જૂથનો
જાદુ
વર્ગખંડની પ્રક્રીયામાં
સૌથી અગત્યનું જો કોઇ પરિબળ હોય તો એ છે સૂચનાઓ. અહીંયા સૂચનાઓ એટલે શિક્ષક જે કરવા
માટે કહે અને એ મુજબ બાળકોએ કરવાનું એ જ ‘સૂચનાઓ’ નહીં, પરંતુ વર્ગવ્યવહારમાં વપરાતા શબ્દો/શબ્દ સમૂહો અથવા તો વાક્યો એ બધાને
આપણે સુચનાઓ એમ કહીશું.
એ સુચનાઓ જેટલી વધુ સ્પષ્ટ
અને બધા માટે એક જ અર્થ ધરાવતી હોય એટલા વર્ગખંડો વધુ જીવંત. જો એમાં વધુ પડતી
સૂચનાઓ શિક્ષકે આપવાની થતી હોય તો વર્ગમાં શીખવા માટેનો સમય તો શિક્ષક શું કરાવવા
માંગે છે એ સાંભળવામાં અને સમજવામાં જ જતો રહે.
પ્રાથમિક શાળામાં જે બાળકો
આપણી પાસે આવે છે એ બધા ઘરે ટુંકી અને પુનરાવર્તિત સૂચનાઓ જ સાંભળવા, સમજવા અને
પ્રયોજવા ટેવાયેલા હોય છે. જ્યારે આપણા વર્ગમાં દરરોજ તેમને નવી નવી રીતે ભાષાને
ઉપયોગમાં લેવી પડે છે. આ કારણે જ વર્ગના કેટલાકની ગાડી આગળના સ્ટેશને પહોંચી ગઈ
હોય તો કેટલાકની ગાડી હજુ શરૂ જ ના થઈ હોય એવું જોવા મળે છે. શિક્ષકે / સાથી મિત્રોએ શું કરવા માટે કહ્યું એ જ સમજણ ના પડે. એટલે જ
વર્ગ વ્યવહારમાં જૂથ કાર્ય અને જોડી કાર્ય માટે અપાતી સૂચનાઓ વર્ગમાં એવી અવ્યવસ્થા કરે કે આપણને થાય કે મોટાભાગનો સમય તો આ ગોઠવણી
કરવામાં જ જતો રહ્યો.
આ સમસ્યાના ઉકેલ તરીકે
શાળામાં દરેક વર્ગમાં પાંચ જૂથ બનાવ્યા છે. જૂથ રચનાત્મક રહે અને તે જૂથબંધી ના
થાય એટલે શિક્ષક તરીકે અમે માત્ર પહેલાં પાંચ વિદ્યાર્થીઓ (કે જેમને અમે અલગ અલગ
જૂથમાં વહેચી દેવા માગીએ છીએ) ને કહીએ કે તેઓ તેમના જૂથ માટે વારાફરતી એક એક સાથી
માગે. (બાળકો રમત રમવાની ટીમ આ રીતે જ પાડે છે.) પરંતુ એમાં શરત એટલી કે જો એ
માગનાર છોકરો હોય તો એને છોકરીઓમાંથી કોઈને ટીમમાં માંગી શકે અને જો એ છોકરી હોય
તો છોકરામાંથી કોઈને માંગી શકે... એટલે દરેક જૂથમાં છોકરા છોકરીઓની સંખ્યા જળવાઈ
જાય. (જેન્ડર ઇકવિટી જળવાઈ ગઈ) એક એક સાથી માંગે પછી તેઓ પોતાના જૂથની જગ્યાએ
જઈ બેસી જશે અને હવે તેમના જૂથ વતી હમણાં
નવા ઉમેરાયેલા વિદ્યાર્થીઓ માગશે. (એટલે એક જૂથમાં કોઈ એક જ વિદ્યાર્થીની પસંદના
કે તેના જ મિત્રો ના ભેગા થાય. (જૂથ રચનામાં સમાવેશન પણ જરૂરી છે.)
આ રીતે જૂથ બની
જાય ત્યારબાદ તે જૂથના દરેક સભ્યને એક ટેગ આપી. દરેક જૂથના સભ્યોને :
યુધિષ્ઠિર, ભીમ, છોટા ભીમ, અર્જુન, સહદેવ , નકુલ, હનુમાન, ગણેશ એવા નામ આપ્યા છે. (જો તમારા વર્ગમાં
આઠ વિદ્યાર્થીઓ હોય તો આવા આઠ નામ પસંદ કરી શકાય.) આમ, હવે
વર્ગમાં પાંચ જૂથ છે અને દરેક જૂથમાં ઉપર કહ્યું એમ આઠ નામ ધરાવતા વિદ્યાર્થીઓ.
આ વ્યવસ્થા કરવા
આપેલી ત્રીસ મિનિટ ત્યારબાદની આપણી વર્ગની તમામ સૂચનાઓને સહેલી કરી નાખે. જેમ
કે તમે કહ્યું પેજ નંબર 15 પર આપેલી પ્રવૃતિ - 4 વિશે ચર્ચા કરો અને લખો. હવે દરેક જૂથ પોતે એક યુનિટ તરીકે વર્તે છે અને
તે પરસ્પર તે મુજબ તેમ કરવામાં મદદ કરવા માંડે છે.
તમે અમારા ફેસબુક/
યુટ્યુબ પર આ રીતે જૂથમાં ચર્ચા કરી જૂથ મુજબ પોતાનું કાર્ય વર્ગ સામે રજૂ કરતાં
બાળકો જોયા જ હશે. જૂથના સભ્યો
અંગે જવાબદારી , કવિતા , ગાન અને તાળી , આ જૂથ એ ફિક્સ જૂથ
તરીકે તેમજ સતત પરિવર્તન જૂથ તરીકે કાર્ય કરી શકે. જેમ કે તમે માત્ર એટલી સૂચના
આપો કે પાંચેય જૂથમાંથી અર્જુન નીકળી જઈ ને છઠ્ઠું જૂથ
બનાવશે. તો એક જ સુચનામાં છઠ્ઠું જૂથ બની જશે. તમે પાંચેય
જૂથના યુધિષ્ઠિર/ અર્જુન/ગણે એમ જૂથ બનાવવા માટેની સૂચના પણ આપી શકો.
આ જૂથના સભ્યો
એકબીજાને એકમ કસોટીમાં આપણા વડે અપાયેલી સૂચનાઓ વાંચી તે મુજબ ઉપચારાત્મક કાર્ય
કરવામાં મદદરૂપ થાય. આ સિવાય પણ જુદા જુદા જૂથમાં જુદા જુદા દાખલા
ગણવા/ પ્રશ્નો ઉકેલવા/ પ્રોજેક્ટ બનાવવા જેવા કાર્ય સોંપવામાં સરળતા રહેશે. અને
વર્ગનો વધુ સમય બાળકો શીખવામાં આપી શકશે.
આ જૂથને બીજી કઈ કઈ બાબતો સાથે
સાંકળી શકાય તે અંગેના સૂચનો અમને જરૂરથી મોકલજો