June 30, 2020

"ગેપ ઊભી કરો"



"ગેપ ઊભી કરો"

આપણે સૌ એક એવા સમયમાંથી પસાર થયા (પસાર થઈ રહ્યા છીએ.) કે જ્યારે વર્ષોથી (કે પેઢી દર પેઢી) જે કરતાં હતા તેમાં બદલાવ કરી શકાય તેવી  બાબતો દેખાતી થઈ. જેમ કોઈક પ્રસંગ – તહેવાર માટે  સાફસફાઇ કરવા ઘરનું રાચરચીલું હટાવી પછી તેને બીજે ક્યાંક ગોઠવીએ તો સારું લાગશે તેવો વિચાર આવે - એમ જ અત્યારે શિક્ષણ સાથે જોડાયેલા આપણે સૌને ઘણી બધી બાબતોમાં ફેરફાર કરવાનું સૂઝે છે – અથવા તો કોઇકવાર – ફૂલ રીસેટ મારી દેવાનું પણ મન થઈ આવે.
આવું થાય અને આપણે એમાં ફેરફાર કરવાના પ્રયત્નો કરીએ, તે જ આપણા શીખવાની નિશાની છે.
આપણો આ અનુભવ આપણને કેવી રીતે કામ લાગી શકે ?
બાળકોને ય આવું કૈક થતું જ હશે ને ! – તો તેઓને શીખવા માટે તૈયાર કરવા શું કરવું જોઈએ ?
તમે ફેસબુક પર શેર થતાં ન્યૂઝ પોર્ટલની હેડલાઇન જોઈ હશે – “સચિન જેવા મહાન ક્રિકેટરને આ ન શોભે – ક્લિક કરી જાણો એક જાણીતા વ્યક્તિએ કેમ કરી આવી ટિપ્પણી !” --- અને આપણે કઈ લેવાદેવા વગર એ લિન્ક ક્લિક કરીએ, વાંચીએ, મામલો ખબર પડે ને પછી જ આપણને સારું લાગે.
આપણે એ વાંચવા માટે પ્રેરાયા તેનું કારણ શું ? આપણે સચિન વિષે જે જાણતા હતા તેમાં અચાનક એ હેડલાઇનથી એક “ગેપ” ઊભી થઈ. અને એ ગેપ પુરવા આપણે તે વાંચવું પડ્યું. (હવે આ જ મામલો જો એકડેએકથી લખેલો હોત અને કોઇકે ફરજિયાત તે વાંચવાનું કહ્યું હોત અને તે પણ એક નક્કી કરેલ સમયે તો આપણે તે વાંચત ખરા? – કદાચ વાંચત પણ એ આનંદ ના મળત.)
એવું જ આપણાં બાળકોને થતું હશે જ્યારે આપણે આ વાર્તા કે આ કવિતા વાંચજો, આ દાખલો ગણજો  – એમ સૂચનાઓ છૂટી મારતા હોઈશું ત્યારે.
તો શું કરવું જોઈએ ? –
“ગેપ બનાવો” વાર્તા કહેતા પહેલા તેમનામાં એ વાર્તા વાંચવા માટેનું કારણ ઊભું થવા દેવું પડે. ગણિત કે વિજ્ઞાનમાં પણ આ થઈ શકે – (અચાનક એક રાત્રે વિચાર આવ્યો કે ખૂબ ઊંચા વૃક્ષોમાં પાણી એની ટોચ સુધી કયા બળથી પહોંચાતું હશે ? – ને પછી તે માટે ઈન્ટરનેટ ફેંદી વળ્યો..એ તો જાણ્યું જ  એ સિવાય વૃક્ષો વિષે બીજું ય જાણ્યું.) બાળકો સામે આવી ગેપ ઊભી કરીએ કે “આ વૃક્ષોના પાંદડા જુદા જુદા આકારના કેમ હોતા હશે ? – શરૂઆતમાં તેમની ધારણાઓ (કે જે આપણી પાસે રહેલા ‘સાચા’ જવાબો કરતાં ખૂબ જરૂરી છે.) અને પછી તેમણે કેમ ધાર્યું તે વિશેના તર્ક.. ને પછી એ શોધવા તેમણે ચોપડી આપશો કે વિડીયો; એ વાંચશે, જોશે અને સમજશે.

આ વાંચીને કોઈ ‘ગેપ’ ઊભી થઈ ? જણાવજો.

આફત નથી,બાળકના આંગણિયે આવેલો અવસર છે !!



આફત નથી,બાળકના આંગણિયે આવેલો અવસર છે !!

બાળક શિક્ષણ માટે શાળા સુધી પહોંચી ન શકે ત્યારે શાળાએ બાળક પાસે જવું જોઈએ – આ વિધાન બોલાયું ત્યારે શિક્ષણ અંગેની સામાજિક જાગૃતિનો અભાવ હતો. ભણવાથી શું મળે ? અથવા તો ભણવાથી બગડી જવાય તેવી શંકા કુશંકા સમયનું આ વિધાન  છે. વાલીઓ બાળકોને શિક્ષણ થી બચાવી રહ્યા હતાં તે સમયે આહવાન હતું કે દરેક વ્યક્તિનું જીવન ધોરણ વધુ સારું બનાવવા માટે શિક્ષણ અનિવાર્ય છે. સામાજિકતાને અસરકાર બનાવવા શિક્ષણ જ એક માત્ર ઉપાય છે.
આજે ઘણી ખરી પરિસ્થિતિ બદલાઈ છે. શિક્ષણ એ મોટાભાગના સમાજમાં મહત્વનું બની ગયું છે. પહેલાંની જેમ સમગ્ર કહી શકાય તેવા આખા સમાજને બદલે અત્યારે પરિવારની વ્યક્તિગત અજાગૃતતા જ અશિક્ષિત કે અર્ધશિક્ષિત રહેવાનું કારણ બને છે. પાછાં એવા પરિવારોની દયનીય સ્થિતિ જોઈએ ત્યારે એ વાક્ય પર પૂરો ભરોસો બેસી જાય છે કે “ખરેખર શિક્ષણ જ સર્વ મુશ્કેલીઓનો ઉપાય છે.”  આજે નાનકડા ગામડાના ઘરથી માંડી શહેરની સોસાયટીઓ સુધી સૌ પોતાના બાળકને સારું  શિક્ષણ અપાવવાની ઉત્કંઠા ધરાવે છે. સુવિધાઓનો અભાવ ધરાવતાં વાલીઓ પણ બાળકના ભણતર માટે પેટે પાટા બાંધી રહ્યા છે. માટે આજે જો કોઈ વ્યક્તિને તમે પૂછો કે તમારી કમાણી વધી જાય અને બચત ભેગી થાય તો તમે પહેલું કામ શું કરો? – તો તેનો જવાબ હશે કે “બાળકોને સારું ભણાવી લઉં !”  હા હવે શિક્ષણ માટે વાલીઓમાં પણ આટલી તરસ આવી છે અને આ તરસ શૈક્ષણિક સંસ્થાઓ માટે ખુબ સારી વાત છે. તેનું કારણ કહું તો બાળકની શૈક્ષણિક પ્રક્રિયામાં શિક્ષક જેટલો જ રોલ વાલીઓનો પણ હોય છે જ ! આવા સબળ વાલીઓને કારણે જ આપણા સૌનું કામ પણ ઉભરી આવે છે. સૌ શિક્ષકોને અનુભવ છે જ કે આપણા ક્લાસના બાળકો પૈકી જે પરિવારોમાં ઘરે શિક્ષણ અંગે વાતચીત થતી હોય તેવા બાળકોમાં આપણા પ્રયત્નોનું પરિણામ આપણા ધાર્યા કરતાં પણ વધુ મળી રહે છે. 
આજે કોરોના વાયરસને કારણે શાળાઓની  સ્થિતિ બદલાઈ છે. હવે શૈક્ષણિક પ્રક્રિયા વિશે નવેસરથી વિચારવાનો સમય આવ્યો છે. આપણે સૌ આવી પરિસ્થિતિમાં બાળકો સાથે સંવાદ જાળવી રાખવા ટેકનોલોજીને શરણે થયા છીએ.. એક રીતે જોઈએ તો વર્ગખંડની સ્થિતિ ગામ વચ્ચે પહોંચી છે. હવે આપણા માટે ગામ જ જાણે વર્ગખંડ બની ગયો છે. આપણા એકલા માટે નહિ વાલીઓ માટે પણ આ સ્થિતિ નવી છે. ટેકનોલોજીના ઉપયોગની જરૂરિયાત હોઈ હવે એમ કહી શકાય કે શૈક્ષણિક પ્રક્રિયા હવે બાળક- વાલી – વાલી અને શિક્ષક એમ ત્રણ વચ્ચે થઇ રહી છે. મજાની વાત જોઈએ તો એ છે કે આ પ્રક્રિયામાં વાલી ટેકનોલોજીથી શીખી રહ્યો છે – બાળક ટેકનોલોજીથી શીખી રહ્યો છે.

