August 15, 2012

આઝાદી એટલે ....



ઝાદી એટલે સમાન તક !

૧૫ મી ઓગષ્ટ, ૧૯૪૭ અને ૧૫ મી ઓગષ્ટ, ૨૦૧૨ વચ્ચે તમે કોઈ ફરક મહેસુસ કર્યો ?
    શાળાઓમાં આપણે સતત આપણા વકતવ્યોમાં (કારણ કે તે મોટાભાગે બાળકોના નથી બની શકતા !)  આજના દિવસે આપણને આઝાદી મળી હતી...ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ જેવા કેટલાય લોકોના પ્રયત્નોથી આપણને આઝાદી મળી છે...વગેરે... વગેરે..વગેરે..”  બોલ્યા કરીએ છીએ !
આપણે ક્યારેય વિચાર્યું છે... આજે આઝાદી અને આઝાદદિનનો મતલબ શું છે ?” આપણી આઝાદીને સાડા છ દાયકા થયા. ૧૪મી ઓગષ્ટ,૧૯૪૭ની મધરાતે દેશ આઝાદ થયો એ વખતથી જ આઝાદીનો મતલબ માત્ર અંગ્રેજ શાસનમાંથી મુક્તિ પૂરતો મર્યાદિત નહોતો ! તે સમયના આઝાદી માટેના લડવૈયાઓના મતે આઝાદી એટલે દરેક ભારતીયને વિકસવાની સમાન તક...[ વિચારો કે ગાંધીજીને રેલ્વેની અંદર બેસવા માટેની સમાન તક મળી હોત તો??? અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મેળવવા કરતાંય અંગ્રેજોની ભારતીયોને વિકસવા માટેની સમાન તક ન આપવાની નીતિ સામે ખરેખર તો ચળવળની શરૂઆત થઇ હતી અને તે ચળવળ પછીથી પૂર્ણ સ્વરાજમાં ફેરવાઈ ગઈ હતી....] આપણે આઝાદીનું સપનું જોયું ,સપનું હતું કે દેશ આઝાદ થશે તો આપણું પોતાનું સુશાસન આવશે,દરેકને રોજી-રોટી અને શિક્ષણ મેળવવાની અને વિકસવાની એક સરખી તક મળશે...શું એવું બની શક્યું છે ખરું..???
                               વાત કરીએ જો અમારી શાળાની અને ગામની...ત્યારે શાળા પરિવારને થાય કે આર્થિક વિષમતા એ બાળકોને સમાન તકો પૂરી ન પડવા માટેનું કારણ તો ન જ હોઈ શકે !!! અધધધધ ....ફીથી મળતી વિકસવાની તક અને આર્થિક રીતે પછાત બાળકોને વિકસવાની તકમાં એટલું બધું અંતર ન હોઈ શકે કે બંને આગળ જતાં ધ્રુવોમાં ફેરવાઈ જાય.. અને આવી જ ચર્ચાને અંતે શાળા પરિવારમાં એક નવો  વિચાર જન્મ્યો... અને શાળા પરિવારે સ્વખર્ચે બાળકોને એક સંગીત/ડાન્સ શિક્ષકની તક પૂરી પાડી... તક મળે તો શું ન કરે બસ આજ મુદ્રામાં અમારા બાળકોએ એવું કરી બતાવ્યું કે કાર્યક્રમની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી તેમના વાલીઓની આંખોમાં નવાઈ અને હાથમાં તાળીઓ છવાયેલી જ રહી....આવો આપ પણ સામેલ થાઓ..અને નિહાળો..અમારો ........ધ્વજવંદન સમારોહ...........

ગીત-: शिव शंकर को जिसने पूजा.........





ગીત-: जादू.....जादू...








ગીત-: ટરરરર....ટરરર...ઢમ....ઢમ....ઢમ..કરો રમકડાં કૂચકદમ








ગીત-: I love my india……




    ગીત-: देश हमारा सबसे न्यारा....प्यारा हिन्दुस्तान..











ગીત-: जलवा...तेरा....जलवा...तौबा...मेरी...तौबा...





ગીત-: चक दे चक इंडिया.......








 ગ્રામજનો સાથે વાર્તાલાપ....










भामाता की जय.........

August 12, 2012

લોકબોલી – આપણી ભાષા....


લોકબોલી – આપણી ભાષા....

