગીજુભાઈ”
બાળકોને વાર્તા જોઇશે જ. – બાળકોને જ શું કામ આપણે પણ વાર્તા જોઈએ છે. મૂવી જોવી ગમે છે, રાજકારણની અવનવી વાતો કરવી/સાંભળવી ગમે છે, કોઈકની ખુદણીકરવી ગમે છે –કારણકે આપણે પણ વાર્તા જોઇએ છે. એ જ્યાંથી મળવી સહેલી લાગે ત્યાંથી આપણે મેળવી લઇએ છીએ. બાળકોને આપણે સમય નથી આપતા અને મોબાઇલ આપી દઈએ છીએ...અને તે આપણું સંતાન મટી મોબાઈલ અથવા ટી.વી.નું સંતાન બનતું જાય છે.
આવા, આપણા સવાલોના જવાબ સમાગીજુભાઈને તેમના જન્મદિવસે યાદ કરવા માટે શાળાએ નાનકડો પ્રયાસ કર્યો. ફેસબુક,ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર #ગીજુભાઈ લખી તેમના વિષે લખવાનું આહવાન કર્યું. ઘણા બધા મિત્રોએ તે દિવસે તેમના યોગદાનને યાદ કર્યું. તેનાથી કદાચ જેઓ તેમના વિષે જાણતા નહિ હોય તેઓ જાણતા થયા હશે. આ સાથે જ તેમની એમ.પી.૩ સ્વરૂપમાં મળેલી વાર્તાઓનેયુટ્યુબ ચેનલ પર મૂકી.
ઈન્ટરનેટની આ શક્તિશાળી તલવાર જો યોગ્ય કામમાં વાપરતા શીખી જઈએ અને શીખવી દઈએ તો એ કામની છે. આ લેખ વડે આપ સૌને ફરી અપીલ છે કે આપ પણ અમને તમારા ગીજુભાઈવિશેના લેખ મોકલશોતો અમે તેને સૌ સાથે વહેચીશું.
ગીજુભાઈ જેવડું આપણું “ગજુ” નથી, પણ આ ગમતું મળ્યું તે ગુંજેભરવાના બદલે ગુલાલ કરીએ. 

November 01, 2019

શૈક્ષણિક સંસ્થાની મૂળભૂત ફરજ : શીખવા માટેના સ્ત્રોત ઊભા કરવા !



શૈક્ષણિક સંસ્થાની મૂળભૂત ફરજ : શીખવા માટેના સ્ત્રોત ઊભા કરવા !

શાળા એ હંમેશાં ઘરેણું કહેવાઈ છે. ગામ અને સમાજ તેના વડે જ શોભે છે. તે જ પ્રમાણેની વિચારસરણીને આગળ વધારીએ તો બાળક એ શાળાનું ઘરેણું છે જેટલું મહત્વ બાળકનું એક પરિવારમાં હોય છે તેટલું જ મહત્વ શાળામાં હોય છે.
બાળકના પ્રારંભિક ઉછેર માટે, તેની સુવિધાઓની વ્યવસ્થાપક તેનો પરિવાર હોય છે. ઘોડિયા થી શરુ કરી ઘર સુધીની સુવિધાઓ માટે પરિવાર ચિંતા કરતો હોય છે. કારણ તે બાળક ને જન્મ આપ્યા પછી પરિવાર તેનું મહત્વ અને તેના થકી પોતાના અસ્તિત્વને પિછાણે છે. “પોતાની પેઢીને કેળવીએ” એવી શૈક્ષણિક જાગૃતિ પછી તે પરિવાર બાળકને શાળા સાથે જોડવો તેને પોતાની મૂળભૂત ફરજ સમજતાં થયાં છે. અને ત્યાંથી શૈક્ષણિક સંસ્થા તરીકેની આપણી જવાબદારી બની જાય છે. જેમ હોસ્પીટલમાં દાખલ કર્યા પછી આપણે સૌ ડોકટર ભરોસે હોઇએ છીએ તેમ શાળામાં દાખલ કર્યા પછી સમાજ આપણા ભરોસે !
        હવે જયારે સમાજ શિક્ષકોના ભરોસે છે ત્યારે આપણી પહેલી અને મોટી જવાબદારી તે બાળકને અનુકૂળ બનવાની ત્યારબાદ તેના ઘડતર માટે મથવાની છે ! મથવું નો મતલબ છે બાળકોને લર્નિંગ માટે સાચી દિશામાં મહેનત કરવી અને શિક્ષકોની જ્યાં જ્યાં મર્યાદા લાગે ત્યાં અન્ય  સ્ત્રોતો પુરા પાડવા. આવા જ એક સ્ત્રોત અંતર્ગત શાળામાં એલેક્ષાનું આગમન થયું જે શિક્ષકની ગેરહાજરીમાં અથવા તો શિક્ષકના જવાબની ગેરહાજરીમાં બાળકોની મદદે આવશે.. જેના માટે ItoWE નો આભાર અને આપ સૌ માટે એક ડેમો >

