November 09, 2023

દેખાય તે વંચાય, તે રીતે લખાય ! કા.પા.-આપણો ટીચર કંપેનીયન !

દેખાય તે વંચાય, તે રીતે લખાય ! કા.પા.-આપણો ટીચર કંપેનીયન !

વર્ગખંડો વર્ગકાર્ય વડે શોભે છે, અને વર્ગકાર્ય કા.પા કાર્ય વડે શોભે છે ! - અમારા મનમાં આવેલી નવોક્તિ વર્ગકારી વિશે ઘણુંબધું કહી જાય છે. મોટેભાગે આપણે સૌ વર્ગખંડ કાર્યમાં સૌથી વધુ મહત્ત્વનું શું છે  તે જાણ્યા વિના કે તેનું આયોજન કર્યા વિના મહેનત કરતી વ્યક્તિઓ છીએ. આજે પણ વર્ગખંડમાં સૌથી વધુ વ્યાખ્યાન પદ્ધતિવાળો શિક્ષક પોતે આજના વર્ગખંડ કાર્યમાં સૌથી વધુ મહેનત કર્યાનો સંતોષ માને/માણે છે ! તો બીજી તરફ બાળકોને પ્રવૃત્તિ કરાવી પ્રવૃત્તિમય શિક્ષણ કાર્ય કરનાર પોતે ખૂબ હેતુલક્ષી અને મહેનત સભરનું વર્ગખંડ કાર્ય કર્યાનું માણતાં/માનતાં હોય છે. માનવું / માણવું પણ જોઈએ ! એમાં કઈ ખોટું પણ નથી. પરંતુ, અહીં આપણે સમૃદ્ધ વર્ગ કાર્ય વિશે વાત કરવી છે. વર્ગખંડમાં શૈક્ષણિક કાર્યની સમૃદ્ધતા અંગેના કેટલાક મુદ્દા નીચે જોઈએ. જે વર્ગખંડમાં

    બાળકો વર્ગકાર્યની શરૂઆતમાં પોતે જાણતાં હોય કે આજે કયા વિષયવસ્તુ વિશે ચર્ચા થશે,

    બાળકો જાણતાં હોય કે આજના વિષયવસ્તુને આપણે શા માટે જાણવાનો અથવા તો શીખવાનો છે.

    બાળકો જાણતાં હોવાં જોઈએ કે આજે આપણે કઈ રીતથી શીખવાનું છે.

    આજે જે શીખવાનું કે જાણવાનું છે તેમાં સૌથી મહત્ત્વના મુદ્દાઓ કયા કયા છે - જે સત્રાંતે ફરીથી યાદ કરવા પડશે.

પૈકીની કેટલીક બાબતો એવી છે કે જે બાળકો વર્ગકાર્યની શરૂઆતમાં જો   જાણતાં હોય તો આપણું કામ સરળ બનાવી દેતાં હોય છે. પરંતુ આપણે આપણું કાર્ય અઘરું અથવા તો વધુ હાર્ડ બનાવતાં હોઈએ છીએ.. જેમ કે,

    આપણે આજે કયા વિષયમાં શું શીખવાનાં છીએ, કેવી રીતે શીખવાનાં છીએ તે આપણે વર્ગખંડમાં જઈ શરૂ કરીએ ત્યાં સુધી બાળકો માટે તો સરપ્રાઈઝ હોય છે. - પરિણામે પૂરા વર્ગકાર્ય દરમ્યાન તેઓ વિષયવસ્તુના મુદ્દા પ્રત્યે કનેક્ટ થતાં સુધીમાં તો શૈક્ષણિક કાર્ય પૂર્ણતાને આરે હોય છે.

    વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન આપણે જેટલું વ્યાખ્યાન કરીએ છીએ તેના ત્રીજા ભાગ જેટલું પણ બાળકોની નજર સામે આવે તે રીતે બોર્ડમાં નોંધવાનું ટાળીએ છીએ.

    વર્ગકાર્ય દરમિયાન  જેટલું પણ નોંધીએ તેમાં મુદ્દાસર અથવા તો સત્રાંતે જે ફોર્મેટમાં માંગીશું તે ફોર્મેટમાં નથી હોતું. પરિણામે બાળકો સાંભળે છે તેવું અથવા તો આપણે નોંધ્યું હોય તેવું યાદ રાખી પરીક્ષામાં આપણને પરત આપે છે.

પરિણામે આપણે સૌ વર્ગખંડમાં ખૂબ મહેનત કર્યાનો અહેસાસ અને થાક અનુભવતાં હોઈએ છીએ, પરંતુ પરિણામ સ્વરૂપે જોઈએ તો બાળકો ફોર્મેટમાં શીખ્યાં/સમજ્યાં નથી હોતાં - જે ફોર્મેટમાં આપણે તેનું મૂલ્યાંકન કરવાનું હોય છેપ્રથમ સત્રાંત કસોટીમાં બાળકોના પરફોર્મન્સ સમયે ક્યાંક ને ક્યાંક તમને આવો અનુભવ થયો હશે કે અરે ! સમજાવવા માટે તો મેં બે તાસ ફાળવીને ગળું દુખાડયું હતું છતાં મારાં બાળકો એમાં સારું લખી શક્યાં ! ત્યારે કહેવાનું મન થાય કે બે તાસ ગળું દુખાડવાની જગ્યાએ એક તાસ ટોકની સાથે ચોક વાપરી બાળકો સામે જરૂરી નોંધ ઉપલબ્ધ કરી હોત તો ?

આગાઉ પણ આમુદ્દા પર અમે ચર્ચા કરી છે કે હું તો ભણાવી ભણાવીને થાક્યો પણ બાળકોને આવડતું નથી !!  ચાલો વાંચીએ અને વિચારીએ !











No comments: