August 31, 2021

પ્રોત્સાહનની સાથે સાથે, પર્યાવરણ પણ આપીએ !

પ્રોત્સાહનની સાથે સાથે, પર્યાવરણ પણ આપીએ !

કોઈપણ અઘરું કાર્ય પૂર્ણ કરવું હમેશાં મહેનતું વ્યક્તિની નિશાની તરીકે સમાજમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આપણે અજાણતાં વ્યક્તિઓ પર આવા પ્રકારનું દબાણ સુવિચાર અથવા તો ઉદાહરણરૂપ મેસેજ દ્વારા આપતા હોઈએ છીએ. જો કે આપણો ધ્યેય આવી રીતે તેમને પ્રોત્સાહિતપ્રેરિત કરવાનો હોય છે. પરંતુ દબાણ શબ્દ એટલા માટે કે આપણે સૌ તેના માટે ફક્ત ઉદાહરણ પૂરું પાડતા હોઈએ છીએ. ખરેખર તો તેના માટે જરૂરી વાતાવરણ પણ પૂરું પાડવાની જરૂર હોય છે.

આપણા આંગણમાં કોઈ છોડ વાવ્યો. થોડા દિવસોના અંતરે તમારું ધ્યાન ગયું કે તમે ઈચ્છો છો તેવો અથવા તો તેના પોતાના ગુણધર્મો જેવો વિકાસ થતો નથી. ત્યારે એના વિકાસ માટે આપણા પ્રયત્નો કેવા હશે ?


Inspiring વાળા કે environment વાળા?

ઘરે પાળેલ પ્રાણીના બેસ્ટ પરફોર્મન્સ માટે પણ જો આપણે તેના અનુકૂળ વાતાવરણ બનાવવા તરફનો વિચાર કરતા હોઈએ છીએ. તો પછી આપણે આપણા બાળકોને માત્ર ઇન્સ્પાયરિંગ સ્ટોરી કહીને અપેક્ષાઓ રાખવી કે સફળ થઈ જશે  અન્યાય છે. અગાઉ પણ કહ્યું છે કે બાળકોની આંખોમાં સપનાં વાવવા સપનાં પૂરાં કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવું સપનાં પૂર્ણ થયેલ વ્યક્તિઓની સમાજમાં મદદ લેવડાવવીસમાજ અને શાળા સંસ્થાઓની તો જવાબદારી છે.

બાળકોને અનુકૂળ વાતાવરણ બનાવી તેના જોડે ફક્તને ફક્ત પરફોર્મન્સની અપેક્ષાઓ રાખનાર સમાજ કે સંસ્થા વડે બાળકોમાંકોઈ પણ ભોગે (એમના પોતાના ભોગે પણ) સફળ થાઓનું પ્રેશર ક્રિએટ થતું હોય છે. જે આપણાં બાળકોમાં નિષ્ફળ થવાનો ડર પેદા કરે છે. આવી સ્થિતિમાં શિક્ષણ સાથે જોડાયેલ બાળકો વ્યક્તિઓનું જો ધ્યાન હોય તો જેમનું કામ નથી તેવા વાલીઓ પાસેથી અપેક્ષા રાખવી અન્યાય છે.

આવી બાબત અમારા ધ્યાનમાં ત્યારે આવી જ્યારે એક વાલીએ વાલી સંમેલનમાં પોતાના બાળક માટેની તેની મૂંઝવણ રજૂ કરી કેમારું બાળક ખૂબ સારી રીતે શીખે છે, પરંતુ શીખવાની શરૂઆતના પ્રથમ પ્રયત્નમાં આવડેતો જોરજોરથી રડે છે. અમે ઉકેલ આપ્યો કે શીખવા માટે પ્રેશર નહીં, પર્યાવરણ બનાવીએ ! તેની નિષ્ફળતાને તેની સામે હાર તરીકે રજૂ કરવાને બદલે મોબાઈલ ગેમની જેમ રી-ટ્રાયનો પડાવ ગણાવીએ.

બાકી તો બાળકો છે, તો ધીરે ધીરે શિખતાં   જશે, સમજતાં જશે અને પોતીકી સફળતાઓ મેળવતાં જશે.

August 15, 2021

મેઘધનુષના ત્રણ રંગો !

મેઘધનુષના ત્રણ રંગો !

શાળામાં રંગોના મિશ્રણ ઉમેરાતા જાય છે.

હજુ વર્ષો પહેલાં હતી તેવી સ્થિતિ ધરાવતા કુટુંબના બાળકો; કે જેઓના ઘરમાં એ પહેલી પેઢી છે જેમણે પેન / પેન્સિલ હાથમાં પકડી છે અથવા તેઓ પહેલા છે કે જેઓ માત્ર સરકારી કાગળમાં કંઈક લખાવા કે વોટ નાખવા જ નેહારમાં નથી આયા, તેઓ પહેલા છે જેઓના ઘરમાં હવે બોલવામાં આવે છે કેરાજલો તો નેહાર જયો અથવા નેહાડી નેહાર જી સ.”

આવા કુટુંબના બાળકોના સહાધ્યાયીઓમાં જેમનાં માતા અને પિતા બંને ભણેલાં હોય તેવાં બાળકો છે. ઘરમાં ખાસ વાંચવાનું લખવાનું થતું નથી પરંતુ ભણેલાં છે. મા અને બાપ અથવા મા રોજ પૂછે છે કે, "બેટા! શું લખવા કહ્યું સાહેબે કે બેને? આજે શું હતું ઓનલાઇનક્લાસમાં? રાજેશ્વરી, તારે ઓનલાઈનક્લાસનો ટાઇમ થઈ ગયો." આવાં વાક્યો હવે કેટલાક ઘરનો હિસ્સો બનવા માંડ્યાં છે. આવી સંખ્યા પહેલાં ખૂબઓછી હતી હવે ગણતરીમાં લઈ શકાય તેવી થઈ ગઈ છે.

આ બધાની સાથે શેરી શિક્ષણ માટે / હોમવર્ક ચેક કરાવવા માટે બાળકોને કારમાં મૂકવા અને લેવા આવનાર વાલીઓ ઉમેરણ છે. જેઓનાં દાદા-દાદી પણ ભણેલાં છે. જેઓએ ઘરમાં રોજ સવારે દાદા અને દાદીને કોઈક ચોપડીમાં જોઈને શ્લોક વગેરે કંઈક મોટેથી વાંચતાં હોય તે સાંભળ્યું છે. જેઓ સવારે જાગે છે ત્યારે તેના સહાધ્યાયીઓ કે જેઓ કંઈક જુદું સાંભળે છે તેના બદલે તેઓ સંસ્કૃત જેવી ભાષા સાંભળે છે. પપ્પા છાપું વાંચતાં હોય, મમ્મી છાપામાં જોઈ જાહેરાતો વિશે પપ્પા સાથે વાતો કરતી હોય, બંને કંઈક ખરીદવાનું હોય ત્યારે જુદાજુદા આંકડાવાંચે ગણતરીઓ કરે, જુદાજુદા ગુજરાતી અને અંગ્રેજી શબ્દો બોલે, વાતો કરેનેપ છી "આ લઈશું" તેમ નક્કી કરે. બાળકને પણ બતાવે કે, “જો બેટા, આટી.વી. આપણે લઈશું ફલાણી કંપનીનું.” બાળકની નજરે ટી.વી. જ નહીં, તેની કંપનીનું નામ પણ પડે ભલે વાંચતાં ન આવડે પણ જુએ તો ખરું જ. આમ, એક જ વર્ગમાં...

1. જેણે ઘરમાં છાપેલી કે લખેલી ભાષા બિલકુલ જોઈ જ નથી. જેના ઘરમાં કામ પૂરતી વાત થાયને પછી ચૂપ થઈ જતા માણસો છે

2. જેણે ઘરમાં એવી ભાષા જોઈ છે પણ ખાસ વાપરતાં નથી. વાંચવા-લખવા વિશે વાતો થાય છે પણ બાળકના જ લખવા અને વાંચવા વિશે થાય છે.

3. જેના ઘરમાં આવી ભાષા ઠેરઠેર છે. જ્યાં વિચાર ઉપર પણ વિચાર કરાય છે અને દરેક મુદ્દા માટે પુષ્કળ વાતો થાય છે. જ્યાં ઘરના બધા પોતે શું વાંચે છે અને એમાં શું આવે છે એના વિશે વાતો કરે છે.

આવા ત્રણેય પ્રકારનાં બાળકો શાળામાં એકસાથે શીખવાની કોશિશ કરે. ત્રણેય માટે જીવન ઘડતરની ઉત્તમ તક છે. શાળા તરીકે અમારું કામ સૌ વાલીઓનું ધ્યાન આ તરફ ખેચવાનું હતું કે તમે આપણાં બાળકોને બાળકો જ રહેવા દેજો. બાકીનું અમે સંભાળી લઈશું.

દરેક વર્ગશિક્ષકે દરેક વાલીને વ્યક્તિગત ફોન કર્યા, મેસેજ કર્યા. સૌ આવ્યા પણ ખરા.

સ્કૂલ ઓફ એક્સેલન્સ વિશે પ્રાથમિક વિગતો આપ્યા બાદ અમે શાળામાં (શાળાની ઇમારતમાં નહીં. ) શું કરાવીએ છીએ તેની વિગતે વાત કરી. કેમ કરાવીએ છીએ ? – તેની વાત તેમની સામે ફોટા સહિત મૂકી. તેમણે તેમનાં બાળપણની વાતો યાદ કરી. ( વિરમે તો કહ્યુંય ખરું કે, "સાહેબ, આજે આટલા વર્ષે બે કલાક ફરી એક જ જગ્યાએ બેઠો.")

વર્ગોની મુલાકાત લેવાઈ. બીજી કોઈ ઔપચારિક બાબતો ફૂલથી સ્વાગત અને ફલાણાંભાઈ કે બહેન - એવું શાળામાં પ્રયોજાતું જ નથી. બધાં વિખેરાયા પછીય છૂટકછૂટક વાલીઓ સાથે બે કલાક જેવો સંવાદ થયો ને એ જ અમારા માટે જીવંત સ્કૂલ ડેવલમેન્ટ પ્લાન છે.













August 01, 2021

નિષ્પત્તિઓમાં નિમજ્જન !

નિષ્પત્તિઓમાં નિમજ્જન !

જીવન ગતિમય છે. જે રીતે સમય સતત ચાલતો રહે છે, તેમ જીવન પણ સતત આગળ વધ્યા જ કરતું હોય છે. વ્યક્તિ અટકી જાય તો પણ તેનું જીવન આગળ વધ્યા જ કરતું હોય છે. ઘણીવાર જોક તરીકે લોકો એકબીજાને કહેતા હોય છે કે કોઈપણ પ્રયત્ન વગર વધતી હોય તો તે માત્ર ઉંમર છે. આવા જોકમાં આપણે ભૂલી જઈએ છીએ કે અનુભવ પણ એવી જ બાબત છેસતત થતો રહે છે પરંતુ તે અનુભવ પછી આપણા પ્રયત્ન કઈ દિશામાં જઈ રહ્યા છે તે આપણા જીવનની પ્રગતિની દિશા નક્કી કરે છે.

મગને છગનને પૂછ્યું, “કેમ થાકેલો થાકેલો લાગે છે ?” છગન ફુલેલા શ્વાસે, ગર્વ સાથે બોલ્યો, “આજે હું આખો દિવસ ખૂબ ફર્યો.” “એમ ! ક્યાં ક્યાં જઈ આવ્યો?” “એમ ક્યાંય નહીં, ઘેર !” “તો એણે કસરત કરી કહેવાય -ફર્યો એમ નહીં.” એક જગ્યાએ ઊભા ઊભા હાથ પગ હલાવતા રહી અને હું ફરી રહ્યો છું એવા ભ્રમમાં રહીએ તો આ છગન જેવા કહેવાઈએ. એટલે શું કરી રહ્યો છું ? અને શા માટે કરી રહ્યો છું? – એ બે બાબતની સ્પષ્ટતા પહેલાં કરી લેવી જોઈએ