October 24, 2019

એક ગામનો કિલ્લોલ..... !



એક ગામનો કિલ્લોલ..... !

ઘરેથી નીકળ્યા ત્યારે કન્વીનર પર પ્રશ્નોની વણજાર શરુ હતી. શું હશે? કેવી રીતે રેકોર્ડિંગ કરશે? કાન પર હેડફોન લગાવશે ? વગેરે વગેરે... પરંતુ વધુ મૂંઝવણ એ હતી કે કન્વીનર માટે પણ આકાશવાણી પહેલીવારનું પ્લેટફોર્મ હતું. એટલે બાળકોના પ્રશ્નો ના જવાબમાં શું કહેવું ? એટલે બાળકોનો હોંસલો જળવાઈ રહે તે માટે કહી જ દીધું “અલ્યા આપણા માટે પણ પે’લી જ વાર શે. ચિંતા નહિ !”  બધું છોડી બાળકોને કારમાં વાતોમાં પરોવી દીધા. રસ્તામાં ટ્રાવેલિંગ ઈફેક્ટ વોમિટ કરતા તરુણને વારંવાર પાણી પીવડાવવા અને કોગળા કરાવતા કરાવતા રેડિયો સ્ટેશન પર પહોચ્યા. 
“સાહેબ બહુ ઠંડી લાગ શ....” એમ શારીરિક સંવેદન સાથે તરુણ અને “આપણે બોલવાનું કોની સામે છે?” એવી માનસિક ગડમથલ સાથે પ્રિયંકા અને અમારી આખી ટીમ જ્યારે રેડિયો પર કિલ્લોલ કાર્યક્રમ માટે આકાશવાણીના સ્ટુડીયોમાં પહોંચી ત્યારે સૌનો રોમાંચ કંઇક અલગ જ હતો.

“અહીંથી બધા બોલે ?” “કેટલી જગ્યાએ સંભળાય?” આડી તેડી વાતો કરવાનો ટાર્ગેટ હતો તરુણને પાછો ફોર્મમાં લાવવો. તેમણે ગાંધી બાપુની થીમ ઉપર પોતાના કાર્યક્રમની તૈયારી કરી હતી. શાળા કક્ષાએ ખુબજ સરસ રીતે કાર્યક્રમ પ્રેક્ટીસ રૂપે રજુ કર્યો હતો. એટલે ખાત્રી તો હતી જ કે બાળકો ખુબ જ સરસ રીતે કરશે જ. પરંતુ સ્થળ ફેરફાર અથવા તો રેકોર્ડીંગ સ્ટુડિયોની અસર થઇ તેવું અમને જણાતું લાગ્યુ... એની કેટલી અસર થઇ એ તો તમે સાંભળીને નક્કી કરજો... રેકોર્ડિંગ પછી નાઝિયામેમ એ બાળકોને સ્ટુડિયો દર્શન કરાવ્યા. અમે પરત ફર્યા...
૨૪ મીએ કાર્યક્રમ આવવાનો હતો એટલે ફેસબુક પર બધાને જણાવવા બાળકો એટલાં જ ઉત્સુક હતા. આ જાહેરાત માટે બનાવેલા વિડીયોમાં તમે તેમનો ઉત્સાહ જોઈ શકો છો. બોલવા માટે બાળકો અને શાળા રોમાંચિત હતી પરંતુ જયારે બાળકોનું બોલેલું સાંભળવાનો સમય આવ્યો ત્યારે આખા ગામમાં રોમાંચ અનુભવતો હતો. આપણે જે બોલ્યા તે કેવું સંભાળશે તેની અધીરાઈ બાળકોને હતી, તો આપણા બાળકો શું અને કેવું બોલ્યા તે માટેની અધીરાઈ તેમના વાલીઓમાં હતી. રેડિયો પર આજે પહેલીવાર આપણા ગામનું નામ બોલશે તે સાંભળવા ગામના યુવાનો અને અમારી ટીમ ઉત્સાહિત હતી. અને આ વિડીયો જોતાં જ જણાશે કે રેડિયો પરનો કિલ્લોલ કાર્યક્રમ એ ફક્ત બાળકોનો કિલ્લોલ નહિ,પણ ગોધરા તાલુકાના એક અંતરિયાળ ગામનો કિલ્લોલ હતો > ચાલો માણીએ એક ગામના કિલ્લોલ ને    
જાહેરાત 📺

