November 19, 2016

અધિકાર -જાણવાનો અધિકાર !


⃠  અધિકાર જાણવાનો અધિકાર !

એક મિત્ર પર કારની પહેલી સર્વિસ પછી તેના અનુભવના રેટિંગ માટે ફોન – “તમે અમારી સર્વિસથી સંતૃષ્ટ છો ? જો સંપૂર્ણ સંતૃષ્ટ હો તો ૧૦ અને બિલકુલ નહિ તો ૦ એમ ૦ થી ૧૦ રેટિંગ આપો !”
મિત્રનો જવાબ, “તમારે સર્વિસમાં શું શું કરવાનું હોય છે ? તે વિષે જણાવો તો હું જાણી શકું કે તમે કાર સર્વિસમાં તે પૈકી કેટલી બાબતો સમાવિષ્ટ કરી ! જયારે મને ખબર જ ના હોય કે કંપની કેટલી બાબતો મને આપી રહી છે તો તે અનુભવ યોગ્ય કે અયોગ્ય એ હું ના કહી શકું !” આ સંવાદનું સંધાન બાળ અધિકાર જાગૃતિ અભિયાન હેઠળ લેવાયેલ પ્રશ્નપત્ર સાથે થયું. બાળકો જ જો તેમના અધિકાર ના જાણતા હોય તો – એ અધિકાર તેમને ક્યાંથી પ્રાપ્ત થવાના ? એમના પૈકી કેટલાને ખબર હશે કે તે શીખી શકે તે રીતે શીખવું એ તેમનો અધિકાર છે ! એ બધા તો સાહેબ જે ભણાવે છે તે જ રીત યોગ્ય છે, હું ડફોળ છું એટલે જ મને નથી આવડતું – એવા વિચાર થી જ ચગદાતા રહેતા હશે !
        ૧૯ મી એ પહેલા પુસ્તિકા વાંચન અને પછી પ્રશ્નપત્રથી દ્રઢીકરણ કરાવ્યું ત્યાં જ “બંધારણ દિવસે” તે જ બાબતની આગળની કડી મળી – કે લોકશાહીમાં ખાટલે મોટી ખોડ એ જ છે કે લોકો પણ તેમને પ્રાપ્ત થયેલા અધિકારને જાણતા નથી ! બાળ અધિકારની માહિતી બાળકો પાસે નથી તેમ બંધારણે લોકોને આપેલા હકથી લોકો પણ ‘અજ્ઞાની’ છે ! આપણામાંથી ઘણાને આપણા ચૂટેલા પ્રતિનિધિઓને આપણા માટે શું કરવાનું હોય તેની વિગતો ખબર નથી ! આપણે નથી જાણતા કે આપણા ટેક્સમાંથી જેમને જેમને પગાર મળે છે તે સૌને આપણી કઈ કઈ જવાબદારીઓ આપી છે ! આપણા તે અજ્ઞાનનો લાભ લેવાતો રહે છે અને લોકશાહી જેવા અમૂલ્ય વૃક્ષને અંદરથી ઉધઈ ખાતી રહે છે ! બહારથી મજબુત જણાતું એ વૃક્ષ અંદરથી ખોખલું થતું જાય છે. એ ઉધઈ મારવાની એક જ દવા છે – અધિકારો વિષેની જાણકારી ! જો હક ખબર હશે તો ક્યારેક તે પ્રાપ્ત કરવા સંઘર્ષ કરતા પણ શીખીશું !
        આ વખત બંધારણ દિવસે ૬ થી ૮ વિદ્યાર્થીઓને વારાફરતી યુટ્યુબ પર બંધારણના ઘડતર અને તેમાં અપાયેલા હકો- ફરજો વિગેરેની માહતી આપતો વિડીયો બતાવી ચર્ચા કરી – તેમાંથી તેઓ કેટલું ગ્રહી શક્યા એ જુદો મુદ્દો છે – મહત્વનું છે તેમનું  એ સમજવું કે કોઈપણ સંસ્થા –ઘર થી માંડી દેશ સુધી સમુહમાં રહેવા કેટલાક નિયમો છે અને તેના પાલનમાં જ સૌનું હિત છે !


ચાલો, પહેલા પગથીયે પગ મુકીએ – તેમનો  અધિકાર જાણવાનો અધિકાર ન છીનવીએ !

No comments: