May 01, 2023

એક १३ સાથ હૈ તો……!

એક १३ સાથ હૈ તો……!

વર્ષ 2008 થી શાળા ડિજિટલ દુનિયામાં પ્રવેશી હતી. પ્રવેશની ઘટના પણ મજાની છે. શાળામાં વેકેશન, કેમ્પસમાં ખાટલો પડેલો હતો. સામે કમ્પાઉન્ડ બની રહ્યો હતો અને અમે મોબાઈલ પર નવી નવી ટેકનોલોજી સાથે ટાઈમ પાસ કરતા હતા ત્યાં બ્લોગ નામનું ટૂલ હાથ લાગ્યું

શાળાનું નામ તેમાં લખવાની અને જોવાની મજા સાથે જ કેમ્પસમાં બેઠા બેઠા શાળાનો બ્લોગ શરૂ કર્યો. ધીમે ધીમે જોયું કે બ્લોગની દુનિયામાં ગુજરાતી ભાષમાં અને તેમાંય શિક્ષણ ઉપર લખાણ ખૂબ જ ઓછું હતું એટલે શૈક્ષણિક બ્લોગ અને તે પણ ગુજરાતી ભાષામાં હોય તેવા વિચાર સાથે “મસ્તી કી પાઠશાળા” નામે બ્લોગના શ્રી ગણેશ કર્યાશાળામાં થતી પ્રક્રિયાઓની વિગતોવર્ગખંડની વાતો  બ્લોગ ઉપર લખવાની શરૂઆત કરી. શાળામાં થતી પ્રવૃત્તિઓનું આયોજન, તેમાં બાળકોએ કેવી રીતે પ્રક્રિયા કરી? - અમારો રોલ શું હતો થી લઈ બાળકો શું શીખ્યા હશે ? ની વાતો લેખ સ્વરૂપે પોસ્ટ કરતાં. તેમાં અમે કેવી રીતે ઇનપુટ આપ્યું અને તેમાંથી બાળકો શું શીખ્યા તેને પોસ્ટ રૂપે બ્લોગમાં લખવાનું શરૂ કર્યું . ધીમે ધીમે બ્લોગ લોકોના ધ્યાનમાં આવતો ગયો તેમ તેમ વાચકોના અભિપ્રાયો પણ મળતા ગયા. પરંતુ લખાણમાં અનિયમિતતા એ અમારો મુખ્ય દુર્ગુણ હતો. જેના કારણે ઘણીવાર પોસ્ટ વિના જ લાંબો સમય પસાર થઈ જતો. કોઈક વાચકની ટકોરનું નોટિફિકેશન આવે એટલે યાદ આવતું કે હા, યાર આ માસમાં બાળકોએ આ સરસ પ્રોજેક્ટ કર્યો હતો. તેના વિશે લખવાનું તો રહી જ ગયું ! એવામાં જ વર્ષ 2008 ની પમી સપ્ટેમ્બરે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રીશ્રીએ પોતાની સ્પીચમાં પંચમહાલનું નામ લઈ શાળાના બ્લોગ વિશે વાત કરી ત્યારે સમજાયું કે અરે ! આ તો એક નાનકડા ગામની શાળાનાં બાળકોને દુનિયા સાથે જોડતી કડી છે ! પરિણામ સ્વરૂપે શાળાએ નિયમિતપણે બ્લોગિંગ શરૂ કર્યું.