સૌ સાથે મળી ગામ વચ્ચે રેડિયો સાંભળવાનો કાર્યક્રમ  📺

October 10, 2019

તું મુજે કબૂલ, મૈ તુજે કબૂલ !



તું મુજે કબૂલ, મૈ તુજે કબૂલ !


જે દેશને નકશામાં જોવાનો પ્રયત્ન ય ના કર્યો હોય. એ દેશનું નામ યુવાનોએ ક્રિકેટમાં અને થોડા વડીલોએ ખુદાગવાહમાં સાંભળ્યું હોય. એ દેશના વ્યક્તિઓ ગામના મહેમાન બનશે. તેમની રહેણીકરણી, પોશાક, ખોરાક બધા જ વિશે અવઢવ હોય. છતાં પહેલી વીસ મિનિટ પછી “એ દેશ” કે “આ દેશ” એવો ભેદ તમે ઓળખી ના શકો ! – એમ સૌ હળીમળી ગયા અને એ જ સમાવેશી શિક્ષણની અસર છે.
😇“કાંતો મહેમાનોને રહેવાના ઘરની પસંદગીમાં યજમાનોની સંખ્યા વધી ય જાય.”
😑 “આપણે માત્ર ટોઇલેટ અને બાથરૂમ આ બે જ સગવડ ચેક કરવાની.
😞 “અને હા, ઘરના બધા સભ્યોને પૂછવું જોઈએ કારણ કે જેમ આપણે ઇચ્છીએ કે મહેમાનને તકલીફ ના પડે એમ ઘરના સભ્યોને ય મુશ્કેલી ના પડવી જોઈએ.”
આ વખત શાળા માત્ર સપોર્ટીંગ રોલમાં હતી. અને આ ગ્રામોત્સવ પછી બીજી એવી ઘટના હતી જેમાં શાળાએ માત્ર હાજર રહેવાનું હતું. સ્વિડિશ કંપની ફોર અફઘાનિસ્તાન અને આઈ.ટુ.વી. વડે અફઘાનિસ્તાનથી આવેલા ડેલીગેશનને સમાવેશી શિક્ષણ અને તેની અસરો માટે એક ગામ બતાવવાનું હતું અને એમાં નવાનદીસરમાં જે રીતે જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા લોકો એક થઇ રહે છે તે ઉદાહરણ રૂપ લાગતા...એ ગામ તરીકે અમે પસંદ થયા.
ફળીયે ફળીયે કચરાપેટી ઊભરાઈ જાય એમ કચરો કાઢવા માંડ્યા.
😑 “દરેકે પોતાનું આંગણું દિવસમાં ત્રણ ત્રણ વખત વાળ્યું હશે...”
😑 “આટલી ચોખ્ખાઈ અમે ક્યારેય નહિ જોઈ !”
😒 “સારું છે, બહાનું કોઈપણ હોય પણ આની ટેવ પડવાની શરૂઆત તો થઇ છે. ૧૯૯૮ માં મેં નહાવાનું પૂછ્યું હતું તો મોટાભાગના બાળકો અઠવાડિયે નાહવાનો ગર્વ લેતા કે – અઠવાડિયે એકવાર નાહી લઇએ છીએ...એને બદલે વ્યક્તિગત સ્વચ્છતામાં અત્યારે કોઈ  મુશ્કેલી નથી સમય જતા સામુહિક સ્વચ્છતાની પણ આદત પડી જશે. “
અને એ દિવસ બપોરે ગામમાં ગયો... દરેકના ઘરે ઉલ્લાસ અને બીજા દેશના વ્યક્તિઓ આપણા ઘરમાં રહેશે એ માટેનું કુતુહલ ભારોભાર દેખાતું હતું. ભોજન માટે અમે આપેલી બધી સૂચનાઓ ગામ ઘોળીને પી ગયું. ફાફડા, જલેબી, ગાંઠિયા જેવી વસ્તુઓ સ્પેશિયલ ઉદલપુર જઈ ખરીદી. ગામની શાકભાજીની દુકાને શાક ખલાસ ! એકાદ શાક ના ભાવે તો બીજું આપીશું. (અમને મનમાં કે કોઈ શાક નહિ ભાવે તેઓ ક્યાં શાકાહારી છે !) અમને હંમેશા લાગ્યું છે કે જે બાબતોને કુદરતી રીતે જેમ સુઝે તેમ થવા દેવાથી સારું પરિણામ મળે એટલે અમારા તરફથી કોઈ રોકટોક ના થઇ.
સાંજે મહેમાનોને લેવા માટે શાળામાં સૌ એકઠા થયા. 

પાર્થેશભાઈએ પૂર્વભૂમિકા આપી. સૌ આવેલા મહેમાનોના પોશાક, ઊંચા કદ, કાઠી, તેમને લઈને આવેલી એ.સી. ટેમ્પો ટ્રાવેલર...વગેરે સાશંક નજરે જોઈ રહ્યા હતા. એમના મન વાંચવાનો પ્રયત્ન કરીએ તો સમજાય તો તેમને થયું કે આ બધાને આપણા ઘરમાં રહેવાનું ફાવશે કે કેમ ? સાથે બીજો પ્રશ્ન વ્યક્તિગત રીતે મને થતો કે આ યુવાનો જે યજમાન બન્યા છે એમના માતા પિતા અને દાદા દાદી કે જેઓ જૂની રૂઢીઓમાં માનતા. તેમને પોતાની યુવાની જાતિ/ધરમમાં અભડાઈ જવું, વટલાઈ જવું એવા શબ્દોમાં પસાર કરી છે. તેઓ આ બધા સાથે અનુકુલન કેવી રીતે કરશે ? વળી, ભાષાનું શું ? આવેલ મહેમાન પૈકી થોડાકને અંગ્રેજી આવડતું હતું અને ગામના એક બે યુવાનોને છોડી દઈએ તો બાકી બધા મોબાઇલ અંગ્રેજી સિવાય ક્યાંય અંગ્રેજી સાથે કામ નથી કર્યું. અફઘાન ટીમમાં મોટાભાગના વ્યક્તિઓ દારી અને પશ્તો ભાષામાં બોલે... આવા પ્રશ્નો મગજની અંદર હતા ત્યાં લાઈટ જવાનો બાહ્ય પ્રશ્ન ઉપસ્થિત થયો. સામાન્ય રીતે વીજળી જતી નથી અને ગઈ તે કલાક જેટલો સમય... સૌ એકજુટ થઇ ફોન કર્યા..કે વીજળી જોઈએ હમણાં ને હમણાં... પણ આ વીજળી જવાના અંધારાનો એક ફાયદો થયો કે અમે સૌએ મોબાઇલ ટોર્ચના સહારે બંને દેશ વિશેની પ્રાથમિક માહિતીની આપ લે કરી. માત્ર નામ અને તેમના વર્ણનના આધારે અફઘાન મિત્રોને ઓળખી કાઢવાની કસરતથી વાતાવરણ એટલું હળવું થઇ ગયું કે લાઈટ આવ્યું ત્યારે  તેઓ એકબીજાની બાજુમાં બેસીને જાણે વર્ષોથી ઓળખાતા હોય એમ ભાગ્યું તૂટ્યું અંગ્રેજી વાપરી વાતો કરતા જોવા મળ્યા. “જેમ કુછ અચ્છા કરને સે ડાઘ લગે તો ડાઘ અચ્છે હૈ...એમ અંધેરા હોને સે નયી રોશની આયે તો અંધેરા ભી અચ્છા હૈ.” એ તે રાત્રે સમજાયું.
બધા જુદા જુદા પોતાના યજમાનોને ઘરે પહોંચ્યા... કેવી રીતે વાતો કરી અને કેવી રીતે ભોજન કર્યું એ બધું તો એક ચમત્કારથી ઓછું નથી. રોટલો ભાવ્યો એ કોમન બાબત આવી. અફઘાન મિત્રોએ પણ પોતાના તરફથી બધાને ખુબ ધીરજ અને કુતુહલથી ભેગા થયેલા ટોળાઓને સ્વાભાવિક ઘણી સાંભળ્યા..

જમીને સૌ ગ્રામોત્સવની જગ્યા પર પહોંચ્યા..ગરબા રમવા માટે આખું ગામ એકઠું થયું. અને અમારા માટે આનંદ એ જ કે ગામ “ભેળું” થયું. સાડા અગિયાર થયા પણ ગરબા કઈ એમ તૂટે ? એટલે આખરે મોબાઇલની પીન ખેંચી અને તેમને સૌને પોતાના ઘરે જવા અને કાલે સ્કૂલમાં આવવા કહ્યું...

જામેલા ગરબા તોડવાના અપરાધીને ય ગામે સાંભળ્યો - સંભાળ્યો : >  VIDEO

રાત્રે મોડા સુધી વડીલોએ મહેમાનો સાથે ગુફતગુ કરી. (જ્યારે તમે એકબીજાને સ્વીકારી લો છો ત્યારે ભાષા ક્યારેય અવરોધ નથી બનતી એ હવે સમજાય છે.) ગામનું વોટ્સેપ ગ્રૃપ ચેક કરીએ તો સમજાય કે લગભગ એકાદ વાગ્યા સુધી બધા જાગતા જ હતા.સવારે મહેમાનો સ્નાન કરશે કે કેમ ? 

તેમની ઈબાદત કરવા આપણું ઘર અનુકૂળ રહેશે કે કેમ ? કેટલીક જગ્યાએ મહેમાન વહેલા જાગી ગયા અને યુવાનો ના ઉઠ્યા તો ઘરના વડીલોએ કે જેમણે ક્યારેય હિન્દીમાં ય વાત નથી કરી તેમને ના જાણે કઈ ભાષામાં વાત કરી પણ તેમના માટે પ્રાત: ક્રિયા અને ચા પૂરી પાડી. ગુજરાતની લાક્ષણિકતા મુજબ બાજુવાળાને ત્યાં આવેલા મહેમાનને ચા પીવા બોલાવાનો રિવાજ પણ...

અફઘાનિસ્તાન સુધી પહોંચી ગયો હશે. અફઘાન મિત્રો પણ તૈયાર થઇ જે મુક્તતાથી ગામ અને પાદરમાં ફરતા તે જોઈ કોઈને લાગે નહિ કે તેઓ કાલે સાંજે ગામમાં આવ્યા હશે. એ જ રીતે ગામના વડીલોને તેમની સાથે જોઈ કોઈ માની ના શકે તેઓ આ વ્યક્તિઓને માત્ર ગઈ સાંજે જ મળ્યા છે. વિશ્વાસની પરાકાષ્ઠા એ પણ હતી કે કેટલીક જગ્યાએ મહેમાનોને અગવડ ના પડે એટલે ઘર આખું બહાર સુઈ ગયું ને મહેમાનોને ઘરમાં સુવડાવ્યા..(એવું યાદ કરી જોજો કે તમે કોના માટે આવું કરી શકો?”)
શાળામાં આવી વાલી મીટીંગ અને વર્ગની મુલાકાત ત્યાં તેમની સાથેની વાતચીત વગેરે અમારા માટે આશ્ચર્યજનક નહોતું...
પણ ગામના યુવાનોએ એક થઇ, વડીલોને પણ એક કર્યા છે. ગ્રામોત્સવથી નીચી થઇ ગયેલી દીવાલો એક અજાણ્યા દેશના મહેમાનો સાથે રહી જાણે અદશ્ય થઇ ગઈ એ લાઈફ ટાઈમ સંભારણું છે.