પપૈયાંનો પ્રસાદ, કાકડીનો કંસાર !!!
શાળામાં બાળકો આવી શકતાં ન હતાં તે સમયની વાત છે. બાળકોને મળવા અને જે તે દિવસના હોમવર્ક અંગેનું માર્ગદર્શન આપી તેને ચેક કરવા શેરીઓ ખૂંદવી પડતી. આમ તો એમાં પણ શાળા કેમ્પસ જેટલી જ મજા અમે સૌ કરતાં. બાળકોને અને ભણવાને છેટું ન થઈ જાય એટલો જ ઉદેશ્ય હતો. બાળકોને અમારી સાથે આનંદ આવે - એ સમયે પણ ધ્યાન રાખતાં. એ બધામાં શાળા અને શાળા કેમ્પસનું ધ્યાન ઓછું થઈ ગયું હતું. તે બાબત પણ અમારા ધ્યાનમાં ત્યારે આવી જ્યારે કિચન ગાર્ડનના ખૂણામાં પપૈયાંના મોટા મોટા ક્ષુપ નજરે પડયા. એ તો હતાં જ અમારી નજર એ બાજુ ઓછી હતી. અને સ્વાભાવિક છે કે બાળકો હોય તે બાજુ જ નજર વધારે દોડતી હોય. અને એ સમયે બાળકો માટે શાળા ગેટ પર લોક અને મળવાનું ડાઉન મોડમાં હતું. પપૈયાં ક્યારે ઊગ્યા તેના કરતાં વધુ ચર્ચા કેવી રીતેની બીજ ત્યાં પહોંચ્યાની હતી ! પછી ખ્યાલ આવ્યો કે રિશેષમાં લેવાતા સહિયારા ભોજનમાં પપૈયાં ફક્ત ખવાતાં જ નહતાં, શાળાના પર્યાવરણના ઇનચાર્જ ચંદુભાઈ વડે વવાતાં પણ હતાં.
બાળકો માટે શાળાઓ શરૂ થઈ ત્યાં સુધીમાં તો ઘણાં પપૈયાં પાકી તૈયાર પણ થયાં હતાં. પરંતુ એટલાં બધાં પણ નહીં કે બધાં બાળકો ધરાઈને ખાઈ શકે. શું કરીએ ? એવી બાળકો સાથેની ચર્ચાએ પપૈયાનો પ્રસાદ કરી દઈએ. એવો ઉકેલ કાઢ્યો. અમને પણ બહુ ગમ્યું કારણ અમે પણ તેમાં બાળકોને શાળા – શાળામાં ઊગતું – શાળામાં પાકતું અને શાળામાં વહેંચાતું બધુ પોતીકું લાગે તે માટેનો અવસર લાગ્યો.
અને અમે ધારેલું તેવું જ થયું. થોડા દિવસ પછી શાળાથી 4 કિમી દૂરથી ભણવા આવતા આર્યનના પરિવારે
પોતાની વાડીમાંથી બાળકો માટે કાકડીનો
થેલો મોકલી આપ્યો. અમારી ધારણા છે કે આ ક્રિયા પણ આર્યન દ્વારા
કહેવામાં આવેલ પપૈયાંના
પ્રસાદની વાતની પ્રતિક્રિયા
હોઇ શકે છે. શાળામાં
આવેલી વસ્તુ સૌ માટે એટલે સૌ બાળકોને પ્રસાદની
વહેંચી તો ખરી પણ આ વખતે પપૈયાંનો
પ્રસાદ જેવું નામ બાળકો ધ્વારા આપવાનું
રહી ગયું !
પણ હા, બાળકોના ચહેરા પરનો આનંદ જોઈ અમે એ પળને “કાકડીનો કંસાર” એવું કહીએ છીએ. તમે શું કહેશો ?