       આપણે સૌ પણ ક્યાંક કોઈ નવી રીતભાતથી કામ કરતાં પરિશ્રમીને જોઈએ ત્યારે શું કરી રહ્યા છો બાદનો પહેલો પ્રશ્ન આ શા માટે કરી રહ્યા છો ? –હોય છે. અને આ સવાલનો મળતો જવાબ એ જ કાર્ય નિષ્પત્તિ”  જેને સામાન્ય ભાષામાં એ કરવાથી ફાયદો શું થાય એવું કહેતા અથવા તો પૂછતાં ઘણાંને સાંભળ્યા છે. આવા પ્રશ્નો આપણે સૌ આપણા દ્વારે કોઈ નવી પ્રોડક્ટ લઈને આવનાર સેલ્સમેન તો અચૂક પૂછતાં હોઈએ છીએ. કોઈ એમબીએ થયેલ વિદ્યાર્થી જો તેની પ્રોડક્ટના ઉદ્દેશ્ય વિશે ન જાણતો હોય તો? આવા ફક્ત વ્યાવસાયિક સર્ટિધારી સેલ્સમેન પોતાની પ્રોડક્ટ ક્યારેય વેચી શકતા નથી. આ જ વાતને બીજી દ્રષ્ટિએ જોઈએ તો મોંઘી પ્રોડક્ટઆવી વ્યક્તિ પાસેથી સસ્તા ભાવે મળતી હોય તો પણ આપણે હાથ ન અડાડીએ. માટે જ કાર્યમાં સફળતા માટે ખૂબ જરૂરી છે કે તમે જે કરી રહ્યા છો તે કેવી રીતે તમને/અન્યને  ફાયદો કરશે તેની જાણકારી હોવી.

શિક્ષણ કાર્યમાં આ વાત લાગુ પડે છે. શાળામાં દિવસની શરૂઆતમાં જ જ્યારે દૈનિકનોંધ પોથી લખતાં હોઈએ છીએ ત્યારે તેમાં આપણે આજે બાળકોને શું ભણાવીશું, શેના વડે ભણાવીશું ? – આ બધુ બરાબર જાણતા હોઈએ છીએ અને લખતાં પણ હોઈએ છીએ. પણ કોઈ વાલી આવીને કદાચ પૂછે કે માસ્તર, આજે જે ભણાવવાના છો, તેનાથી મારાં છોકરાંને શું ફાયદો થાહેં ! આ પ્રશ્નનો આપણી પાસે જવાબ ન હોય તો આપણે એવા ડૉક્ટર છીએ કે જે દવા પીવડાવે છે, પણ તે દવા કઈ બિમારીમાં રાહત કરશે અને કેવી રીતે કરશે તેનાથી અજાણ છે. અધ્યયન કરી જાણીએ પણ તે પ્રક્રિયાકઈ નિષ્પત્તિ માટે કરી રહ્યા છીએ તેનાથી અજાણ હોઈએ તો આપણે પણ હમણાં વાત કરી તેવા ડૉકટરજ કહેવાઈએ. જે વ્યક્તિઓ પોતાના વ્યવસાયની પ્રક્રિયા અને ગ્રાહકનો ફાયદો નથી બતાવી શકતા તે વ્યવસાયકાર અને તેના વ્યવસાયનું આયુષ ટૂંકું અને બિચારા ગ્રાહકનું ભવિષ્ય તો અંધકારમય હોય છે.

માટે ચાલો આપણે વર્ગમાં શું કરી રહ્યા છીએ અને શા માટે કરી રહ્યા છીએ તેનાથી અજાણ હોઈએ તો આજથી જ સુસજ્જ બનીએ ! ચાલો નિષ્પત્તિઓમાં નિમજ્જન કરીએ !