 ત્યારે બીજી બાજુ તે વાલીઓ એટલે કે જેઓની પાસેના અપૂરતા સંશાધનો છે તેવા બાળકો માટેની જવાબદારી પણ આપણી વધી જાય છે.આવા બાળકોના ઘરે રૂબરૂ તેની કાળજી લેવા જઈશું ત્યારે લાગે છે કે તે વાલીઓની સ્થિતિનો તાગ અને છતાં પણ આપણા પ્રત્યેનો આવકાર જ આપણને કહી દેશે કે હે શિક્ષક હવે આ તારું બાળક છે અને તેના પ્રત્યે વધુ ધ્યાન આપવું એ જ તારું શિક્ષકત્વ છે.”
બાળકોની સાથે મળવાનો અને તેમની સ્થિતિ સાથે ભળવાનો આ મોકો છે. આફતને અવસરમાં બદલીએ એવું વાક્ય આપણે વારંવાર સાંભળ્યું છે. ફોન કે રૂબરૂ - ટીવી કે ઓનલાઇન ક્લાસ - બાળકોને ઘરે જ તેમની શૈક્ષણિક પ્રક્રિયા ચાલુ રહે તે માટે આપણે સૌ લાગી ગયા છીએ.  ત્યારે હવે આપણો તે બાળકો માટેનો પ્રેમ અને પ્રયત્ન પણ વાલીની સીધી નજર હેઠળ છે. ઘરે ઘરે બાળકોને મળવું, તેના શિક્ષણ માટેની વાતચીત કરવી, વાલીના ખબર અંતર પુછવા આ બધું અત્યારે સમાજ જોઈ રહ્યો છે. અને પહેલાંની જેમ માસ્તર ગામ આખામાં નીકળે એટલે ગામની મોજ એમ ફરીથી એ જ માન મોભા સાથે આ આફતમાંથી બહાર નીકળશું તેવી અમને તો આશા છે.
અને હા બીજો એક મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે તે તે પણ કહીએ કે બાળકોની પરિસ્થિત અને વાલીઓની સ્થિતિથી વાકેફ બની જયારે શાળાએ પરત ફરતાં હોઈશું ત્યારે આપણા મનમાં તે બાળક સાથે વર્ગખંડમાંના શૈક્ષણિક કાર્ય દરમ્યાનના આપણા વર્તનની યાદ આવતી હશે ? ક્યાંક પસ્તાવા રૂપે તો  ક્યાંક યાદગીરી રૂપે !




























June 27, 2020

અ ન્યુ ફ્રેન્ડ ઓફ નવાનદીસર !


અ ન્યુ ફ્રેન્ડ ઓફ નવાનદીસર !

એક ફોન આવે,
પોતાની ટૂંકી ઓળખાણ આપે કે તમારી શાળાની પ્રવૃતિઓ હું બ્લોગ અને ફેસબુકના માધ્યમથી જોતો રહું છું. મારી પાસે કેટલાક પુસ્તકો છે, જુના છે પણ તમને કામ લાગે એમ હોય તો તમને આપવાનું મને ગમશે. પુસ્તકોની બાબતમાં અસ્વીકારનો મુદ્દો જ નહોતોરૂબરૂમાં મળ્યા નથી અને શૈક્ષણિક ક્ષેત્રમાં સીધા જોડાયેલા નથી. તેવા વ્યકિતને આપણા નવા નદીસર માટે કૈક કરવાનું ગમશે એમ કહે ત્યારે તો એ અસ્વીકાર કરી જ ના શકાય.
વાતચીત પછી ખાસો સમય વીતી ગયો. એ વાતચીત પછી શાળાની સાથેસાથે ગામમાં પણ નાનકડું  પુસ્તકાલય શરૂ કર્યું તો પુસ્તકોની જરૂર પણ રહે છે.
આ વખત નવાનદીસરના યુવાનોએ મોબાઈલની માયા ઓછી કરી પુસ્તકો વધુ વાંચ્યા. સામાન્ય રીતે ટીક ટોક અને જુદી જુદી ગેમમાં જ ડેટા વપરાઇ જતા તે ડેટા હવે પુસ્તકો વિષેની વાતચીત માટેના ફોરમમાં વપરાતા થયા. લગભગ બધા યુવાનોએ પોતે વાંચેલા પુસ્તકો વિષે પહેલીવાર લખ્યું. (અલબત્ત ભણવામાં આવે એ સિવાયના પુસ્તકો વાંચવાનો આ શિરસ્તો પણ નવો જ છે. ) અસર એવી પણ થઈ કે હવે ગામમાં જઈએ એટલે કોણ શું વાંચે છે ? પોતાની પસંદ નાપસંદની વાતચીત ઉમેરાઈ છે.  ઓશો થી ધ્રુવ દાદા અને પહેલીવાર પુસ્તકની સાઈઝ જોઈ નાસીપાસ થઈ જતા યુવાનોએ અશ્વિની ભટ્ટની દળદાર નવલકથાઓ રસપૂર્વક વાંચી.
આવી સ્થિતિમાં કેટલાક હવે શું વાંચીએ  એવા પ્રશ્નો ય પૂછે, હવે લાવવાના થાય તો કયા પુસ્તકો લાવવા એની પણ ચર્ચા થાય. ત્યાં જ પેલા નંબર પરથી ફરી ફોન આવ્યો કે, “મે પેલા પુસ્તકો વિષે વાત કરી હતી તો એ લઈ જઈ શકો ?“ ના કહેવાનો પ્રશ્ન જ નથી. ગામમાં પુસ્તકાલય સંભાળનાર રવિ, મનહર  અને વિપુલ એ ત્રણેય પહોંચ્યા. (આવા શુભ કાર્યમાં સહેજે વાર લગાડી શકાય નહીં.) તેમના શબ્દોમાં કહીએ તો “જોરદાર માણસ છે, જેટલું અમદાવાદ એમની નજરે જોયું એટલામાં તેની ભૂગોળ અને ઇતિહાસ બંને આવી ગયું. વાંચવામાં બીજા છ મહિના લાગે એટલા પુસ્તકો, મેગેઝીન સાથે તેમની સાથે નવા નદીસરનો નાતો ય ખૂબ મહત્વનો છે.
બીનીતભાઈ, ગામ તરફથી આભાર વ્યકત કરીએ છીએ અને સાથે જ તમે રવિને નવા નદીસર આવવાનો વાયદો કર્યો છે – એ ક્યારે પૂરો કરશો તેની રાહ જોઈએ છીએ.








June 21, 2020

યોગની મજા અને ઈ-યોગનો રોમાંચ...



યોગની મજા અને -યોગનો રોમાંચ

યોગ એક પણ ફાયદા અનેક – આપણે સૌ જાણીએ છીએ. યોગને રોજિંદા જીવનમાં વણી લેવો એ આપણા સૌ માટે મુશ્કેલ છે, તો તેને બાળકોની રોજીંદી પ્રક્રિયામાં જોડવો તે પણ સ્ટીલના ચણાવાળી કહેવતથી કમ નથી. શાળા રોજીંદા સમય અને સ્થિતિ મુજબ ચાલતી હોય ત્યારે બાળકોના સમય પત્રકમાં યૌગિક  ક્રિયાઓનો સમાવેશ થયેલો જ હોય છે. બાળકોને ખ્યાલ પણ નથી હોતો કે યૌગિક  ક્રિયા તેમના “શાળાકીય” જીવનમાં ભળી ગયેલ છે કે તેને અલગ તારવી જ ન શકાય. અહી શાળાકીય શબ્દ ભાર પૂર્વક એટલા માટે જ તારવ્યો કે રજાઓ કે શાળા સિવાયના દિવસોમાં એટલે કે ઘરના સમય પત્રકમાં એ હજુ દિનચર્યાનો ભાગ બની શક્યો નથી. તે માટેના ઘણાં કારણો પૈકી એક કારણ એ પણ છે કે અમારા તરફથી પણ તે બાજુ ક્યારેય ન તો ધ્યાન ગયું કે ન તો તે માટે વધુ વિચારી શક્યા. બાળકો સાથેની શાળા - કેમ્પસની દુનિયાથી વધુ વિચારી જ ન શક્યા કે ન તો વિચારવાનો સમય મળ્યો !
પરંતુ હવે સ્થિતિ જ્યારે પ્રતિકૂળ બની છે અને બાળકોનું શાળામાં આવવું નિષેધ બન્યું છે. ત્યારે હવે બાળકો સાથે સતત સંવાદ જાળવવા શાળા સતત મથી રહી છે. બાળકો ઘરે શાળાકીય પ્રવૃત્તિઓ વડે વ્યસ્ત રહે અને મસ્ત રહે એ ક્લાસ માટેનો પહેલો અભિગમ રહ્યો છે. બાળકો સાથે દિન વિશેષની ઉજવણી એ ઉત્સવ જેવી લાગતી. બાળકો તહેવારની જેમ તૈયારીઓ કરી ઉત્સાહથી ઉજવણી કરતા. અત્યારના માહોલમાં એ અશક્ય બન્યું છે ત્યારે, થયું કે જો વર્ચ્યુઅલ ક્લાસ સંવાદ માટેનો સેતુ બની શકતો હોય તો ઉજવણી માટેનો કેમ નહિ ? અને ચર્ચા શરૂ થઈ વર્ચ્યુઅલ ક્લાસ વડે જ યોગ દિવસની ઉજવણી કરવા માટેની !  બાળકો સાથે યોગ દિવસની વાત કરી તો બાળકો એ તો વળી પ્રશિક્ષક બનવાની જ માંગણી કરી. આમેય શાળામાં બધુ એમનું જ રાજ હતું એટલે યૌગિક  ક્રિયા કરાવવાના આદેશો પણ તેમને હસ્તગત હતા જ. રોજ યોગ કરતાં  આ બાળકો માટે યૌગિક  ક્રિયા કરાવવી એ કઈં નવી કે નવાઈ પમાડે તેવી બાબત ન હતી. પરંતુ સૌને રોમાંચિત કરનારી બાબત હતી કે અલગ અલગ આઠ સ્થળથી એટલે કે અલગ અલગ આઠ મોબાઈલ પરથી પ્રશિક્ષકો યોગ કરવા માટેના આદેશો આપવાના હતા અને શિક્ષકો સહિત સૌ તે યૌગિક  ક્રિયામાં સામેલ થવાના હતા.
આમ પ્રાર્થનામાં તો કરાવું જ છું પણ અહીં મોંઢે નહીં ફાવે, તો હું લખેલું વાંચું તો ચાલશે ? – એવું કહેવા  કમલેશ ઘરે આવ્યો ત્યારે તેનામાં આવેલી થોડી નર્વશનેશ દેખાઈ આવેલી. પરંતુ તું પ્રશિક્ષક છે – તું ઈચ્છે તે પ્રમાણે કરાવી શકે છે – આ ડાયલોગે તેનામાં મજા લાવી દીધી હોવાનું સાબિત થયું જ્યારે તેને પણ સારા પ્રશિક્ષકની જેમ જ સૌને યૌગિક  ક્રિયા માટેના આદેશ આપ્યા.. ચાલો તમે પણ આ વિડીયો વડે જોઈ શકો છો.. અરે હા, કોરોનામાં ઘરે જ રહેવા વાળી સ્થિતિમાં બાળકો ઘરે પણ થોડા થોડા યોગ કરવાના શરૂ કરે એવી અમારી મથામણ ચાલુ જ  છે – આપ પણ મથામણમાં સામેલ થઈ શકો છો આ વિડીયો ધ્વારા .. 

ઓનલાઇન ક્લાસ ધ્વારા બાળકોએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી



ઓનલાઇન ક્લાસમાં યોગીક ક્રિયા વડે બાળકોએ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી 
વિડીયો જુઓ >

June 01, 2020

શિક્ષક -: એક ડેટા ટ્રાન્સફોર્મર તરીકે !



શિક્ષક -: એક ડેટા ટ્રાન્સફોર્મર તરીકે ! 

શિક્ષક માટે શિક્ષણ કાર્ય એ આખા દિવસમાંના સમયમાં સૌથી સુવર્ણ સમય છે. કામ કરતાં કરતાં થાક લાગે એવું આપણને શીખવ્યું છે અથવા તો આપણે અનુભવ્યું છે. પણ સાથે સાથે આપણે એ પણ અનુભવ્યું છે કે દિવસ દરમ્યાન કરાતા શ્રમમાં બધી વખતે થાક નથી અનુભવાતો. કેટલીક પ્રવૃત્તિ એવી હોય છે કે જે આપણો થાક દૂર કરી શરીરમાં એનર્જી પણ પેદા કરી દે છે. પણ એમાં શરત એટલી જ કે તે પ્રવૃત્તિ રસિક હોવી જોઈએ. જેને બીજા શબ્દોમાં આપણે “મારો શોખ” એવું કહીએ છીએ. શિક્ષક તરીકે આપણે સતત એનર્જીથી ભરપૂર રહેવું જ જોઈએ..કારણ....
શિક્ષકનું કામ છે માહિતી/જ્ઞાન/સમજ  મેળવવી તેમાં પોતાના અનુભવો ઉમેરવા તેને બાળક સમજી શકે તે ફોરમેટમાં કન્વર્ટ કરી બાળકોને પાસ કરવા. અહીં પાસ નો મતલબ છે “ડેટા” એટલે કે જે બાળકોને શિખવવાનું છે તે બાળકો સમક્ષ રજૂ કરવું. મોકલેલ ડેટા પૂરા પ્રમાણમાં અને જે તે સાઈઝમાં પહોંચ્યા કે નહીં તેનું બેકઅપ લેવું. આનો મતલબ છે કે બાળકો કેટલું શીખ્યા તે ચકાસવું. એરર બતાવતા ડિવાઇસીસ મુજબનું ફોર્મેટ તૈયાર કરી ફરીથી ડેટા સેન્ડ કરવા.. જે બાળકો નથી શીખી કે સમજી શક્યા તે બાળકોની સમજણ અને રસ મુજબ તે માહિતીનું  ફોર્મેટ તૈયાર કરવું. જેમ કે બાળકો કવિતા સ્વરૂપે ન સમજ્યા હોય તો તેને તે જ બાબતો કોઈ વાર્તાનો આધાર લઈ અથવા ચિત્રનો આધાર લઈ સમજાવવા. ત્યાર બાદ ફરીથી બેકઅપ.... આવું ક્રમશઃ ચાલતું રહે છે..આપણે કેવું અને કેટલું કરી રહ્યા છીએ તે આપણે આવી રીતે વિચારીશું તો ખ્યાલ આવશે કે આપણે કેટલી એનર્જી ધરાવીએ છીએ?
કાર્યમાંથી આનંદ.. એ આનંદમાંથી એનર્જી અને તે એનર્જી વડે કાર્ય.. આ વર્તુળ છે. પરંતુ આ જ્યારે કાર્યમાંથી આનંદ આવવાનો બંધ થઈ જાય ત્યારે એ વર્તુળ વંટોળ બની જાય છે.
હવે જો, હું રોજે રોજ આટલું કરું છું છતાં પણ મેં ક્યારેય થાક નથી અનુભવ્યો. આ તમારો ડાયલોગ હોય તો તમારે બીજું કૈક કરવાની જરૂર નથી. પરંતુ જેઓને થાક અનુભવાય છે અને ઉપચાર જોઈતો હોય - એટલે કે સવારે જેટલા ફ્રેશ વ્યક્તિત્વ સાથે શાળાના દરવાજામાં પ્રવેશો છો, તેટલા જ ફ્રેશ વ્યક્તિત્વ સાથે ઘરના દરવાજામાં પ્રવેશ કરવો છે તો  શું કરી શકાય ? એમાં અમારા અનુભવો કહે છે કે “શોખ ને જ વ્યવસાય બનાવીએ” અને એ શક્ય ન હોય તો પછી “વ્યવસાયને શોખ બનાવીએ” .  પ્રામાણિકતા થી વિચારનાર પાસે ત્રીજો કોઈ ઓપ્શન છે જ નહીં. 

અને હા તમે પણ જાણતા જ હશો કે જે બેટરી જાતે ચાર્જ ન થઈ શકતી હોય તેની કિંમત કેટલી હોય છે ?