શાળામાં થતી પ્રવૃત્તિઓનું માસવાર દસ્તાવેજી થાય અને તેને બાળકોવાલીઓ અને વાચકો સમક્ષ યોગ્ય ફોર્મેટમાં રજૂ કરી શકીએ. અભિપ્રાયો મેળવી તેમાં જરૂરી વધુ સારું કરી શકીએ - તે હેતુસર પહેલી મે -વર્ષ 2010, ગુજરાત સ્થાપના દિનના ગૌરવશાળી દિવસથી શાળાએ પોતાનું મુખપત્ર શરૂ કર્યું. નામ આપ્યુંબાયૉસ્કોપ”. કોઈપણ પ્રકારના ફોર્મેટના બંધન સિવાય બે પેજનો પ્રથમ અંક પ્રકાશિત કર્યો. લગભગ 250 વ્યક્તિઓના સંગ્રહેલાં મેઈલ એડ્રેસ પર મોકલ્યો. જેમાં શાળાકીય પ્રવૃત્તિનો એક ફોટો અને કેપ્શન. આજે એ અંક જોઈને નવાઈ લાગે છે કે અરે ! આ શું મોકલ્યું હતું? – પરંતુ તે નિસરણીના પ્રથમ પગથિયા જેટલું મહત્વનું સાબિત થયું. ધીમેધીમે અમારા અનુભવો અને વાચકોના અભિપ્રાયોમાર્ગદર્શન વડે સમયાંતરે તેના ફોર્મેટમાં ફેરફાર કરતાં ગયા.

મોંઘા ડેટા સમયે 2 mbની ફાઇલ માટેની મર્યાદા હતી. કેટલાંક વાચકો તેને પ્રિન્ટ રૂપે સાચવીને વહેંચતાએટલે પેજ મર્યાદા પણ ધ્યાને લેવાનું શરૂ કર્યું. આ બધી મર્યાદાઓમાં અમારો મુખપત્ર શરૂ કર્યાનો ઉદેશ્ય મુખ્ય હતો. અમારા દ્વારેથી [ જે આપ અત્યારે વાંચી રહ્યા છો ] થી શરૂ કરીનેઅમને યાદ રહેશે આ પળ ! – કે જેમાં માસ દરમ્યાન શાળા કેમ્પસમાં હરતા ફરતાંરમતાંજમતાંવાંચતાંલખતાંહસતાંરડતાંપડતાં થયેલી એવી ક્લિક્સ કે જે અમને જીવનભર યાદ રહેશે તેને વાચકો સમક્ષ મૂકવાનું શરૂ કર્યું. બાળકોનું એક પેજજે તે બાળકના નામ સાથે રિપોર્ટર તરીકે સમાવ્યું. –પરંતુ તે મરજિયાત રહ્યુંજ્યારે જ્યારે જે બાળક લખે તેને મુખપત્રમાં પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.

આજે  આ બધી વાતો કરવાનું કારણ છે કે આજકાલ કરતાં કરતાં આપણા આ બાયૉસ્કોપને 13 વર્ષ પૂરા થયા એટલે કે 156 અંક પ્રકાશિત થઈ ચૂક્યા છે અને તમે વાંચી રહ્યા છો તે 14 માં વર્ષમાં પ્રવેશનો પ્રથમ અંક છે. 250 થી શરૂઆત કરી હતી, સમયાંતરે 5000 કરતાં પણ વધુ લોકો 65 દેશમાં મેઈલ વડે મંગાવતા થયા. સોશ્યલ મીડિયા અને ટેકનોલોજીના પ્લેટફોર્મ વધતાં હવે તે કેટલા હાથમાં વહેંચાતું હશે તેનો આંકડો કે અંદાજ અમને પણ નથી. પરંતુ ફરીથી કહીએ કે વાચકોના આંકડા એ ઉદેશ્ય નથી. મુખ્ય ઉદેશ્ય શરૂઆતમાં જે હતો તે જ છે કે દર માસે આ અંક પ્રકાશિત કરતાં અમે આ માસમાં શું શું કર્યું તેનો હિસાબ મળી જાય.

અને હા, 156 અંક એટલે કે છેલ્લા 13 વર્ષની શાળાની શૈક્ષણિક પ્રક્રિયાઓના દસ્તાવેજ ધરાવતી શાળા બન્યાનો આનંદ તો ખરો જ !

·        અગાઉના અંકો તમે અહીથી મેળવી શકો છો અને 13 વર્ષ શાળાએ શું શું કર્યું તે ફોટોગ્રાફ સહિત માણી શકો છો > ક્લિક કરો >>>>>> 

ALL BIOSCOPE 

No comments: