August 31, 2024

બેગલેસ 👜- લાઈફ ફૂલ ! 💓

બેગલેસ 👜- લાઈફ ફૂલ ! 💓

રાશિની - ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું - ૨૦૨૩ બંનેમાં “બહુવિષયક સમાજ” વિષે તેમજ શિક્ષણને જીવન સાથે જોડાવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અને આ જોડાણને સઘન બનાવવાના પ્રાયોગિક ઉપાય તરીકે 10 બૅગલેસ દિવસનું આયોજન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

TBD (Ten Bagless Days)ના ઘણા ફાયદા છે, જે વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસમાં મદદરૂપ થાય છે.

તે પૈકીનાં કેટલાક મુદ્દાઓ -

  1. આનુભાવિક શિક્ષણ  : આ દસ દિવસ દરમિયાન, વિદ્યાર્થીઓને શીખવા માટે વિવિધ કારીગરી, પ્રોજેક્ટ્સ અને કાર્યપ્રણાલીઓમાં જોડવામાં આવે છે. આ અનુભવો વિદ્યાર્થીઓમાં જાતે શીખવા માટેનો રસ પેદા કરે છે અને જાણકારીની વ્યાપક સમજ મેળવવામાં મદદ કરે છે.
  2. સર્જનાત્મક ચિંતન : TBDમાં વિદ્યાર્થીઓને વિવિધ રીતે વિગતો મેળવવાવની તેમજ રજૂ કરવાની હોય છે જેનાથી તેમની સર્જનાત્મકતા વિકસે છે. આ કૌશલ્ય ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન સાબિત થાય છે. 
  3. સમગ્ર વિકાસ : આ દિવસો દરમિયાન માત્ર શૈક્ષણિક જ્ઞાનમાં નહીં, પરંતુ વિદ્યાર્થીના વ્યક્તિગત અને સામાજિક વિકાસ પર પણ ભાર આપવાનો છે. વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ આધારિત શીખવું, ટીમ વર્ક અને સમસ્યાઓના ઉકેલ જેવી પ્રવૃતિઓમાં સહજ રીતે જોડાય છે. 
  4. આનંદદાયક અને રસપ્રદ શીખવાનો અનુભવ : શિક્ષણને રસપ્રદ અને મનોરંજક બનાવે છે. બાળકોને મજા આવે તે રીતે શીખવાનો વિચાર આ અભિયાનનો મહત્ત્વનો ભાગ છે. (જે તમે આ સાથે જોડાયેલા ફોટો વિડિયોમાં જોઈ શકશો. 🙂)
  5. આપણું શીખવવાનું ગૌણ બની એમનું શીખવાનું મહત્ત્વનું બને : આ દિવસો દરમિયાન, શિક્ષકોનો પણ અભિગમ બદલાય છે. તે હંમેશા કાગળ પર શીખવાની બદલે વિદ્યાર્થીઓને વિવિધ રસ્તાઓથી શીખવા માટે પ્રોત્સાહન આપે છે, જે વધુ અસરકારક બની શકે છે. તેમજ આપણને સમજાય છે આ રીતે પસાર કરેલા ત્રણ ચાર દિવસ એ આપણા વીસ - ત્રીસ તાસથી વધુ અસરકારક બને છે. આ કાર્યમાં વિદ્યાર્થીઓનું અવલોકન કરીએ ત્યારે આપણને આપણા વર્ગકાર્ય વિષેની ઈન્સાઈટ પણ મળતી જાય છે.

આ સિવાય આપણી શાળા જે વર્ષોથી પ્રેક્ટિસ કરતી આવી છે અને તે અભિગમ હેઠળ ‘ગામ શીખવે ગણિત’ જેવા પ્રયોગો પણ કરે છે તે - “શીખવું અને જીવવું એ બંને જુદી જુદી ક્રિયાઓ નથી.”

