January 25, 2016

National Voter Day !!!


National Voter Day !!!   
“મતદાર ક્વિઝ” માં વિજેતા ટીમનો ગૌરવાનંદ !!!



મતદાન કરવાની પ્રક્રિયા વિશે વારંવાર મનોમંથન થતું રહે છે.  મતદાતા બનવાની પ્રક્રિયા વિષે વિગતમાં ચર્ચા થાય અને તેની જાણકારી બાળકો મેળવી શકે તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી શાળાઓમાં અગત્યની છે. ઉચ્ચ પ્રાથમિક શાળામાં બાળકોની સમજ શક્તિ મુજબ રાજનીતિ શાસ્ત્ર અંતર્ગત બાળકોને સંવિધાન- લોકશાહી- વગેરેની સમજ આપતાં એકમોનો સમાવેશ થયો જ છે. પરંતુ અમે અગાઉ પણ કહ્યું છે કે આવા એકમો હવા જેવા હોય છે, જેને આપણે અનુભવી શકીએ ખરા પરંતુ તેનો આકાર બાળકો સામે ઉભો કરી તેની બાળકોને ઓળખ કરાવવામાં પરસેવો છૂટી જાય !!! બની શકે છે કે અત્યારે ઉચ્ચ પ્રાથમિકમાં અભ્યાસ કરતાં બાળકો જયારે મતદાર બનવાની ઉમરે પહોંચશે ત્યાં સુધીમાં મતદાર બનવાની પ્રક્રિયા અથવા મતદાન કરવાની પ્રક્રિયામાં ઘણો જ ફેરફાર થઇ ચુક્યો હશે! તે સમયે કદાચ મતદાર બનવા માટે – રદ કરવા માટે - સાત નંબરનું - આઠ નંબરનું ફોર્મ વગેરે પ્રક્રિયા બદલાઈ ગઈ હોય! જેમ બેલેટનું સ્થાન EVM એ લઇ લીધું તેમ EVM નું સ્થાન કોઈ એવા મશીને લઇ લીધું હશે કે તેની સામે જઈ ફક્ત વિચારવાનું જ રહે કે કોને મત આપવો છે !! બની શકે છે કે મતદાન મથક પણ ઈતિહાસ બની જાય અને એવી કોઈ સિસ્ટમ ઉભી થાય કે દરેક વ્યક્તિનો મોબાઇલ જ પોતાનું વોટિંગ Instrument  બની જાય ! માટે જ આજે મતદાર દિવસની ઉજવણી સમયે બાળકોને આ બધા મુદ્દાઓ વિષેના ફક્ત પ્રાથમિક ખ્યાલ આપવાનું વધારે હિતાવહ લાગ્યું. અમારું વધારે ધ્યાન એ બાબતમાં હતું કે સંવિધાનને કેન્દ્ર સ્થાને રાખી આખો દેશ કેવી રીતે ચાલે છે ? ગામથી ગવર્મેન્ટ – કેવી રીતે જોડાયેલી છે ? – એક મતની હારથી કે એક મતની જીતથી કેવા ઈતિહાસ રચાયેલા છે ! વગેરે વગેરે....  બાળકો ફક્ત શારીરિક રીતે 18 વર્ષના થઇ મતદાર ન બની જતાં એક પરિપકવ મતદાતાના લક્ષણો પણ સાથે સાથે તેનામાં વિકસતાં જાય, જેથી તેનામાં લોકશાહીનો રૂઆબ અને સંવિધાન પ્રત્યેનો આત્મવિશ્વાસ હોય ! મતદાર તરીકેનું વૈચારિક મનોમંથન હોય . “તમે જેને મત આપ્યો, તેને શા માટે આપ્યો?? આવા કોઈના પ્રશ્નનો તેની પાસે વૈચારિક જવાબ હોય !!!   

4 comments:

Sanjaykumar oza said...

વિજેતા થયેલ ટીમ અને ભાગ લીધેલ સૌ ને અભીનંદન

Sanjaykumar oza said...

વિજેતા થયેલ ટીમ અને ભાગ લીધેલ સૌ ને અભીનંદન

Unknown said...

Congratulations to all.

Unknown said...

👌👌👌💐💐