તું મુજે કબૂલ, મૈ તુજે કબૂલ !
જે દેશને નકશામાં જોવાનો પ્રયત્ન ય ના કર્યો હોય. એ દેશનું નામ યુવાનોએ
ક્રિકેટમાં અને થોડા વડીલોએ ખુદાગવાહમાં સાંભળ્યું હોય. એ દેશના વ્યક્તિઓ ગામના
મહેમાન બનશે. તેમની રહેણીકરણી, પોશાક, ખોરાક
બધા જ વિશે અવઢવ હોય. છતાં પહેલી વીસ મિનિટ પછી “એ દેશ” કે “આ દેશ” એવો ભેદ તમે
ઓળખી ના શકો ! – એમ સૌ હળીમળી ગયા અને એ જ સમાવેશી શિક્ષણની અસર છે.
😇“કાંતો મહેમાનોને રહેવાના ઘરની પસંદગીમાં યજમાનોની સંખ્યા વધી ય જાય.”
😑 “આપણે માત્ર ટોઇલેટ અને બાથરૂમ આ બે જ
સગવડ ચેક કરવાની.”
😞 “અને હા, ઘરના બધા સભ્યોને પૂછવું જોઈએ કારણ કે જેમ
આપણે ઇચ્છીએ કે મહેમાનને તકલીફ ના પડે એમ ઘરના સભ્યોને ય મુશ્કેલી ના પડવી જોઈએ.”
આ વખત શાળા માત્ર સપોર્ટીંગ રોલમાં હતી. અને આ ગ્રામોત્સવ પછી બીજી એવી
ઘટના હતી જેમાં શાળાએ માત્ર હાજર રહેવાનું હતું. સ્વિડિશ કંપની ફોર અફઘાનિસ્તાન
અને આઈ.ટુ.વી. વડે અફઘાનિસ્તાનથી આવેલા ડેલીગેશનને સમાવેશી શિક્ષણ અને તેની અસરો
માટે એક ગામ બતાવવાનું હતું અને એમાં નવાનદીસરમાં જે રીતે જુદી જુદી સંસ્કૃતિ
ધરાવતા લોકો એક થઇ રહે છે તે ઉદાહરણ રૂપ લાગતા...એ ગામ તરીકે અમે પસંદ થયા.
ફળીયે ફળીયે કચરાપેટી ઊભરાઈ જાય એમ કચરો કાઢવા માંડ્યા.
😑 “દરેકે પોતાનું આંગણું દિવસમાં ત્રણ ત્રણ
વખત વાળ્યું હશે...”
😑 “આટલી ચોખ્ખાઈ અમે ક્યારેય નહિ જોઈ !”
😒 “સારું છે, બહાનું કોઈપણ હોય પણ આની ટેવ પડવાની
શરૂઆત તો થઇ છે. ૧૯૯૮ માં મેં નહાવાનું પૂછ્યું હતું તો મોટાભાગના બાળકો અઠવાડિયે
નાહવાનો ગર્વ લેતા કે – અઠવાડિયે એકવાર નાહી લઇએ છીએ...એને બદલે વ્યક્તિગત
સ્વચ્છતામાં અત્યારે કોઈ મુશ્કેલી નથી સમય
જતા સામુહિક સ્વચ્છતાની પણ આદત પડી જશે. “
અને એ દિવસ બપોરે ગામમાં ગયો... દરેકના ઘરે ઉલ્લાસ અને બીજા દેશના
વ્યક્તિઓ આપણા ઘરમાં રહેશે એ માટેનું કુતુહલ ભારોભાર દેખાતું હતું. ભોજન માટે અમે
આપેલી બધી સૂચનાઓ ગામ ઘોળીને પી ગયું. ફાફડા, જલેબી, ગાંઠિયા જેવી વસ્તુઓ સ્પેશિયલ ઉદલપુર જઈ
ખરીદી. ગામની શાકભાજીની દુકાને શાક ખલાસ ! એકાદ શાક ના ભાવે તો બીજું આપીશું.
(અમને મનમાં કે કોઈ શાક નહિ ભાવે તેઓ ક્યાં શાકાહારી છે !) અમને હંમેશા લાગ્યું છે
કે જે બાબતોને કુદરતી રીતે જેમ સુઝે તેમ થવા દેવાથી સારું પરિણામ મળે એટલે અમારા
તરફથી કોઈ રોકટોક ના થઇ.
સાંજે મહેમાનોને લેવા માટે શાળામાં સૌ એકઠા થયા.
પાર્થેશભાઈએ પૂર્વભૂમિકા
આપી. સૌ આવેલા મહેમાનોના પોશાક, ઊંચા કદ, કાઠી, તેમને લઈને આવેલી એ.સી. ટેમ્પો
ટ્રાવેલર...વગેરે સાશંક નજરે જોઈ રહ્યા હતા. એમના મન વાંચવાનો પ્રયત્ન કરીએ તો
સમજાય તો તેમને થયું કે આ બધાને આપણા ઘરમાં રહેવાનું ફાવશે કે કેમ ? સાથે બીજો
પ્રશ્ન વ્યક્તિગત રીતે મને થતો કે આ યુવાનો જે યજમાન બન્યા છે એમના માતા પિતા અને
દાદા દાદી કે જેઓ જૂની રૂઢીઓમાં માનતા. તેમને પોતાની યુવાની જાતિ/ધરમમાં અભડાઈ
જવું, વટલાઈ
જવું એવા શબ્દોમાં પસાર કરી છે. તેઓ આ બધા સાથે અનુકુલન કેવી રીતે કરશે ? વળી, ભાષાનું શું ? આવેલ મહેમાન પૈકી થોડાકને
અંગ્રેજી આવડતું હતું અને ગામના એક બે યુવાનોને છોડી દઈએ તો બાકી બધા મોબાઇલ
અંગ્રેજી સિવાય ક્યાંય અંગ્રેજી સાથે કામ નથી કર્યું. અફઘાન ટીમમાં મોટાભાગના
વ્યક્તિઓ દારી અને પશ્તો ભાષામાં બોલે... આવા પ્રશ્નો મગજની અંદર હતા ત્યાં લાઈટ
જવાનો બાહ્ય પ્રશ્ન ઉપસ્થિત થયો. સામાન્ય રીતે વીજળી જતી નથી અને ગઈ તે કલાક જેટલો
સમય... સૌ એકજુટ થઇ ફોન કર્યા..કે વીજળી જોઈએ હમણાં ને હમણાં... પણ આ વીજળી જવાના
અંધારાનો એક ફાયદો થયો કે અમે સૌએ મોબાઇલ ટોર્ચના સહારે બંને દેશ વિશેની પ્રાથમિક
માહિતીની આપ લે કરી. માત્ર નામ અને તેમના વર્ણનના આધારે અફઘાન મિત્રોને ઓળખી
કાઢવાની કસરતથી વાતાવરણ એટલું હળવું થઇ ગયું કે લાઈટ આવ્યું ત્યારે તેઓ એકબીજાની બાજુમાં બેસીને જાણે વર્ષોથી ઓળખાતા
હોય એમ ભાગ્યું તૂટ્યું અંગ્રેજી વાપરી વાતો કરતા જોવા મળ્યા. “જેમ કુછ અચ્છા કરને
સે ડાઘ લગે તો ડાઘ અચ્છે હૈ...એમ અંધેરા હોને સે નયી રોશની આયે તો અંધેરા ભી અચ્છા
હૈ.” એ તે રાત્રે સમજાયું.
બધા જુદા જુદા પોતાના યજમાનોને ઘરે પહોંચ્યા... કેવી રીતે વાતો કરી અને
કેવી રીતે ભોજન કર્યું એ બધું તો એક ચમત્કારથી ઓછું નથી. રોટલો ભાવ્યો એ કોમન બાબત
આવી. અફઘાન મિત્રોએ પણ પોતાના તરફથી બધાને ખુબ ધીરજ અને કુતુહલથી ભેગા થયેલા
ટોળાઓને સ્વાભાવિક ઘણી સાંભળ્યા..
જમીને સૌ ગ્રામોત્સવની જગ્યા પર પહોંચ્યા..ગરબા રમવા માટે આખું ગામ એકઠું
થયું. અને અમારા માટે આનંદ એ જ કે ગામ “ભેળું” થયું. સાડા અગિયાર થયા પણ ગરબા કઈ
એમ તૂટે ? એટલે આખરે મોબાઇલની પીન ખેંચી અને તેમને સૌને પોતાના ઘરે જવા અને કાલે
સ્કૂલમાં આવવા કહ્યું...
જામેલા
ગરબા તોડવાના અપરાધીને ય ગામે સાંભળ્યો - સંભાળ્યો : > VIDEO
રાત્રે મોડા સુધી વડીલોએ મહેમાનો સાથે ગુફતગુ કરી. (જ્યારે તમે એકબીજાને
સ્વીકારી લો છો ત્યારે ભાષા ક્યારેય અવરોધ નથી બનતી એ હવે સમજાય છે.) ગામનું
વોટ્સેપ ગ્રૃપ ચેક કરીએ તો સમજાય કે લગભગ એકાદ વાગ્યા સુધી બધા જાગતા જ હતા.સવારે મહેમાનો સ્નાન કરશે કે કેમ ?
તેમની ઈબાદત કરવા આપણું ઘર અનુકૂળ
રહેશે કે કેમ ? કેટલીક જગ્યાએ મહેમાન વહેલા જાગી ગયા અને યુવાનો ના ઉઠ્યા તો ઘરના
વડીલોએ કે જેમણે ક્યારેય હિન્દીમાં ય વાત નથી કરી તેમને ના જાણે કઈ ભાષામાં વાત
કરી પણ તેમના માટે પ્રાત: ક્રિયા અને ચા પૂરી પાડી. ગુજરાતની લાક્ષણિકતા મુજબ
બાજુવાળાને ત્યાં આવેલા મહેમાનને ચા પીવા બોલાવાનો રિવાજ પણ...
અફઘાનિસ્તાન સુધી પહોંચી ગયો હશે. અફઘાન મિત્રો પણ
તૈયાર થઇ જે મુક્તતાથી ગામ અને પાદરમાં ફરતા તે જોઈ કોઈને
લાગે નહિ કે તેઓ કાલે સાંજે ગામમાં આવ્યા હશે. એ જ રીતે ગામના વડીલોને તેમની સાથે
જોઈ કોઈ માની ના શકે તેઓ આ વ્યક્તિઓને માત્ર ગઈ સાંજે જ મળ્યા છે. વિશ્વાસની
પરાકાષ્ઠા એ પણ હતી કે કેટલીક જગ્યાએ મહેમાનોને અગવડ ના પડે એટલે ઘર આખું બહાર સુઈ
ગયું ને મહેમાનોને ઘરમાં સુવડાવ્યા..(એવું યાદ કરી જોજો કે તમે કોના માટે આવું કરી
શકો?”)
શાળામાં આવી વાલી મીટીંગ અને વર્ગની મુલાકાત ત્યાં તેમની સાથેની વાતચીત
વગેરે અમારા માટે આશ્ચર્યજનક નહોતું...
પણ ગામના યુવાનોએ એક થઇ, વડીલોને પણ એક કર્યા છે. ગ્રામોત્સવથી નીચી થઇ ગયેલી દીવાલો એક અજાણ્યા
દેશના મહેમાનો સાથે રહી જાણે અદશ્ય થઇ ગઈ એ લાઈફ ટાઈમ સંભારણું છે.