U વાલી સંમેલન –“સરકારી” કે “અસરકારી”
શિક્ષણ વ્યવસ્થા છે તો આખરે બાળકો માટે ! એ બાળકો જે આવતીકાલનો સમાજ છે. તેમને ફક્ત ભણાવીશું – તો કદાચ ફકતને ફક્ત શિક્ષિત કહેવાતો તે આપણો આજનો
વિદ્યાર્થી આવતીકાલે સમાજને “ઉઠા
ભણાવશે” ! સમાજને પરસ્પર
જોડે અને સમાજને ઉપયોગી બને –
પરસ્પરની લાગણીઓ સમજી સહકારથી જીવે એવો આવતી કાલનો સમાજ આજના આ જ બાળકો દ્વારા
શક્ય છે. આ માટે સમાજે
બાળકોને શાળામાં મોકલી દીધા ! હવે, શાળા એ કોઈ ફેકટરી તો નથી જ કે “પ્રોડક્ટની ક્વોલીટી” ને ભૌતિક રીતે ચકાસી શકે – બાળકો પણ એવી કોઈ નિર્જીવ ચીજ નથી કે એમને એ રીતે તપાસી
શકાય ! શાળાએ
બાળકોનું ઘડતર કરવાનું કાર્ય કેવી રીતે કર્યું છે તે આરસીમાં જોઈ શકાય – અને તે આરસી એટલે સમાજ પોતે ! આ આરસીમાં શાળા પોતાનું પ્રતિબિંબ જોઈ શકે. ખાનગી શાળાઓની
“પેરન્ટસ મીટીંગ” મોટાભાગે “માર્ક્સ ની માથાકૂટ” હોય છે. વાલીઓ
પાસે “તમારા બાળકના
અક્ષર સારા નથી તો તમે ઘેર પાસે બેસાડી લખાવજો” ની અપેક્ષા શાળાઓ રાખે. એનાથી વિપરીત
સરકારી શાળાનું વાલી સંમેલન મોટાભાગે “સરકારી” બને છે
– તે અસરકારી બની શકતું નથી ! કારણો ઘણા છે – પણ દોસ્તો – એમાં
સીધા વહેણે તરવાનું હોત તો આપણી ખુમારી ક્યારની ઘટી ગઈ હોત ! આ વર્ષના અંતિમ વાલી સંમેલનમાં
આપણી શાળાને પણ સામાન્યપણે નડતી મુશ્કેલી જેવી વાલીઓની ઓછી હાજરીની સમસ્યા નડી. ૨૨ જેટલા જ વાલીઓ આવ્યા. ઉત્સાહને ઓછો કર્યા વગર તેમની સાથે બાળકોના સર્વાંગી વિકાસ
અને તેમને સમાજના કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ બનાવવા શાળા જે પ્રયત્નો કરે છે- તેની ચર્ચા કરી. છેલ્લો બોલ એમના ખોળામાં નાખ્યો તો – હવે પછીનું વાલી સંમેલન કરવાની જવાબદારી આવેલ વાલીઓએ વહેચી
લીધી – “ હવે સાહેબ
તમારે નહિ અમારે બધાને આમંત્રણ આપવાનું”–
આંખમાં
ચમક સાથે આગામી સત્રની રાહ જોતા અમે –