August 08, 2015

ગાણિતિક વ્યહવારિક કોયડાઓ અને ગામ !!!


ગાણિતિક વ્યહવારિક કોયડાઓ અને ગામ !!!
             ઉપલા ધોરણોમાં બાળકોને ગણિત શીખવું રસહીન લાગતું હોય છે તેનું સૌથી મોટું કારણ પ્રવૃત્તિ વિહીન ગણતરી ! આવાં ધોરણોમાં ગણિત ગણવું એટલે ‘ગણવું’ તે પણ કોઈ ક્રિએટીવીટી વિના જ ! પહેલાં કે બીજા ધોરણમાં બાળકોને તમે જોશો તો તેઓ વાંચન કે લેખન કરતાંય વધારે ગણિતમાં એટલે કે ગણનમાં બહુ જ રસ હોય છે, તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે તેની સાથે કક્ષા મુજબની રસિક પ્રવૃત્તિઓ જોડાયેલી છે : જેમકે કચૂકા ગણવા, મણકા ગણવા, હાથ પગની આંગળીઓ ગણવી વગેરે વગેરે... જેમ જેમ કક્ષા અને कक्षा વધતી વધતી જાય છે તેમ ગણિતના વર્ગખંડો ફકતને ફક્ત મૌખિક અને માનસિક ગણનનો ખૂણો જ બની જાય છે. પરિણામ એ આવે છે કે જેમ જેમ આગળ જતાં જઈએ વર્ગખંડો ધ્વારા ગણિત નીચોવેલા રસગુલ્લા જેવો બની ગયો હોય છે... 
અને  શું આપણે ગણિતમાં એવીને એવી જ રસિકતા બાળકોમાં દુર સુધી ટકી રહે માટે તેમાં એવું કંઈક ન કરી શકીએ જેમ કે અપૂર્ણાંકમાં ફકતને ફક્ત કાળાપાટિયામાં ચોકના વર્તુળ કે ચોરસના ટુકડા કરવાને બદલે કેળાં સફરજન કે પછી પોસાઈ શકે તેવાં કોઈપણ ફળ/ શાકભાજીના ટુકડા કરી બાળકોને ન શીખવી શકીએ ? હા, આને એમ પણ કહેવાય કે ખાતાં શીખવું અથવા તો શીખતાં શીખતાં ખાવું !!! ધોરણ ૩/૪ની વાત કરીએ તો બાળકોને ગણિતમાં વ્યહવારિક દાખલા શીખવવાના થાય છે. શીખવવા કરતાંય - સમજાવવાના થાય છે... તેમ કહીશ તો જ વધારે યોગ્ય લાગશે ! હવે વ્યહવારિક દાખલા વિષે જ શીખવાનું હોય તો પછી તેનું સૌથી મોટું પ્લેટફોર્મ કયું હોઈ શકે ?  તમે જોશો કે વ્યહવારિક દાખલા શીખવવા માટે આપણે ધોરણ – ૩/૪ ની રાહ જોઈ રહ્યા હોઈએ છીએ જયારે સમાજે તો બાળક આઠ-નવ વર્ષનો થાય તેની રાહ જોયા વિના જ બાળકને દુકાનમાંથી નાની નાની ખરીદીનું કામ તેને સોંપી વ્યહાવારીક કોયડાઓના ઉકેલો માટેનું મનોમંથન કરાવવાનું શરુ પણ કરી દીધું હોય છે. 
        આપણે તો એ પાયા પર જ આપણા વર્ગખંડની ઈમારત ચણવાની જરૂર છે. આપણી શાળાએ ગામમાં જઈ જુદી જુદી વસ્તુઓ – મોબાઈલ થી ટેલીવિઝન અને સાઈકલ થી ટ્રેકટર – બધાની કિમત તેમના માલિકોને જોઈ પૂછી. અને એમ અમે ગામનો એક આંટો પૂરો કરી તેના આધારિત વ્યવહારુ દાખલાઓનો આટો તૈયાર કર્યો. આવા આટા માંથી જ અમને જરૂરી તેવી વાનગીઓ- સરવાળા – બાદબાકી –મોઘું શું ? સસ્તું શું ? ગુણાકાર, ભાગાકાર – વગેરે ગાણિતિક ક્રિયાઓ કરાવી.
        બાળકોને મજા અને આપણા હેતુઓની સિદ્ધિ બંને સીધી લીટીમાં ! – શિક્ષક તરીકે આપણને બીજું શું જોઈએ ? ગણિત ને ગામ સાથે જોડાવાના અન્ય કોઈ પ્રયોગો આપ પણ અમને મોકલશો તેવી અપેક્ષા ! 

2 comments:

Yogeshbhai Bhatt said...

Realy nava idea school name aapi shakay.hu personally ghanu shikhyo chhu aapni pasethi.

Gamit Surendra,nice bhajan said...

Good work