                         ધોરણ સાતમાં ગુજરાતીના એક સ્વાધ્યાયમાં લોકબોલીના શબ્દોની યાદી બનાવવાની પ્રવૃત્તિ છે. યાદી બનાવવાની પ્રવૃત્તિ-મોટાભાગના વિદ્યાર્થીઓ માટે મજેદાર રહી પણ ગોપાલ ભરવાડ કે જે ડેરેથી સીધો શાળાએ આવતો હોય...તેને આ ગૃહકાર્ય પસંદ જ ના પડે તે સ્વાભાવિક હતું. દફતર તો શાળામાં જ હોય, વાંચવા રોજ એક ચોપડી લઇ જાય..એટલે બીજા બધાએ જયારે પોતાના શબ્દો રજુ કર્યા ત્યારે તેના ચહેરા પર નિરાશા દેખાઈ પણ ખરી !
એક નવું કામ તે જ પ્રવૃતિમાં જોડવામાં આવ્યું, તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે બોલીએ એવા વાક્યો બનાવો જેમ કે.......
              –મલાડું – અલી, જો ઘરમાં મલાડું ભરાયું, દુદ પી જહે...
હવે, બધા જયારે વાક્યો બનાવતા હતાં ત્યારે ગોપાલે તેની બોલીના શબ્દોની યાદી બનાવવાની શરૂઆત કરી...
તેના શબ્દોએ મજા બમણી કરી-કારણ કે તેમના રબારી સમાજમાં બોલતા ઘણા શબ્દો બીજા વિદ્યાર્થીઓથી તદ્દન અજાણ્યા હતાં અને ગોપાલ હીરો બની ગયો !
કેટલાક શબ્દો તો મનેય રોમાંચિત કરી ગયા.
જેમ કે – વાઘ – ઘેટું , ટેટા- બકરીઓ , ગાડ-ઘેટાં,  આ સિવાય ડાડા, હાડો,બાડલો, બુગો, બોગયનું...
કેવા નવા શબ્દો છે !

આ શબ્દો જીવે તે જરૂરી છે....એ આપણા લોકજીવનનો પ્રાણ છે ! અને આ પ્રકારની પ્રવૃતિઓ તે શબ્દોની સંજીવની !

August 08, 2012

પરિરિરિરિરિરિરિરિ.ભ્રમણ કે ક્રમણ...???



પરિભ્રમણ અને પરિક્રમણ



 બાળકોને  પૃથ્વીનું "પરિભ્રમણ" અને "પરિક્રમણ" વિશે જણાવવા અને તેને બાળકો સ્પષ્ટપણે સમજે તે માટે ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ,અને આવી પ્રવૃત્તિઓ વડે બાળકો જાણી અને કદાચ સમજી પણ લે છે કે પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની જેમ ફરે છે જેને પરિભ્રમણ કહે છે,અને તે સૂર્યની આસપાસ પણ ફરે છે.જેને પરિક્રમણ કહે છેછતાં પણ અમે અનુભવ્યું છે કે કેટલાંક બાળકોમાં પરિભ્રમણ અને પરિક્રમણ શબ્દના અર્થની સમજ વિના આ પ્રવૃત્તિઓ ધ્વારા મેળવાતી સમજ આ પ્રવુત્તિ પૂરતી સિમિત રહે છે, તે માટે બાળકોને પહેલાં તો પરિભ્રમણ એટલે શું.....અને પરિક્રમણ....એટલે શું? તેમાં તેમની સમજને સ્પષ્ટ કરવી પડશે, જેમકે  બાળકોને ભ્રમણમાટે ભમરડો,ફૂંદરડી ફરવી વગેરે રમતો/પ્રવૃત્તિઓ વડે અને ક્રમણમાટે ગોળ-ગોળ ગાડી દોડાવવી,એકબીજાના હાથની સાંકળ બનાવી ગોળ ફરવું વગેરે રમતો/પ્રવૃત્તિઓ/ક્રિયાઓ વડે સમજ આપી....અને ત્યારબાદ એક રમત વડે શાળાએ એવો પ્રયત્ન કર્યો કે જેમાં બાળકોની સંકલ્પનાઓના સ્પષ્ટીકરણનું મૂલ્યાંકન થાય...અને આમ બાળકોમાં પરિભ્રમણ અને પરિક્રમણની સંકલ્પનાઓ સ્પષ્ટ થયા બાદ જ પૃથ્વી કેવી રીતે આ ક્રિયા કરે છે તે સમજાવ્યું.....જેમાં શાળાએ રામ-રાવણની  રમતનો ઉપયોગ કેટલાંક ફેરફાર સાથે કર્યો....જેનું આયોજન નીચે મુજબની પ્રક્રિયા વડે થયું.  

   ·  શિક્ષકશ્રી પોતે મધ્યમાં ઉભા રહી સૂર્ય તરીકેની ભૂમિકા નિભાવશે અને આસપાસ ગોળમાં બાળકો ઉભા રહેશે

    

 શિક્ષકશ્રી રામ-રાવણ રમતની જેમ “પરિભ્રમણ-પરિક્રમણ’ નો આદેશ આપશે. 
જે આદેશ તે પરિરિરિરિરિરિરિરિ.ભ્રમણઅથવા “પરિરિરિરિરિરિરિરિ.ક્રમણઉચ્ચારમાં કરશે.

·        પરિભ્રમણના આદેશની સાથે જ બાળકો પોતાની જ જગ્યા ઉપર એક આંટો ગોળ ફરશે.
               
 ·        પરિક્રમણના આદેશની સાથે બાળકો એક ડગલું આગળ કૂદશે.
     વિજેતા બાળકને “પૃથ્વી”નું બિરુદ મળશે. અને ત્યારબાદ પૃથ્વીની “પરિભ્રમણ” અને ‘પરિક્રમણ’ ની ક્રિયાને બાળકો નીચેની પ્રવૃત્તિથી જાણશે....
પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે....
     
 પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે.....



પૃથ્વી પરિભ્રમણ કરતાં કરતાં પરિક્રમણ કરે છે....
આપની પાસે અન્ય કોઈ પ્રવૃત્તિઓ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અથવા તો અમારા સરનામે મેઈલ કરો.

August 06, 2012

તિથીભોજન.....




જેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે...
"તિથીભોજન"


                              આજે  શાળામાં બાબુભાઈ સોમાભાઈ રાવળ તરફથી બાળકોને તિથીભોજન આપવામાં આવ્યું હતું,જેનો બાળકોએ ઉત્સાહ અને પ્રેમથી સ્વિકાર કર્યો હતો,તિથીભોજન આપનાર દાતાશ્રી બાબુભાઇ રાવળનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે....




અડધો લાડવો તો લેવો જ પડશે...આગ્રહ કરતાં બાબુકાકા 

August 03, 2012

સપ્તરંગી પ્રવૃત્તિ-'રક્ષાબંધન"


રક્ષાબંધનની ઉજવણીનો બેવડો આનંદ...!!!

અમારી શાળાએ રક્ષાબંધનના બીજા દિવસે રક્ષાબંધનની ઉજવણી કરી, દર વર્ષે  થતી ઉજવણીના આયોજન કરતાં આજની ઉજવણીના આયોજનમાં થોડો ફેરફાર કર્યો.....એક ફેરફાર એ હતો કે દર વર્ષે અમારી શાળા બજારમાંથી ખરીદી કરેલ રાખડીઓ વડે રક્ષાબંધન ઉજવણી કરતી  હતી,પરંતુ આ વખતે પ્રજ્ઞા શિક્ષકશ્રીએ સપ્તરંગી પ્રવૃત્તિ અંતર્ગત શાળાની બાળાઓને જ  રાખડીઓ બનાવતાં શીખવી અને બાળાઓની આ પ્રવૃત્તિ ધ્વારા નિર્મિત તે જ  રાખડીઓનો  ઉપયોગ શાળાએ રક્ષાબંધનના તહેવારની ઉજવણીમાં કર્યો, એટલે કે મોટાભાગની બાળાઓએ ઉજવણી સમયે છોકરાઓને એ જ રાખડી બાંધી જે તેમણે પોતે બનાવેલ હતી...હવે તમે જ વિચારો  કે પોતે જ બનાવેલ રાખડી બાંધવાનો ઉત્સાહ કેવો અને કેટલો હોય....આમ અમારી દિકરીઓને રક્ષાબંધનની ઉજણવીમાં ડબલ આનંદ મળ્યો....રાખડી બનાવવાનો & રાખડી બાંધવાનો.........
ઉજવણીમાં  બીજો ફેરફાર એ હતો કે .....દર વર્ષે બાળકોને શિક્ષકમિત્રો ધ્વારા રક્ષાબંધન તહેવાર વિશે માર્ગદર્શન આપવામાં આવતું..તેની જગ્યાએ આ વખતે રક્ષાબંધનને એક વિષય અથવા તો એકમ બનાવી તેના પર ચર્ચાસભાનું આયોજન કર્યું...જેમાં બોર્ડમાં દર્શાવેલ મુદ્દાઓ પ્રમાણે ક્રમશઃ સૌએ ચર્ચા કરવી...અને તે મુદ્દાની ચર્ચાના અંતમાં શિક્ષકશ્રીએ તેનું વ્યવસ્થીકરણ કરવું....ચર્ચા-સભાનો ઉદેશ્ય એ હતો કે બાળકો ફક્ત નિબંધમાળાની જ રક્ષાબંધનને ઓળખે અને પૂછાય ત્યારે [બાળકે ભલેને પોતે  અલગ રીતથી ઉજવી હોય પણ ]તેને જ લખે...” આવી ગરેળમાંથી ધીમે-ધીમે બાળકોને દૂર લઇ જવાનો પણ હતો...
ટૂંકમાં કહીએ તો  તહેવાર એ જ છે કે જેની ઉજવણીનો આંનદ રોજબરોજની એકની એક જીવનશૈલીના કાંટાળા/થાકને દૂર કરી દે, અને અમારી ઉજવણીએ પણ આ જ કામ કર્યું અને અમને અને અમારા બાળકોને તરોતાજા કરી વધુ પ્રગતિશીલ બનવા તૈયાર કરી દીધા છે..જેમાંના નીચેના કેટલાંક અંશો જોઈ તમે પણ આનંદિત થઇ શકો છો.....
 ચર્ચા-સભા-: રક્ષાબંધન 
 રાખડીઓ બનાવતી બાળાઓ 
 અમારી શાળાના દિકરાઓને રાખડી બાંધતી અમારી દિકરીઓ ...




 શિક્ષક-મિત્રોને રાખડી બાંધતી અમારી ધોરણ-૮ની  દિકરી..

મોં મીઠું ન થાય તો ઉજવણી કેવી રીતે પૂરી થઇ કહેવાય..???