એ વિશે વિદ્યાર્થીઓ તો જ સભાન થાય કે જ્યારે તેઓ આજે જે શીખે છે તેનું આયોજન જીવનમાં કરી જુએ. જીવનમાં કંઈક એવાં પ્રયોજનો કરે કે જેમાંથી તેઓ શીખી શકે. આ ગોકળઆઠમના ચકડોળ જેવું છે કે જો તમે કશુંક પુસ્તકમાંથી શીખો છો અને જીવનમાં તેનો ઉપયોગ કરો છો તો એ ઉપયોગ દરમિયાન ફરી તમને કશુંક નવું શીખવા મળે. એ જે નવું શીખવા મળ્યું હોય તેનો જો ઉપયોગ કરી જુઓ છો તો એમાંથી ફરી બીજું નવું શીખવા મળે. આમ ‘જીવવું અને શીખવું’નું ચકડોળ ઘુમ્યા કરે છે.

ગયા મહિને કરેલો ચાંદીપુરા વિશેની જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ ઘણુંબધું શીખવનારો રહ્યો. તેના અનુભવ વિશે ચર્ચા કરતાં નાગરિક ઊઘડતરની કૅબિનેટે નક્કી કર્યું કે આપણે “આપણે જાણીએ સૌને જણાવીએ” થીમ ઉપર જ આગળ વધીએ. જેમ ચાંદીપુરા વાયરસ વિશે ઇન્ટરનેટ પરથી, શિક્ષકો પાસેથી છાપાઓમાં વાંચીને જુદી જુદી વિગતો જાણી સમજી તેના ચાર્ટ્સ વગેરે બનાવ્યા અને ગામના લોકોને તેના વિશે તેઓ સમજી શકે એવી ભાષામાં જણાવ્યું.  આમ એક સુખદ અનુભવમાંથી જે શીખ્યાં તેનો ઉપયોગ કરવા માટે હવે અમે તૈયાર હતાં.

સૌ સાથે બેસીને વાતો  કરતાં જાણવા મળ્યું કે દરેક ગામના લોકોને તેમની જાતિનો દાખલો કાઢવો આવકનો દાખલો મેળવવો જેવા સરકારી કાગળ મેળવવામાં મુશ્કેલી અનુભવાય છે કારણ કે તે માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે? કેવા કેવા ડોક્યુમેન્ટસ જોઈશે તેના વિશે ખાસ વિચાર કર્યા વિના પહોંચી જાય છે અને પછી ત્યાંથી ખાલી હાથે પાછા આવી . બીજો - ત્રીજો ધક્કો ખાવો પડે છે.  એટલે એક દિવસ તો આયોજિત થયો ગ્રામપંચાયત માટે.

        બીજો તેને લગતો જ વિષય મળ્યો : અત્યારે દરેક બાબતને ડિજિટલી સબમિટ કરવાની હોય છે. સરકારી યોજનાનો લાભ લેવો હોય તો એના માટેના કોમન સર્વિસ સેન્ટર ઊભાં કરેલાં છે. હાલમાં રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવાનું કામ પણ ચાલુ છે.  તેમાં પણ ગામલોકોને મુશ્કેલી પડે છે.  તેની સાથે સાથે કોમન સર્વિસ સેન્ટર પર જે વ્યક્તિ કામ કરે છે તેમને પણ મુશ્કેલી પડે છે કારણ કે લોકો જે જે વિગતો જોઈએ તે વિગતો લીધા વિના જ પહોંચી જાય છે ! ત્યાંથી બે અઢી કિલોમીટર પાછા આવવું અને જવું એમાં આખો દિવસ વેડફાઇ જતો હોય છે.  તેમ જ ગામના કેટલાક લોકોને આ કોમન સર્વિસ સેન્ટર પર કઈ કઈ યોજનાઓ વિશે સંપર્ક કરી શકાય તેની પણ માહિતી નથી એટલે બીજું આયોજન થયું કોમન સર્વિસ સેન્ટર માટેનું.

હમણાંથી શાળામાં પર્યાવરણને લઈને સેન્સિટીવીટી વધી રહી છે. ખેતીમાં આવતા જુદા જુદા રોગ વિશે અને તેના આધારે જંતુનાશક દવાઓ છાંટવાથી માણસોને કઈ મુશ્કેલીઓ પડી રહી છે તેના વિશે ચર્ચા છેડાયેલી હતી.  એટલે અમારા માટેનું ત્રીજું આયોજન ઊભું થયું ખેતી- રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ !

કાર્તિકભાઈએ તૈયાર પૅકેટ્સમાં આવતી વેફર અને કોલ્ડ્રિંક્સ વિશે ચર્ચા કરી હતી એમાંથી જ ચોથું આયોજન આવ્યું કે આવા રેડીમેડ પૅકેટ્સ અને કોલ્ડ્રિંક્સની આર્થિક,સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધિત અસરો જોવી.

વિષયોની ચર્ચા થઈ ગયા પછી તેઓ આ પ્રોજેક્ટ્સ પર કેવી કેવી રીતે કામ કરી શકે અને તેમાં કયા કયા પ્રકારની શક્યતાઓ રહેલી છે તેના વિશે એક બ્રીફિંગ મીટીંગ થઈ. ત્યારબાદ તેઓએ પોતાની રીતે જૂથ અને જૂથમાં કોણ કયું કામ કરશે? કોણ પ્રશ્નો બનાવશે ? કોણ પ્રશ્નો ફાઈનલ કરશે ? ત્યાં સ્થળ પર જઈને કોણ પ્રશ્નો પૂછશે ? કોણ તેના માટેની નોંધ તૈયાર કરશે ? કઈ  વ્યક્તિઓ પૂછાતા પ્રશ્નો અને અપાતા જવાબોને ઝડપથી લખી લેશે?  કોણ ત્યાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરશે ? કોણ તેની દરેકે દરેક વસ્તુનું અવલોકન કરી તેનું વર્ણન તેમજ નોંધ તૈયાર કરશે તેમજ કોણ અગાઉના દિવસે જઈને ‘અમે મુલાકાતે આવવાના છીએ અને અમારી અપેક્ષા, આ પ્રકારની માહિતી મેળવવાની છે’ તેવું જણાવશે? જેવાં આયોજનો કરવામાં આવ્યા.

એ આયોજન પછી ગ્રામ પંચાયત, કોમન સર્વિસ સેન્ટર, ખેતીના પ્રોજેક્ટ માટે ખેડૂતો, ખેતર, જંતુનાશક દવાઓની દુકાન, રાસાયણિક ખાતરની દુકાન, કોલ્ડડ્રિંક્સ તેમજ પેકેટ્સ વેચતી દુકાનો તેમજ દરેક ફળિયાના એક એક ઘરે મુલાકાત કરી.

એ મેળવેલી માહિતી પર પ્રોસેસ કરી, ચર્ચાઓ કરી, ચાર્ટ્સ બનાવ્યા અને રજૂઆતો થઈ. હવે આ મેઘો ખમી જાય તો અમે એકત્ર કરેલી વિગતો ગામમાં વહેંચવા જવાની પ્રતીક્ષામાં છીએ..





ત્યાં સુધી તમે અમને આવા બીજા વિષયો સૂચવજો ! ત્યાં સુધી આ વિડીયો માણો !





🌸ફૂલ ખીલતે હૈં !

🌸ફૂલ ખીલતે હૈં !

બાળપણ એટલે જીવનનો સોનેરી સમય. આપણને કોઈ પૂછે કે શું જોઈએ ? તો મોટાભાગનાનો જવાબ બાળપણ પાછું મળે એમ હોય ! કોઈને પણ પૂછીએ તો  તેનું બાળપણ તેને સૌથી વધુ ગમતું સપનું જ હશે ! આવાં બાળપણ સાથે બાળપણની જેમ જ રમવા - કૂદવા અને ઉછળવા મળે તેનું નામ જ શિક્ષક તરીકેનું જીવન. 58 વર્ષ સુધી બાળક બન્યા રહેવાનો - બાળક સાથે જીવવાનો - તેને હસાવવાનો આનંદ અને  પગાર પણ મળતો રહે - તેવા વ્યવસાયમાં જોડાયા હોવાનું નસીબદારના જ નસીબમાં હોય ને !

બાળક શાળા સાથે જોડાય ત્યારથી જ આપણે તેને વિવિધ કૌશલ્યોના વિકાસ માટેની તક પૂરી પાડતાં હોઈએ છીએ. તે પછી વાર્તા કહીને - કે પછી ગીત ગવડાવીને, રંગપૂરણીની પ્રવૃત્તિ હોય કે ચિત્રસ્પર્ધા વડે તેમણે ગમતા રંગ પૂરવાના હોય - આ બધી પ્રક્રિયા બાળકોમાં રહેલાં કૌશલ્યોને વિકસવા માટેની ગતિ આપવાનું કામ કરતી હોય છે. જાણે મેઘધનુષના સાત રંગો ન હોય! બાળકમાં પણ આવાં સાત નહિ સાતસો કરતાં પણ વધુ વિવિધ કૌશલ્યો સમાયેલ હોય છે. પરંતુ સૌને જેમ સાત રંગને બદલે સાત રંગોનો સમૂહ એટલે કે સફેદ દેખાતો હોય છે તેમ જ્યાં સુધી આપણા સૌમાં પણ બાળકને જોવાની અને સમજવાની નજર નહીં બદલાય ત્યાં સુધી તો બાળક એવું ને એવું જ દેખાયા કરશે ! તેનાં કૌશલ્યોરૂપી રંગબેરંગી રંગોને બદલે જાણે કે સફેદ ચૂનો !

બાળક જેમ જેમ શાળામાં વધુ સમય વિતાવતો જાય છે તેમ તેમ તેના સર્વાંગી વિકાસની તક વધતી જતી હોય છે.  શાળામાં આપણે સૌ એવા ખેડૂત છીએ કે જે ખેતરના દરેક છોડના ઉછેર માટે મથામણ કરીએ છીએ. એવા માળી છીએ કે જે બગીચાના દરેક ફૂલને ખિલવાની અનુકૂળતા ઊભી કરી આપીએ છીએ. ક્યારેક તો લાગે કે “કીડીને કણ અને અને હાથીને મણ” એ કહેવત પણ જાણે કે વર્ગખંડમાં બાળકો માટે મહેનત કરતા શિક્ષકને જોઈને જ બનાવી ન હોય !

ઘણી વાર એવું બને છે કે આપણે કરેલ મહેનતના પ્રમાણમાં ધાર્યું ફળ ન પણ મળે! તેવામાં ચિંતાઓ થવી સ્વાભાવિક છે ! ખૂબ બોલબોલ કરનાર બાળક વાર્તા કહેવાનું કૌશલ્ય ધરાવે - એવી આપણી માન્યતા હોય, પણ બની શકે કે તે બાળકનો  સ્વભાવ ન હોય ! બની શકે અંતર્મુખી સ્વભાવવાળા મહેશને આપણે બોલાવવા મથતાં હોઈએ પણ તેને તો ગાવાનો ખૂબ શોખ હોય ! બની શકે - આ શબ્દ બાળકોની દુનિયામાં ઘાટા અક્ષરે લખાયેલો છે. કારણ કે ત્યાં કશું જ અસંભવ નથી. અને હા તે જાદુઇ દુનિયા [ બગીચો ] પણ છે - કોણ ક્યારે કેવી રીતે ખીલી ઊઠે કંઈ નક્કી નહીં ! હા, તે બગીચાને પોષતી ફક્ત બે જ વસ્તુઓ છે - આપણી ધીરજ અને આપણા પ્રયત્નો !  

માનસી - હાલ ચોથા ધોરણમાં છે - તેના અક્ષર અને તેની એકાગ્રતા માટે અમારા સૌની સતત મથામણ રહી છે. પરંતુ આજકાલ તેને ચિત્રનો ચસકો લાગ્યો છે. શાળા છૂટયા પછી પણ કેમ્પસમાં પહેલાં દોડાદોડી કરી મજા મસ્તી કરનાર આ ફૂલ હવે કેમ્પસમાં ક્યાંક ને કયાંક બેસીને પોતાની નોટમાં ચિત્ર ચિતર્યા કરે છે. ચિત્ર દોરવું અને સાહેબને બતાવવું એનો શોખ બનતો જાય છે. આ  શોખ માનસીની એકાગ્રતા અને અક્ષરોમાં ખૂબ ખૂબ વધારો કરશે જ ! ફરીથી..

ફૂલનું ખીલવું એ પ્રક્રિયા છે, ખીલશે જરૂર !


August 13, 2024

નાગરિક ઉઘડતર - બાળકોનું, બાળકો માટે, બાળકો વડે !

નાગરિક ઉઘડતર - બાળકોનું, બાળકો માટે, બાળકો વડે !

માણસ જિંદગીભર શીખતો રહે છે. શીખવું એક એવી પ્રક્રિયા છે કે તમે શીખવા ન ઇચ્છો તો પણ તે અટકે નહીં ! ઊલટાનું તમે ન શીખવાનું નક્કી કરો તે પણ એક નવું શીખવાનું છે. શિક્ષક માટે તો આ ભારપૂર્વક કહેવાયું છે કે સતત શિખતો રહે એટલે કે જીવનભર વિદ્યાર્થી બની રહે તે જ શિક્ષક પોતાનામાં શ્રેષ્ઠતા લાવી શકે. શિક્ષક બનવાનું એટલે જ નવું નવું જાણવાનું -સમજવાનું - શીખવાનું અને શિખવવાનું !

આપણે સૌ સતત બાળકો સાથે કાર્ય કરતાં આવ્યાં છીએ એટલે બાળકોના માનસને આપણે ખૂબ સારી રીતે સમજતાં હોઈએ છીએ.  એનાથી ઊંધું વિચારીએ તો ચાર - પાંચ વર્ષ આપણા સૌ સાથે વર્ગખંડોમાં કામ કરતાં કરતાં આપણાં બાળકો આપણને ખૂબ સારી રીતે જાણી ગયાં હોય છે. એટલે જ તો શાંતિલાલ સાહેબને તો એક જ વાર કહેવું પડશે .. ગોપલસાહેબને વારંવાર યાદ કરાવવું પડશે. દર્શનાબેનનું કામ તો ચોક્કસ છે. આ વાત તો આ સાહેબને જ કહેવાય ! - આ બધું તેઓ પણ શીખી ગયાં હોય છે. જેમ શાળામાં આવતા કેટલાક પરિપત્રો  સમયે આપણો બળાપો હોય છે કે આમ નહીં,  આ કાર્યક્રમ આ રીતે કરવાનો કહ્યો હોત તો મજા આવત - આપણી જેમ બાળકોનો પણ એવો જ બળાપો હોય છે - કે આમ નહીં,  પણ આ રીતે આપણે કેમ્પસને, આ રીતે નહીં આ રીતે પ્રવૃત્તિ કરીએ વગેરે વગેરે.. [ આમાં તમારા જેટલા બળાપા હશે તેના કરતાં પણ વધારે આપણા બાળકોના હશે ]

2008માં નાગરિક ઉઘડતર પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે શાળાનો ઉદેશ્ય એ જ હતો કે શાળામાં 10 શિક્ષકોની સામે 300 બાળકો છે. એટલે કે જેઓ વધુ ફોર્સમાં શાળા કેમ્પસમાં હોય છે તેઓના હાથમાં શાળાનું સંચાલન સોંપાય ! શાળાનું સંચાલન સોંપવા માટેની પહેલી શરત હતી કે બાળકોને એમ્પાવર કરવામાં આવે તો જ તેઓ જવાબદારી સ્વીકારતાં થાય. આપણે સૌ જાણીએ છીએ કે જવાબદારીઓનો સ્વીકાર ત્યારે જ શક્ય છે જ્યારે ફક્ત જવાબદારીઓ જ નહીં સત્તા પણ સાથે મળી રહે.

શાળા એટલે - બાળકની, બાળક માટે અને બાળક વડે ચાલતી સંસ્થા

શાળાકીય પ્રવૃત્તિઓ જેમના માટે કરવાની છે, તેઓ પોતે જ આ અમે કેવી રીતે કરીશું? એવું નક્કી કરતાં થાય પછી  શાળા સંચાલનની તમામ ચિંતાઓ દૂર થઈ જાય. ઘણીવાર એવું બને કે શાળામાં કોઈક નવીન પ્રવૃત્તિ સૌએ ભેગાં મળી શરૂ કરી હોય, શરૂ શરૂમાં દરેકનું ધ્યાન હોય…. ધીમે ધીમે બીજી નવીન પ્રવૃત્તિ ઉમેરાતાં જૂની (પણ બાળકો માટે ઉપયોગી)  પ્રવૃત્તિ અસ્ત થતી જતી હોય છે. પરંતુ તેનાથી વિપરીત બાળકોનો એક સ્વભાવ એ હોય છે કે તેઓને સોંપાયેલ દરેક કામ તેઓ મહત્વના કામ તરીકે છેક સુધી કરતાં હોય છે. જવાબદારી  સોંપાયેલ પહેલા દિવસ જેટલી જ ચીવટ તેઓની લગાતાર જોવા મળતી હોય છે. પરિણામે આપણને સતત દરેક કાર્ય પ્રત્યે જાગૃત રાખવાનું કામ પણ તેઓ કરતાં હોય છે. તેઓના આવા સ્વભાવના કારણે જ દરેક કાર્યમાં તેમના અનુભવ ખૂબ જ અસરકારક બની રહે છે.

શાળા સંચાલન એ  જટિલ પ્રક્રિયા છે. - એવું આપણે સૌ માનતાં હોઈએ છીએ. પરંતુ નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ અંતર્ગત જેમ જેમ બાળકોએ અમારી શાળાની સંચાલનની  જવાબદારીઓ નિભાવવાનું શરૂ કર્યું તેમ તેમ તેઓએ શાળાને સરળ ઉકેલ આપ્યા છે. દોડધામ કરાવતા પ્રવાસ કે પછી યુનિફોર્મ જેવી બાબતોમાં તો કાઠું કાઢ્યું છે. [ તેઓએ પસંદ કરેલ યુનિફોર્મને સરકારશ્રીએ પોતાના બેનરમાં સ્થાન આપ્યું હતું. ]

લોકશાહી ઢબે સૌ સાથે મળી કામ કરતાં કરતાં ઘડાઈ ગયેલ અમારી સંસદના લીડર - ઉપલીડર શાળા મુલાકાતે આવેલ ઘણીબધી શાળા વ્યવસ્થાપન સમિતિઓના પ્રશ્નોને ઉકેલ આપે છે.  શાળા સંચાલનમાં ઘડાઈ ચૂકેલ બાળકો પૈકીનાં પ્રમુખ અને ઉપપ્રમુખને જિલ્લામાં તજજ્ઞ અન્ય શાળામાં સંચાલન માટેની તાલીમ આપવા માટેનું આમંત્રણ મળે છે ત્યારે આનંદ અને ગૌરવ બંને થાય.

कभी कभी मास्टरजी होकर हम सोचते है कि सबकुछ बच्चें ही कर लेते है तो हम यहाँ क्या कर रहे हैं? કારણ કે નવાઈની વાત એ છે કે નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ વડે હવે બાળકોનું ઊઘડતર કરવાનું કામ પણ બાળકો જ કરે છે !

“સ્કૂલ મેનેજમેન્ટ કોર્સ” સમાન આપણી આ નાગરિક ઉઘડતર પ્રવૃત્તિ ને વિગતે જાણવા ક્લિક કરો.